એક સમયે 'ચમત્કારિક' મનાતું ખનીજ જે હવે મનાય છે જીવલેણ બીમારીનું કારણ

    • લેેખક, ઝારિયા ગૉર્વેટ
    • પદ, બીબીસી ફ્યૂચર

લંડનમાં નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનો એક ભાગ મિનરલ ગૅલરી તરીકે ઓળખાય છે. તેના નકશીદાર સ્તંભો અને મોટી બારીઓ વચ્ચે ઓકના લાકડાનું એક ડિસ્પ્લે કેસ છે.

તેની અંદર પ્લાસ્ટિકનું એક પારદર્શક બૉક્સ છે, જેના પર ચેતવણી લખાઈ છે – ‘ડૂ નૉટ ઓપન’ એટલે કે આને ખોલશો નહીં.

આ બૉક્સમાં મુકાયેલી વસ્તુ એક એક એવા ગ્રે કલરના બૉલ જેવી વિચિત્ર લાગે છે.

એવું લાગવા માંડે છે કે આને ભૂલથી ડિસ્પ્લેમાં મૂકી દેવાઈ છે.

પરંતુ આ કલાકૃતિને અત્યંત સાવચેતીપૂર્વક બૉક્સમાં સીલ કરીને રાખવામાં આવી છે. જેથી એ મુલાકાતીઓ માટે ખતરારૂપ ન બને.

આ એક ઍસ્બેસ્ટૉસ પર્સ છે. રસપ્રદ વાત તો એ છે કે આ પીળી અને વિકૃત જણાતી વસ્તુ એક સમયે અમેરિકાના સ્થાપક બેન્જામિન ફ્રેંકલિનની હતી.

વર્ષો પહેલાં ઍસ્બેસ્ટૉસને આજની માફક ખતરો મનાતું નહોતું.

પહેલાં તેને ખૂબ જ આકર્ષક ગુણોવાળું, રોમાંચક અને ચમત્કારિક મનાતું હતું.

એક ચમત્કારિક ખનીજ તરીકે ઍસ્બેસ્ટૉસનો એક ઇતિહાસ છે. એક સમય હતો કે રાજાનાં કપડાં સીવવા તેમજ પાર્ટીઓમાં ટ્રિક્સ માટે તેનો ઉપયોગ કરાતો.

તેમજ 18મી સદીનના એક દાર્શનિક આ ધાતુથી બનેલી પોતાની ટોપી પહેરીને રોજ રાત્રે સૂતા.

વર્ષ 1725માં બેન્જામિન ફ્રેંકલિન એટલા મોટા જાણકાર અને રાજનેતા નહોતા, જેના કારણે આજે તેમને યાદ કરાય છે. એ સમયે તેઓ પૈસાની તંગી સામે ઝઝૂમી રહેલા એક 19 વર્ષના યુવાન હતા, જેને એક અપ્રામાણિક વ્યક્તિએ લંડનમાં નિ:સહાય છોડી દીધા હતા.

સદ્ભાગ્યે તેમને એક પ્રિન્ટિંગની દુકાનમાં નોકરી મળી ગઈ, પરંતુ તેમને વધુ પૈસા મેળવવા માટે કંઈક જુગાડ કરવાની જરૂર હતી.

એક દિવસ ફ્રેંકલિનને વિચાર આવ્યો કે તે કલેક્ટર અને નૅચરાલિસ્ટ હેંસ સ્લોએનને એક પત્ર લખે કે ઍટલાન્ટિકની આસપાસથી ઘણી કુતૂહલજનક વસ્તુઓ લાવ્યા છે, જેમાં તેમને રસ હોઈ શકે છે.

સ્લોએને તરત જ ફેંકલિનને પોતાના ઘરે બોલાવ્યા અને એ ઝેરી વસ્તુ માટે ખૂબ મોટી રકમ ચૂકવી, જેને આજે નૅચરલ હિસ્ટ્રીના મ્યુઝિયમમાં સાચવી રખાઈ છે.

ચમત્કારિક વસ્તુ

ખરેખર ઍસ્બેસ્ટૉસ પર આગની અસર ન થતી હોવાની શોધ હજારો વર્ષો પહેલાં જ કરી લેવાઈ હતી અને ધાર્મિક આયોજનો અને મનોરંજનનાં સાધનોમાં તેના ઉપયોગનો એક લાંબો ઇતિહાસ રહ્યો છે.

પ્રથમ સદીમાં રોમન લેખક પ્લિની ધ એલ્ડરે પોતાના વાચકોન એક નવા પ્રકારના કાપડની ઓળખ કરાવી. આ એ વસ્તુ હતી જેનાથી ઘણા પ્રકારની વિચિત્ર વસ્તુઓ તૈયાર કરી શકાતી હતી.

તેમણે જાતેય આની ખાસિયતો જોઈ હતી – જેમ કે આનાથી બનેલ નૅપ્કિનને આગ પર મુકાતાં એ વધુ સ્પષ્ટ અને ફ્રેશ દેખાવા લાગતો.

આ વસ્તુનો રાજાની ચિતાના કફન સ્વરૂપે પણ ઉપયોગ કરાતો, કારણ કે એ બળતું નથી. આવું કરવાથી અન્ય ચિતાઓથી તેમની રાખને જુદી રાખી શકાતી હતી.

આ ખરેખર તો ઍસ્બેસ્ટૉસ જ હતું, જેની ખાસિયતની કહાણીઓની ચર્ચા સમગ્ર વિશ્વમાં થવા લાગી હતી.

અન્ય સ્રોત જણાવે છે કે આનો ઉપયોગ ટુવાલ, જૂતાં અને જાળી બનાવવા માટે કરાતો.

પ્રાચીન ગ્રીસની એક કહાણીમાં એક એવા દીવાનો ઉલ્લેખ છે, જે દેવી એથેનાએ બનાવ્યો હતો, એ બુઝાયા વગર આખું વરસ પ્રજ્વલિત રહી શકતો, કારણ કે તેની વાટ ‘કાર્પેથિયન ફ્લેક્સ’ની બનેલી હતી. – જેને ઍસ્બેસ્ટૉસનું બીજું નામ મનાતું.

પ્લિની માનતા હતા કે આ ખાસ કપડું ભારતના રણવિસ્તારમાં બન્યું હોવાને કારણે આગ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. તડકા અને વરસાદવિહોણા વાતાવરણમાં ભારે ગરમીને કારણે આ વસ્તુ તૈયાર થઈ છે.

બાદમાં એક એવી થિયરી પણ સામે આવી કે આ વસ્તુ સેલામેન્ડરની (કાચિંડા જેવું એક પ્રાણી) ચામડીથી બની છે, જેને મધ્ય યુગમાં વ્યાપકપણે આગ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવનાર વસ્તુ તરીકે જાણીતી હતી.

ઍસ્બેસ્ટૉસ એક પ્રાકૃતિક ખનીજ છે, જે ઇટાલીના એલ્પ્સથી ઑસ્ટ્રેલિયાના સુદૂર વિસ્તારો સુધી ફેલાયેલા સમગ્ર વિશ્વના પર્વતીય ભંડારમાં મળી આવે છે.

આનાં ઘણાં સ્વરૂપ હોઈ શકે છે, જેનો આધાર તેનો ઉપયોગ શાના માટે થઈ રહ્યો છે તેના પર હોય છે, પરંતુ માઇક્રોસ્કોપમાં જોતાં એક એ એક કઠોર, સોયના આકારવાળા રેશા સ્વરૂપે દેખાય છે.

આમ તો એ નરી આંખે જોતા સરળતાથી તૂટી શકે એવું દેખાય છે, પરંતુ તેને સરળતાથી નષ્ટ કરી શકાતું નથી.

આ અગ્નિરોધક તેમજ રાસાયણિક સ્વરૂપે નિષ્ક્રિય હોય છે. તેથી બૅક્ટેરિયા જેવા જૈવિક એજન્ટ પણ તેને તોડી શકતા નથી.

આ સિવાય ઍસ્બેસ્ટૉસ તેની સ્થિતિસ્થાપકતાના ગુણના કારણે ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાંથી જ ઘરેલુ કામો માટે ઉપયોગી બની ગયું હતું.

અન્ય કામોમાં ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ

ઍસ્બેસ્ટૉસ પર આગની અસર ઓછી થાય છે, આ સિવાય પણ તેની અન્ય ખૂબીઓ છે. એ જ કારણે તે એક જરૂરી ઘરગથ્થુ સામાન પણ બની ગયો હતો.

વર્ષ 1930માં પુરાતત્ત્વવિદોને ફિનલૅન્ડની સૌથી સ્વચ્છ કહેવાતા સરોવર જુઓજાર્વીના કાંઠે કેટલાંક પ્રાચીન વાસણ મળી આવ્યાં હતાં. બાદમાં તપાસમાં ખબર પડી કે આ વાસણોમાં ઍસ્બેસ્ટૉસનાં તત્ત્વો છે.

ઍસ્બેસ્ટૉસની લોકપ્રિયતામાં ક્યારેય ઘટાડો નહોતો થયો અને જૂના જમાનામાં તો આ જીવલેણ ખનીજનો કારોબાર જાણે ખીલી ઊઠ્યો.

શારલેમેન ઈસવીસ 800માં પવિત્ર રોમન સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ બન્યા. શારલેમેન વિશે કહેવાય છે કે તેમને ભોજનસમારંભ રાખવાનો ભારે શોખ હતો અને આ વાતને તેમની રાજદ્વારી સફળતા સાથે સાંકળીને જોવામાં આવે છે.

પુરાણી માન્યતાઓ અનુસાર, આવા પ્રસંગોએ તેમની પાસે એક ચળકતા સફેદ રંગનું ટેબલ ક્લૉથ રેહતું, જે ઍસ્બેસ્ટૉસથી બનેલું હતું. ભોજનસમારંભ દરમિયાન ઘણી વાર તેઓ આ ટેબલ ક્લૉથને આગમાં ફેંકી દેતા.

ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ યુદ્ધ દરમિયાન પણ કરાતો. કૅટપલ્ટ નામની મોટા આકારની એક ગલોલનો ઉપયોગ હથિયાર સ્વરૂપે થતો. તેનો ઉપયોગ ખ્રિસ્તી ધર્મયુદ્ધો દરમિયાન થતો.

લાકડાની બનેલી આ વસ્તુથી મોટા આકારની વસ્તુઓ, જેમ કે સળગતો કોલસો દુશ્મન ટાર્ગેટ પર ફેંકાતો. આ કોલસો જે બૅગમાં મુકાઈને ફેંકાતો, એ ઍસ્બેસ્ટૉસની બનેલી રહેતી.

ઍસ્બેસ્ટૉસને કારણે આ હથિયાર પોતાના ટાર્ગેટ પર પહોંચતા પહેલાં સંપૂર્ણપણે સળગતાં નહોતાં. આ સિવાય જંગના મેદાનમાં પહેરાતાં બખતર (કવચ)માં પણ ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ કરાતો. આ કવચ પહેરનારને ગરમ રાખવામાં મદદ કરતું.

જોકે, બારમી સદીમાં ઍસ્બેસ્ટૉસનો વધુ એક ઉપયોગ સામે આવ્યો. વર્ષ 2014માં વૈજ્ઞાનિકોને સાઇપ્રસમાં બૈજંટાઇન કાળની એક દીવાલ પર કરાયેલા પેઇન્ટિંગમાં ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ થતો હોવાના સંકેત મળ્યા.

ઇતિહાસમાં મોટા ભાગના સમય દરમિયાન તેને એક કામની વસ્તુ જ સમજવામાં આવ્યું છે. એ અત્યંત મોંઘું પણ હતું. પ્લિની પણ કહેતા કે તેમના સમયમાં ઍસ્બેસ્ટૉસ મોતી કરતાં પણ મોંઘું હતું.

19મી સદીના અંત ભાગમાં કૅનેડા અને અમેરિકામાં આના મોટા ભંડાર હોવાની વાત ખબર પડી અને તેના ઉપયોગમાં ભારે ઉછાળો આવ્યો. પ્રથમ વખત તેનો ઉપયોગ પાવરપ્લાન્ટ અને બાષ્પથી ચાલતાં એન્જિનોમાં થવા લાગ્યો.

અને ખૂબ જ ઓછા સમયમાં એ સામાન્ય લોકોનાં ઘરો સુધી પહોંચી ગયું.

હજારો વર્ષો સુધી આની જે ખાસિયતને કારણે લોકો તેને પસંદ કરતા, ફરી એક વાર તેનો ઉપયોગ થર્મલ ઇન્સુલેશન અને આગથી બચાવ માટે થવા લાગ્યો.

20મી સદીના અંત ભાગ સુધી તેનો ઉપયોગ એટલો વધી ગયો કે પાણીની પાઇપ પણ ઍસ્બેસ્ટૉસથી બનવા લાગી.

ઝેરી હોવાના સંકેત

જોકે, પહેલાંના સમયમાં ઍસ્બેસ્ટૉસ ઝેરી હોવાના સંકેત તો સામે આવવા લાગ્યા હતા, પરંતુ સમય પસાર થતાં આ વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી ગઈ.

વર્ષ 1899માં 33 વર્ષના એક કાપડ મિલમજૂરનું મૃત્યુ થયું. તેઓ પ્લમોનરી ફાઇબ્રોસિસથી પીડાતા હતા. એક અંગ્રેજ ડૉક્ટરને તેમના ઇલાજ જણાયું હતું કે તેમની બીમારીનું કારણ ઍસ્બેસ્ટૉસ હતું.

ઍસ્બેસ્ટૉસના કારણે થયેલા મૃત્યુનો આ પ્રથમ કન્ફર્મ કેસ હતો.

આ ઘટનાના 100 વર્ષ બાદ 1999માં ઍસ્બેસ્ટૉસ પર પ્રતિબંધ લાદી દેવાયો. પરંતુ તેની મદદથી બનેલી ઇમારતોનો હજુ પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

જેમ જેમ આ ઇમારતો કમજોર પડશે, તેમ તેમ તેનાથી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો પેદા થઈ શકે છે.

વિશ્વના અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે અને ઘણી જગ્યાએ ઍસ્બેસ્ટૉસનો હજુ પણ ઉપયોગ થઈ રહ્યો છે.

અમેરિકા હજુ પણ ઍસ્બેસ્ટૉસની આયાત કરે છે. જોકે, ત્યાં પર્યાવરણ સંરક્ષણ માટેની જવાબદારી સરકારી એજન્સી આના ઉપયોગને ઘટાડવાના ઉપાયોનું અધ્યયન કરી રહી છે.

ફ્રેંકલિનનું પર્સ આજેય આપણને એ વાતની યાદ કરાવે છે કે ઍસ્બેસ્ટૉસ હજુ પણ આપણો પીછો કરી રહ્યું છે. એવી જગ્યાઓએ પણ જેના અંગે આપણે વિચાર્યું સુધ્ધાં નથી.