મણિપુરમાં વહેંચાઈ ગયેલી વસાહતો વચ્ચે 'બફર ઝોન', ઘરે પાછા ફરવાની આશા ધૂંધળી બની: ગ્રાઉન્ડ રિપોર્ટ

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/SHAAD MIDHAT

ઇમેજ કૅપ્શન, રાહતશિબિરોમાં મહિલાઓએ અનેક કૌશલ્ય મેળવ્યું છે
    • લેેખક, જુગલ પુરાહિત
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇમ્ફાલ અને ચુરાચાંદપુરથી પાછા આવીને

13 સપ્ટેમ્બરે મણિપુરમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ લગભગ પૂરું થવામાં હતું, ત્યારે તેમણે વિસ્થાપિત થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "હું આપને ભરોસો આપું છું કે વિસ્થાપિતોને બને એટલી ઝડપથી ઉચિત સ્થળોએ વસાવવા માટે, શાંતિની સ્થાપના માટે ભારત સરકાર, અહીં મણિપુર સરકારને આ રીતે જ સહયોગ આપતી રહેશે."

વડા પ્રધાને આ વાત મણિપુરના ચુરાચાંદપુરમાં કહી, જે પાટનગર ઇમ્ફાલથી લગભગ 60 કિલોમીટરના અંતરે વસેલું એક શહેર છે.

જોકે, તેમણે એ ન જણાવ્યું કે 60 હજાર કરતાં વધારે બેઘર મૈતેઈ અને કુકી લોકો માટે 'ઉચિત સ્થળ' કયાં હશે.

મે 2023માં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલી વંશીય હિંસા પછીની આ પીએમ મોદીની રાજ્યની પહેલી મુલાકાત હતી.

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિષ્ણુપુરમાં પેટ્રોલિંગ કરી રહેલાં સુરક્ષાબળો

એપ્રિલ 2025માં ગૃહમંત્રી અમિત શાહે જણાવેલું કે આ વંશીય સંઘર્ષમાં 260 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

આગચંપીમાં પોતાનું ઘર ગુમાવનાર કે હિંસાની બીકથી પોતાનું ઘર છોડીને નીકળી ગયેલા લોકોને રાજ્યભરમાં બનાવાયેલી કામચલાઉ રાહતશિબિરોમાં રાખવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી 2025માં જ્યારે મુખ્ય મંત્રી એન બીરેનસિંહે રાજીનામું આપ્યું ત્યારથી મણિપુરની સત્તા સીધી કેન્દ્ર સરકારના હાથમાં રહી છે. આની પહેલાં ઈ.સ. 2017થી રાજ્યમાં ભાજપની સરકાર રહી છે.

મણિપુર વહીવટી તંત્રે જુલાઈ 2025માં ડિસેમ્બર 2025 સુધીમાં બધા જ બેઘર લોકોને વસાવીને રાહતશિબિરો બંધ કરી દેવાની પોતાની યોજનાની જાહેરાત કરી હતી.

અમે એ જાણવાની કોશિશ કરી છે કે આ યોજના લાગુ થવામાં હજુ ત્રણ મહિનાનો સમય બાકી છે, ત્યારે વાસ્તવિક હકીકત શી છે, અને લોકો શું વિચારી રહ્યા છે.

પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે વાત કરતાં રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધીમાં સેંકડો બેઘર લોકોને શિબિરોની નજીકનાં અસ્થાયી ઘરોમાં મોકલવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું, "લગભગ 290 રાહતશિબિરોની સંખ્યા ઘટીને હવે લગભગ 260 થઈ ગઈ છે."

પરંતુ હજુ પણ એ સવાલ છે કે, શું હિંસાની બીકથી પોતાનું ઘર છોડી દેનારા લોકો ઘરે પાછા જશે?

'અમારે અમારા ઘરે પાછા નથી જવું'

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, હતનુ હાઉકિપ પણ તેમની પાછળ દેખાતી શિબિરમાં રહે છે

મણિપુરની પોતાની મુલાકાતમાં વડા પ્રધાને ચુરાચાંદપુરમાં જે સ્થળે ભાષણ આપ્યું હતું, ત્યાંથી થોડાક સો મીટરના અંતરે એક રાહતશિબિર છે.

ત્યાં અમારી મુલાકાત 22 વર્ષીય હતનુ હાઉકિપ સાથે થઈ. તેઓ બૉટનીનાં વિદ્યાર્થિની છે અને સામાજિક સંગઠનો સાથે પણ કામ કરે છે.

અમે તેમને પૂછ્યું કે શું તેઓ ફરી ઇમ્ફાલ ઘાટીમાં વસવાટ કરવા ઇચ્છશે, જ્યાં તેઓ હિંસાની પહેલાં ભણતાં હતાં?

તેઓ જણાવે છે, "ખરેખર તો અમારે અમારા ઘરે પાછા જવું જોઈએ, પરંતુ હવે એવું ન થઈ શકે; કેમ કે, એ વિસ્તાર હવે મૈતેઈ વિસ્તારોથી ઘેરાયેલો છે. જો અમને અલગ વહીવટી તંત્ર મળે, તો અમારા નેતા અમારા માટે કંઈક એવી વ્યવસ્થા કરી શકે છે જે અમારાં જૂનાં ઘરોથી વધુ સુરક્ષિત હોય. મને લાગે છે કે એ જ વધુ સારું હશે."

જ્યારે અમે 'બફર ઝોન'માંથી પસાર થયા

સવારે અમે રાજધાની ઇમ્ફાલથી ચુરાચાંદપુર જવા નીકળ્યા. અમે ચેકપોસ્ટની નજીક પહોંચ્યા ત્યાં સુધી અમારી મુસાફરી આરામદાયક રહી હતી. આ નાકા પર પોલીસ, અર્ધલશ્કરીદળ અને સેનાના જવાનો તહેનાત હતા.

આ બધી પોસ્ટ એ વિસ્તારોમાં છે જેને હવે 'બફર ઝોન' કહેવામાં આવે છે, એટલે કે, એવો વિસ્તાર જ્યાં કોઈ નથી રહેતા—ન મૈતેઈ અને ન તો કુકી.

અહીં સળગી ગયેલાં ઘરો અને દુકાનોના અવશેષ, તૂટેલી ઇમારતો જ દેખાય છે. હકીકતમાં, આ જ જગ્યાઓએ સુરક્ષાદળોએ પોતાના રહેવા અને કામ કરવા માટે કામચલાઉ થાણાં બનાવ્યાં છે. અમને આ વિસ્તારમાંથી આગળ જવા માટેની મંજૂરી ત્યારે મળી જ્યારે અમે અમારાં ઓળખપત્રો બતાવ્યાં અને પોતાનાં નામની નોંધણી કરાવી.

મેં ત્યાં ફરજ પરના કર્મચારીઓને પૂછ્યું, "તમે અહીં શું કરવાના પ્રયત્ન કરો છો?"

એના જવાબમાં જવાને કહ્યું, "અમે અહીં એટલા માટે છીએ, જેથી મૈતેઈ અને કુકી લોકો એકબીજાના વિસ્તારોમાં ન જાય અને એકબીજાની સામે ન આવે."

'મારા ઘરને કઈ રીતે ભૂલી શકું?'

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, રાહતશિબિરમાં પોતાનો વ્યવસાય ફરી શરૂ કરવાની કોશિશ કરતા ઇરૉમ અબુંગ

ઇરૉમ અબુંગનો જન્મ ચુરાચાંદપુરમાં થયો હતો.

બેઘર થયા પછી અબુંગ 'બફર ઝોન'ની નજીક બિષ્ણુપુરમાં પોતાના સમુદાયના લોકોની સાથે એક રાહતશિબિરમાં રહે છે.

અબુંગ મૈતેઈ છે અને સંઘર્ષ શરૂ થયા પહેલાં સુધી કુકી-બહુલ વિસ્તાર ચુરાચાંદપુરમાં રહીને વેપાર કરતા હતા.

તેમણે અમને જણાવ્યું, "હું ચુરાચાંદપુરની સુગંધ અને વાતાવરણ ક્યારેય ન ભૂલી શકું. મેં ત્યાં મારી જમીન પર ઘર બનાવ્યું હતું. ઘરને નુકસાન જરૂર થયું છે, પણ જમીન હજુ પણ મારી છે અને હું તેને ક્યારેય નહીં વેચું; કેમ કે, મને ખબર છે કે હું પાછો જઈશ. અમારા બંને સમુદાયો વચ્ચેની તિરાડ પૂરવાની કોશિશ થવી જોઈએ, જેથી લોકો ફરીથી પોતાના જીવનમાં પાછા ફરી શકે."

ક્રોધ અને નિરાશા

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીના રેલી-સ્થળની નજીક આવેલી ચુરાચાંદપુરની રાહતશિબિર

અમે મૈતેઈ સમુદાયના અન્ય બેઘર લોકોને પણ મળ્યા. તેમાંના મોટા ભાગના લોકો ઘરે પાછા જઈ શકવાની આશા ધરાવતા હતા.

કેટલાક લોકો ગુસ્સાથી ભરેલા હતા; જેમ કે, સલામ મોનિકા.

તેમના કાકા, 33 વર્ષના અંગોન પ્રેમકુમાર મૈતેઈએ જુલાઈ 2024માં શિબિરમાં આત્મહત્યા કરી લીધી હતી.

મોનિકા જણાવે છે કે તેમના કાકાએ આજીવિકા છીનવાઈ જવા, ખરાબ સ્વાસ્થ્ય અને પરિવારની સારસંભાળ ન રાખી શક્યા તે કારણે પરેશાન થઈને એવો નિર્ણય કર્યો.

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો અનુભવ કરતા હો, તો ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, બિષ્ણુપુર પાસેની રાહતશિબિરમાં મોનિકા અને તેમના પરિવાર સાથે અમારી મુલાકાત થઈ

જોકે, સરકારનું કહેવું છે કે તેઓ સંઘર્ષથી અસરગ્રસ્ત લોકોને માનસિક આરોગ્યની બાબતમાં સહાયતા આપે છે, જેમાં આત્મહત્યાના જોખમવાળા લોકોને શોધવા અને મદદ કરવાનું સામેલ છે.

મોનિકાએ કહ્યું, "માનસિક સ્વાસ્થ્ય સહાયતા માટે પહેલાં કેટલાક લોકો આવ્યા હતા—બે-ત્રણ વાર. પરંતુ આ વર્ષે તો કોઈ નથી આવ્યું."

ભલે બંને પક્ષોના લોકોના વિચાર અલગ હોય, પરંતુ એક વસ્તુ જે તેમની વચ્ચે સમાન છે, તે છે તેમનાં દુઃખ અને સંઘર્ષની કહાનીઓ.

ચુરાચાંદપુરની રાહતશિબિરમાં અમારી મુલાકાત નેમહોઇચોંગ લ્હુંગડિમ સાથે થઈ. તેમના પર પોતાનાં બંને બાળકોને એકલા હાથે ઉછેરવાની જવાબદારી છે.

બેમાંથી એક સ્કૂલે જાય છે અને બીજો પોતાની આંખની તકલીફના કારણે નથી જઈ શકતો. અગિયાર વર્ષના ખૈથેંસઈને પોતાના મિત્રો સાથે રમતાં સમયે આંખમાં ગંભીર ઈજા થઈ ગઈ હતી.

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, નેમહોઇચોંગ લ્હુંહડિમ પર એકલા હાથે પોતાનાં બે બાળકોને ઉછેરવાની જવાબદારી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેમહોઇચોંગે અમને જણાવ્યું, "અમે અહીં એક ખાનગી હૉસ્પિટલમાં ગયાં, પરંતુ ડૉક્ટરે કહ્યું કે તેને રાજ્ય બહારની વિશેષ હૉસ્પિટલમાં લઈ જવો જોઈએ. રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં એવું કરવું મુશ્કેલ છે. તેની સારવાર માટે લગભગ ત્રણ લાખ રૂપિયા પણ થશે. મારી પાસે એટલા પૈસા નથી. તે પોતાની ડાબી આંખથી કશું જોઈ નથી શકતો અને જમણી આંખમાં પણ દુખાવો થાય છે. મને ડર છે કે જ્યારે તે મોટો થશે, ત્યારે મને નફરત કરશે કે હું તેની સારવાર ન કરાવી શકી."

જોકે, સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે દાવો કર્યો હતો કે તેઓ મણિપુરની શિબિરોમાં રહેતાં બધાં બાળકોને મેડિકલ સહાયતા આપી રહી છે.

નેમહોઇચોંગે કહ્યું, "તેઓ ક્યારેક ક્યારેક શિબિર આયોજિત કરમુક્ત દવા વહેંચે છે, પરંતુ તેઓ ક્યારેય મારા પુત્રની સારવાર નથી કરતા. હું ખરેખર આશા રાખું છું કે કોઈ ચમત્કાર થાય અને તે સાજો થઈ જાય."

શિબિરોની પરિસ્થિતિ અંગે વાત કરવા માટે બીબીસીએ ઇમ્ફાલમાં રાજ્ય સચિવાલયની મુલાકાત લીધી અને પ્રતિસાદ લેવા માટે રાજ્યપાલના કાર્યાલય પાસે સમય પણ માગ્યો.

ઇમેલના માધ્યમથી ચુરાચાંદપુર અને બિષ્ણુપુરના વહીવટી અધિકારીઓ સાથે પણ સંપર્ક કર્યો, પરંતુ હજુ સુધી કોઈએ જવાબ નથી આપ્યો.

એક સારી જિંંદગી

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, મોનિકાનો પરિવાર રાહતશિબિરમાં અન્ય પરિવારો સાથે એક મોટા ઓરડામાં રહે છે

અમે એવા પરિવારોને પણ મળ્યા, જેમને તાજેતરમાં જ સ્કૂલ કે કૉલેજનાં ભવનોમાં બનેલી શિબિરોમાંથી હટાવીને અસ્થાયી ઘરોમાં મોકલવામાં આવ્યા છે. એ ઘરોમાં રસોઈ, બાથરૂમ અને બેડરૂમ છે.

નવયુવાન સાશાએ કહ્યું, "અહીં અમે ખૂબ આરામ અનુભવીએ છીએ. પહેલાં અમે આખી શિબિર માટે સામૂહિક રસોડામાં ભોજન બનાવતા હતા, હવે અમે પોતાના માટે જાતે ખાવાનું બનાવીએ છીએ. અહીં વધુ પ્રાઇવેસી પણ છે."

ક્યારેક બૅંગલુરુમાં કામ કરી ચૂકેલા સાશાને અમે પૂછ્યું કે શું તેમને લાગે છે કે તેઓ પોતાના જૂના ઘરે—જે મૈતેઈ-બહુલ વિસ્તારની નજીક છે—પાછા જઈ શકશે?

સાશા જણાવે છે, ‌"મને હવે એ જગ્યા પસંદ નથી. ભવિષ્ય કેવું હશે, હું કહી શકું નહીં; પરંતુ હું ત્યાં પાછા જવા વિશે વિચારવાનું પણ પસંદ નથી કરતો."

અસ્થાયી ઘરો અને રાહતશિબિરોમાં સરકાર બધાને મફત રાશન અને વીજળી આપે છે, પરંતુ ઘણા લોકોએ અમને જણાવ્યું કે તેમના માટે આજીવિકાનો સવાલ હજુ પણ ઊભો છે.

બિષ્ણુપુરના કૅમ્પમાં અમે ચિંગખામ રાધા અને અન્ય મહિલાઓને મળ્યા, જેઓ એક સમૂહનો ભાગ હતાં અને તેઓ ક્રોશેમાંથી ઢીંગલીઓ બનાવવાનું શીખ્યાં હતાં.

રાધાએ કહ્યું, "તેનાથી મને થોડા પૈસા કમાવામાં મદદ મળે છે. એ કરવાથી મને માનસિક શાંતિ પણ મળે છે."

નવા પ્રકારની સામાન્ય પરિસ્થિતિ?

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, અગિયાર વર્ષના ખૈથેંસઈને આ ઈજા મણિપુરમાં થયેલાં તોફાનોના કારણે નથી થઈ, પણ તોફાનોના લીધે તેમની સારવારમાં અડચણો ચોક્કસ આવી છે

ઇમ્ફાલ કે ચુરાચાંદપુરનાં બજારોમાં ચાલતાં જતાં કે હાઈવે પર ગાડી ચલાવતાં હિંસા અને વિભાજનના સ્પષ્ટ સંકેત ધીમે ધીમે ઓછા જોવા મળી રહ્યા છે.

ખૂલેલાં બજારો, રેસ્તરાં અને શહેરોમાં લોકોની અવરજવર હાલ સામાન્ય અને રોકટોક વગરની લાગે છે.

વડા પ્રધાન રાજ્યમાં આવ્યાના થોડા દિવસ પછી, 19 સપ્ટેમ્બરે આસમ રાઇફલ્સના જવાનો પર હુમલો થયો તે પહેલાં અધિકારીઓએ પણ હિંસા ઘટી હોવાની વાત કહી હતી.

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, ચુરાચાંદપુરમાં થોડાક જ મહિના પહેલાં બનાવાયેલાં અસ્થાયી ઘર

જો પોતાનું ઘર છોડવા માટે મજબૂર થયેલા લોકોને તેમના જૂના ઘરમાં પાછા મોકલવાની જગ્યાએ અત્યારે તેઓ જ્યાં છે, ત્યાં જ વસાવવામાં આવે, તો શું તે એક વિકલ્પ હોઈ શકે?

આ સવાલના જવાબમાં આરકે નિમાઈસિંહ કહે છે, "જો તમે બંને સમુદાયના બેઘર લોકોને તેમના જ સમુદાયવાળા વિસ્તારમાં વસાવશો, તો એ 'ઍથનિક ક્લીંઝિંગ'નું સમર્થન કરવા જેવી વાત હશે. સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે બેઘર લોકોને તેમનાં જૂનાં ઘરોમાં વસાવવા સૌથી વધુ જરૂરી છે. તે મુશ્કેલ છે, પરંતુ એક નાનું પગલું ભર્યા પછી, 10 કે 15 વર્ષમાં ફરીથી વિશ્વાસ બંધાશે."

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, આરકે નિમાઈ મણિપુરના રાજ્યપાલના સચિવ રહી ચૂક્યા છે

નિમાઈસિંહ સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી છે અને મણિપુરના રાજ્યપાલના સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે.

વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બેઘર લોકો માટે લગભગ સાત હજાર નવા આવાસ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર તેમની મદદ માટે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરશે.

મણિપુરના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે હવે તેઓ 'સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે લોકો પોતાના જૂના ઘરે પાછા જવા માટે સુરક્ષિતતા અનુભવે'.

આ કેટલું શક્ય છે અને આ પ્રક્રિયા કેટલી સફળ થશે?

મણિપુરમાં હિંસા બાદ ત્યાં કેવી સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિપોર્ટ, કુકી, મૈતેઈ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, મણિપુર હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHAAD MIDHAT/BBC

ઇમેજ કૅપ્શન, લોકો અનુસાર રાહતોશિબિરો કરતાં વધુ સારી સુવિધા આ અસ્થાયી ઘરોમાં મળી રહી છે

આનો જવાબ સરકારની ક્ષમતા પર નિર્ભર રહેશે કે તે લોકોમાં, ખાસ કરીને પાછા જવાનો વિકલ્પ પસંદ કરનારાઓમાં કેટલો વિશ્વાસ જન્માવી શકે છે.

મેં બૉટનીનાં વિદ્યાર્થિની હતનુને પૂછ્યું કે શું હજુ પણ તેમના મૈતેઈ સમુદાયના મિત્રો છે અને શું તેઓ તેમની સાથે વાત કરે છે?

તેઓ જણાવે છે, "હા, મારા ઘણા મૈતેઈ મિત્રો છે અને અમે ક્યારેક ક્યારેક વાત પણ કરીએ છીએ. પરંતુ કેટલાક લોકોએ મને બ્લૉક કરી દીધી છે. એ સ્થિતિમાં હું પણ તેમની સાથે વાત કરવા નથી માગતી. પરંતુ જો તેઓ મને મેસેજ કરીને પૂછે કે હું કેમ છું, તો હું ઈમાનદારીથી તેમની સાથે વાત કરી શકું છું."

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો અનુભવ કરતા હો, તો ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન