ગુજરાતનો એ યુવાન, જેણે ગર્ભવતી બહેનો અને નવજાતના મૃત્યુને રોકવા ચલાવી રક્તદાનની ઝુંબેશ

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ઇમેજ કૅપ્શન, રક્તદાન કરતા મહેશ લબડા
    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“મારો દીકરો મહેશ જ્યારે પણ રક્તદાન કરે ત્યારે હું તેને ખૂબ વઢતો. મને એમ થતું કે તેનું શરીર ક્યાંક લથડી ન પડે. મને તેની ચિંતા થતી, પણ મહાશિવરાત્રીએ મેં પણ રક્તદાન કર્યું ત્યારથી રક્તદાન વિશેની મારી ખોટી માન્યતા દૂર થઈ.”

આ વાક્ય મહેશના પિતા ફૂલસિંગ લબડાના છે. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા મથકેથી પંદરેક કિલોમિટર દૂર મુવાડા (રૂવાબારી) ગામ આવેલું છે.

અહીં કોળી પટેલ, લબડા, નાયક, બારિયા, દલિત વગેરેની મળીને 3253 લોકોની વસતિ છે. આ ત્રણ હજાર લોકોમાંથી એક ફૂલસિંગ લબડાના 26 વર્ષીય દીકરા મહેશની આ કહાણી છે.

મહેશે બીઆરએસ (બેચલર ઑફ રૂરલ સ્ટડી)નો અભ્યાસ કરતી વખતે ‘એનએસએસ’ (નેશનલ સર્વિસ સ્કીમ)ની એક રક્તદાન શિબિરમાં પહેલી વાર રક્તદાન કર્યું હતું અને એ સમયે તેમને રક્તદાનનું મહત્ત્વ પહેલી વાર સમજાયું હતું. ત્યારબાદ તેઓ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘આનંદી’ સાથે જોડાયા હતા. હાલ તેઓ કૉમ્યુનિટી મોબિલાઈઝર ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે.

GREY LINE

25 વર્ષની માતાના બાળકના મૃત્યુએ હચમચાવી દીધા

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ઇમેજ કૅપ્શન, મુવાડા ગામના લોકો દ્વારા ગામના મંદિર પાસે રક્તદાન

‘આનંદી’ના ‘સ્થાનિક લોકશાહીના મજબૂતીકરણ’ કાર્યક્રમ હેઠળ બારિયા તાલુકાનાં ગામોની ગ્રામસભામાં ભાગ લેવાથી તેમને જાણવા મળ્યું કે, અહીંનાં ગામોની અનેક મહિલાઓમાં 7 ટકાથી ઓછું હિમોગ્લોબીન હોવાથી ગર્ભાવસ્થામાં તેમને આયર્ન સુક્રોઝના ઇન્જેક્શન આપવાની જરૂર પડતી હોય છે.

વળી, જો પ્રસૂતિ વખતે લોહીની જરૂર ઊભી થાય અને તે સમયસર ન મળે તો તે મહિલા અથવા તેમના બાળકના મૃત્યુનું જોખમ ઊભું થાય છે.

મહેશને પોતાના વિસ્તારની મહિલાઓની આ સ્થિતિ વિશે જાણીને દુઃખ થયું હતું. તેથી તેમણે રક્તદાન બાબતે લોકોને જાગરૂક કરવા અને આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે મથામણ શરૂ કરી હતી.

એવામાં વર્ષ 2018માં પ્રસૂતિ દરમ્યાન લોહી ન મળવાને કારણે મહેશના મુવાડા ગામનાં 25 વર્ષના એક સગર્ભાબહેનનાં બાળકનું મૃત્યું થયું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાગરૂકતાના અભાવે ભય પામેલાં એ બહેને આયર્ન સુક્રોઝનાં જરૂરી હતાં એવાં ઇન્જેક્શનો લીધાં નહોતાં. આ બનાવથી મહેશ હચમચી ગયા હતા. તેથી તેમણે સ્થાનિક ગામોમાં આરોગ્ય અંગેની જાગરૂકતાના કામને વેગ આપવાનું નક્કી કર્યું હતું.

એટલું જ નહીં, લોહીના અભાવને કારણે સ્થાનિક ગામોની એક પણ વ્યક્તિ જીવ ગુમાવે નહીં તેની ખાસ કાળજી લેવાનો તેમણે નિર્ધાર કર્યો હતો.

એ દરમ્યાન, તેમના ગામની બીજા એક સગર્ભાબહેનને પ્રસૂતિ માટે બારિયાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે બહેનને લોહી ચડાવવાની જરૂર ઊભી થઈ હતી. એ વખતે મહેશે તેમના સગા કાકાની દીકરીનાં લગ્ન છોડીને, સગર્ભાબહેનને રક્તદાન કરી તેમનો જીવ બચાવવાને પ્રાથમિકતા આપી હતી.

ઉપરોક્ત ઘટના પછી મહેશને લાગ્યું કે, રક્તદાનની ઉમદા પ્રવૃત્તિને ઝુંબેશ તરીકે લીધા વગર હવે ચાલે તેમ નથી. તેથી તેમણે જાન્યુઆરી 2019માં તેમના ગામની ગ્રામસભામાં રક્તદાન શિબિર યોજવાનો વિચાર રજૂ કર્યો હતો.

મુવાડાની 10 સભ્યોની પંચાયત બોડીમાંથી ચાર પંચાયત-સભ્યો અને સરપંચ સરતનભાઈ પટેલે મહેશની વાતને સમર્થન તો આપ્યું હતું, પણ શિબિરમાં રક્તદાન કરવા માટે ગ્રામજનોને સમજાવવા કેવી રીતે એવી મૂંઝવણ પણ રજૂ કરી હતી.

રક્તદાન બાબતે લોકોની ગેરસમજ અંગે સરપંચ સરતનભાઈ કહે છે કે, “અહીંના ગામલોકો એવું માને છે કે, લોહી આપીએ તે પછી શરીરમાં કાયમ માટે લોહી રહે નહીં, આપણે કાયમ માટે બીમાર પડી જઈએ અને પથારીવશ થઈ જવું પડે,” ગ્રામજનોને આ બાબતે સમજાવવા કેવી રીતે એ મૂંઝવણ હતી.

GREY LINE

રક્તદાનની પ્રવૃત્તિને ઝુંબેશ બનાવવા ગ્રામપંચાયતનો સાથ લીધો

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની વાત કરીએ તો, એપ્રિલ 2021થી જાન્યુઆરી 2023 દરમ્યાન તાલુકાની 13 મહિલાઓનાં પ્રસૂતિ દરમ્યાન જુદાં-જુદાં કારણોથી મૃત્યુ થયાં હતાં. તેમાં મોટા ભાગની મહિલાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું હતું.

ગ્રામીણ વિસ્તારોમાં લોહીના અભાવે કે શરીરમાં લોહીની ઊણપથી થતાં માતા-મૃત્યુ કે બાળમૃત્યુનો દર ઘટાડવા માટે વધુને વધુ લોકો નિયમિત રીતે રક્તદાન કરે એ અત્યંત આવશ્યક હોય છે.

રક્તદાનનું પ્રમાણ વધે તે માટે સ્થાનિક લોકો અને પંચાયત પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. અને બારીયા તાલુકાના મુવાડા (રૂવાબારી) ગામના યુવાન મહેશ લબડા અને મુવાડા (રૂવાબારી) પંચાયતે આ જ કાર્ય પાર પાડ્યું.

GREY LINE

ગૂગલ પરથી ગોધરાસ્થિત રેડ ક્રૉસ સોસાયટીનો સંપર્ક શોધી કાઢ્યો

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન રેડ ક્રૉસ સોસયાટી-ગોધરાની શિબિરમાં રક્તદાન

મહેશ, સરપંચ અને ગામના બીજા એક યુવાન સુરેશ પગીએ રક્તદાન બાબતે લોકોનો ભય દૂર કરવા માટે આ વખતે પોતે જ રક્તદાન કરીને દાખલો બેસાડવાનું નક્કી કર્યું હતું.

તે માટે તેઓએ ગામમાં જ ફેબ્રુઆરી 2020માં એક રક્તદાન શિબિર યોજી હતી, પરંતુ બ્લડ એકત્ર કરવા કોને કહેવું એ સવાલ તેમની સામે આવી ઊભો હતો.

મહેશ, સરપંચ સરતન અને તેમના યુવા સાથીઓએ ગૂગલ પર બ્લડ બૅન્ક વિશેની વિગતો શોધવાનું શરૂ કર્યું હતું.

આખરે તેમણે ગોધરાસ્થિત રેડ ક્રૉસ સોસાયટીનો સંપર્ક મળ્યો હતો. રેડ ક્રૉસ સોસાયટીએ રક્તદાન શિબિરનું આયોજન કરવાની તેમની વાતને વધાવી લીધી હતી. ઉપરાંત ઓછામાં ઓછું 15 યુનિટ રક્તદાન થાય એવું આયોજન કરવાની જાણ તેમને કરવામાં આવી હતી.

મુવાડા ગામના ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલી આ રક્તદાન શિબિરમાં સૌના સહિયારા પ્રયાસથી 15 યુનિટના લક્ષ્યાંક સામે 34 યુનિટ રક્તદાન થયું હતું.

ત્યારબાદ માત્ર મુવાડા જ નહીં, આસપાસનાં ઘણાં ગામો સુધી રક્તદાન શિબિરની સફળતાની વાત પહોંચી હતી.

રેડ ક્રૉસ સોસાયટી-ગોધરા સાથે જોડાયેલા નિવૃત્ત મેડિકલ ઑફિસર આર.કે. ચૌહાણ કહે છે કે, “મહેશભાઈ દર ત્રણ મહિને પોતે રક્તદાન કરે છે અને 40થી વધુ લોકોને દર ત્રણ મહિને રક્તદાન કરાવડાવે છે. તે ક્યારેક તો પોતે સામે ચાલીને રેડ ક્રૉસમાં આવીને રક્તદાન કરે છે."

તેમણે વધુમાં કહ્યું, "બારિયા તાલુકામાં વર્ષમાં આશરે 250 લોહીની બૉટલોની જરૂર પડતી હોય છે. મોટા ભાગે સગર્ભા મહિલાઓને તેમ જ સિકલસેલ તથા થેલેસેમિયાના દર્દીઓને લોહી ચઢાવવાની જરૂર પડે છે. તેમાંથી મહેશભાઈના પ્રયત્નોના કારણે ઓછામાં ઓછી 25થી 30 બૉટલો પ્રાપ્ત થાય છે.”

GREY LINE

મહેશે પોતે 20 વાર રક્તદાન કર્યું

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ઇમેજ કૅપ્શન, મહેશ લબડા રક્તદાન કરતા સમયે

પોતાના ગામથી રક્તદાનની શરૂઆત કર્યા પછી મહેશ અને તેમના ગામની પંચાયતે રક્તદાનની પ્રવૃત્તિને જાણે જબરદસ્ત ઝુંબેશ બનાવી દીધી હતી. અત્યાર સુધીમાં મહેશે પોતે 20 વાર રક્તદાન કર્યું છે.

મહેશે તેમના જેવા 15 યુવક-યુવતીઓની ટીમ બનાવીને રક્તદાન માટે સ્થાનિક લોકોને પણ માનસિક રીતે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. હવે તેઓ અવારનવાર કોઈકને કોઈક ગામમાં રક્તદાન શિબિર યોજે છે અને માનવ જીવ બચાવવાનું ઉમદા કાર્ય કરે છે.

રક્તદાનને વેગ આપવાના મહેશ લબડાના પ્રયાસ વિશે અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ મેડિકલ ઑફિસર ડૉ. દિલીપ ગોંસાઈ કહે છે કે, “મહેશે સ્થાનિક વિસ્તારના લોકોને રક્તદાન માટે પ્રેરવાનું ઉમદા કામ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં અમે તેના પ્રયાસથી અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેજા હેઠળ, દાહોદ જિલ્લામાં 7થી 8 વાર રક્તદાન શિબિરો યોજી શક્યા છીએ અને લગભગ 354 યુનિટથી વધારે યુનિટ રક્ત એકઠું કરી શક્યાં છીએ.”

મહેશે રક્તદાન શિબિરો કરવાની સાથેસાથે આખા દેવગઢબારિયા તાલુકામાં રક્તદાન બાબતે જાગૃતિ આણવાનું તથા રક્તદાતાઓને એક મંચ પૂરો પાડવાનું નક્કી કર્યું હતું.

તે માટે તેમણે તેમના બીજા યુવામિત્રો સાથે મળીને ‘રક્તદાતા પરિવાર ગ્રૂપ’ નામનું વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે.

આ ગ્રૂપમાં બારિયા તાલુકાનાં જુદાજુદા ગામોના 200થી વધુ રક્તદાતાઓ જોડાયેલા છે. બારિયા તાલુકામાં ક્યાંય પણ લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ગ્રૂપના સભ્યો એકબીજા સાથે સંકલન કરીને રક્તદાન કરવા પહોંચી જાય છે.

RED LINE
  • બારિયા તાલુકામાં છેલ્લાં બે વર્ષમાં 13 મહિલાઓનાં પ્રસૂતિ દરમ્યાન મૃત્યુ થયાં
  • સ્થાનિક આદિવાસી મહિલાઓમાં 7 ટકાથી ઓછું હિમોગ્લોબીન
  • પિતરાઈ બહેનનાં લગ્નમાંથી નીકળીને કર્યું રક્તદાન
  • લોહી આપીએ તો શરીરમાં કાયમ માટે લોહી રહે નહીં એવી ગેરમાન્યતા હતી
  • રક્તદાનની પ્રવૃત્તિને ઝુંબેશ બનાવીને ગ્રામપંચાયતનો સાથ લીધો
  • 15 યુનિટના લક્ષ્યાંક સામે 34 યુનિટ રક્તદાન થયું
  • દર ત્રણ મહિને રક્તદાન કરે અને 40થી વધુ લોકોને કરાવડાવે છે
  • મહેશે પોતે 20 વાર રક્તદાન કર્યું છે
  • 15 યુવક-યુવતીઓની ટીમ બનાવીને રક્તદાન માટે સ્થાનિક લોકોને પણ માનસિક રીતે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું
  • 7થી 8 વાર રક્તદાન શિબિરો યોજી શક્યા છીએ અને લગભગ 354 યુનિટથી વધારે યુનિટ રક્ત એકઠું કરી શક્યાં
  • વૉટ્સએપ ગ્રૂપ બનાવીને બારીયા તાલુકાનાં જુદાજુદાં ગામોના 200થી વધુ રક્તદાતાઓને જોડ્યા
RED LINE

‘પ્રજનન સ્વાસ્થ્ય સમુદાય અને સ્થાનિક શાસનનો મુદ્દો’

રક્તદાન વિશેની માહિતી

ઇમેજ સ્રોત, SANJAY DAVE

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન રેડ ક્રૉસ સોસયાટી-ગોધરાની શિબિરમાં રક્તદાન

મહેશ લબડા અને તેમની પંચાયતના આ પ્રેરણાદાયી કાર્ય વિશે ‘આનંદી’નાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીતા હર્ડિકર કહે છે કે, “મુવાડા ગામના યુવાનો અને પંચાયતના સામૂહિક પ્રયાસથી એનિમિયા અને સગર્ભા-ધાત્રી-નવજાત બાળકના જીવનમાં આવતાં જોખમોને ટાળવાનું કામ આપણને બે મહત્ત્વના સંદેશા આપે છે. એક તો એ કે, પ્રજનન સ્વાસ્થ્ય તથા માતૃત્વ દરમ્યાન સારવારની વ્યવસ્થા એ માત્ર બહેન કે તેના પરિવાર માત્રનો મુદ્દો નથી, સમુદાય તથા સ્થાનિક શાસન વ્યવસ્થાની પણ જવાબદારી છે.”

તેઓ કહે છે, “સમયસર લોહીની ઉપલબ્ધતા, ખાસ કરીને, યુવતીઓ અને મહિલાઓનાં પ્રજનન સ્વાસ્થ્ય માટે પાયાની જરૂરિયાતની સાથે-સાથે કુપોષણ અને એનિમિયા થવા માટે જવાબદાર કારણો અને ખોરાક સાથે જોડાયેલી માન્યતાઓ, મહિલાઓનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી સમયસર સારવારનો નિર્ણય, યોગ્ય સ્થળે બ્લડ સ્ટોરેજ ફૅસિલિટી સાથેનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની સગવડ જેવાં પગલાં લોહી માટેની ઇમર્જન્સીને ઘટાડી શકે છે."

"તે માટે મહેશભાઈ અને સરતનભાઈ જેવા યુવા અને કર્મશીલ આગેવાનો તથા ગ્રામજનોએ પાયાના હક-અધિકાર, ગુણવત્તાલક્ષી સ્વાસ્થ્ય અને પોષણ સેવાની પહોંચ અને તેની દેખરેખમાં જવાબદેહિતાનું શિક્ષણ પણ કરતા રહેવું પડે.”

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (એનએફએચએસ-5) અનુસાર, વર્ષ 2019-2021 દરમ્યાન ગુજરાતમાં દર 1000 જન્મતાં બાળકોમાંથી એક વર્ષની ઉંમર પહેલાં જ મૃત્યુ પામતાં બાળકોની સંખ્યા 31 હતી.

વળી, એનએફએચએસ-5ના આંકડા મુજબ ગુજરાતની 65 ટકા મહિલાઓ કુપોષિત અને 4 ટકા મહિલાઓ ગંભીર રીતે કુપોષિત છે.

આવી સ્થિતિમાં મુવાડા ગામની પંચાયત અને મહેશભાઈ જેવા યુવાનોનું રક્તદાનનું કાર્ય ગ્રામીણ મહિલાઓ અને જન્મતાં બાળકોનું જીવન બચાવવા માટે ખૂબ મહત્ત્વનું અને પ્રશંસનીય પુરવાર થઈ રહ્યું છે.

‘રક્તદાન એ મહાદાન છે’ અને એક વ્યક્તિ પોતાનું રક્ત આપીને ત્રણ વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. ભારતમાં કુપોષિત સગર્ભા મહિલાઓ માટે સગર્ભાવસ્થા દરમિયાન રક્તની બહુ માગ હોય છે.

ભારતમાં એક વર્ષમાં 27.7 મિલિયન સગર્ભા મહિલાઓ માટે 1.1 મિલિયન યુનિટ રક્તની માગ રહે છે.

RED LINE
RED LINE