બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને છાનેછપને ફિલ્મો કરવાનું કેમ છોડી દીધું હતું? બીબીસી સાથેની મુલાકાતમાં જણાવ્યું કારણ

    • લેેખક, નૂર નાનજી અને સાદિયા ખાન
    • પદ, બીબીસી ન્યૂઝ

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન એ ભારતીય સિનેમાજગતની એવરગ્રીન અને અતિશય જોવાયેલી ફિલ્મો જેવી કે લગાન અને થ્રી ઇડિયટ્સથી જાણીતા છે.

તેમનો ચાહકવર્ગ પણ ઘણો મોટો છે. આમિર ખાન રસ્તા પર નીકળે અને તેમના ચાહકોનું ટોળું તેમને ઘેરી વળે એવાં દૃશ્યો સામાન્ય છે.

પરંતુ તેમના વિશે એક વાત હજુ ઘણા લોકો જાણતા નથી. તેમણે પોતાના પ્રિયજનો સાથે વધુ સમય પસાર કરવા માટે કોરોના મહામારી દરમિયાન જ ધીમેધીમે ફિલ્મો કરવાનું છોડી દીધું હતું.

તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "મેં મારા પરિવારને કહ્યું હતું કે હવે મારે અભિનય કે ફિલ્મો કરવી નથી."

"હું પ્રોડ્યૂસિંગ, ડિરેક્ટિંગ કે ઍક્ટિંગ કરવા ઇચ્છતો નહોતો. બસ, હું મારા પરિવાર સાથે જ રહેવા માગતો હતો. "

તમે એ વાતની કલ્પના કરી શકો છો કે જ્યારે આમિર ખાન જેવા મોટા સ્ટાર જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરે તો ભારત જેવા ફિલ્મપ્રેમી દેશમાં એ કેટલા મોટા આઘાતજનક સમાચાર બની જાય.

પરંતુ આમિર ખાન કહે છે કે, કોરોનાકાળમાં પહેલેથી જ ઓછી બની રહેલી ફિલ્મોને કારણે તેમનો એ નિર્ણય ઘણા લોકોને ધ્યાને ચઢ્યો નહોતો.

તેઓ કહે છે, "એના વિશે કોઈ જાણતું નથી."

આ 'ધી ઍન્ડ' નથી

જોકે, તેમના પ્રશંસકો માટે થોડા રાહતના સમાચાર પણ છે.

આમિર ખાને લાંબા સમય પછી ફરીથી કમબૅક કર્યું છે અને હવે તેઓ 'લાપતા લેડીઝ' ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ આમિર ખાન દ્વારા નિર્મિત છે. ઑસ્કરમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ફિલ્મ કૅટેગરીમાં તેમની આ ફિલ્મ ભારત તરફથી અધિકૃત રીતે પસંદગી પામી છે.

તેઓ કહે છે, "તેમનું(પરિવારનું) કહેવું હતું કે અમે આખો દિવસ તારી સાથે પસાર ન કરી શકીએ. તેથી જાઓ અને અસલી જીવન જીવો. એટલે ધીમેધીમે મને ફિલ્મો તરફ પાછો મોકલી દીધો."

59 વર્ષીય આમિર ખાને અભિનેતા, નિર્દેશક અને પ્રોડ્યૂસર તરીકે છેલ્લા ત્રણ દાયકાથી કામ કર્યું છે.

તેઓ સલમાન ખાન અને શાહરુખ ખાનની સાથે 'ત્રણ ખાનની ત્રિપુટી' પૈકી એક તરીકે જાણીતા છે.

સામાજિક નિસબતના મુદ્દાઓને ઉઠાવવાને કારણે આમિર ખાનની ફિલ્મો ન માત્ર ભૂતકાળમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, પરંતુ એ ફિલ્મોએ બોક્સ ઑફિસના અનેક રેકૉર્ડ્સ પણ તોડ્યા છે.

ઑસ્કર માટે પણ તેઓ નવા નથી. બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન 19મી સદીમાં રમાતી ક્રિકેટ અંગે બનેલી ફિલ્મ 'લગાન'નું નૉમિનેશન પણ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મોની કૅટેગરીમાં વર્ષ 2002માં થયું હતું.

હવે આમિર ખાન લાપતા લેડીઝ થકી ઇતિહાસ રચવાની કોશિશ કરી રહ્યા છે. જો તેમને સફળતા મળશે તો એ ભારતની પહેલી ફિલ્મ હશે કે જેને આટલો પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળશે. આવતા મંગળવારે, 17 ડિસેમ્બરે જ ખબર પડશે કે તેમની ફિલ્મ શોર્ટલિસ્ટ થશે કે નહીં.

જોકે, આમિર ખાનનું કહેવું છે કે ઍવૉર્ડ્સને કેટલા ગંભીરતાથી લેવા જોઈએ તે વિશે તેમને ઝાઝો ખ્યાલ નથી. તેઓ કહે છે, "કારણ કે સિનેમા એ અતિશય બહોળો વિષય છે."

પરંતુ તેઓ કહે છે કે આ જીત એ ભારત માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "હું માનું છું કે ભારતીયો એ ફિલ્મો પાછળ પાગલ છે અને આપણે ઍકેડેમી ઍવૉર્ડ મેળવવા માટે મરણિયા પ્રયાસો કરી ચૂક્યા છીએ, પરંતુ હજી સુધી એ શક્ય બન્યું નથી. જો ઍવૉર્ડ જીતીશું તો તેમની ખુશીનો કોઈ પાર નહીં રહે. આથી, માત્રને માત્ર આપણા દેશના લોકો માટે, અને દેશ માટે, જો અમે ઍવૉર્ડ જીતીશું તો હું ખૂબ ખુશ થઈશ."

'લાપતા લેડીઝ' ફિલ્મ બનાવવાનું કેમ નક્કી કર્યું?

ગ્રામીણ ભારતની પૃષ્ઠભૂમિમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'માં એક એવા યુવાનની કહાણી છે કે જે ખોટી પત્નીને ઘરે લઈ આવે છે. જોકે, પછી તેની પત્ની ખોવાઈ જાય છે.

આ ફિલ્મમાં લોકો સ્ત્રી સાથે કઈ રીતે વ્યવહાર કરે છે તેના પર ધારદાર વ્યંગ્ય છે. ફિલ્મ એ ઘરેલુ હિંસાના સંવેદનશીલ વિષયને પણ સ્પર્શે છે.

આમિર ખાન ફિલ્મના પ્લૉટને થોડો 'શૅક્સપિયર અંદાજ'નો ગણાવે છે, કારણ કે ફિલ્મમાં રમૂજ પણ છે, અને ખોટી ઓળખ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પરંતુ તેઓ ઉમેરે છે કે, "આ ફિલ્મમાં ઘણી મહત્ત્વની ચીજો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, ખાસ કરીને મહિલાઓની સમસ્યાઓ અને તેમની સ્વતંત્રતા પર. તેઓ શું કરવા માગે છે એ અને પોતાના વિશે નિર્ણય લઈ શકવાના તેમના અધિકારને પણ આ ફિલ્મ સ્પર્શે છે."

તેમનું કહેવું છે કે ફિલ્મની કહાણીમાં તેમણે આ મુદ્દાઓને જોઈને જ પહેલી વારમાં આ ફિલ્મની હા પાડી હતી.

તેઓ કહે છે, "ક્યારેક તમને એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે સમાજમાં આપણી સમક્ષ આવતા મુદ્દાઓ વિશે વાત કરીને લોકોને સંવેદનશીલ બનાવવાનો અવસર મળે છે."

આમિર ખાન કહે છે, "દુનિયાભરની મહિલાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારની તકલીફો અને પડકારોનો સામનો કરવો પડે છે. આથી મને લાગ્યું કે આ એવી કહાણી છે કે જે આ વાતને હકીકતમાં ખૂબ સારી રીતે સામે લાવે છે. એટલા માટે જ હું તેને પ્રોડ્યૂસ કરવા માગતો હતો."

પૂર્વ પત્ની કિરણ રાવ વિશે શું કહ્યું?

આમિર ખાનની એવી ઇચ્છા પણ હતી કે તેમનાં પૂર્વ પત્ની કિરણ રાવ આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળે.

આમિર ખાન અને કિરણ રાવનાં લગ્ન વર્ષ 2005માં થયાં હતાં અને 2021માં તેઓ બંને છૂટાં પડ્યાં હતાં. પરંતુ અલગ થવા છતાં પણ તેમણે પ્રૉફેશનલી અને પર્સનલી, પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા.

આમિર ખાને કહ્યું, "મને લાગે છે કે મેં કિરણને એટલા માટે પસંદ કર્યાં, કારણ કે હું જાણતો હતો કે તે આ મામલે ખૂબ ઇમાનદાર રહેશે, અને હું એવું જ ઇચ્છતો હતો."

તેમણે કહ્યું, "અમારા બંને વચ્ચે ખૂબ સારો મનમેળ છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને એકબીજાનું સન્માન કરીએ છીએ."

"અમારા સંબંધોમાં ભલે થોડું પરિવર્તન આવ્યું હોય, પરંતુ તેનો મતલબ એ નથી કે અમને એકબીજા માટે જે લાગણી છે તે ઓછી થઈ ગઈ છે."

જોકે, તેનો મતલબ એ નથી કે બધું ખૂબ સરળ હતું. આમિર ખાનનું કહેવું છે કે તે બંને વચ્ચે ફિલ્મના સેટ પર દલીલો થઈ હતી.

આમિર ખાને કહ્યું, "અમે દલીલ વગર કોઈ ફિલ્મો બનાવી શકતાં નથી. એટલે અમે વિવિધ મુદ્દે દલીલ કરીએ છીએ, અને તેના કારણે અમારી ધારણાઓ વધુ મજબૂત આકાર લે છે."

તેઓ કહે છે, "પરંતુ અમારી સંવેદનાઓ સમાન છે. અમે મૂળભૂત ચીજોની વાત કરતાં નથી. અમે ક્યારેક-ક્યારેક બીજી વ્યક્તિને કોઈ વાત વધુ સારી રીતે સમજાવવાની કોશિશ કરીએ છીએ."

ભારતીય ફિલ્મોને કેમ ઑસ્કરમાં સફળતા મળતી નથી?

બોલીવૂડમાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે અને દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય લોકો આ ફિલ્મો જુએ છે.

આ ફિલ્મો અને કલાકારોની લોકો પર શું અસર પડે છે તે સમજાવી શકાય તેમ નથી.

તાજેતરમાં જ ઍકેડેમી ઍવૉર્ડ્સમાં ભારતીય ફિલ્મોને સફળતા મળી છે. ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઑરિજિનલ ગીતનો ઍવૉર્ડ મળ્યો છે અને 'ધ ઍલિફન્ટ વ્હીસ્પરર'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે.

પરંતુ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફિલ્મની શ્રેણીમાં કોઈ ઍવૉર્ડ ભારતને મળ્યો નથી. આમિર ખાન તેના માટે પ્રતિસ્પર્ધાને જવાબદાર માને છે.

આમિર ખાન કહે છે, "ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી ઉત્તમ ફિલ્મો બની છે. ક્યારેક એવું બને છે કે યોગ્ય ફિલ્મ મોકલવામાં આવતી નથી અથવા શ્રેષ્ઠ ફિલ્મ મોકલવામાં આવતી નથી."

"પરંતુ આપણે એ સમજવું પડશે કે આપણે કેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. તમે પાંચ કે છ ફિલ્મો સાથે સ્પર્ધા નથી કરી રહ્યા, તમે લગભગ 80 કે 90 ફિલ્મો સાથે સ્પર્ધા કરી રહ્યા છો, જે વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો છે."

જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય એવું બની શકશે કે બોલીવૂડની ફિલ્મ એ બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ જીતશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે "આ શક્ય છે."

પરંતુ તેઓ કહે છે કે ભારતીય ફિલ્મ નિર્માતાઓએ પહેલાં ગ્લોબલ માર્કેટ માટે ફિલ્મો બનાવવાનું શરૂ કરવું પડશે.

આમિર ખાને કહ્યું, "મેં ક્યારેય આંતરરાષ્ટ્રીય દર્શકો તરફ ધ્યાન આપ્યું નથી. આપણી પાસે આપણું જ એટલું મોટું ઑડિયન્સ છે કે આપણું ધ્યાન એ તરફ જતું જ નથી."

તેમણે કહ્યું, "આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ભારતીય ફિલ્મ નિર્માતાઓ વિશ્વભરના દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવશે. મને નથી લાગતું કે આપણી પાસે અત્યારે તેના માટે સમય છે."

જ્યારે પુત્રે કહ્યું, "તમે અતિવાદી વ્યક્તિ છો"

હાલમાં આમિર ખાન 'લાપતા લેડીઝ'ની સાથે ઘણા પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યા છે. તેમાં તેમની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર' પણ સામેલ છે, જે 2025માં રિલીઝ થશે.

જો ભવિષ્યની વાત કરીએ તો આમિર ખાન એક વર્ષમાં એક ફિલ્મ બનાવવાની આશા સેવી રહ્યા છે. જ્યારે પ્રાચીન ભારતીય મહાકાવ્ય પર આધારિત તેમના 'ડ્રીમ પ્રોજેક્ટ' મહાભારત પર કામ કરવાનું બાકી છે.

પરંતુ જ્યારથી તેઓ ફિલ્મોમાં પરત ફર્યા છે, ત્યારથી તેમણે કંઈક અલગ કરવાનો નિર્ણય લીધો છે. તેમને આ નિર્ણય લેવામાં તેમનાં બાળકોએ પણ પ્રભાવિત કર્યા છે.

આમિરે કહ્યું, "મારા દીકરાએ મને કહ્યું હતું કે તમે અતિવાદી વ્યક્તિ છો."

"તેણે મને કહ્યું હતું કે તમે લોલક જેવા છો. તમે માત્ર ફિલ્મો, ફિલ્મો, અને ફિલ્મો જ કરી છે. અને તમે હવે વિરુદ્ધ દિશામાં જવા માંગો છો અને ફિલ્મો કરવા નથી ઇચ્છતા. હવે તમે પરિવાર, પરિવાર અને પરિવાર જ કરો છો. આ બે વસ્તુની મધ્યમાં પણ એક માર્ગ છે જેના વિશે તમે વિચારી શકો છો."

આમિર ખાન કહે છે કે તેમના પુત્રે તેમના જીવનમાં 'થોડું સંતુલન લાવવાનો પ્રયાસ' કરવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું, "મને લાગ્યું કે તે સાચો છે. આથી ત્યારથી હું સંતુલિત જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યાં હું ખરેખર સખત મહેનત કરી રહ્યો છું, અને હકીકતમાં પહેલાં કરતાં વધુ કામ કરી રહ્યો છું. પરંતુ હવે હું છ વાગ્યા પછી કામ નથી કરતો."

આમિર ખાનનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે તેમની પુત્રી ઈરાથી પ્રભાવિત થઈને થૅરપી લેવાનું પણ શરૂ કર્યું હતું. ઈરા માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરે છે.

તેઓ કહે છે, "મને લાગે છે કે તેનાથી મને ખરેખર મદદ મળી છે. તેનાથી મને ખરેખર ખુદને જાણવામાં મદદ મળી છે."

"હું ખરેખર વર્કલાઇફ અને અંગત જીવનમાં બૅલેન્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે હું હવે એ સ્થિતિમાં પહોંચી ગયો છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.