ઉદ્યોગપતિ શ્યામ સુંદર ભરતિયા વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ, ભરતિયાએ આરોપોને ખોટા ગણાવ્યા

મહારાષ્ટ્રના થાણેમાં ઉદ્યોગપતિ શ્યામ સુંદર ભરતિયા વિરુદ્ધ બળાત્કારના આરોપમાં એક એફઆઇઆર નોંધવામાં આવી છે.

એક ફિલ્મ અભિનેત્રીએ ભરતિયા વિરુદ્ધ ગત વર્ષે નવેમ્બરમાં થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. તેથી તેઓ હાઇકોર્ટમાં ગયાં અને ભરતિયા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવે તેવી વિનંતી કરી હતી.

બૉમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ ડૉ. નીલા ગોખલે અને જસ્ટિ રેવતી ડેરે આ કેસની સુનાવણી કરી હતી, અને આ મામલામાં ફરિયાદીનું નિવેદન દાખલ કરીને પોલીસને એફઆઇઆર દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.

આરોપોની તપાસ થવાનું બાકી છે અને સક્ષમ ન્યાયાલયમાં આ કેસમાં આગળની કાર્યવાહી થશે.

22 ફેબ્રુઆરીએ મુંબઈ નજીક થાણેના કપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. એફઆઇઆરમાં જુબિલન્ટ ફૂડવર્કસ લિમિટેડ કંપનીના ચૅરમૅન શ્યામ સુંદર ભરતિયા અને અન્ય ત્રણ લોકોનાં નામ છે.

શ્યામ સુંદર ભરતિયાએ પોતાની સામેના આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવીને તેને નકારી કાઢ્યા છે.

એફઆઇઆરમાં શું છે?

ભરતિયા સામેની એફઆઇઆરમાં બળાત્કાર, ધાકધમકી અને જાતિસૂચક ગાળો દેવાના આરોપ લગાવાયા છે. તેમાં એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓને પણ સામેલ કરવામાં આવી છે.

એફઆઇઆર મુજબ, અભિનેત્રીએ અન્ય એક આરોપી પૂજા કમલજિતસિંહનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીનો દાવો છે કે પૂજાએ તેમને ફિલ્મઉદ્યોગમાં કામ અપાવવામાં મદદ કરી શકે તેવા વગદાર લોકો સાથે પરિચય કરાવવાનું વચન આપ્યું હતું.

અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 3 મે, 2023ના રોજ મુંબઈના સાંતાક્રૂઝની એક ફાઇવ સ્ટાર હોટલમાં ભરતિયાને મળ્યાં હતાં. તેમનો દાવો છે કે ભરતિયાએ તેમને સિંગાપોર બોલાવ્યાં હતાં.

એફઆઇઆર મુજબ 19 મે, 2023ના રોજ ફરિયાદી મહિલા પૂજાસિંહ સાથે સિંગાપોર ગયાં હતાં. એવો આરોપ મુકાયો છે કે ભરતિયા તેમને એક ઘરમાં લઈ ગયા જ્યાં તેમણે શરાબ પીધો, મહિલાને પણ દારૂ પીવા માટે 'મજબૂર' કરવામાં આવ્યાં અને એ બાદ તેમનું 'શોષણ કરવામાં આવ્યું.' આ ઘટના દરમિયાન પૂજાએ કથિત રીતે આ કૃત્ય પોતાના મોબાઇલ ફોનમાં રેકૉર્ડ કર્યું હતું.

ફરિયાદી મહિલાનો દાવો છે કે તેમને 'ધમકી અપાઈ હતી' કે તે આ ઘટનાની કોઈને જાણ કરશે તો આ વીડિયો જાહેર કરી દેવામાં આવશે.

શ્યામ સુંદર ભરતિયાએ શું કહ્યું?

જુબિલન્ટ ફૂડવર્ક્સ એ ભારતીય ફૂડ સર્વિસ કંપની છે, જેનું મુખ્ય મથક દિલ્હી નજીક નોઇડામાં છે.

કંપનીની વેબસાઇટ મુજબ, તેની પાસે ભારત અને પાડોશી દેશોમાં આંતરરાષ્ટ્રીય ફૂડ કંપનીઓની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. જેમાં 'ડોમિનઝ પિઝ્ઝા', 'પૉપઆઇઝ' અને 'ડંકિન ડોનટ્સ' જેવી બ્રાન્ડ્સ સામેલ છે.

જુબિલન્ટ ફૂડવર્કસે 25 ફેબ્રુઆરીના રોજ બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જને ભરતિયા પર લાગેલા આરોપો અંગે એક નિવેદન મોકલ્યું.

તેમાં કંપનીએ જણાવ્યું કે તેને શ્યામ ભરતિયા તરફથી યક્તિગતપણે જાહેર કરેલું નિવેદન મળ્યું છે જેમાં તમામ આરોપોને નિરાધાર, જૂઠા અને અપમાનજનક ગણાવીને ખંડન કરાયું છે.ભરતિયાનું કહેવું છે કે તમામ આરોપો ખોટા ઇરાદાથી લગાવાયા છે.

નિવેદનમાં આગળ કહેવાયું છેકે ભરતિયા તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરશે અને તપાસ ચાલુ હોવાના કારણે આ મામલે વધુ કંઈ કહી ન શકાય.

જુબિલન્ટ ફૂડવર્ક્સ સમગ્ર દેશમાં 400 કરતાં વધુ શહેરોમાં કાર્યરત છે અને તેના 30 હજાર કરતાં વધુ કર્મચારી છે.

કંપનીનો દાવો છે કે આ મામલા અંગે પ્રકાશિત સમાચાર રિપોર્ટની કંપની કે તેના સંચાલન પર કોઈ અસર નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.