રાજસ્થાન : દલિત યુવતીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો, ‘ગૅંગરેપ, ઍસિડ ઍટેક અને હત્યાનો આરોપ’

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી હિંદી માટે, જયપુરથી

રાજસ્થાન કરૌલી જિલ્લાના એક ગામમાં એક દલિત યુવતીના મૃત્યુ બાદ તણાવની સ્થિતિ છે. પ્રશાસનની કોશિશો બાદ કૂવામાંથી મૃતદેહ કઢાયાના ત્રણ દિવસ પછી અંતિમ સંસ્કાર કરાયા પરંતુ પરિવારજનોની આંખમાં આંસુ હજુ સુધી નથી સુકાયાં. ગામના ઘણા લોકો ખાસ કરીને દલિત સમુદાય આઘાતમાં છે.

યુવતીની એક માસ પહેલાં જ સગાઈ થઈ હતી. જે ઘરમાં ખુશીઓનું આગમન થવાનું હતું, ત્યાં હવે સન્નાટો છવાયેલો છે. પરિવારજનોનો આરોપ છે કે 19 વર્ષીય યુવતી સાથે ગૅંગરેપ બાદ ચહેરાને ઍસિડ વડે બાળી નાખવામાં આવ્યો અને બાદમાં હત્યા કરી દેવાઈ હતી. તેમણે પોલીસ પર મામલાની ઉપેક્ષાનો આરોપ પણ લગાવ્યો છે.

બીજી તરફ, પોલીસે આને ‘પ્રેમપ્રસંગ’ સાથે જોડાયેલો મામલો ગણાવતાં દાવો કર્યો છે કે આરોપી અને તેમના પિતાની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસ અનુસાર મામલાની તપાસ ચાલી રહી છે. કરૌલીના કલેક્ટર અંકિતકુમારસિંહે જણાવ્યું કે યુવતીના પરિવારજનોને નિયમ પ્રમાણેની પાંચ લાખ રૂપિયાની મદદ કરાશે.

યુવતીનો મૃતદેહ ગત ગુરુવારે (13 જુલાઈ) કૂવામાંથી બહાર કઢાયો. ચહેરો દાઝી ગયેલો હતો. પોલીસ અનુસાર યુવતીના શરીરના ઉપરના ભાગમાં એક ગોળી પણ મળી હતી.

યુવતીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાયું. ઘટનાથી નારાજ પીડિત પરિવારે મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો. તેઓ આરોપીઓની ધરપકડ, 50 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીઓની માગ કરી રહ્યા છે. પરિવારજનો શનિવાર (15 જુલાઈ) સુધી ધરણાં પર બેઠા. આ દરમિયાન ત્રણ દિવસ સુધી મૃતદેહ કરૌલીની હિંડૌન હૉસ્પિટલના મડદાઘરમાં રાખવામાં આવ્યો.

વિધાનસભા ચૂંટણીના વર્ષે આ મુદ્દાને લઈને વિપક્ષ પણ સરકાર પર હુમલા કરી રહ્યો છે. વિપક્ષે પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ સાથે ધરણું કર્યું. ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને ભીમ આર્મીના ઘણા નેતા-કાર્યકર્તાની હૉસ્પિટલમાં અવરજવર રહી હતી.

શું છે મામલો?

પીડિત પરિવાર કરૌલીની ટોડાભીલ તાલુકાના બાલઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત વિસ્તારના ગામમાં રહે છે. આ ગામમાં કુલ 400 ઘર છે. તે પૈકી 35 દલિત પરિવાર છે. યુવતીના પિતા દુબઈમાં મજૂરી કરે છે અને 13 જુલાઈના રોજ જ પરત ફર્યા છે.

પરિવારજનો પ્રમાણે આ યુવતી પોતાનાં ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટાં હતાં. 11 જુલાઈની રાત્રે તેઓ ઘરમાં સૂતાં હતાં પરંતુ 12 જુલાઈના રોજ તેઓ ઘર પર મળી નહોતાં રહ્યાં.

પરિવારજનો પ્રમાણે તેણે યુવતીને આખો દિવસ શોધ્યાં પરંતુ કોઈ જાણકારી ન મળવાના કારણે તેઓ બાલઘાટ પોલીસ સ્ટેશને પહોંચ્યા. યુવતીના સંબંધીઓનો આરોપ છે કે પોલીસે તેમની ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “રાત્રે બાલઘાટ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ તેમણે કોઈ વાત ન સાંભળી અને પરિવાર સાથે ગયેલા એક યુવક સાથે ગેરવર્તન પણ કર્યું. બાદમાં બધાને પોલીસ સ્ટેશનેથી ભગાડી દીધા.”

બીજી સવારે (13 જુલાઈના રોજ) યુવતીનો મૃતદેહ લગભગ આઠ કિલોમિટર દૂર નાદૌતી રોડ પર એક કૂવામાંથી મળી આવ્યો. પોલીસ મૃતદેહેને નાદૌતી હૉસ્પિટલ લઈ ગઈ, પરિવારજનોએ મૃતદેહને ઓળખી કાઢ્યો. તે બાદ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે નાદૌતીથી લગભગ 40 કિલોમિટર દૂર હિંડૌન હૉસ્પિટલે લઈ જવાયો.

પરિવારનોનો આરોપ છે કે યુવતી સાથે ગૅંગરેપ આચરાયો છે. તેમનો ચહેરો ઍસિડ ઍટેકથી દાઝી ગયો છે અને ગોળી મારીને તેમની હત્યા કરાઈ છે.

ટૂંક સમયમાં આ મામલો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો. તે બાદ ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. કિરોડીલાલ મીણા પોતાના સમર્થકો સાથે હિંડૌન હૉસ્પિટલે પહોંચ્યા અને ધરણાં પર બેસી ગયા.

પોલીસે શું જણાવ્યું?

પોલીસે આને પ્રેમપ્રસંગ સાથે સંકળાયેલો મામલો ગણાવી રહી છે. કરૌલીનાં એસપી મમતા ગુપ્તાએ આ મામલા અંગે જાણકારી આપવા માટે એક પત્રકારપરિષદ યોજી હતી.

એસપી મમતા ગુપ્તાએ જણાવ્યું કે, “યુવતી અને આરોપી બંને એક જ ગામનાં છે અને ચાર વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. યુવતીની 2 એપ્રિલના રોજ સગાઈ થઈ હતી. એ જ સમયેથી આરોપી ગોલુ મીણા ઉર્ફે ચૈનસિંહ મીણા તે લગ્ન માટે દબાણ કરી રહી હતી.”

તેમણે જણાવ્યું કે, “પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ યુવતી સાથે પ્રેમપ્રસંગની જાણકારી આપી છે. લગ્ન માટે દબાણ લવાયા બાદ ગોલુ યુવતીને ફોસલાવીને પોતાના ફાર્મ હાઉસ પર લઈ ગયો. જ્યાં પહેલાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં દેશી તમંચાથી ગોળી મારીને તેની હત્યા કરી દીધી.”

એસપીએ દાવો કર્યો છે કે, “તે બાદ આરોપીના પિતા અમરસિંહ ઉર્ફે નહનારામ મીણાએ પોતાના દીકરાને બચાવવા માટે યુવતીનો મૃતદેહ નાદૌતી તહસીલના ભીલાપાડા ગામથી આગળ આવેલા એક કૂવામાં નાખી દીધો. મૃતદેહને ત્યાં નાખીને બંને ઘરે આવીને સૂઈ ગયા અને બીજા દિવસે ગામડેથી ફરાર થઈ ગયા.”

એસપી કહ્યું, “અમે આ મામલાના મુખ્ય આરોપી 20 વર્ષીય ગોલુ મીણાની જયપુરના પ્રતાપનગર ખાતેથી ધરપકડ કરી છે. આરોપીના પિતા અમરસિંહ ઉર્ફે નહનારામ મીણાની પણ ધરપકડ કરાઈ છે.”

કરૌલીનાં એસપી મમતા ગુપ્તા સાથે બીબીસીએ પણ વાત કરી. તેમણે અમને જણાવ્યું કે, “અમે આ મામલાને લઈને 376 ડી, અપહરણ અને હત્યાની કલમો અંતર્ગત એક એફઆઇઆર દાખલ કરી છે.”

હથિયાર જપ્ત કરવાના પ્રશ્ન અંગે એસપીએ કહ્યું કે, “હજુ તપાસ કરી રહ્યા છીએ. હજુ સુધી હથિયાર બરામદ નથી થયાં. ગૅંગરેપ અને ચહેરાને ઍસિડથી દઝાડી દીધાની પુષ્ટિ માટે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.”

પોલીસના વલણ પર ઊઠી રહેલા સવાલ

પીડિત પરિવાર અને તેમના સંબંધીઓ પોલીસની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે પોલીસ શરૂઆતથી જ આ મામલાને લઈને ગંભીર વલણ અખત્યાર નથી કરી રહી.

પોલીસ પર આરોપ છે કે તેઓ યુવતીનાં માતાપિતાને કોઈને મળવા નથી દઈ રહી.

યુવતીના કાકાએ 15 જુલાઈના રોજ હિંડૌન હૉસ્પિટલના પાસે આવેલા ઉપખંડ અધિકારી કાર્યાલય પર ધરણાપ્રદર્શન કર્યાં હતાં. તેમની સાથે ભીમ આર્મીના કાર્યકર્તા મોજૂદ હતા.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “યુવતીના પિતા દુબઈમાં મજૂરીકામ કરે છે. તેઓ 14 જુલાઈના રોજ જયપુર ઍરપૉર્ટે પહોંચ્યા હતા, તે બાદથી જ તેઓ અને તેમનાં પત્ની ગુમ છે.”

તેમણે કહ્યું, “પોલીસ પ્રશાસન કે નેતાઓએ તેમને સંતાડી દીધાં છે. આ બાબતને લઈને અમે આવેદન પણ આપ્યું છે.”

જોકે, કરૌલીનાં એસપી મમતા ગુપ્તાએ યુવતીના કાકાના તમામ આરોપોને ખારિજ કરી દીધા હતા.

તેમણે કહ્યું, “આવું કંઈ નથી. અમે પરિવારજનોને પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી જતા રહ્યા છે.”

યુવતીના મૃતદેહના 15 જુલાઈના રોજ અંતિમ સંસ્કાર કરાયા હતા. એ દિવસે હૉસ્પિટલના મડદાઘરથી મૃતદેહને ગામ સુધી લઈ જતી વખતે કલેક્ટર અને એસપી મમતા સહિત યુવતીનાં માતાપિતા પણ ત્યાં હાજર હતાં.

ગામમાં કેવો છે માહોલ?

ટોડાભીમ તહસીલના બાલઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ ગામમાં ઘટના બાદથી જ સન્નાટો છવાયેલો છે. પીડિત પરિવારના ઘર પાસે સુરક્ષાદળના જવાનોને તહેનાત કરાયા છે.

બાલઘાટ પોલીસ સ્ટેશન અધિકારી અજિતકુમારે બીબીસીને કહ્યું, “સુરક્ષાના દૃષ્ટિકોણથી પીડિતના ઘર પાસે ત્રણ પોલીસકર્મીને તહેનાત કરાયા છે.”

અમે જ્યારે ગામમાં પીડિતાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. ઘરે તાળું લાગેલું હતું. બહાર એક ભેંસ અને બકરી બંધાયેલી જોવા મળી.

પાડોશમાં જ રહેતા તેમના એક સંબંધીએ કહ્યું કે, “ઘટના બાદથી જ યુવતીનાં માતા હિંડૌન હૉસ્પિટલે છે. અમે તેમની બંને નાની દીકરીઓને બીજા ગામે તેમના સંબંધીઓને ત્યાં મોકલી દીધી છે.”

તેમણે કહ્યું, “મૃતક યુવતી ચાર ભાઈબહેનોમાં સૌથી મોટી હતી. બે નાની બહેનો અને સૌથી નાનો એક ભાઈ પણ છે. એ કૉલેજમાં ભણી રહી હતી, જ્યારે નાની દીકરીઓ સ્કૂલે જાય છે.”

તેમના અનુસાર, “યુવતીના પિતા પહેલાં દિલ્હી ખાતે મજૂરી કરતા હતા. તે બાદ પાછલાં ત્રણ વર્ષથી દુબઈ ખાતે મજૂરી કરી રહ્યા છે. લગભગ એક મહિના પહેલાં પીડિતા યુવતી અને તેમની નાની બહેનની સગાઈ થઈ હતી.”

તેમણે કહ્યું, “અમારા સમાજનાં અહીં 35 ઘર છે. આ સમગ્ર વિસ્તાર મીણા બહુમતીવાળો છે. અમારા પર દબાણ રહે છે.”

આ ઘટનાને લઈને ગામલોકો આઘાતમાં છે. ગામના એક યુવાનૈ કહ્યું, “આ ઘટનાને કારણે ગામ પર કલંક લાગી ગયું. સમગ્ર વિસ્તારમાં આ અંગે ચર્ચા છે.”

ગામના જ 60 વર્ષીય રહેવાસી રાધે પટેલે કહ્યું, “આટલી ઉંમર થઈ ગઈ, પહેલી વાર વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે. સમગ્ર ગામ આશ્ચર્યચકિત છે.”

રાધે પટેલ જણાવે છે કે, “ગામના ચાર લોકો મરી જાય એના કરતાં પણ વધુ દુ:ખ અમને આ ઘટનાને કારણે થયું છે.”

મામલા પર રાજકારણ

આ મામલાને લઈને વિપક્ષનાં દળો સરકારને ઘેરી રહ્યાં છે. ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. કિરોડીલાલ મીણાએ પોતાના સમર્થકો સાથે હિંડૌન હૉસ્પિટલની બહાર ધરણાં કર્યાં હતાં.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે અને ભાજપના અન્ય નેતાઓએ પણ ઘટનાની નિંદા કરતાં સરકારને સવાલ કર્યા.

તેમજ, ટોડાભીમથી કૉંગ્રેસના ધારાસભ્ય પીઆર મીણા પોતાના એક નિવેદનને લઈને વિવાદમાં સપડાયા હતા.

ધરણાં ખતમ કરવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે, “છોકરી મરી ગઈ હવે એ અંગે વધુ વાત કરવું ઠીક નથી. હવે તેના મૃતદેહને ખરાબ કરવાનું અને રાજકારણ કરવાનું કામ ઠીક નથી.”

તેમણે કહ્યું, “રાજકારણ કરવા માટે ભાજપના નેતા ઉપરથી આવી રહ્યા છે. સાંસદ ડૉ. કિરોડીલાલ મીણા સાથે મારી વાત થઈ. આરોપીને પકડી લેવાયા છે, તમારી એ જ માગ હતી તો હવે વાત ખતમ કરો.”

આ નિવેદનને લઈને વિપક્ષના નેતાઓએ ખફગી વ્યક્ત કરી છે.

તેમજ, રાજસ્થાન અનુસૂચિત જાતિ કમિશનના અધ્યક્ષ ખિલાડીલાલ બૈરવાએ બીબીસીને કહ્યું, “અમારું કામ એ જોવાનું છે કે આવા મામલામાં તરત કાર્યવાહી થાય અને પીડિતને ન્યાય મળે. પરંતુ, રાજકીય સ્વરૂપે જ્યારે લોકો ફાયદા-નુકસાન માટે વચ્ચે આવી જાય છે ત્યારે મામલો અલગ સ્વરૂપ ધારણ કરી લે છે.”