ચોમાસાની વિદાય છતાં વરસાદ કેમ થઈ રહ્યો છે?
ગુજરાત અને રાજસ્થાનમાંથી 23 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, ભારતમાં ચોમાસાની વિદાયની અધિકારીક તારીખ 17 સપ્ટેમ્બર છે એટલે કે આ વર્ષે ચોમાસાની વિદાય મોડી શરૂ થઈ છે.
ગુજરાતમાં હાલ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે તે બાદ રાજ્યમાંથી ફરી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઑગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી.

ઇમેજ સ્રોત, FARUKH KADRI
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



