એ બે શબ્દો જેના કારણે અમદાવાદના ડૉન લતીફના અંતનો આરંભ થયો...

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અબ્દુલ લતીફ. લગભગ બે દાયકા સુધી ગુજરાતના અંડરવર્લ્ડ જ નહીં, પરંતુ રાજકારણમાં પણ આ નામ ચર્ચાતું રહ્યું.

1993ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ પહેલાં લતીફે પહેલાં દુબઈ અને ત્યાંથી પાકિસ્તાનના કરાચીની વાટ પકડી હતી. પાણી શાંત જણાતા ભારતમાં પુનરાગમન કર્યું હતું.

ગુપ્ત રીતે દેશની સુરક્ષા કરતાં જાસૂસ હોય કે પછી અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિ એક ભૂલ કરવાની ટાળતા હોય છે, પરંતુ લતીફે એ ભૂલ કરી હતી.

જેના કારણે લતીફ ક્યાં છે તેનું પગેરું દાબવામાં ગુજરાત એટીએસને સફળતા મળી. સંદિગ્ધ શખ્સ લતીફ જ છે કે નહીં, તે અંગે તપાસ ટુકડી અવઢવમાં હતી, ત્યાં લતીફના મોઢેથી બે શબ્દ નીકળ્યા અને પોલીસવાળાઓની દુવિધા દૂર થઈ ગઈ.

જેલના સળિયા પાછળથી લતીફે વધુ એક ભૂલ કરી અને 'અંતની શરૂઆત' થઈ ગઈ. તા. 29 નવેમ્બરના અમદાવાદ પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું અને ગુજરાતમાં ગુનાખોરીનો એક અધ્યાય સમાપ્ત થઈ ગયો.

એક સમયે ‘અમદાવાદના ડોન’ તરીકે કુખ્યાત અબ્દુલ લતીફના ‘સામ્રાજ્ય’નો અંત કેવી રીતે થયો હતો?

  • ‘અમદાવાદના કુખ્યાત ગૅંગસ્ટર’ અબ્દુલ લતીફનું 29 નવેમ્બર 1997ના રોજ પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું
  • પરંતુ ગોળીબારી, દારૂનો વેપાર અને બૉમ્બ બ્લાસ્ટ જેવા મામલાઓ સાથે જેનું નામ સંકળાયેલું છે તેવા અબ્દુલ લતીફને પોલીસે કેવી રીતે શોધ્યો હતો?
  • 1993ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ પહેલાં લતીફ દુબઈથી કરાચી પહોચ્યો બાદમાં મામલો થાળે પડ્યાનું સમજાતા ભારત પરત ફર્યો હતો
  • ‘ખંડણી ઉઘરાવવા’ માટે કરેલ એક ભૂલે પોલીસને તેનો પત્તો આપી દીધો
  • એ દિવસે લતીફના મોઢેથી બે શબ્દ નીકળ્યા અને પોલીસે તેને પકડી લીધો

કૉલના ખેલ

દેશની સુરક્ષા કરતા જાસૂસ હોય કે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિ, સામાન્ય રીતે જે બાબત તેમના માટે મુશ્કેલી ઊભી કરતી હોય, તે છે એક જ રૂટિન. એક જ દુકાનેથી સામાન ખરીદવો, ચોક્કસ જગ્યાની મુલાકાતો લેવી, નિર્ધારિત સમયે નીકળવું અને નિશ્ચિત સમયે પરત ફરવું વગેરે બાબતો ઘાતક સાબિત થઈ શકે છે.

આ વાત લતીફના ધ્યાન બહાર રહી ગઈ હતી. લતીફ દ્વારા નવરંગપુરા ટેલિફોન ઍક્સચેન્જ હેઠળ આવતા બે ફોન નંબર પર ખંડણી માટે ફોન કરવામાં આવ્યા હતા.

લતીફનું ભારતમાં પુનરાગમન થયું, એ વાતનું પગેરું દાબી રહેલી ગુજરાત એટીએસે (ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડ) પોતાના પ્રયાસો શરૂ કર્યા. તો માહિતી મળી કે આ ફોન દિલ્હીથી આવે છે. હવે 'ઑપરેશન થિયેટર' દિલ્હી બનવાનું હતું.

એટીએસના તત્કાલીન ડીઆઈજી કુલદીપ શર્મા દિલ્હી પહોંચ્યા. તેમણે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનની (સીબીઆઈ) સ્પેશિયલ ટાસ્ક ફૉર્સના અધિકારી નીરજકુમારની મદદ માગી. જેઓ આગળ જતાં દિલ્હી પોલીસના કમિશનર તરીકે નિવૃત્ત થવાના હતા. જેમણે પોતાના પુસ્તક 'ડાયલ ડી ફૉર ડોન'ના પાંચમા પ્રકરણમાં લતીફને ઝડપી લેવાના ઘટનાક્રમ ઉપર પ્રકાશ પાડ્યો છે. તેઓ લખે છે :

'એ સમયે મોબાઇલ ફોન પ્રચલિત ન હતા અને લૅન્ડલાઇન થકી જ વાત થઈ શકતી હતી. આ સિવાય સર્વેલન્સની સુવિધા અત્યાર જેવી આધુનિક ન હતી. શર્માની વિનંતી બાદ મહાનગર ટેલિકોન નિગમ લિમિટેડના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ રજૂ કરી.'

'જે મુજબ દિલ્હીના કયા નંબર પરથી ફોન થઈ રહ્યો છે, તે જાણવું હોય તો કૉલ ઓછામાં ઓછો દસથી 12 મિનિટ ચાલવો જોઈએ. જ્યારે ફોન આવે ત્યારે નવરંગપુરા ઍક્સચેન્જ સતર્ક હોવું જોઈએ. જે અમદાવાદના ડી-ટૅક્સને (ડિજિટલ ટેલિફોન ઑટોમૅટિક ઍક્ચેન્જ) સતર્ક કરે.'

'કૉલ ચાલુ હોય ત્યારે જ દિલ્હીના ડી-ટૅક્સને જાણ કરવામાં આવે. દિલ્હીમાં આવા બે ડિટૅક્સ હતા. વધુમાં કુલ 30 ટેલિફોન ઍક્સચેન્જ દિલ્હીમાં કાર્યરત્ હતાં, જેમાંથી અમુક ઇલેક્ટ્રિક પણ ન હતાં. જો નૉન-ઇલેક્ટ્રિક ઍક્સચેન્જમાંથી ફોન ગયો હોય તો તેને ટ્રેસ કરવો મુશ્કેલ બની ગયો હોત, છતાં ચાન્સ લેવામાં આવ્યો. મોટાભાગના ઍક્સચેન્જમાં રાત્રે નવ વાગ્યા પછી કોઈ ન રહેતું.'

એટીએસ ઉપરાંત આઈબી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વગેરેના અધિકારીઓ પણ પોતાની રીતે તપાસ કરી રહ્યા હતા. કહેવાય છે કે આવા જ એક અધિકારી સાથે શર્માનો ભેટો ગુજરાત ભવનમાં થયો હતો. ત્યારે ડીઆઈજી શર્માએ, 'અમારું ઑપરેશન ખરાબ ન કરતા. મને લાગે છે કે તમારે અમદાવાદ પરત જતા રહેવું જોઈએ.' અને આ રીતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરત ફરી હતી.

એટીએસને વધુ એક બાતમી મળી કે લતીફે તાજેતરમાં તેના આગળના દાંત પર સોનાની કૅપ ચઢાવડાવી છે. આ વધુ એક પુરક માહિતી હતી. ગુજરાત એટીએસ, સીબીઆઈ અને એમટીએનએલના અધિકારીઓના નસીબમાં જશ લખાયેલો હતો અને 10 ઑક્ટોબર 1995નો હતો.

એ બે શબ્દ

લતીફ દ્વારા જે કોઈ ફોન કરવામાં આવતા હતા, તે મોટાભાગે સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યાની વચ્ચે આવતા હતા. ફરી એક વખત 'રૂટિન' લતીફ માટે મુશ્કેલીરૂપ બનનાર હતું, જ્યારે સુરક્ષા એજન્સીઓ માટે લાભકારક.

આવો જ એક કૉલ 13 મિનિટ ચાલ્યો અને 'કૉમ્યુનિકેશનની ચેઇન'એ અપેક્ષા મુજબ જ કામ કર્યું, જેના આધારે આ ફોન કૉલ દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ વિસ્તારમાં એક પીસીઓમાંથી આવતા હતા, જ્યાં બે ફોન ઍક્ટિવ હતા. આ પીસીઓ દરિયાગંજ ઍક્સચેન્જ હેઠળ આવતો હતો.

સુરક્ષા એજન્સીઓ એ કૉલ રેકર્ડ તપાસ કરી તો માલૂમ પડ્યું કે અગાઉના એ ફોન નંબર પરથી જ અગાઉના કૉલ પણ આ જ પીસીઓમાંથી કરવામાં આવ્યા હતા. માટે સમગ્ર ઑપરેશન માટે દરિયાગંજના ઍક્સચેન્જમાં સાંજે સાડા છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધી એસટીએફ, એટીએસ અને એમટીએનએલની ટીમ બેસતી.

એ પીસીઓ પરથી ફોન આવતા હતા, ત્યાંની રેકી કરવામાં આવી હતી તો તે ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને પોલીસ દ્વારા એક ખોટું પગલું સ્થાનિક વસતીને ઉશ્કેરી મૂકશે, એવું પોલીસ સમીક્ષામાં બહાર આવ્યું.

દિલ્હી પોલીસના ચુનંદા કર્મચારીઓ અને સીબીઆઈના અધિકારીઓને લતીફનો વીડિયો દેખાડવામાં આવ્યો તથા તેની વાતચીતની ટૅપ સંભળાવવામાં આવી, જેથી કરીને તેની વાક્છટા અને હાલચાલથી તેઓ વાકેફ થઈ જાય.

દિલ્હી પોલીસ તથા ગુજરાત એટીએસની એક ટીમ પીસીઓથી આગળ સાદા વિસ્તારમાં તહેનાત રહેતી. તેમને વૉકી-ટૉકીના બદલે વાયરલેસ સેટ આપવામાં આવ્યા હતા, જેથી કરીને ઝડપી સંપર્ક થઈ શકે.

પહેલા દિવસે તો કોઈ કૉલ ન આવ્યો, પરંતુ બીજા દિવસે જે-તે પીસીઓ પરથી ઉદયપુર ફોન થયો. એટીએસના ડીઆઈજી કાન માંડીને પીસીઓ પરથી થતાં કૉલ સાંભળી રહ્યા હતા. એ કૉલ ઉદયપુર કરવામાં આવ્યો હતો, એટલે પ્રથમ નજરે તેમને રસ ન પડ્યો, પરંતુ જેમ-જેમ વાત આગળ વધતી રહી, તેમ-તેમ તેમને ખાતરી થતી ગઈ કે કૉલ કરનાર લતીફ જ છે.

લતીફને વાત-વાતમાં 'અઇશા ક્યાં?' એવું બોલવાની ટેવ હતી. એ દિવસે ઉદયપુરના કૉલમાં પણ લતીફે આ શબ્દોનો પુનરોચ્ચાર કર્યો. ડીઆઈજી શર્માએ ખાતરી કરાવવા માટે હેડફોન નીરજકુમારને આપ્યા. નીરજકુમારે પણ પોતાના અનુભવના આધારે આ અવાજ લતીફનો જ હોવાને અનુમોદન આપ્યું.

તત્કાળ પીસીઓ પાસે તહેનાત ફિલ્ડ ટીમને સતર્ક કરવામાં આવી અને પીસીઓમાં રહેલી વ્યક્તિ વિશે ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું. પીસીઓની કૅબિનમાં 45-50 વર્ષનો શખ્સ લૂંગી પહેરેલો હતો. જોકે તેના ચહેરા પર લતીફની આગવી ઓળખ જેવી મૂછ ન હતી. પોલીસની ટુકડી સાથે વાતચીતમાં તેણે ધીરજપૂર્વક જવાબ આપ્યા, આ દરમિયાન બે હોઠ ખુલ્લા થયા અને વચ્ચેથી સોનાનો દાંત છતો થઈ ગયો. ટુકડીના ચહેરા પર ચમક આવી ગઈ.

દિલ્હી પોલીસ તથા એટીએસની ટુકડીએ બંદૂકની અણિએ લતીફને તાબે લઈને નજીક ઊભી રહેલી પોલીસવાનમાં બેસાડી દીધો. અમુક 100 મિટરનું અંતર પોલીસ અને લતીફે પગપાળા કાપ્યું, પરંતુ કશું થયું નહીં. ફિલ્ડ ટીમ ગણતરીની મિનિટોમાં લતીફની સાથે દરિયાગંજ પોલીસ સ્ટેશન પહોંચી.

સળિયા પાછળ

અગાઉ લતીફે સરન્ડર કરવાની વાત કરી હતી, પરંતુ ગુજરાત પોલીસના ચોક્કસ અધિકારીઓ પોતાની પૂછપરછ ન કરે તથા અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને એજન્સીઓના બદલે માત્ર એક જ એજન્સી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે, જેવી શરતો મૂકવામાં આવી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી.

અમદાવાદમાંથી લતીફની ફરારી પછી ગૅંગની કમર તૂટી ગઈ હતી અને અનેક સાગરિત જેલમાં ધકેલાઈ ગયા હતા. હવે, ગૅંગ-લીડર પણ પકડાઈ ગયો હતો.

બીજા દિવસે સવારે પોણા છ વાગ્યાની ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટમાં એટીએસની ટુકડી લતીફને લઈ જવા નીકળી. નીરજકુમારને પણ સાથે આવવા માટે વિનંતી કરવામાં આવી, જે તેમણે સ્વીકારી.

ઍરપૉર્ટ ઉપર ખુદ ડીજીપી પહોંચ્યા હતા. આગલા દિવસે શર્માએ પોતાના ઉપરી અધિકારીઓ અને તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને પણ આના વિશે જાણ કરી હતી. સર્કિટ હાઉસમાં મુખ્ય મંત્રીના મહેમાનોને જે રૂમમાં ઉતારો મળે, ત્યાં નીરજકુમારને ઉતારો આપવામાં આવ્યો.

સવારે ખુદ ડીજીપીએ પત્રકાર પરિષદને સંબોધીને લતીફની ધરપકડ વિશે માહિતી આપી. બપોરે શર્માની સાથે નીરજકુમારે પણ મુખ્ય મંત્રી પટેલ સાથે મુલાકાત કરી, ત્યારે કેશુભાઈએ સહકાર બદલ આભાર માન્યો. સાંજે પોલીસ મેસમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયો.

કાયદાની પ્રક્રિયા ચાલે છે તેમ એક પછી એક લતીફ સામે કેસ ચાલવા લાગ્યા. વિખ્યાત વકીલ રામ જેઠમલાણીએ તેમની પેરવી કરી. કેટલાક કેસોમાં સાક્ષીઓના ફરી જવાથી કે પુરાવાના અભાવે છુટકારો થઈ રહ્યો હતો, જેના કારણે એવા સવાલ ઊઠવા લાગ્યા હતા કે લતીફે સરેન્ડર કર્યું હતું કે શું?

શાહરુખ ખાન અભિનિત ફિલ્મ 'રઇસ' લતીફના જીવન ઉપર આધારિત હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ નિર્માતાઓએ આ વાતનો ઇનકાર કર્યો હતો.

વધુ એક ભૂલ

લતીફ સળિયા પાછળ આવ્યા પછી સુરેશ મહેતા તથા શંકરસિંહ વાઘેલા એમ ગુજરાતમાં બે મુખ્ય મંત્રી બદલાઈ ગયા હતા. રાજ્યસભાના સંસદસભ્ય રઉફ વલ્લીઉલ્લાહ તથા રાધિકા જીમખાના ગોળીબારકાંડની તલવાર હજુ લતીફ પર લટકી રહી હતી.

રાધિકા જીમખાનામાં દારૂના વેપારના આરોપી હંસરાજ ત્રિવેદી ઉપરાંત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જે હથિયાર-વિસ્ફોટક માર્ચ-1993ના બૉમ્બે બ્લાસ્ટ માટે લાવવામાં આવ્યા હતા, એ હથિયારોમાંથી જ એક ખેપની એકે-47 રાઇફલ દ્વારા ઑગસ્ટ-1992ના હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

લતીફે જૂહાપુરાના બિલ્ડર સગીર અહમદને ખંડણી માટે ધમકી આપી હતી. એક સમયે લતીફ સાથે કથિત રીતે નિકટતા ધરાવનાર સગીરે પૈસા આપવાનો ઇનકાર કર્યો અને પોલીસમાં સુરક્ષા માટે અરજી આપી હતી. આ વાત લતીફ માટે અસહ્ય હતી.

તા. 23 નવેમ્બર 1997ની સાંજે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સગીર અહમદની ગોળી અને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. પોલીસ તથા પૉલિટિશિયનોમાં આ હત્યા પાછળ લતીફનો હાથ છે, તેના વિશે કોઈ શંકા ન હતી.

આગળ જતાં તપાસમાં બહાર આવ્યું કે મૂળ જામનગરના જાડેજા ભાઈઓ અને એક સ્થાનિકની મદદથી આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. અને લતીફની નજીકના સાગરિત દ્વારા આના માટે સોપારી આપવામાં આવી હતી, જોકે કોર્ટમાં કેસ ચાલી જતાં તમામનો નિર્દોષ છુટકારો થયો હતો. 

સગીર તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની સાથે અનેક વખત મંચ ઉપર જોવા મળ્યા હતા અને પાર્ટી સાથે જોડાયેલા હતા. દિલીપ પરીખ મુખ્ય મંત્રી બન્યા એને એક મહિનો પણ નહોતો થયો, પરંતુ સત્તાનાં સૂત્ર વાઘેલા પાસે હતાં તે વાત 'ઑપન સિક્રેટ' હતી.

આ પછી અનેક કેસમાં બને છે તેમ, સગીર અહમદની હત્યાના એક જ અઠવાડિયામાં તપાસ સમયે પોલીસના જાપ્તામાંથી લતીફની ફરારી થઈ. કલાકો સુધી તપાસ ચાલી અને નરોડા ક્રૉસિંગ પાસે ઍન્કાઉન્ટરમાં (29મીએ) લતીફનું મૃત્યુ થયું.

મુંબઈસ્થિત વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર આશુ પટેલે મુંબઈના અંડરવર્લ્ડની ઘટનાઓ ઉપર ડૉક્યુનૉવેલ સ્વરૂપે 'વિષચક્ર' નામનું પુસ્તક લખ્યું છે.

ડૉક્યુનૉવેલમાં તથ્યો અને ઘટનાઓ વાસ્તવિક હોય છે, પરંતુ તેને રોચક બનાવવા માટે નવલકથાની જેમ લખવામાં આવે છે. તેમાં (પેજ નંબર 296) પટેલ લખે છે :

'પોલીસ ધારે તો અને ધારે ત્યારે જ મોટાભાગના ગુંડા ગૅંગ-લીડર બની શકે છે. પોલીસના સહકાર વગર ગૅંગ ચલાવવીએ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અબ્દુલ લતીફને પણ અમદાવાદના ઘણા પોલીસ ઑફિસરોની ઓથ મળી હતી અને એટલે જ લતીફ અમદાવાદનો ડોન બની શક્યો હતો.'

'પણ એજ લતીફ પોલીસ પર ભારે પડી ગયો એટલે તેના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એ વખતે લતીફના માથા પરથી પોલીસનું છત્ર ઊતરી ગયું હતું એ હકીકત છે. એ પહેલાં બે દાયકા સુધી લતીફે અમદાવાદના અનેક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનાં ખિસ્સાં ભર્યાં હતાં.'

(આ કહાણી સૌ પ્રથમ વખત 29 નવેમ્બર 2022ના દિવસે પ્રકાશિત થઈ હતી)