એક એવું ગામ, જ્યાં શિયા અને સુન્ની મુસ્લિમો મસ્જિદમાં એકસાથે નમાઝ પઢે છે

પીરાના સહિયારી મસ્જિદ (જમણે) ખાતે શિયા મુલ્લા સૈયદ મઝહર અલી અબ્બાસ પાડોશી મસ્જિદના સુન્ની મુલ્લા મુહમ્મદ શકીલને ભેટે છે
ઇમેજ કૅપ્શન, પીરાના સહિયારી મસ્જિદ (જમણે) ખાતે શિયા મુલ્લા સૈયદ મઝહર અલી અબ્બાસ પાડોશી મસ્જિદના સુન્ની મુલ્લા મુહમ્મદ શકીલને ભેટે છે
    • લેેખક, ઈફ્તિખાર ખાન
    • પદ, બીબીસી અફઘાન સર્વિસ, ઉત્તર પાકિસ્તાનથી

ઘણા મુસ્લિમ દેશોમાં ઇસ્લામની વિવિધ શાખાઓ વચ્ચે તણાવ સામાન્ય બાબત છે. સીરિયામાં તાજેતરના યુદ્ધનું અને પાકિસ્તાનમાં શિયાઓ અને સુન્નીઓ વચ્ચેની હિંસક અથડામણો વધવાનું એક કારણ આ છે. જોકે, બે સમુદાય સંપૂર્ણ સંવાદિતામાં કેવી રીતે રહી શકે તેનું એક તેજસ્વી ઉદાહરણ પાકિસ્તાનનું એક ગામ છે.

પોલાદના મિનારા અને ઊંચી છત પરના લાઉડસ્પીકર સાથેની આ મસ્જિદ, પાકિસ્તાનની ઉત્તર-પશ્ચિમે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા પીરા ગામની નજીક પહોંચતી વખતે પ્રવાસીઓ જે સ્થળો સૌથી પહેલાં જુએ છે તે પૈકીની એક છે. આ મસ્જિદ એક સીમાચિહ્ન હોવા ઉપરાંત સાંપ્રદાયિક સદ્ભાવનાનું પ્રતીક પણ છે. તેનું કારણ એ છે કે આ મસ્જિદ સુન્ની અને શિયા ગ્રામજનો સમાન રીતે શેર કરે છે, જે દુર્લભ ઉદાહરણ છે.

નમાઝ માટે અઝાન સંભળાય છે ત્યારે એક સમુદાયના લોકો ઉતાવળમાં અંદર જાય છે. નમાઝ પઢીને પંદર મિનિટ બહાર નીકળ્યા પછી તેઓ બહાર નીકળી જાય છે અને તેમનું સ્થાન બીજો સમુદાય લે છે.

મસ્જિદના શિયા ઉપદેશક સૈયદ મઝહર અલી અબ્બાસના જણાવ્યા અનુસાર, આ પ્રથા એક સદી પહેલાં શરૂ થઈ હતી. વચ્ચેના સમયગાળામાં મસ્જિદનું પુનઃનિર્માણ થઈ ગયું છે, પરંતુ એ પ્રથામાં ફેરફાર કરવાનું કોઈ કારણ દેખાતું નથી.

કાગળ પર આ ઇમારતની માલિકી શિયા સમુદાયની છે, પરંતુ તેનો વીજળી તથા સંચાલનનો ખર્ચ શિયા-સુન્ની બન્ને જૂથો ચૂકવે છે. મઝહર અલી ભારપૂર્વક જણાવે છે કે આ મસ્જિદનો સમાન ઉપયોગ કરવાનો અધિકાર સુન્નીઓને પણ છે.

સુન્ની અને શિયાઓ પોતપોતાની પરંપરા અનુસાર પ્રાર્થના કરે છે અને તેનો આધાર તેમાંથી અઝાન કોણ ગાય છે તેના પર હોય છે.

એક અલિખિત કરાર મુજબ, સવાર, બપોર અને સાંજની અઝાન શિયા સમુદાય દ્વારા આપવામાં આવે છે, જ્યારે રાત સહિતની અન્ય બે અઝાન સુન્ની સમુદાય દ્વારા આપવામાં આવે છે.

જોકે, રમઝાન દરમિયાન શિયાઓ કરતાં સુન્નીઓ થોડો વહેલો ઉપવાસ તોડે છે. તેથી તેઓ આ પવિત્ર મહિનામાં સાંજની અલગ અઝાન આપે છે.

દિવસનો સમય ભલે ગમે તે હોય, પ્રથમ જૂથમાં મોડા આવનારા લોકો બીજા જૂથમાં જોડાય છે અને બીજા જૂથ સાથે પોતાની રીતે પ્રાર્થના કરે છે.

આંતર-સંપ્રદાય લગ્ન પણ થાય છે

પીરામાં સુન્ની અને શિયાઓ એક મસ્જિદ જ શેર નથી કરતા. તેઓ આંતર-સંપ્રદાય લગ્ન પણ કરે છે, જે સંવાદિતા અને એકતા દર્શાવે છે
ઇમેજ કૅપ્શન, પીરામાં સુન્ની અને શિયાઓ એક મસ્જિદ જ શેર નથી કરતા. તેઓ આંતર-સંપ્રદાય લગ્ન પણ કરે છે, જે સંવાદિતા અને એકતા દર્શાવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીરાના પાડોશમાં અન્ય મસ્જિદો છે, પરંતુ આ સહિયારી મસ્જિદ સૌથી મોટી છે.

આ ગામની 5,000 રહેવાસીઓની વસ્તી શિયાઓ અને સુન્નીઓમાં સમાન રીતે વિભાજિત છે. તેઓ એકમેકની સાથે શાંતિપૂર્ણ રીતે ખુશીથી રહે છે. તેઓ એક કબ્રસ્તાન પણ શેર કરે છે અને ઘણીવાર આંતર-સંપ્રદાય લગ્ન પણ કરે છે.

મુહમ્મદ સિદ્દીક નામના એક સુન્ની મુસ્લિમે શિયા મહિલા સાથે લગ્ન કર્યાં છે. તેઓ કબૂલે છે કે આ વિચાર સાથે સંમત થવામાં તેમના સાસરિયાઓને થોડો સમય લાગ્યો હતો, પરંતુ તેઓ સુન્ની હતા એ હકીકત સાથે તેને કોઈ સંબંધ ન હતો. સમસ્યા એ હતી કે મુહમ્મદ સિદ્દીક પ્રેમલગ્ન કરી રહ્યા હતા, જેની પાકિસ્તાનમાં પરંપરા નથી.

મુહમ્મદ સિદ્દીકના લગ્નને લગભગ 18 વર્ષ થઈ ગયાં છે અને તેમના જણાવ્યા મુજબ, તેઓ અને તેમનાં પત્ની પોતપોતાની રીતે પોતાના ધર્મનું પાલન કરે છે.

અમજદ હુસૈન શાહ નામના એક અન્ય ગ્રામજન જણાવે છે કે કેટલાંક ઘરોમાં માતા-પિતા શિયા હોય છે, જ્યારે તેમના સંતાનો સુન્ની હોય છે અથવા તેનાથી વિપરીત.

તેઓ કહે છે, "ધાર્મિક માન્યતા વ્યક્તિગત બાબત છે, એ વાત અહીંના લોકો સમજે છે."

ધાર્મિક તહેવારોમાં એક પ્રકારનું એકીકરણ જોવા મળે છે.

ઈદ-ઉલ-આધા દરમિયાન શિયાઓ અને સુન્નીઓ બલિદાન આપવા માટે પ્રાણી ખરીદવા એકઠા થાય છે, જે પયગંબર ઇબ્રાહિમ દ્વારા તેમના પુત્રના બલિદાનની તૈયારીને ચિહ્નિત કરે છે.

મસ્જિદના ઉપદેશક સૈયદ સજ્જાદ હુસૈન કાઝમીના કહેવા મુજબ, પીરામાં સુન્નીઓ પયગંબર મુહમ્મદના જન્મની, મિલાદની ઉજવણી કરે છે ત્યારે શિયા રહેવાસીઓ તેમની સાથે જોડાય છે. તેવી જ રીતે પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનની શહાદતને ચિહ્નિત કરતા મુહર્રમ દરમિયાન શિયા મેળાવડામાં સુન્નીઓ હાજરી આપે છે. ગામના લોકો આ રીતે એકમેકને સુખ-દુઃખ વહેંચે છે.

ગામના લોકો આ રીતે એકમેકને સુખ-દુઃખ વહેંચે છે

લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, લોકો મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યાં છે

બીબીસીએ જે દિવસે પીરાની મુલાકાત લીધે એ દિવસે ગામના વડીલો સ્થાનિક ઝકાત સમિતિના અધ્યક્ષ માટે મતદાન કરી રહ્યા હતા. ઝકાતમાં દાન એકત્ર કરવામાં આવે છે અને એ દાનનું વિતરણ કરવામાં આવે છે.

આ પદ પર છેલ્લાં ઘણાં વર્ષોથી એક સુન્ની મુસ્લિમ કાર્યરત હતા, પરંતુ આ વખતે એક શિયા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી.

શિયા ઉપદેશક મઝહર અલીના જણાવ્યા મુજબ, તેમના પરિવારે હારેલા સુન્ની ઉમેદવારને મત આપ્યો હતો.

તેઓ કહે છે, "અમે ચૂંટણીમાં ધર્મના આધારે કોઈને ક્યારેય ટેકો આપ્યો નથી કે વિરોધ પણ કર્યો નથી. સમુદાયની શ્રેષ્ઠ રીતે સેવા કરી શકે તેવી વ્યક્તિને જ અમે કાયમ પસંદ કરીએ છીએ."

20 વર્ષ પહેલાં પીરા ગામમાં જ નહીં, પરંતુ 11 ગામોના બનેલા આ વિસ્તારમાં શિયાઓ અને સુન્નીઓમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પીરા ગામમાં શિયાઓ અને સુન્નીઓ સમાન પ્રમાણમાં છે, જ્યારે અન્ય ગામો માત્ર સુન્નીઓનાં છે, પરંતુ સ્થાનિક પરિષદમાં એ બધાનું પ્રતિનિધિત્વ કરવા માટે સૈયદ મુનીર હુસૈન શાહ નામના એક શિયા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા.

તેમના એક વિરોધીએ આ બાબતનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.

મુનીર શાહ કહે છે, "તેઓ કરાચીથી એક વ્યક્તિને લાવ્યા હતા. એ વ્યક્તિ શિયા વિરોધી ભાષણો માટે દેશભરમાં જાણીતી છે. તે વ્યક્તિ રેલીઓમાં ભાષણ આપતી હતી અને શિયા ઉમેદવારને મત ન આપવા લોકોની વિનંતી કરતી હતી."

જોકે, તેની વાત કોઈએ સાંભળી નહીં અને લોકોએ મુનીર શાહને જ ચૂંટી કાઢ્યા.

"મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે તેઓ મસ્જિદના ઉપદેશકને નહીં, પરંતુ તેમના સમુદાયના મુદ્દાઓ ઉઠાવવા સક્ષમ હોય એવા પ્રતિનિધિને ચૂંટતા હતા, ભલે તેનો સંપ્રદાય અલગ હોય," મુનીર શાહ કહે છે.

તેઓ માને છે કે આ સહિયારી મસ્જિદે સામાજિક એકતાનું નિર્માણ કર્યું છે.

મસ્જિદ સહિયારી કેવી રીતે બની?

શિયા અને સુન્નીઓની એકતાના પ્રતીક સમી પીરાના સહિયારી મસ્જિદ
ઇમેજ કૅપ્શન, શિયા અને સુન્નીઓની એકતાના પ્રતીક સમી પીરાના સહિયારી મસ્જિદ

લગભગ 100 વર્ષ પહેલાં પીરાની વસ્તીમાં મોટાભાગના સૂફી સુન્નીઓ હતા. એ બધા 17મી સદીમાં ગામની સ્થાપના કરનાર વ્યક્તિના વંશજ હતા.

સ્થાનિક ઇતિહાસકાર ડૉ. સિબ્તેન બુખારીના મતાનુસાર, આ વિશાળ પરિવારે ધીમે ધીમે શિયા ઇસ્લામ અપનાવ્યો હતો. બાકીની વસ્તી સુન્ની રહી હતી અને સમગ્ર સમય દરમિયાન બંને જૂથો મસ્જિદનો ઉપયોગ કરતા રહ્યા હતા.

એક સ્થાનિક શિયા વડીલે 1980ના દાયકામાં મસ્જિદના પુનઃનિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મૌલવી ગુલાબ શાહ નામના એક સુન્ની ધર્મગુરુએ તેને સ્વીકૃતિ આપી હતી. મસ્જિદના પુનઃનિર્માણ માટે શિયા વડીલોએ ખર્ચ કર્યો હતો. તેથી મસ્જિદ હવે ઔપચારિક રીતે તેમની માલિકીની છે, પરંતુ વ્યવહારમાં તેનાથી બહુ ઓછો ફરક પડે છે, કારણ કે તે સંપૂર્ણપણે સંયુક્ત સમુદાયનું હૃદય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.