You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાલચંદ હીરાચંદઃ એ ગુજરાતી ક્રાંતિકારી ઉદ્યોગપતિ જેમણે ભારતમાં જહાજ, વિમાન અને વાહનના ઉત્પાદનનો પાયો નાખ્યો
- લેેખક, હર્ષલ આકુડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
18મી સદીમાં ગુજરાતના ઈડરમાંથી અનેક જૈનોએ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું. આ રીતે વાલચંદના દાદા નેમચંદ સૌપ્રથમ સતારાના ફલટનમાં આવ્યા હતા. ત્યાં તેમણે યાર્ન અને કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પરંપરાગત ધિરાણ પેઢી પણ શરૂ કરી હતી.
આ પેઢીમાંથી તેમના પુત્ર હીરાચંદ અને ત્યાર બાદ પૌત્ર વાલચંદે વેપારમાં પગ મૂક્યો હતો.
પરંતુ આ ગુજરાત પરિવારના પુત્ર વાલચંદે પોતાની ઉદ્યમસાહસિકતાથી ભારતમાં અંગ્રેજોના જમાનામાં ઉદ્યમોનું જે રીતે સામ્રાજ્ય સ્થાપ્યું તેનું ભારતની આર્થિક સ્વતંત્રતામાં મહત્ત્વનું સ્થાન છે.
સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે શું જરૂરી હોય છે? મૂડી, માનવબળ કે સરકારની પ્રોત્સાહક યોજનાઓ?
એમ સમજો કે આ સ્વાતંત્રતાનો સમયગાળો છે, પરિણામે સરકારી પ્રોત્સાહનોની શક્યતા બહુ ઓછી છે તો શું કરવાનું?...પણ એક ઉદ્યોગસાહસિક એવી વિકટ પરિસ્થિતિમાં ઊભો રહે છે અને દૃઢનિર્ધાર તથા દૂરંદેશી વડે એક પછી એક ઉદ્યોગનો પાયો નાખે છે.
એટલું જ નહીં, તેઓ ભવિષ્યની જરૂરિયાતને સમજીને દેશની સૌપ્રથમ વિમાન નિર્માણ કંપની પણ શરૂ કરે છે. સાથે જ દેશભક્તિનું તીર લઈને પ્રસંગોપાત સરકાર સામે કડક વલણ પણ અપનાવે છે.
આ કથા કદાચ અવિશ્વનીય અને ફિલ્મ માટે યોગ્ય લાગે, પરંતુ આ વાલચંદની કહાણીની વાસ્તવિકતા છે.
ઓછાં સંસાધનો અને પૂરતાં વાહનોના અભાવે 50-100 કિલોમીટરની મુસાફરી માટે આખો દિવસ પસાર કરવો પડતો હતો એવા સમયમાં વાલચંદ હીરાચંદે સમગ્ર દેશમાં ઉદ્યોગોનું નેટવર્ક ઊભું કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશની સૌપ્રથમ ઍરક્રાફ્ટ ફેકટરીની સાથે આધુનિક શિપબિલ્ડિંગ ફેકટરી અને ફોર-વ્હીલર ફેકટરી શરૂ કરવાનું શ્રેય પણ વાલચંદ હીરાચંદને આપવામાં આવે છે.
આઠમી એપ્રિલ એટલે વાલચંદ હીરાચંદનો સ્મૃતિ દિવસ. 1953ની આઠમી એપ્રિલે વાલચંદ હીરાચંદનું અવસાન થયું હતું, પરંતુ જતા પહેલાં તેઓ દેશ માટે એક મહાન વારસો છોડતા ગયા હતા.
હાલમાં જ તેમનો 70મો સ્મૃતિદિવસ ગયો ત્યારે વાંચો તેમની અદ્ભુત જીવનયાત્રા વિશે.
સોલાપુરના સુપુત્ર વાલચંદ
વાલચંદ હીરાચંદનું સંપૂર્ણ નામ વાલચંદ હીરાચંદ દોશી. તેમનો જન્મ 1882ની 23 નવેમ્બરે મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો.
18મી સદીમાં ગુજરાતના ઈડરમાંથી અનેક જૈનોએ મહારાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું. આ રીતે વાલચંદના દાદા નેમચંદ સૌપ્રથમ સતારાના ફલટનમાં આવ્યા હતા. ત્યાં તેમણે યાર્ન અને કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પરંપરાગત ધિરાણ પેઢી પણ શરૂ કરી હતી.
થોડા સમય પછી તેઓ સોલાપુરમાં સ્થાયી થયા હતા. નેમચંદના પુત્ર હીરાચંદ પણ પિતાને પેઢીના કામમાં મદદ કરવા લાગ્યા હતા. તેઓ સોલાપુરની સાથે મુંબઈ ખાતે પોતાનો પરંપરાગત વ્યવસાય સંભાળતા હતા. એ ઉપરાંત તેમણે સોલાપુર અને ઔરંગાબાદમાં કાપડ મિલોના એજન્ટ તરીકે પણ કામ કર્યું હતું.
પિતા હીરાચંદ અને માતા રાજુબાઈને ત્યાં વાલચંદનો જન્મ થયો હતો. તેમના બે મોટાભાઈ પણ હતા. તેમના નામ માણિકચંદ અને જીવરાજ.
વાલચંદના જન્મના થોડા સમયમાં જ તેમનાં માતા રાજુબાઈનું નિધન થયું હતું. એ પછી વાલચંદનો ઉછેર તેમનાં કાકીએ કર્યો હતો.
દરમિયાન, હીરાચંદ કામકાજ અર્થે મુંબઈમાં સ્થાયી થયા હતા અને સખુબાઈ સાથે તેમનાં બીજા લગ્ન થયાં હતાં. હીરાચંદ અને સખુબાઈને ત્યાં ગુલાબચંદ, રતનચંદ અને લાલચંદ નામનાં ત્રણ સંતાનનો જન્મ થયો હતો.
પ્લેગને કારણે પરિવાર પર સંકટ, અભ્યાસ છોડ્યો
પિતાનો બિઝનેસ મુંબઈમાં હોવાથી વાલચંદનું શાળાકીય શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શરૂ થયું હતું, પણ એ દિવસોમાં મુંબઈમાં પ્લેગ વારંવાર ફેલાતો હતો. તેથી તેમણે મુંબઈ છોડવું પડ્યું હતું.
ત્રણ વર્ષ પહેલાં ફેલાયેલા કોરોના વાયરસની વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવન પર થયેલી વિપરીત અસર આપણે જોઈ રહ્યા છીએ. આવું જ 120 વર્ષ પહેલાં પ્લેગને કારણે વાલચંદ હીરાચંદના કિસ્સામાં થયું હતું.
મુંબઈમાં શાળા અભ્યાસ છોડીને સોલાપુર પાછા ફરેલા વાલચંદ 1899માં સોલાપુરની નૉર્થકોટ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. એ પછીના અભ્યાસ માટે વાલચંદ ફરી મુંબઈ આવ્યા હતા અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા હતા, જ્યાં તેમણે ઇન્ટર (બારમા) ધોરણની પરીક્ષા પાસ કરી હતી.
દરમિયાન વાલચંદનાં લગ્ન પણ થઈ ગયાં હતાં. તેમના સંસારની ગાડી પાટા પર ચડી હતી ત્યાં મુંબઈમાં પ્લેગની ફરી શરૂઆત થઈ હતી. તેથી તેમણે વધુ શિક્ષણ માટે પૂણેની ડેક્કન કૉલેજમાં એડમિશન લીધું હતું.
ડેક્કન કૉલેજમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાં બી.એ.ના અભ્યાસનો પ્રારંભ કર્યો તેની સાથે જ ત્યાં પણ પ્લેગ ફેલાયો હતો અને તેની વાલચંદના અભ્યાસ પર માઠી અસર થઈ હતી.
વાલચંદના બે મોટાભાઈ માણિકચંદ અને જીવરાજ 1903માં પ્લેગને કારણે મૃત્યુ પામ્યા હતા. એ બન્ને પરિવારનો બિઝનેસ સંભાળતા હતા. બન્ને કર્તાહર્તા ગૂમાવવાને કારણે હીરાચંદ ચિંતાતુર હતા.
એ વખતે વાલચંદે પિતાને બિઝનેસમાં મદદ કરવા અભ્યાસ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ હીરાચંદ માનતા હતા કે વાલચંદે અભ્યાસ અધૂરો છોડવો ન જોઈએ. બિઝનેસમાં પડ્યા વિના ભણતર પૂર્ણ કરવું જોઈએ.
જોકે, વાલચંદે પિતાની વાત સાંભળ્યા વિના અભ્યાસ છોડી દીધો હતો અને સોલાપુર પાછા ફર્યા હતા. તેમણે તેમની મુંબઈની પેઢી પણ બંધ કરી દીધી હતી. એ પછી વાલચંદે તેમના પિતાને બિઝનેસમાં મદદ કરવા લાગ્યા હતા.
કૉન્ટ્રેક્ટના ‘સેકન્ડરી’ બિઝનેસમાં પ્રવેશ
હીરાચંદે પોતાનો બિઝનેસ આગળ ધપાવવાની સાથે વાલચંદને જુવારના ખરીદ-વેચાણનો બિઝનેસ શરૂ કરી આપ્યો હતો, પરંતુ એ ધંધામાં વાલચંદને નુકસાન થયું હતું.
એ પછી તેમણે કપાસ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ એમાં પણ નિષ્ફળતા મળી હતી. તેથી હીરાચંદે નક્કી કર્યું હતું કે તેમણે પરંપરાગત બિઝનેસ જ ચાલુ રાખવો જોઈએ.
એ મુજબ, થોડા દિવસ પછી વાલચંદ પિતાના બિઝનેસમાં પ્રવેશ્યા હતા, પરંતુ તેમને એક જગ્યાએ બેસી રહેવાનું અને લોકો પાસેથી વ્યાજ લેતા રહેવાનું પસંદ ન હતું. તેથી વાલચંદ એ બિઝનેસમાંથી બહાર નીકળવાનું વિચારવા લાગ્યા હતા.
પેઢીના પરંપરાગત બિઝનેસને બદલે બીજું કંઈક શરૂ કરવાની મથામણ શરૂ થઈ હતી.
દરમિયાન સોલાપુર કાપડ મિલના એક એજન્ટની ભલામણથી હઝરત ખાન નામના એક કોન્ટ્રેક્ટર વાલચંદને મળવા આવ્યા હતા. હઝરત ખાન સોલાપુર કાપડ મિલને લાકડા તથા કોલસો સપ્લાય કરતા હતા.
હઝરત ખાન પાસે કામ બહુ હતું, પરંતુ મૂડીના અભાવે તેઓ બિઝનેસ વિસ્તારી શકતા ન હતા.
હઝરત ખાને વાલચંદને કૉન્ટ્રેક્ટના બિઝનેસમાં પૈસા રોકવાની ઑફર આપી હતી, પરંતુ પિતા હીરાચંદે વાલચંદને એ ધંધામાં ન જોડાવાની સલાહ આપી હતી.
હીરાચંદ માનતા હતા કે પેઢીનો બિઝનેસ પ્રતિષ્ઠાનો ધંધો છે. તેની સરખામણીએ કૉન્ટ્રેક્ટનો ધંધો ગૌણ ગણાય. તેથી તેમના પુત્રએ કૉન્ટ્રેક્ટના ધંધામાં જોડાય એ હીરાચંદને નામંજૂર હતું.
વાલચંદના મનમાં કંઈક બીજું જ આકાર લઈ રહ્યું હતું.
કંઈક નવું કરવાના ઈરાદાથી વાલચંદે પિતાની નારાજગી વહોરી લઈને કાકાની મદદથી કૉન્ટ્રેક્ટિંગના બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો.
તેમાં તેમને મોટો લાભ પણ થયો હતો. જુવાર-કપાસના ધંધામાં નુકસાની ભોગવી ચૂકેલા વાલચંદને આ બિઝનેસમાં નફો થયો હતો.
ફાટક ઍન્ડ વાલચંદ
વાલચંદનો સ્વભાવ નવા-નવા પડકાર સ્વીકારવાનો હતો. તેથી નવા-નવા બિઝનેસમાં પ્રવેશવાની તેમની શોધ સતત ચાલુ રહી હતી.
એ દરમિયાન વાલચંદને વધુ એક તક મળી હતી.
સોલાપુર ઍક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી ચૂકેલા અને પછી નોકરી છોડીને કૉન્ટ્રેક્ટના બિઝનેસ ભણી વળેલા લક્ષ્મણ બળવંત ફાટક સાથે વાલચંદની મુલાકાત થઈ હતી.
લક્ષ્મણ ફાટકે નોકરી છોડ્યા પછી રેલવેના કેટલાંક કામ કૉન્ટ્રેક્ટ ધોરણે પૂર્ણ કર્યાં હતાં. તેમણે પોતાની આર્થિક શક્તિના આધારે આ કામમાં સારી એવી સફળતા મેળવી હતી, પણ હવે કોન્ટ્રેક્ટના બિઝનેસમાં કશુંક મોટું કરવાના આશયથી તેઓ બિઝનેસ વિસ્તારવા ઇચ્છતા હતા.
એ માટે જરૂરી મૂડી મેળવવા ફાટક વાલચંદને મળ્યા હતા. વાલચંદ અને ફાટક અગાઉથી એકમેકના પરિચયમાં હતા, પરંતુ બિઝનેસના હેતુસર બન્ને પહેલીવાર સાથે આવ્યા હતા. તેમણે ફાટક ઍન્ડ વાલચંદ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની સ્થાપીને કામકાજ શરૂ કર્યું હતું.
લક્ષ્મણ ફાટક અને વાલચંદ હીરાચંદે સાથે મળીને યેડશીથી તડવળ સુધીની લગભગ 11 કિલોમિટર લાંબી રેલવે લાઇનનું નિર્માણ કર્યું હતું.
પિતા હીરાચંદ આ કામનો પણ વિરોધ કરતા હતા, પરંતુ કાકા સખારામ ફરી વાલચંદની મદદે આવ્યા હતા. ફાટક ઍન્ડ વાલચંદ કંપનીએ તે કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
વાલચંદ કૉન્ટ્રેક્ટિંગના બિઝનેસમાં પ્રવેશ્યા ત્યારે લક્ષ્મણ ફાટકને વિચાર આવ્યો હતો કે તેઓ પેઢી ચલાવતા પરિવારના છે અને કૉન્ટ્રેક્ટિંગના બિઝનેસમાં કાયમ રહેશે નહીં. પૈસા મળી જશે એટલે છૂટા થઈ જશે, પરંતુ વાલચંદ પોતે દરેક કામ વખતે હાજર રહેતા હતા.
બાદમાં તેમને રેલવેમાં અનેક કોન્ટ્રેક્ટ મળ્યા હતા. તેમાં મુંબઈના બોરીબંદરથી કરી રોડ વચ્ચે બે રેલવે લાઇન, હાર્બર રેલવે બ્રાન્ચના રે રોડ અને કુર્લા વચ્ચે બે રેલવે લાઇનના કામનો ઉલ્લેખ જરૂરી છે.
બોરીબંદર-કરી રોડનો કૉન્ટ્રેક્ટ ફાટક ઍન્ડ વાલચંદને ન મળે એટલા માટે મુંબઈમાં સ્થાપિત કૉન્ટ્રેક્ટરોએ અનેક પ્રયાસ કર્યા હતા.
બહારના કૉન્ટ્રેક્ટરો મુંબઈમાં શું કામ કરશે, એવું કહીને ટોણા પણ માર્યા હતા, પરંતુ એ બધાને પાછળ છોડીને ફાટક ઍન્ડ વાલચંદે તે કૉન્ટ્રેક્ટ મેળવ્યો હતો.
હાર્બર રેલવેમાં રે રોડ-કુર્લા વચ્ચે કામ કરવાનું અત્યંત મુશ્કેલ હતું, કારણ કે તેમાં અનેક જગ્યાએ ટેકરીઓ, ઢોળાવ અને કિચડવાળો વિસ્તાર હતો.
કોઈ કૉન્ટ્રેક્ટર એ કામ હાથ ધરવા તૈયાર ન હતો, પણ વાલચંદ એવા કામનો પડકાર બહાદુરીથી સ્વીકારતા હતા.
એ પછી સાયન, માટુંગા અને બેલગામ લશ્કરી છાવણીનું તેમનું કામ પણ વખણાયું હતું.
પૂણેના ખડકી કેન્ટોનમેન્ટમાં દારુગોળાની ફેકટરી પાસેના વિશાળ ખડકો વિસ્ફોટકો વડે તોડવાના હતા, પરંતુ એ કામ કરવા કોઈ તૈયાર ન હતું, પણ વાલચંદે પૂણેના રાનડે નામના એક કૉન્ટ્રેક્ટર સાથે મળીને આ કામ સ્વીકાર્યું હતું.
રાનડેનાં સાધનો, મજૂરોના ઉપયોગ વડે તેમણે એ કામ પૂર્ણ કર્યું હતું.
પોતાના કામની બળે ફાટક-વાલચંદની જોડીએ 1912ની આસપાસ કૉન્ટ્રેક્ટર તરીકે મોટી નામના મેળવી હતી.
બેધડક નિર્ણય, ધડાકાભેર કામ
કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરતી વખતે વાલચંદ અનેક વખત બેધડક નિર્ણય લેતા હતા અને તેનાથી તેમના સાથીદારોને આશ્ચર્ય થતું હતું.
દાખલા તરીકે, વાલચંદનો ઘોડાગાડી ખરીદવાનો એક કિસ્સો વિખ્યાત છે.
બન્યું એવું કે વાલચંદને બેલગામમાં લશ્કરી છાવણીનો કૉન્ટ્રેક્ટ મળ્યો. ત્યાં અનેક મહિના સુધી કામ ચાલવાનું હતું.
તેથી ત્યાં કામ પર આવનારા લોકોની સુવિધાની વ્યવસ્થા માટે વાલચંદ મુંબઈથી કેટલાક ઍન્જિનિયરોને બેલગામ લઈ ગયા હતા.
બેલગામ પહોંચ્યા ત્યારે ગવર્નરની મુલાકાતને કારણે સલામતીનો જોરદાર બંદોબસ્ત હતો.
વાલચંદ માટે ત્યાં કોઈ વાહન કે રહેવાની સુવિધા મેળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું.
રેલવે સ્ટેશનથી ઘોડાગાડી કરીને તેઓ એક જૂના દોસ્ત પાસે ગયા હતા. તેમની મદદ વડે એન્જિનિયરો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી.
વાહનની સુવિધા સંદર્ભે કેટલીક બાબતો તેમના ધ્યાનમાં આવી હતી.
રેલવે સ્ટેશનથી જે ઘોડાગાડીમાં બેસીને તેઓ આવ્યા હતા તેના માલિક સાથે તેમણે વાતચીત શરૂ કરી હતી.
વાલચંદે ઘોડાગાડીના માલિકને સવાલ કર્યો હતો કે “આ ઘોડાગાડી કેટલા રૂપિયાની છે અને તમને રોજ કેટલી કમાણી થાય છે?”
તેણે ઘોડાગાડીની કિંમત રૂ. 300 જણાવી હતી અને રોજની કમાણીની માહિતી પણ આપી હતી.
વાલચંદે તેને કહ્યું હતું કે “આ લો રૂ. 300. આજથી આ ઘોડાગાડી મેં ખરીદી લીધી છે. હવે એ ચલાવવાનું કામ તું કરીશ? તને રોજ જેટલી કમાણી થાય છે એટલા રૂપિયા હું તને પગાર તરીકે આપીશ. તારે રોજ ઍન્જિનિયરોને તેમના નિવાસસ્થાનેથી કામના સ્થળે પહોંચાડવાના રહેશે.”
એ વખતે વાલચંદનો આ નિર્ણય ઘણાને ગમ્યો નહીં હોય, પરંતુ આ પ્રસંગ પરથી તેમના બેધડક સ્વભાવનો પરિચય મળે છે. વાલચંદ પરિણામની પરવા કર્યા વિના ઘણીવાર આવા નિર્ણય લેતા હતા.
મુશ્કેલ પડકારો સ્વીકારવા અને કોણ પણ કામમાં વિલંબ વિના ઝડપી નિર્ણય લેવા એ તેમની ખાસિયત હતી.
પિતા હીરાચંદને પુત્ર વાલચંદની આ કાર્યશૈલી પસંદ ન હતી. આવી જોખમી રીતે કામ કરશે અને નુકસાન કરશે તો આજ સુધી કમાયા છે એ બધા પૈસા ગુમાવવાનો વારો આવશે એવી ભીતિ તેમને હતી, પરંતુ વાલચંદનું કામ સપાટાભેર ચાલતું રહ્યું હતું.
વાલચંદના બેધડક નિર્ણયથી તેમના પાર્ટનર લક્ષ્મણ ફાટકને પણ ઘણીવાર આઘાત લાગતો હતો.
14 વર્ષ સુધી સાથે કામ કર્યા પછી આખરે પોતાનો ભાગ લઈને તેઓ અલગ થઈ ગયા હતા, પરંતુ વાલચંદે કંપનીનું નામ બદલ્યું ન હતું.
એ પછી પણ ઘણા સમય સુધી તેઓ ફાટક ઍન્ડ વાલચંદ પ્રાઈવેટ લિમિટેડના નામે બિઝનેસ ચલાવતા રહ્યા હતા.
એ પછી પોતાની કંપનીને ટાટા કન્સ્ટ્રક્શન કંપનીમાં વિલીન કરવાનો વાલચંદનો નિર્ણય પણ સાહસિક અને બહાદુરીભર્યો જ કહી શકાય.
ટાટા ગ્રૂપ અને વાલચંદે યોજના બનાવીને 1920માં ધ ટાટા કંપનીની સ્થાપના કરી હતી.
વાલચંદના કુશળ નેતૃત્વ હેઠળ આ નવી કંપનીને ઘણા મહત્ત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત કૉન્ટ્રેક્ટ મળ્યા હતા. એ સફળતાપૂર્વક પૂર્ણ કરવાને કારણે મુંબઈની ઔદ્યોગિક તેજીને વેગ મળ્યો હતો.
દાખલા તરીકે, મુંબઈ-પૂણે રેલવે માર્ગ પર સહ્યાદ્રી પર્વતમાળા(બોરઘાટ)માં ટનલ બનાવવાનું કામ વાલચંદના નેતૃત્વ હેઠળની ટાટા કન્સ્ટ્રક્શન કંપનીએ પૂર્ણ કર્યું હતું.
તેને લીધે મુંબઈ-પૂણે વચ્ચે સીધો રેલવે પ્રવાસ શક્ય બન્યો હતો. તાનસા તળાવનું બાંધકામ પણ ટાટા કન્સ્ટ્રક્શન કંપનીએ જ કર્યું હતું.
જહાજ, વિમાન અને ફોર વ્હીલર ઉદ્યોગના પ્રણેતા
કૉન્ટ્રેક્ટિંગના બિઝનેસ પછી વાલચંદે અન્ય ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાના પ્રયાસ કર્યા હતા.
ભારતના દરિયાકાંઠા પરના શિપિંગ ઉદ્યોગ સંપૂર્ણપણે બ્રિટિશ શિપિંગ કંપનીના તાબામાં હતો એ વાલચંદને કાયમ ખટકતું હતું.
એ દરમિયાન તેમને સાંભળવા મળ્યું હતું કે ગ્વાલિયરના રાજા સિંધિયા તેમનું જહાજ વેચી રહ્યા છે. તેમણે એસએસ લૉયલ્ટી નામનું ભારતીય બનાવટનું એ જહાજ રૂ. 25 લાખમાં ખરીદી લીધું હતું.
તેમનો વિચાર એ જહાજનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રવાસી પરિવહન માટે કરવાનો હતો, પરંતુ તેમાં કેટલુંક સમારકામ કરવું જરૂરી હતું.
ઈંગ્લૅન્ડથી માલસામાન મંગાવીને ભારતમાં જહાજનું સમારકામ કરવું હોય તો તેમાં છ મહિનાનો સમય લાગે તેમ હતું. તેથી થોડું સમારકામ કરાવીને વાલચંદે તે જહાજ ઈંગ્લેન્ડ લઈ જવાનું નક્કી કર્યું હતું.
એસએસ લૉયલ્ટી 1919ની પાંચમી એપ્રિલે મુંબઈથી લંડન જવા રવાના થયું હતું. એ પ્રસંગની સ્મૃતિમાં ભારતમાં પાંચમી એપ્રિલે નેશનલ મેરિટાઇમ ડે ઉજવવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે ભારતીય જહાજની એ પ્રથમ સફરમાં વાલચંદ પોતે પણ હાજર હતા. એ તેમની પહેલી વિદેશ યાત્રા પણ હતી.
જહાજ લંડન પહોંચ્યું પછી ત્યાંની પ્રસ્થાપિત કંપનીઓએ ભારતીય કંપનીના જહાજનું સમારકામ કરવાનો ઇનકાર કર્યો હતો.
કોઈ મજૂર ન મળવાને કારણે વાલચંદ દિવસો સુધી લંડનમાં અટવાઈ પડ્યા હતા. તેમ છતાં તેમણે વાટાઘાટો ચાલુ રાખી હતી. એ મુદ્દે સ્થાનિક અખબારોમાં સમાચાર પ્રકાશિત થયા હતા.
એક તરફ સરકાર વેપાર વધારવાના હેતુસર કાયદાઓ તૈયાર કરે છે, પણ ભારતીય ઉદ્યોગસાહસિકોના માર્ગમાં અડચણ સર્જવામાં આવે છે, એવું જણાવીને વાલચંદે રાજનેતાઓનો સંપર્ક કર્યો હતો. આખરે કામ પૂર્ણ થયા બાદ તેઓ ભારત પાછા ફર્યા હતા.
તેમણે નરોત્તમ મોરારજી સાથે મળીને સૌપ્રથમ ભારતીય શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશનની સ્થાપના કરી હતી. એ પછી તેમના પ્રયાસોને કારણે ભારતીય યુવાનો માટે ડફરિન બોટ પર નાવિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
એ પછી વાલચંદ હૉલેન્ડ ગયા હતા અને ત્યાં શિપ-બિલ્ડિંગ ફેકટરીઓનો અભ્યાસ કર્યા પછી ભારત પાછા ફર્યા હતા. એ પછી તેમણે વિશાખાપટ્ટનમ ખાતે શિપ-બિલ્ડિંગ કેન્દ્રની સ્થાપના કરી હતી.
આ તમામ પ્રયાસોને કારણે ભારતીય શિપિંગ ઉદ્યોગને વ્યાપક સ્વરૂપ મળ્યું હતું.
વાલચંદે 1940માં મૈસુરના મહારાજા સાથે મળીને બેંગલુરુ (બેંગ્લોર)માં ઍરક્રાફ્ટ મૅન્યુફેક્ચરિંગ ફેકટરીની સ્થાપના કરી હતી.
એ કંપનીને હિન્દુસ્તાન ઍરક્રાફ્ટ નામ આપવામાં આવ્યું હતું. તેમાં ભારતીય એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરાયેલા અને સંપૂર્ણ સ્વદેશી સામગ્રી ઉપયોગ વડે પ્રથમ ગ્લાઈડર ઍરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
આ કંપનીની સ્થાપના 1940માં કરવામાં આવી હતી અને 1941માં ભારત ખાતેની બ્રિટિશ સરકારે કંપનીના 33 ટકા શેર ખરીદ્યા હતા. આ કંપનીની ઉપયોગિતાને ધ્યાનમાં લઈને એ પછીના વર્ષે સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
1942માં આ કંપનીની ફેકટરીમાં બનેલાં લાયસન્સવાળા વિમાનો આકાશમાં ઉડવા લાગ્યાં હતાં. આજે એ કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ નામે ઓળખાય છે.
સૌપ્રથમ મોટરકાર જર્મનીમાં 1885માં બનાવવામાં આવી હતી.
ભારતમાં મોટરકારનું ઉત્પાદન શરૂ થતાં એ પછી 60 વર્ષ લાગ્યાં હતાં. તે પણ વાલચંદની પ્રેરણાને લીધે જ શક્ય બન્યું હતું.
વાલચંદ હીરાચંદે 1944માં પ્રીમિયર ઑટોમોબાઇલ્સ લિમિટેડની સ્થાપના કરી હતી, જે મુંબઈમાં કાર ઉત્પાદનની પહેલી ફેકટરી હતી.
પ્રીમિયર કંપની શરૂઆતમાં પ્લાયમાઉથ, ડોજ, દેસોટા અને ફિયાટ જેવી યુરોપિયન કંપનીઓનાં વાહનોનું સમારકામ અને જાળવણીનું કામકાજ કરતી હતી.
ભારત સ્વતંત્ર થયું એ પછી પ્રીમિયર ઑટોમોબાઈલ્સે અમેરિકાની વિશ્વ વિખ્યાત ઑટોમોબાઈલ કંપનીઓ, ક્રાઈસ્લર કોર્પોરેશન તથા ઈટાલીની ફિયાટ સાથે કરાર કરીને ભારતમાં વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
વાલચંદનગર અને રાવળગાંવ
વાલચંદ હીરાચંદ વિશે વાત થાય અને વાલચંદ નગર – રાવળગાંવનો ઉલ્લેખ ન થાય તેવું ક્યારેય બને જ નહીં.
વાલચંદે પૂણે જિલ્લાના ઇન્દાપુરની પશ્ચિમે 38 કિલોમિટર દૂર એક ઔદ્યોગિક શહેર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
અગાઉ એ ગામ કળંબ નામે ઓળખાતું હતું, પણ વાલચંદે એ સ્થળે વિવિધ ઉદ્યોગોનો પાયો નાખ્યો હોવાથી આગળ જતાં તે ગામ વાલચંદનગર નામે પ્રસિદ્ધિ પામ્યું હતું.
વાલચંદનગરમાં માર્સલેન્ડ પ્રાઈઝ કંપનીના સહયોગથી ખાંડ ફેકટરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આજુબાજુમાં પૂરક ધંધાઓ પણ સ્થપાયા હતા. અહીં કામ કરતા કર્મચારીઓ તથા તેમના પરિવારો માટે કૉલોનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વાલચંદનગર વિસ્તારમાં શેરડી મુખ્ય પાક હોવાથી આઝાદી પૂર્વેના સમયગાળા દરમિયાન ભારે અને અદ્યતન ઓજારોની મદદથી શેરડીની ખેતી કરાતી હતી.
કંપની જુવાર, બાજરી, ઘઉં, કપાસ અને શાકભાજી પણ ઉગાડતી હતી અને તે સ્થાનિક કામદારોને રાહત દરે વેચવામાં આવતા હતા. પશુપાલન વડે દૂધ તથા ડેરીઉત્પાદનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શેરડીના કૂચામાંથી કાગળ બનાવવાના, વનસ્પતિ ઘી, સાબુ તથા ડબ્બા બનાવવાના ઉદ્યોગ ઉપરાંત કંપની દ્વારા તેલની મીલ પણ શરૂ કરવામાં આવી હતી.
બાદમાં વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝે ખાંડનું કારખાનું ઈંદાપુર કો-ઑપરેટિવ સુગર ફેકટરીને વેચી નાખ્યું હતું અને તેને ઈંદાપુર તાલુકાના બિજવડી ખાતે ખસેડવામાં આવ્યું હતું.
એ પછી વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝે અન્ય ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રીત કરીને ઔદ્યોગિક મશીનરીના ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.
કંપનીએ ખાંડ મિલો માટે જરૂરી પુરજાઓનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.
ત્યાર બાદ એ કંપનીનું રૂપાંતર સિમેન્ટ, સ્ટીમ જનરેટર, યુદ્ધજહાજો માટે શક્તિશાળી ગિયર બૉક્સ, રિએટેક્ટરના સાધનો વગેરેના જંગી કારખાનામાં થયું હતું.
તેની સાથે અહીં અણુઊર્જા પ્રકલ્પ, સૅટેલાઈટ પ્રક્ષેપણ અને દેશના સંરક્ષણ માટે જરૂરી સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન શરૂ થયું હતું.
વાલચંદનગરની માફક વાલચંદ હીરાચંદે નાસિક જિલ્લાના રાવળગાંવ ખાતે પણ વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા.
અહીં રાવળગાંવ શુગર ફાર્મ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
રાવળગાંવમાં કેરીની કલમો, શેરડી, કપાસ, મગફળી વગેરે વિવિધ પાક લેવાના પ્રયોગ કર્યા હતા. 1933માં માત્ર શેરડીના પાક પર જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
અહીં ઉદ્યોગોના વિકાસની સાથે ખાંડ ઉપરાંત ટૉફી, પિપરમિન્ટ વગેરે જેવી વસ્તુઓનું પણ મોટા પાયે ઉત્પાદન શરૂ થયું હતું.
રાવળગાંવ બ્રાન્ડનેમ હેઠળની અહીંની પ્રોડક્ટ્સ મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે પહોંચી ગઈ છે. પિપરમિન્ટની ગોળીઓ, દૂઘની ટોફી, લેકો બૉનબૉન, પાઉડર, સાકર વગેરેને અહીંના ખાસ ઉત્પાદન ગણવામાં આવે છે.
એ સિવાય અહીં ગોળના ઉત્પાદનનો, શેરડીમાંથી મીણ તથા કાગળના ઉત્પાદનનો, ખાંડના કારખાના માટે જરૂરી મશીનરીના ઉત્પાદનનો, મીઠાઈ માટેનાં કન્ટેનરના ઉત્પાદન વગેરેનો બિઝનેસ પણ મોટા પાયે વિકાસ પામ્યો છે.
વાલચંદનગરની જેમ અહીં પણ ફેકટરીની આસપાસ વસાહતનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સમગ્ર ગામ માટે આરોગ્ય કેન્દ્રો, હૉસ્પિટલો, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ, પોસ્ટ ઑફિસો અને આરામ ગૃહો વગેરેની સુવિધા પણ છે.
સમય જતાં એવું લાગે છે કે વાલચંદનગર અને રાવળગાંવમાં ઉદ્યોગો પડતી થઈ રહી છે.
આત્મનિર્ભર ભારતનું સપનું જોનાર સ્વાતંત્ર્ય સેનાની
કોરોનાકાળ પછી દેશમાં આત્મનિર્ભર શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. કેન્દ્ર સરકાર કહે છે કે આપણે દેશમાં મૅન્યુફેક્ચરિંગને મહત્તમ અગ્રતા આપવી જોઈએ.
જોકે, વાલચંદ હીરાચંદે આ વિચાર આઝાદી પહેલાં જ આગળ ધપાવ્યો હતો.
વાલચંદ એવું સતત કહેતા હતા કે “અંગ્રેજો આ દેશમાંથી કાચો માલ લઈ જાય છે. તેને પ્રોસેસ કરીને પાછો ભારતમાં જ વેચે છે તો આપણે એવી વસ્તુઓનું ઉત્પાદન શા માટે ન કરવું?”
અસહકાર આંદોલન દરમિયાન 1930માં મહાત્મા ગાંધીની ધરપકડ બાદ વાલચંદ હીરાચંદે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર મારફતે મહાત્મા ગાંધીને તત્કાળ મુક્ત કરવાની માગણી કરતો પ્રસ્તાવ પણ પાઠવ્યો હતો.
શાસકો દેશમાંના ઉદ્યોગોની અવગણના કરતા હોવાના મુદ્દે વાલચંદને મહાત્મા ગાંધી તથા જવાહરલાલ નેહરુ સાથે કેટલાક મતભેદ પણ હતા.
એ સમયે વાલચંદ તેમના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદઘાટન માટે મોટા નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓને વિચારપૂર્વક આમંત્રણ આપતા હતા.
આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં વાલચંદ હીરાચંદે સ્વદેશીની હિમાયત કરીને ભારતને સ્વાવલંબી બનાવવાની ઝૂંબેશમાં ચોક્કસપણે બહુ મોટી ભૂમિકા ભજવી હતી.
વાલચંદ હીરાચંદ વિશેના મરાઠી પુસ્તક ‘જિંકિલે ભૂમિ, જલ આકાશ’માં સવિતા ભાવેએ લખ્યું છે કે “લોકમાન્ય ટિળકે ભારતીય સ્વતંત્રતાનો પાયો નાખ્યો હતો.
તેમની પરંપરાને મહાત્મા ગાંધીએ આગળ ધપાવી હતી.
વાલચંદ હીરાચંદની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરતાં એવું સમજાય છે કે લોકમાન્યની ચળવળનો બીજો ભાગ આર્થિક સ્વતંત્રતા માટેનો સંઘર્ષ હતો અને તેનું નેતૃત્વ વાલચંદે યોગ્ય રીતે કર્યું હતું.”
સવિતા ભાવેએ એમ પણ લખ્યું છે કે “વાલચંદનું ક્ષેત્ર અલગ હતું અને તેમનો માર્ગ તથા કાર્યક્ષેત્ર પણ રાજકીય સંઘર્ષથી અલગ હતું.
રાજકીય આંદોલન મુજબ જેલમાં જવું તેને દેશભક્તિની એકમાત્ર નિશાની માનવામાં આવતું હતું, એવા સમયે આર્થિક સ્વાતંત્ર્ય માટે મૂળભૂત કામ કર્યું હોય તેને દેશભક્ત તરીકે બિરદાવી શકાય નહીં.
છતાં પાછું વળીને જોતાં લાગે છે કે સ્વતંત્રતા સંગ્રામના તમામ ઘટકોને ધ્યાનમાં લેવાં જરૂરી છે.”
સવિતા ભાવે ઉમેરે છે કે “જે સમયે અંગ્રેજો આપણા દેશમાં સત્તા મજબૂત કરી રહ્યા હતા ત્યારે કહેવાતું હતું કે તેમના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમશે જ નહીં.
19મી સદીમાં કેટલીક એવી વિભૂતિઓનો જન્મ થયો હતો જેઓ અંગ્રેજો પાસેથી રાજકીય તથા આર્થિક સ્વાતંત્ર્ય છીનવી લેવાના હતા. એ વિભૂતિઓ પૈકીના એક વાલચંદ હીરાચંદ હતા.”