પહેલાં કરતાં ભયાનક બની રહ્યાં છે વાવાઝોડાં, કેમ તેની તીવ્રતા, ગતિ અને દિશામાં ભયંકર ફેરફારો થઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માર્થા હેન્રિક્સ
- પદ, બીબીસી ફ્યૂચર
વિશ્વના સૌથી શક્તિશાળી તોફાનોનું વર્તન બદલાઈ રહ્યું છે. વધુ વિનાશક વાવાઝોડાં સાથે અનુકૂલન સાધવા આપણે એ જાણવું જરૂરી છે કે તે કેવી રીતે બદલાઈ રહ્યાં છે.
સમુદ્રના પાણીની ગરમીથી પ્રેરિત વાવાઝોડાંને ક્યારેક કુદરતના સ્ટીમ ઍંજિન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મહાસાગરો પર આગળ વધે છે તેમ-તેમ તેઓ તેની ગરમીને ક્રૂર કાઇનેટિક એનર્જીમાં પરિવર્તિત કરે છે અને દ્વીપોને સમતળ કરી દે છે અને તટીય શહેરોને જળમગ્ન કરી નાખે છે. દરિયાકાંઠે આવેલાં શહેરોને ફરી બેઠાં કરવા માટે મહિનાઓ સુધી કામ કરવું પડે છે.
મહાસાગરોનું તાપમાન હવે તમામ રેકૉર્ડ તોડી રહ્યું છે અને આ ઍંજિન તે મુજબ પ્રતિક્રિયા આપી રહ્યું છે, મહાસાગરોમાં અલગ-અલગ માર્ગ બનાવી રહ્યું છે, તે વધુ અણધાર્યું અને વધારે ખતરનાક થઈ રહ્યું છે.
આ વાવાઝોડાં અગાઉનાં નિયમો તથા પૅટર્ન્સને કેવી રીતે બદલી રહ્યાં છે તે જાણવાના પ્રયાસ હવે ચાલી રહ્યા છે જેથી આપણે શીખી શકીએ કે તેની સાથે કઈ રીતે અનુકૂલન સાધી શકાય.
જેમ્સ કોસિન અમેરિકન નૅશનલ ઑશિએનિક ઍન્ડ ઍટમોસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશન(એનઓએએ)ના નિવૃત્ત જળવાયુ તથા વાયુમંડળીય વિજ્ઞાની છે.
તેઓ જણાવે છે કે, "ઍટલાન્ટિકમાં વાવાઝોડાં એટલે કે હરિકેનનું અલગ મોસમી ચક્ર હોય છે. તેમાં શિયાળો બહુ ઓછો હોય છે અથવા હોતો જ નથી અને સપ્ટેમ્બર ચરમ પર હોય છે. હરિકેન સિઝનની મજબૂત, વહેલી શરૂઆત આબોહવા પરિવર્તન સંબંધી આપણી અપેક્ષા મુજબની છે."
કોસિન કહે છે, "હરિકેન પોતે જે વાતાવરણમાં હોય છે તે મુજબ પ્રતિક્રિયા આપે છે. તેથી સામાન્ય રીતે ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જેવું પર્યાવરણીય વાતાવરણ હોય તેવું જ જૂનમાં હોય તો હરિકેનનું વર્તન ઑગસ્ટ કે સપ્ટેમ્બર જેવું જ હશે. હરિકેન પાસે કોઈ કૅલેન્ડર હોતું નથી."

ઇમેજ સ્રોત, Getty Images
અત્યારે આપણે સમુદ્રની અસાધારણ રીતે ગરમ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે આબોહવા પરિવર્તનથી પ્રેરિત છે. જોકે, આ સિઝનમાં ખાસ કરીને સક્રિય બનેલાં અન્ય પરિબળો પણ છે. જેમ કે અલ નીનોથી લા નીનાનું હાલનું સંક્રમણ. તે તોફાનની પ્રવૃત્તિને વેગ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂ યૉર્કમાં અલ્બાની ખાતેની યુનિવર્સિટીના વાતાવરણીય તથા પર્યાવરણ વિજ્ઞાન વિભાગના સહયોગી પ્રાધ્યાપક ક્રિસ્ટન કોર્બોસિરો કહે છે, “ગરમ આબોહવામાં પાણી હૂંફાળું હોવાની અપેક્ષા હોય છે અને વર્ષની શરૂઆતમાં હરિકેન માટે એ જ જરૂરી હોય છે. તેથી હરિકેનની સિઝન વહેલી શરૂ થાય અને આગળ જતાં લાંબી ચાલે તે ચોક્કસપણે શક્ય છે.”
હરિકેન બેરીલ સાથે 2024ની સિઝનની તીવ્ર શરૂઆત આબોહવા પરિવર્તન સંબંધે ક્લાયમેટ સાયન્ટિસ્ટ્સની અપેક્ષા મુજબની છે. પરંતુ સિઝનમાં સતત પરિવર્તન થશે તે કહેવું વહેલું ગણાશે.
કોલંબિયા યુનિવર્સિટીના સમુદ્ર અને આબોહવા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સુઝાના કેમાર્ગો કહે છે, “તે હજુ સુધી ડેટામાં સ્પષ્ટ દેખાતું નથી.”

ફ્લોરિડા ઇન્ટનેશનલ યુનિવર્સિટીના પૃથ્વી તથા પર્યાવરણ સંશોધનના પ્રોફેસર હ્યુગ વિલોબી અનુસાર, ''ઍટલાન્ટિકમાં તાજેતરમાં રચાયેલા સૌથી મજબૂત વાવાઝોડાંઓ પૈકીના એકે હરિકેનને સર્જાતું અટકાવ્યું હતું.''
સપ્ટેમ્બર 2023માં ઍટલાન્ટિક સિઝનના ચરમ સ્તરે હરિકેન 'લી' ઝડપથી કૅટેગરી ફાઈવના વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું.
વિલોબી કહે છે, ''અંદરના દબાણને લીધે પેદા થતી તાણ (શીઅર) હરિકેન માટે મોત સમાન હોય છે.” વર્ટિકલ વિન્ડ શીયર એ જુદી જુદી ઊંચાઈએ પવનની ગતિ તથા દિશામાં થતો ફેરફાર છે. હાઈ વિન્ડ શીયર વાવાઝોડાંની રચનામાં વિક્ષેપ સર્જે છે. “કલ્પના કરો કે તમારી પાસે ટર્બાઈન ઍંજિન છે. તેનું શીયર કેટલીક બ્લેડ્સને તોડી પાડે છે.''
તેથી 'લી' જેવા કૅટેગરી ફાઇવના હરિકેનમાં શીયર હોવા છતાં તેની રચના આશ્ચર્યજનક હતી. વિલોબીના કહેવા મુજબ, સપ્ટેમ્બર 2023માં સમુદ્રની અસાધારણ ઉષ્ણતાએ શીયરના પ્રભાવને કોઈ રીતે દબાવી દીધો હશે. અલબત, એવું શા માટે થયું તે સ્પષ્ટ નથી.
‘આપણે સિદ્ધાંતવાદીઓએ આ બાબતે વિચારવાની જરૂર છે’
ઝડપી તીવ્રતા

ઇમેજ સ્રોત, Getty Images
વિલોબીના કહેવા મુજબ, ઍટલાન્ટિકમાં સર્જાતાં મોટાભાગનાં વાવાઝોડાં તેની ક્ષમતા સુધી પહોંચતાં નથી. ઍટલાન્ટિક બેસિનમાંના પ્રમાણમાં ચુસ્ત અવરોધોને લીધે, વાવાઝોડું તેની તીવ્રતા સુધી પહોંચે તે પહેલાં જ ઘણીવાર લેન્ડફોલ કરે છે અથવા પવનનું ઊંચું દબાણ સર્જાય છે અને એ તોફાનને વિખેરવામાં મદદ કરે છે.
વિલોબી કહે છે, “બધું બરાબર થઈ જશે ત્યારે તે ઝડપથી તીવ્ર બનશે અને તેની મહત્તમ સંભવિત તીવ્રતા સુધી પહોંચશે. તેની મહત્તમ સંભવિત તીવ્રતા હરિકેનની નીચે સમુદ્રની સપાટીના તાપમાન પર આધારિત હોય છે.”
કોસિન કહે છે, મહાસાગરોની ગરમીની તીવ્રતા તોફાનોને વધુ બળ પૂરું પાડે છે અને તીવ્રતાનો વધતો દર વધી રહ્યો હોવાના 'અનેક પુરાવા' છે.
“એ બધાનો આધાર ઉપલબ્ધ ગરમી પર હોય છે. તે કાર્બ્યુરેટરમાં જૅટ્સ બદલવાં જેવું છે. વધારે ઇંધણ અંદર આવે, હવા સાથે ભળી જાય અને વધારે હોર્સપાવર મળે એટલે જૅટમાં ફેરફાર કરવામાં આવે છે. તમે શૂન્યથી 60 સુધી ઝડપભેર આગળ વધી શકો છો અને એ તમારી તીવ્રતા છે.”
મજબૂત તીવ્રતા

ઇમેજ સ્રોત, Getty Images
આબોહવા પરિવર્તનની સાથે વાવાઝોડાંની તીવ્રતા પણ વધી રહી છે. કોસિનને 2020ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 1979 અને 2017 વચ્ચેના દાયકામાં તોફાનોની તીવ્રતાના દરમાં લગભગ છ ટકા વધારો થયો હતો.
કોઈ તોફાનને મોટા વાવાઝોડા તરીકે વર્ગીકૃત કરવા માટે પ્રતિ કલાક 180 કિલોમીટરનો થ્રેશહોલ્ડ જરૂરી હોય છે. એ થ્રેશહોલ્ડ સુધી તોફાન પહોંચવાની સંભાવના 40 વર્ષ પહેલાંની સરખામણીએ હવે 25 ટકા વધારે છે.
ઈન્ટરનેશનલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી)ના જણાવ્યા અનુસાર, એકંદરે ત્રણ કે તેથી વધુ કૅટેગરીના ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું પ્રમાણ વધી રહ્યું છે.
વિલોબી કહે છે, “સમુદ્રનું તાપમાન વાવાઝોડાની તીવ્રતા નક્કી કરે છે.”
બીબીસીના મે, 2024ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે વિશ્વના સમુદ્રી તાપમાને પાછલા વર્ષનો રેકૉર્ડ દરરોજ તોડ્યો હતો.

વાવાઝોડાની અંદર પવનની ઝડપ વધે છે તેમ, સમુદ્ર અને જમીન પરના તેના માર્ગ પર વાવાઝોડાની ગતિ ધીમી પડે છે.
કોસિનને 2018ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે અમેરિકા નજીકનાં વાવાઝોડાંની ગતિ વીસમી સદીની શરૂઆતથી લગભગ 17 ટકા ધીમી પડી છે. પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો 20 ટકા ધીમા પડ્યાં છે.
આબોહવા પરિવર્તન વિશ્વને અસમાન રીતે ગરમ કરી રહ્યું છે. તે ચક્રવાત ધીમાં પડવાનું કારણ હોવાનું માનવામાં આવે છે. આર્કટિકમાં બાકીના વિશ્વ કરતાં લગભગ ચાર ગણી ઝડપથી ગરમી વધી રહી છે. પરિણામે આર્કટિક અને ઉષ્ણકટિબંધીય પ્રદેશો વચ્ચેના તાપમાનનો તફાવત સાંકડો થઈ રહ્યો છે.
કોસિન કહે છે, “ટેમ્પરેચર ગ્રેડિયન્ટ હવાને વેગ આપે છે. ગ્રેડિયન્ટ જેટલો મજબૂત હોય તેટલો પવન મજબૂત હોય છે.” તમે કોર્ક જેવા હરિકેન વિશે વિચારી શકો, એમ જણાવતાં કોસિન ઉમેરે છે, “પવન તેમને લઈ જાય ત્યાં તેઓ જાય છે.” પવનને ધીમો પાડી શકો તો વાવાઝોડાંને ધીમાં પાડી શકાય, કારણ કે વાવાઝોડાં તેમના માર્ગે જ આગળ વધે છે.
વધારે વરસાદની અપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ધીમી ગતિએ આગળ વધતા વાવાઝોડા પાસે ચોક્કસ સ્થળે વરસાદ કરવા માટે વધુ સમય હોય છે. બગીચામાંનો હોઝ પાઇપ ફ્લાવર બેડની નીચેથી પસાર કર્યો હોય અથવા તેને લાંબા સમય સુધી એક જગ્યાએ રાખ્યો હોય તો શું થાય એ વિચારો.
કોસિન કહે છે, “તમે તોફાનને ધીમું કરશો ત્યારે ખરેખર ઘણો વરસાદ પડશે. એ અટકે અથવા સ્ટોલ આઉટ થાય ત્યારે વિનાશક સાબિત થાય છે, કારણ કે તેમાં બધું દિવસો સુધી ડૂબી જાય છે.”
પવનને કારણે થતું નુકસાન પણ તેની અવધિ સાથે વધે છે. પવન જેટલા લાંબા સમય સુધી સ્ટ્રક્ચર્સ સામે ફૂંકાશે તેટલું વધુ નુકસાન કરશે તે શક્ય છે. કોસિન કહે છે, “વાવાઝોડું લાંબો સમય ટકી રહે તે નુકસાનકારક છે. એ તમારા પાડોશમાંથી વહેલામાં વહેલી તકે પસાર થઈ જાય એવું તમે ઇચ્છો છો.”
એ પણ હકીકત છે કે ગરમ હવા વધુ ભેજ જાળવી શકે છે. એ પ્રમાણ લગભગ સાત ટકા વધુ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેનો અર્થ એ છે કે વાવાઝોડું વધારે ભીનું બની શકે છે.
આબોહવા પરિવર્તન તાપમાનમાં વધારો કરે છે તેમ તેમ વધારાના ભેજમાં ફરક પડે છે, પરંતુ સ્ટોલ આઉટ થતા હરિકેનથી સર્જાતા તફાવતની તુલનામાં તેની અસર ઓછી હોય છે, એમ કોસિન કહે છે.
આ કારણસર કોસિન સ્લોડાઉનને, વાવાઝોડામાં બદલાવ લાવતી આબોહવા પરિવર્તનની તમામ રીતોમાંથી સૌથી ખતરનાક રીત માને છે. તેઓ કહે છે, “આ ખરેખર બહુ મોટી બાબત છે.”
એ ઉપરાંત મહાસાગરના સૌથી ઉપરના સ્તરે પાણી ઊંચા તાપમાનથી નીચેના સ્તરે પણ ગરમ થવા લાગે છે ત્યારે વધુ ખરાબ સ્થિતિ સર્જાય છે. ગરમ પાણીનું ઉપરનું સ્તર છીછરું હોય તો વાવાઝોડું પસાર થાય તેમ તેમ નીચે ઠંડા પાણીમાં ચર્નિંગ થાય છે અને એ તેમાં ભળી જાય છે, જે સપાટી પરના પાણીને ઠંડુ કરે છે, એમ કોર્બોસિએરો જણાવે છે.
કોર્બોસિએરો ઉમેરે છે, “વાવાઝોડું પસાર થાય અને પાણીમાં ચર્નિંગ થાય તો હૂંફાળુ પાણી એક ઊંડા સ્તર સુધી વિસ્તરે છે. સપાટી પરનું પાણી ગરમ રહે છે અને તેને લીધે તોફાન બળ સાથે આગળ વધે છે.”
આ પરિસ્થિતિ આપણે એટલાન્ટિકમાં જોઈ રહ્યા છીએ. કોર્બોસિએરો કહે છે, “સપાટી પરના ગરમ પાણી ઉપરાંત અત્યારે ઊંડે ગરમ પાણી પણ છે. તેથી વાવાઝોડાં ઝડપથી તીવ્ર બની શકે છે. એ નરમ થઈ શકતાં નથી, કારણ કે તેમનો ઠંડા પાણી સાથે સંપર્ક થતો નથી.”
વાવાઝોડું બદલી રહ્યું છે ટ્રૅક

ઇમેજ સ્રોત, Getty Images
કોસિનના કહેવા મુજબ, તાકાત અને તીવ્રતાને ધ્યાનમાં લેતાં વાવાઝોડાં બદલાઈ રહ્યાં છે ત્યારે ટનલ વિઝન મેળવવાનું મુશ્કેલ છે. “લોકો ટ્રૅક બાબતે પૂરતી વાત કરતા નથી અને મને લાગે છે કે તે વધારે જોખમી છે.”
કોસિન અને તેમના સહકર્મીઓએ 2014ના એક સંશોધન પત્રમાં શોધી કાઢ્યું હતું કે ઉત્તર ગોળાર્ધમાં તોફાનો પ્રત્યેક દાયકામાં 53 કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યાં છે.
દક્ષિણ ગોળાર્ધમાં એ તોફાનો પ્રતિ દાયકામાં 62 કિલોમીટરની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યાં હતાં. એકંદરે વાવાઝોડાં દરેક દાયકામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોથી લગભગ એક ડિગ્રી અક્ષાંશ દૂર જતાં હતાં.
તેને લીધે સંબંધિત વિસ્તારોના સમુદાયોએ તેને લીધે સંબંધિત વિસ્તારોના સમુદાયોએ ભારે તોફાનોનો સામનો કરવો પડી શકે છે. કોસિન પશ્ચિમ પેસિફિકમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના સ્થળાંતર તરફ નિર્દેશ કરે છે.
તેમણે ફિલિપીન્ઝની આસપાસનાં જોખમોમાં થોડો ઘટાડો તેમણે માપ્યો છે, પરંતુ જાપાન નજીક ઉત્તરમાં વધારો થયો છે.
કોસિન કહે છે, “ફિલિપીન્ઝ કાયમ ચક્રવાતોનો સામનો કરતું રહે છે. તેથી તેઓ કંઇક અંશે ટેવાઈ ગયા છે. જાપાનને દરેક વખતે તેનો અનુભવ થતો નથી. તેથી અમે હવે કહી રહ્યા છીએ કે હવે અગાઉ કરતાં વધુ મજબૂત તોફાનો તેમના સુધી પહોંચશે. તેની જોખમી અસર ખરેખર નોંધપાત્ર છે.”
અમેરિકાનો રક્ષણાત્મક અવરોધ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે.
આબોહવા પરિવર્તન ઍટલાન્ટિક પરના પવનના દબાણની પૅટર્નને પણ બદલી રહ્યું છે.
કોસિન કહે છે, “વિન્ડ શીયરની એક પેટર્ન છે, જે બે બુલ્સ આઈ જેવી છે. એક વિસ્તરેલી બુલ્સ આઈ મુખ્ય વિકાસ પ્રદેશ (એમડીઆર)માં છે. એમડીઆર એ પટ્ટી જેવો પ્રદેશ છે, જ્યાંથી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અંદરથી આગળ વધે છે અને તીવ્ર બને છે. બીજી બુલ્સ આઈ ફ્લોરિડાના પૂર્વ કિનારે છે, જે કૅરોલિના સુધી વિસ્તરે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
કોસિન કહે છે, “આ બન્નેમાં એક પ્રકારની સી-સો જેવી અસર જોવા મળે છે. એમડીઆરમાં શીયર ઊંચું હોય ત્યારે દરિયાકિનારે તે નીચું હોય છે. દરિયા કિનારે ઊંચુ હોય ત્યારે એમડીઆરમાં નીચું.”
એમડીઆરમાં શીયર દરિયાની સપાટીના તાપમાન સાથે સંકળાયેલું છે. અહીં ગરમ પાણીનો અર્થ સામાન્ય રીતે ઓછું શીયર એવો થાય છે. અમેરિકાના દરિયાકાંઠે તેનો અર્થ ઘણીવાર ઊંચુ શીયર એવો થાય છે. પરિણામે અવ્યવસ્થિત પવનની ઢાલ સર્જાય છે, જે તીવ્રતા અવરોધક તરીકે કામ કરે છે.
આ ઘટના કોસિને 2017માં શોધી કાઢી હતી. કૅરેબિયનમાંના સમુદાયો પર ત્રાટકતાં તોફાનોને નબળાં પાડવાં માટે આ અવરોધ કશું કરતો નથી, પરંતુ અમેરિકાને તે થોડું રક્ષણ આપે છે.
કોસિન કહે છે, “તેથી એમડીઆરમાં તોફાનોની રચના તથા તીવ્રતા માટે પરિસ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે તોફાન અમેરિકાની નજીક આવે છે એ વખતે આ ઊંચા શીયર સાથે ટકરાય છે અને એ તોફાનને નબળું પાડી દે છે.”
જોકે, આ રક્ષણાત્મક અવરોધ કાયમી વ્યવસ્થા તરીકે કામ કરતો નથી. કોસિન અને કે-માર્ગો તથા કોલંબિયા યુનિવર્સિટીના તેમના સાથીદારોએ લખેલા એક સંશોધન પત્રમાં આ અવરોધના ભવિષ્ય બાબતે વિચાર કર્યો હતો.
કોસિન કહે છે, “સમાચાર કાયમ ખરાબ હોય છે એવું લાગે છે, બરાબર? તે ક્યારેય સારા હોતા નથી. તે સારા હોઈ શકે. આબોહવા પરિવર્તનથી અવરોધ વધે છે એવું અમે શોધી શક્યા હોત, પરંતુ હકીકતમાં એવું નથી. એ તેનો નાશ કરે છે.”
ગ્રીનહાઉસ ગૅસના સ્તરમાં વધારો થવા ઉપરાંત યુરોપ અને અમેરિકામાં 1970ના દાયકાથી વાયુ પ્રદૂષણમાં થયેલા ઘટાડાનું અણધાર્યું પરિણામ હોવાનું માનવામાં આવે છે. તેનાથી ઍટલાન્ટિક ઉપરની હવા વધુ ગરમ થઈ છે.

કોસિનના કહેવા મુજબ, અગાઉ ઍટલાન્ટિક બેસિન પર ઉદ્યોગોમાંથી ઉચ્ચ સ્તરના સલ્ફેટ પ્રદૂષકો ભળતા હતા, જે સૂર્યપ્રકાશને સમુદ્ર સુધી પહોંચતા અટકાવતા હતા. “તેનાથી ઠંડક થતી હતી.”
કોસિનના કહેવા મુજબ, ઔદ્યોગિક ક્રાંતિથી આબોહવા પરિવર્તન ચાલી રહ્યું હતું, “પરંતુ આપણે આ પ્રદૂષણ સાથે તે ગરમીને દબાવી રહ્યા છીએ.” ઔદ્યોગિક પ્રદૂષણને ઘટાડવામાં નોંધપાત્ર સફળતા પછી તે ઠંડકની અસર ઓછી થઈ છે.
ઔદ્યોગિક ધુમ્મસને કારણે તાપમાન પર કેટલી અસર થઈ હશે તેની ચર્ચા ચાલી રહી છે. વિલોબી માને છે કે અસર ઓછી હતી. અન્ય પરિબળો સમુદ્રના તાપમાનમાં વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. જોકે, કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમુદ્રના તાપમાન પર ઔદ્યોગિક ધુમ્મસનો પ્રભાવ ઓછો છે. ચીનમાં સફાઈના પ્રયાસો ઉત્તર-પૂર્વ પેસિફિકમાં સમયાંતરે સર્જાતા ગરમાટામાં ફાળો આપતા હોવાની શક્યતા છે.
વાવાઝોડાં વધુ આત્યંતિક બની રહ્યાં છે અને વધુ જોખમ લાવી રહ્યાં છે તેનાં અન્ય કારણો પણ છે.
કોસિન કહે છે, “આપણે જે વાત કરી રહ્યા છીએ તે બધાની સાથે દરિયાની સપાટીમાં વધારાની પણ છે. વાવાઝોડાં દરિયાકાંઠે આગળ વધતાં ખતરનાક બની જતાં હોવાથી આ બાબતને પણ ધ્યાનમાં લેવી પડશે.”
એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કૅરેબિયન, મૅક્સિકો અને અમેરિકામાં વાવાઝોડાંના તોફાની તરંગોમાં 1979થી 80 ટકા વધારો થયો છે. વૈશ્વિક સ્તરે તોફાની મોજાઓમાં દર દાયકે લગભગ ત્રણ ટકા વધારો થઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, વાવાઝોડાં ત્રાટકે છે એવા વિસ્તારોના સમુદાયોનું જીવન બચાવવામાં ટૅક્નૉલૉજી મદદ કરી શકે છે. લાંબા ગાળાના ફેરફારો પણ જીવન અને સંપત્તિના નુકસાનને મર્યાદિત કરી શકે છે.
કાર્માગો કહે છે, “હું જે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ તે પૈકીનો એક દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ મર્યાદિત વિકાસનો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રિઅલ ઍસ્ટેટના જંગી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિઓ ચાલુ રાખવી જોઈએ નહીં. સામાન્ય રીતે વાવાઝોડાના માર્ગમાં હોય તેવા પ્રદેશોમાંના વધુ લોકો અને માળખાકિય સવલતોને વધુ નુકસાન થતું હોય છે.”
વાવાઝોડા પસાર થવાના માર્ગમાં રહેતા લોકો તેને અનુકૂળ ઇમારતો તથા બીજા વિકાસ કામ કરે તો તેમના ઘર તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવામાં મદદ મળી શકે છે. ભરોસાપાત્ર અર્લી વૉર્નિંગ સિસ્ટમ્સ જીવન બચાવવામાં ઉપયોગી માહિતી પ્રદાન કરી શકે છે. ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારોને મજબૂત કરવામાં કુદરતી ઉકેલો પણ મદદરૂપ થઈ શકે છે. તેમાં ઢોળાવને જોડતા વિસ્તારમાં ઘાસના વાવેતરથી માંડીને ઓયસ્ટર બેડ્સના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે.
કોસિન કહે છે, “અનુકૂલન સાધવું બહુ મહત્ત્વનું છે અને તે સૌથી મહત્ત્વનું બાબત બની શકે છે, કારણ કે આપણે આબોહવા પરિવર્તનને તત્કાળ અટકાવી શકીએ તેમ નથી અને બધું પૂર્વવત કરી શકીએ તેમ નથી. વ્યવસ્થા એટલી જડ છે કે આપણે ભૂતકાળમાં પાછા ફરી શકતા નથી. તેથી અનુકૂલન તેનો સૌથી મોટો હિસ્સો બનશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












