અમદાવાદનું રોટી બજાર : જ્યાં દરરોજ બને છે હજારો રોટલીઓ, મહિલાઓ કેવી રીતે ચલાવે છે પરિવારની રોજીરોટી

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, કોઈ અમારી પાસે રોટી લઈ જાય અને કહે કે પરિવારજનોને ખૂબ પસંદ પડી ત્યારે અમને પણ આનંદનો ઓડકાર આવી જાય છે. અમને લાગે કે અમે અમારું જ નહીં કોઈક બીજાનું પણ પેટ ભરી રહ્યા છીએ : શમીનાઆપા
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં પ્રખ્યાત જગન્નાથ મંદિર અને હેબત ખાઁની મસ્જિદ વચ્ચે એક સાંકળી ગલી આવેલી છે. સવારે જ્યારે જગન્નાથ મંદિરના ઘંટારવ અને હેબત ખાઁમાંથી અઝાન ઊઠે ત્યારે એ ગલીમાં કેટલીક મહિલાઓના ઘરના ઓટલે ચૂલા મંડાય છે. લોટ બંધાય છે અને ઊની-ઊની રોટીઓ ઊતરવા માંડે છે.

એક પછી એક ગ્રાહકો આવતા જાય છે. કોઈ પાંચ રોટી લઈ જાય છે કોઈ પંદર તો કોઈ હોટેલવાળો એકસામટી દોઢસો રોટી ખરીદે છે. બપોરે ચૂલો શાંત પડે છે. બહેનો પણ ઘરનું અન્ય કામ અને થોડો આરામ કરી લે છે.

પાંચેક વાગ્યા પછી ફરી ચૂલો પેટાવાય છે અને તવા પરથી રોટલીઓ ઊતરવા માંડે છે. રોટલી ખરીદનારા રાત સુધી આવતા રહે છે અને તવો ત્યાં સુધી ગરમ રહે છે.

હિંદુ - મુસ્લિમ બધા આવે છે, 'અમારી રોટી લોકોને જોડે છે'

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

જમાલપુર દરવાજાના ખીચોખીચ વિસ્તારમાં કોઈને પણ કહો કે રોટી બજાર ક્યાં આવેલું છે તો તરત હાથના ઇશારાથી જણાવી દે. આ સાંકડી ગલીનું કોઈ ચોક્કસ નામ નથી પણ લોકો હવે તેને 'રોટી બજાર' તરીકે જ ઓળખે છે.

અનીશાઆપા છેલ્લાં વીસ વર્ષથી રોટલીઓ બનાવે છે. તેઓ રોજની સરેરાશ ચારસો રોટી બનાવીને વેચે છે. લોટ બાંધવામાં તેમના પતિ અય્યુબભાઈ મદદ કરે છે. ત્રણ રૂપિયાની નંગ લેખે રોટી વેચે છે.

તવા પરથી રોટી ઉતારતાં-ઉતારતાં અનીશા આપા કહે છે કે, "સો રોટી વેચીએ ત્યારે ચાલીસથી પચાસ રૂપિયા કમાઈએ છીએ. દિવાળી અને ઈદ જેવા તહેવારોમાં અમે બેથી અઢી હજારની રોટી વેચીએ છીએ. એ વખતે રોટી બનાવવા અમે માણસ પણ રોકીએ છીએ."

લગ્ન વખતે રોટીના ઑર્ડર પણ તેઓ લે છે અને કોઈને ત્યાં મરણ થયું હોય તો પણ લોકો જથ્થાબંધ રોટી લેવા તેમની પાસે આવે છે.

સુરેશ ચવાણના દાદા ગુજરી ગયાં હતાં. તેમની ઉત્તર ક્રિયા પછી સગાંવ્હાલાંને જે ભોજન કરાવવાનું હતું તેના માટે તેઓ દોઢસો રોટી લેવા આવ્યા હતા.

સુરેશ ચવાણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "શોક પ્રસંગ હોય કે ઘરમાં કોઈ ફંક્શન હોય અને મહેમાનો ઘણા આવી ગયા હોય ત્યારે અમે અહીંથી રોટી લઈ જઈએ છીએ."

અનીશાઆપા કહે છે કે, "હિંદુ – મુસ્લિમ સબ આતે હૈ. હમારી રોટી લોગોં કો આપસ મેં જોડતી હૈ."

રોટી પડી રહે તો બીજા દિવસે ગાયને ખવડાવી દઈએ, વેચતાં નથી

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, અનીશા આપા રોટીવાલે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ગલીમાં વીસેક વર્ષ અગાઉ મુસ્લિમ મહિલાઓએ રોટી બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં બે – ત્રણ મહિલાઓ જ આ રીતે રોટી બનાવીને વેચતી હતી. અત્યારે ત્રેવીસ જેટલી મહિલાઓ આ કામમાં જોતરાયેલી છે.

તેમાંનાં એક રઈશાઆપા છે. 60ની ઉંમર વટાવી ગયેલાં રઇશાઆપા રોજની પાંચસો જેટલી રોટી વેચે છે. પરિવારની અન્ય મહિલા પણ તેમના કામમાં જોડાય છે. રોટીમાંથી થોડા થોડા પૈસા કમાઈને તેમણે ત્રણ દીકરીઓને પરણાવી છે.

રઈશાઆપા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "એવા પણ દિવસો ક્યારેક આવે છે કે રોટી વેચાતી નથી. એ વખતે અમારે વ્યાજે પૈસા લેવા પડે છે. અમારી પાસે મૂડી તો હોતી નથી. અમે એવી અપેક્ષા રાખીએ કે અમને આ ધંધામાં બરકત માટે ઓછા વ્યાજની લોન મળે."

રોટી વધી પડે તો તમે બીજે દિવસે ઉપયોગમાં કેવી રીતે લો? સવાલના જવાબમાં રઈશાઆપા જણાવે છે કે, "રોજની ફ્રેશ રોટી જ વેચીએ છીએ. આજની રોટી કાલે ન વેચીએ. એમાં વાસ આવી જાય છે અને એ મુલાયમ પણ નથી રહેતી. રોટી પડી રહે તો બીજા દિવસે ગાયને ખવડાવી દઈએ છીએ."

"અમારો ધંધો આસમાની છે. ક્યારેક રોટી પડી રહે છે. નુકસાન મોટે ભાગે એમાં જ જાય છે. અમારે ત્યાં રોટી ખદીદનારા એકસામટી પચાસ કે સાઠ રોટી લેવા અચાનક આવતા હોય છે. તેથી અમારે પચાસેક રોટી તો બનાવીને રાખવી જ પડતી હોય છે. કોઈ ખરીદવા આવે અને અમે બનાવવા બેસીએ તો કલાક થઈ જાય. ગ્રાહક એટલી રાહ ન જોઈ શકે."

"કેટલાક એવા પણ છે જે અગાઉ ફોન કરીને ઑર્ડર લખાવી પણ દે છે. જેથી પડતરનો પ્રશ્ન નથી રહેતો."

'આ માત્ર રોટી નથી, આ અમારી રોજીરોટી છે'

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

રોટી બનાવતી મોટા ભાગની મહિલાઓ પરિવાર સાથે એક રૂમના જ ઘરમાં રહે છે. તેમાંની કેટલીક મહિલાઓ તો ભાડાના મકાનમાં રહે છે.

સ્વાશ્રયી મહિલાઓ માટે કાર્યરત સંસ્થા સેલ્ફ ઍમ્પલૉઇડ વિમેન્સ ઍસોસિયેશન(સેવા)નાં રાષ્ટ્રીય સચિવ મનાલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ મહિલાઓ ઘરે રહીને રોજગારી મેળવતી એટલે કે હોમબેઝ્ડ વર્કર છે. તેના માટે તો તેમનું કામનું ઠેકાણું(વર્કપ્લેસ) પણ ઘર જ છે તેથી તેમના માટે હાઉસિંગ સ્કીમ હોવી જોઈએ."

"આ મહિલાઓને સામાજિક હૂંફ - સુરક્ષાની ખૂબ જરૂર છે તેથી તેમના આ કામને સામાજિક સુરક્ષા સાથે જોડવું જોઈએ. ભારત, ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગનાઇઝેશન – આઈએલઓનું સંસ્થાપક સભ્ય છે. 1996માં આઈએલઓમાં ઠરાવ પસાર થયો હતો કે ઘરે રહીને રોજગારી મેળવતા લોકો માટે પૉલિસી બનવી જોઈએ. તે દિશામાં આપણે ત્યાં કામ થયું નથી."

વિમેન ઇન ધ ઇન્ડિયન ઇનફૉર્મલ ઇકોનૉમી અંગેનો વર્ષ 2021નો એક અહેવાલ છે. જેમાં જણાવાયું છે કે "ભારતમાં મહિલાઓ કોઈને કોઈ પ્રોડક્ટિવ કે રિપ્રોડક્ટિવ કામમાં પરોવાયેલી જ હોય છે, પરંતુ તેમનું કામ દેખાતું નથી. મોટેભાગે આ મહિલાઓ નાના-નાના કામમાં ઓછા વળતર સાથે અનૌપચારિક કામમાં હોય છે."

"ઘરમાં કામ કરતી મહિલાઓ અથવા તો ઘરે રહીને રોજગારી મેળવતી મહિલાઓની કોઈ સામાજિક સુરક્ષા હોતી નથી અથવા હોય છે તો ખૂબ નજીવી હોય છે." રોટી બનાવતી મહિલાઓ પણ એ જ શ્રેણીમાં આવે છે.

શમીનાઆપાનો પરિવાર રોટીના વ્યવસાયમાં પંદરેક વર્ષથી છે. શમીનાઆપાના પતિ સાજિદભાઈ પણ આ વ્યવસાયમાં તેમની સાથે જોડાયેલા છે.

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

શમીનાઆપા ચહેરા પર મુસ્કાન સાથે કહે છે કે, "કોઈ એક વખત અમારી પાસે રોટી લઈ જાય અને ફરી આવે અને અમને કહે કે તમારી રોટી અમારા પરિવારજનોને ખૂબ પસંદ પડી. ત્યારે અમને પણ આનંદનો ઓડકાર આવી જાય છે. અમને લાગે છે કે અમે અમારું જ નહીં કોઈક બીજાનું પણ પેટ ભરી રહ્યા છીએ."

"આ માત્ર રોટી નથી, આ અમારી રોજીરોટી છે. અમે શહેરના લોકો માટે જે રોટી તૈયાર કરીએ છીએ તેનાથી અન્ય લોકોના પેટ ભરાય છે અને અમારા ઘરનો પણ બે ટંકનો રોટલો નીકળે છે."

રઈશાઆપાના ઓટલા પાસે સ્કૂટર રોકાય છે અને મૂળે પંજાબી એવા હરદેવસિંહને તેઓ થેલી આપે છે.

હરદેવસિંહ પૂછે છે કે, "ઇસમેં સો રોટી હૈ ના?" આપા કહે છે, "હાં, અભી જ તવે મેં સે ઉતારકે થેલી મેં ભરી હૈ." હરદેવસિંહ સો રોટીના રૂપિયા આપીને 'શુક્રિયા' કહે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હરદેવસિંહ કહે છે કે, "હું લગભગ પાંચ વર્ષથી અહીંથી રોટલીઓ ખરીદું છું. આ મહેનતુ મહિલાઓ છે અને સ્વાદિષ્ટ રોટલીઓ બનાવે છે. જ્યારે બાળકોની પાર્ટી કે ઘરમાં કંઈ ફંકશન હોય ત્યારે હું અહીંથી રોટીલઓ લઈ જાઉં છું. મહિનામાં એકાદ વખત તો અહીં આવવાનું થાય છે."

બીમાર હોઈએ તો પણ કામ તો કરવું જ પડે

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, સુરેશ ચવાણ પોતાનાં માતાના મૃત્યુ બાદ સગાંવ્હાલાંના ભોજન માટે રોટી લેવા આવ્યા હતા

દિવસે-દિવસે આ કારોબારમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. આ મહિલાઓ રોજ કમાઈને રોજ ખાનારા વર્ગમાંથી આવે છે.

શમીનાઆપા કહે છે કે, "અમે બીમાર હોઈએ તો પણ કામ તો કરવું જ પડે છે, કેમકે આ જ અમારું કામ છે. રોજ રોટી બનાવીને વેચીએ તો જ રોજ ઘરમાં રોટી ખાઈ શકીએ."

આ એ મહિલાઓ છે જે બહારના લોકોને રોટલા ખવડાવીને જે પૈસા કમાય છે તેનાથી ઘરના સભ્યો માટે રોટલા રાંધે છે તેઓ ઘરે રહીને રોજગારી લાવે છે.

મનાલી કહે છે કે, "રોટી બનાવતી મહિલાઓ માટે કોઈ વાડો કે વર્કશેડ બને તો એનાથી તેમને ઘણો ફાયદો થઈ શકે. જ્યાં પાણી તેમજ સંડાસ - બાથરૂમની વ્યવસ્થા હોય અને ડૉક્ટર દર મહિને ત્યાં આવીને તપાસ કરે. ત્યાં તેમને પોતાના ધંધાનાં સાધનો પણ મળે. મહિલાઓનાં બાળકો માટે ત્યાં ઘોડિયાઘર પણ હોવું જોઈએ."

મહિલા, મુસ્લિમ, રોજીરોટી, રોટલી, ભારત, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, જગન્નાથ, જમાલપુર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, જમાલપુરનું રોટીબજાર

અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં એવી કેટલીય મહિલાઓ છે જે ઘરે રહીને કામ કરે છે અને બે પૈસા ઘરે લાવે છે. કોઈ રોટી બનાવીને વેચે છે તો કોઈ ઘરે રહીને સિલાઈકામ કરે છે તો કોઈ મોતીકામ કરે છે. જેને હોમ બેઝ્ડ વર્કર્સ કહે છે.

'હોમનેટ સાઉથ એશિયા'ના રિપોર્ટને ટાંકીએ તો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન એમ દક્ષિણ એશિયાના ચાર દેશોમાં 6 કરોડ 70 લાખ જેટલા હોમ બેઝ્ડ વર્કર્સ છે. જેમાં મહિલાઓનો નોંધપાત્ર હિસ્સો છે.

માત્ર ભારતની અંદર 1 કરોડ 70 લાખ કરતાં વધુ મહિલાઓ હોમ બેઝ્ડ વર્કર્સ છે. ઍમ્પ્લૉયમેન્ટ સ્ટેટિસ્ટિક્સ ઇન ફોકસ – એપ્રિલ 2023 (ફીમેલ લેબર યુટિલાઇઝેશન ઇન ઇન્ડિયા)નો એક અહેવાલ છે.

જેમાં જણાવાયું છે કે, "શ્રમમાં મહિલાઓની ભાગીદારી એટલે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટનો ડાટા ટાંકીએ તો ભારતમાં વર્ષ 2017-18ના ગાળામાં લેબર ફોર્સમાં મહિલા(15થી 59 વર્ષ)નું પ્રમાણ 25.3 ટકા હતું. જે વર્ષ 2021-22માં 10.3 ટકા વધીને 35.6 ટકા થયું હતું."

ઘરકામની સાથે નાનામોટા કામ કરીને ઘર ચલવતી આ મહિલાઓની દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા છે. રોટી બનાવતી કે સિવણકામ કરતી કે અગરબત્તી બનાવતી મહિલાઓ દેશના એવા અદૃશ્ય ચહેરા છે કે તેમની યોગ્ય નોંધ લેવાતી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન