You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદીએ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આપેલાં ભાષણથી કોઈ 'રાજકીય સંદેશ' આપ્યો છે?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આવેલા લોકોની વચ્ચે આપેલા ભાષણમાં કહ્યું હતું કે, “આપણા રામ આવી ગયા છે. રામલલ્લા હવે તંબુમાં નહીં પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે.”
તેમણે કહ્યું, “આજે આપણને સદીઓની એ ધીરજ વારસામાં મળી છે. આજે આપણને શ્રીરામનું મંદિર મળ્યું છે. જે રાષ્ટ્ર ગુલામીની માનસિકતા તોડીને ઊભું થાય છે તે આ રીતે જ નવો ઇતિહાસ રચે છે.”
વડા પ્રધાને રામ મંદિરને લઈને કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ન્યાયનો પર્યાય એવા ભગવાન રામનું મંદિર પણ ન્યાયી રીતે બનાવવામાં આવ્યું છે.
રામમંદિર સાથે જોડાયેલા વિવાદ તરફ ઇશારો કરતા પીએમ મોદીએ કહ્યું, "કેટલાક લોકો કહેતા હતા કે રામમંદિર બનશે તો આગ લાગશે. આવા લોકો ભારતના સામાજિક વિવેકને હજુ સમજી શક્યા નથી."
તેમણે કહ્યું હતું કે, “રામ આગ નથી, રામ ઊર્જા છે. રામ વિવાદ નથી, રામ સમાધાન છે.”
“રામ માત્ર અમારા નથી, રામ સૌના છે. રામ માત્ર વર્તમાન નથી, રામ અનંતકાળ છે. આ ભારતનો સમય છે અને ભારત હવે આગળ વધવાનું છે. સદીઓના ઇંતેજાર પછી આ ઘડી આવી છે. હવે આપણે અટકીશું નહીં.”
અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પર સમગ્ર દુનિયાની નજર હતી.
ભારત સહિત વિશ્વભરના મીડિયામાં આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે આ કાર્યક્રમ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના દ્વારા તેઓ રેકર્ડ ત્રીજી વખત સત્તામાં આવવાની કોશિશ કરશે.
‘હિન્દુઓના રક્ષક’ તરીકેનો રાજકીય સંદેશ?
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં રામના આગમનની વાત કરીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે.
તેમના ભાષણનો મતલબ સમજાવતા વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા સવાલ ઉઠાવે છે, “શું રામ પહેલાં દુનિયામાં નહોતા? મોદી એવું દેખાડવા માંગે છે કે રામને ભાજપ અને આરએસએસ લઈને આવ્યા છે. આ એક રાજકીય સંદેશ છે જે આવનારી ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને આપવામાં આવ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપનો એ નારો હતો કે જે રામને લઈને આવ્યા છે તેને આપણે લઈને આવીશું.”
શરદ ગુપ્તા કહે છે, "આ કાર્યક્રમ પહેલાં જે રીતે દેશભરમાં ઝંડાઓ વહેંચવામાં આવ્યા હતા અને ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં તેના દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે માત્ર ભાજપ જ હિંદુઓની એકમાત્ર રક્ષક છે. જો ભાજપ ન હોત તો અહીં મસ્જિદ હોત અને લોકો ગુલામીનું જીવન જીવતા હોત. ગુલામી એટલે કે મુસ્લિમોની ગુલામી.”
તેઓ કહે છે, “વડાપ્રધાને એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ હિંદુઓનો તારણહાર છે. જે રીતે કૉંગ્રેસ તેની 'તુષ્ટિકરણ'ની નીતિ ચલાવતી રહી છે તેના કારણે દેશની 80 ટકા વસ્તી હોવા છતાં હિન્દુઓ બીજા દરજ્જાના નાગરિકો જ રહ્યા હોત.”
શરદ ગુપ્તા કહે છે કે તેઓ લોકોમાં ‘હિન્દુ ગર્વ’ ભરવામાં સફળ થયા છે અને હિન્દુઓની મોટી વસ્તી આ ભાવનામાં વહી જવા લાગી છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિજય ત્રિવેદી પણ માને છે કે વડા પ્રધાનનું ભાષણ રાજકીય હતું. તેમનું કહેવું છે કે 'વડા પ્રધાન એક રાજકીય પક્ષના નેતા છે અને એટલે તેમના ભાષણમાં ચોક્કસ રાજકીય સંદેશ હોવાનો જ. છતાં અયોધ્યામાં આપેલું ભાષણ ઓછું રાજકીય છે. વિરોધ પક્ષો ડરી ગયા છે, તેથી તેઓ તેને રાજકીય ભાષણ ગણાવીને તેને 2024ની ચૂંટણી સાથે જોડી રહ્યા છે.”
તેઓ કહે છે, “આ આયોજન દ્વારા હિન્દુઓના રક્ષક તરીકે આગળ આવવા માટે મોદીને દોષી ઠેરવવા એ ખોટું છે. વડા પ્રધાને રામને રાષ્ટ્ર સાથે જોડવાની વાત કરી છે. અને આખું ભારત એમ પણ રામને રાષ્ટ્રીય નાયક માને છે.”
"તેઓ તેમના ભાષણને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અથવા રામજન્મભૂમિ ચળવળથી આગળ લઈ ગયા છે. જ્યાં તેઓ ભારતના ઉદય, ઉત્કર્ષ અને વિકાસની વાત કરે છે. તેઓ રામને ભારતની આસ્થા, આધાર અને નિયમ કહે છે.”
‘માસ્ટર ઑફ સેરેમની’
વિશ્લેષકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ પોતાને આ સમારોહના કેન્દ્રમાં રાખ્યા હતા કારણ કે તેનાથી તેઓ એકસાથે બે નિશાન સાધવા માંગતા હતા. તેના દ્વારા તેઓ એક રાજકીય સંદેશ આપવા માંગતા હતા અને ઇતિહાસમાં અમર થવા માંગતા હતા. વળી, 2024ની ચૂંટણી પણ તેમને કેન્દ્રમાં રાખીને લડવામાં આવી રહી છે એટલા માટે ભાજપની સરકારની નહીં પરંતુ મોદીની ગેરંટીની વાત કહેવામાં આવી રહી છે. આ જ રણનીતિ પર પોતાને આગળ વધારીને તેમણે પોતાને સમારોહના કેન્દ્રમાં રાખ્યા છે.
શરદ ગુપ્તા કહે છે, "હિંદુ મતદારોને એકત્ર કરવા માટે મોદીએ એ દેખાડ્યું કે તેમનાથી મોટો હિન્દુ કોઈ નથી. તેમને ત્રણ દિવસ ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે કહ્યું કે તેઓ 11 દિવસ ઉપવાસ કરશે. તેમણે અયોધ્યામાં તમામ પૂજા-અર્ચના ચાલુ રાખી. બાકીના લોકો મૂકદર્શક બનેલા રહ્યા. અનિલ મિશ્રા મુખ્ય યજમાન હશે તેવું કહેવાતું હોવા છતાં સમગ્ર ધ્યાન તેમના પર હતું. બાકી બધું ગૌણ હતું.”
જોકે, વિજય ત્રિવેદી આ વાત સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે 2024ની ચૂંટણીમાં મંદિરનો મુદ્દો ‘કેક પર આઇસિંગ’ સમાન હશે. ભાજપ મોદીની ગેરંટી અને મંદિરના ઉદ્ઘાટનને જોડીને ચૂંટણી લડશે.
તેઓ કહે છે, “ભાજપ માત્ર રામ મંદિરના આધારે ચૂંટણી જીતી શકે નહીં. બધા રામભક્તો ભાજપના સમર્થક નથી. જો તમામ હિન્દુઓએ રામના નામ પર ભાજપને મત આપ્યા હોત તો તેને 80 નહીં તો ઓછામાં ઓછા 60 ટકા મત તો મળ્યા જ હોત.”
તેઓ કહે છે, “રામભક્તને ભારતીય જનતા પાર્ટીનો મતદાર માનવો તે યોગ્ય નથી. તેમ જ ભારતીય જનતા પાર્ટીને તેનાથી કોઈ ફાયદો પણ નહીં થાય એમ માનવું પણ ખોટું છે. સ્વાભાવિક રીતે જ ફાયદો થશે કારણ કે ભાજપ તેના માટે 30 વર્ષથી લડી રહ્યું હતું. તમામ જીત-હાર, કાયદાકીય લડાઈ, સંસદીય રાજકારણ, મતની રાજનીતિ વગેરે પછી ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. ભાજપે આનો લાભ કેમ ન લેવો જોઈએ?”
વિજય ત્રિવેદી કહે છે કે, “શું વિપક્ષ પાસે આ બે મુદ્દા પર કોઈ તૈયારી છે? રામમંદિર હોય, હિંદુત્વનો મુદ્દો હોય કે પછી મોદીની ગેરંટી જેવા નારા સાથે સ્પર્ધા કરી શકે તેવો મુદ્દો લાવવો. આ એક મોટો પ્રશ્ન છે.”
મોદીએ કેમ કહ્યું, ‘આ વિવાદ નહીં, સમાધાન છે’
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પછી વડા પ્રધાને તેમના ભાષણમાં કહ્યું, “રામ આગ નથી, રામ ઊર્જા છે, રામ વિવાદ નથી, રામ સમાધાન છે.
વડા પ્રધાનના ભાષણની આ લાઇનનું અલગ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
વિજય ત્રિવેદી કહે છે, “વડા પ્રધાને વિજયથી વિનય સુધીની વાત કરી છે. જીતના ઉન્માદમાં લોકો અમર્યાદિત થઈ જાય તેવી સંભાવના રહેતી હોય છે. તેથી, વડા પ્રધાને કહ્યું કે આપણે રામમંદિરને વિજય તરીકે જોવું જોઈએ પરંતુ વિનયને છોડશો નહીં. મર્યાદા છોડશો નહીં."
જોકે, નરેન્દ્ર મોદી અને રામજન્મભૂમિ વિવાદ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે, "વડાપ્રધાને કહ્યું છે કે રામ આગ નથી, તે ઊર્જા છે. તેમણે આ વાક્યો અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને કહ્યા છે. કારણ કે આ વિવાદ દરમિયાન મોટાપાયે રમખાણો, આગચંપી અને હત્યાઓ થઈ છે. શું આવું કહીને તેમણે લોકોને હિંસા ન કરવાનો સંદેશ આપ્યો છે?”
તેમણે કહ્યું, “આ સંદેશનો અર્થ સમજવા માટે આપણે રાહ જોવી પડશે. શું વડા પ્રધાનના આ સંદેશથી વારાણસી કે મથુરા અને અન્ય સ્થળોના ધાર્મિક સ્થળો અંગે ભાજપ અને સંઘનું જૂનું વલણ બદલાશે જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે? તાજેતરમાં જ ભાજપના એક નેતાનું નિવેદન આવ્યું કે કાશીમાં બાર, સોળ કે બાવીસ મસ્જિદો તોડી પાડવામાં આવશે. તે જગ્યાએ મંદિર બનાવવામાં આવશે.”
તેઓ કહે છે, “શું ભાજપ તેમને કહેશે કે તેઓ ચૂપ થઈ જાય. શું આ પળ ખરેખર સંઘર્ષનો ખાત્મો છે? કે પછી એક નવા ધર્મતંત્રની શરૂઆત છે, તે જોવું પડશે. ભાજપ જ્યારે ચૂંટણીમાં ઊતરશે એ જોવું પડશે કે તે કેવા નારા લગાવે છે. ચૂંટણીનાં ભાષણોમાં તેના નેતાઓ શું કહે છે. તેઓ કેવો વ્યવહાર કરે છે. તેઓ ક્યા પ્રકારનું રાજકારણ કરે છે. જે પરિણામો આવશે તેના પર ઘણુંબધું નિર્ભર હશે કે ભારતનું ચરિત્ર આગળ કેવું રહેશે.”
તેમનું કહેવું છે કે, "જો ભાજપને 303થી વધુ બેઠકો મળશે તો તે તેની વ્યાખ્યા અલગ રીતે કરશે અને અમુક પ્રકારની નીતિ અપનાવશે. કદાચ તે વધુ આક્રમક નીતિઓ લઈને આવી શકે છે. ઉદાહરણ તરીકે, 2019માં તેમને બહુમતી મળી કે તરત જ તેમણે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવ્યા. સીએએ અને યુએપીએ જેવા કાયદાઓ લાવ્યા. હા, જો તેમને 272થી ઓછી બેઠકો મળે તો તેમણે ગઠબંધનના ભાગીદારો પર નિર્ભર રહેવું પડશે. તેથી આ બધું 2024નાં ચૂંટણીપરિણામો પર નિર્ભર રહેશે.”
"એટલા માટે જ રામને અગ્નિ નહીં પણ ઊર્જા તરીકે ગણાવીને ભાજપના વલણમાં નરમાશ આવી છે તેમ કહેવું વહેલું ગણાશે. ભાજપનું વલણ કેટલું નરમ હશે તે તો ચાર-છ મહિના પછી જ ખબર પડશે.”
મોદીએ ભાષણમાં દક્ષિણની યાત્રાનો ઉલ્લેખ કેમ કર્યો?
તેમના ભાષણમાં વડા પ્રધાને કહ્યું, "મારા 11 દિવસના વ્રત અનુષ્ઠાન દરમિયાન, મેં એ સ્થાનોનો ચરણ-સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં ભગવાન શ્રીરામના પગ પડ્યા હતા. પછી તે નાસિક હોય, કેરળ હોય, રામેશ્વરમ હોય કે ધનુષકોડી હોય, એ મારું સૌભાગ્ય છે કે મને સાગરથી સરયૂ સુધીની યાત્રા કરવાની તક મળી.”
આખરે, પીએમ મોદીએ તેમના ભાષણમાં આ મુલાકાતનો ઉલ્લેખ કરીને શું સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે?
શરદ ગુપ્તા કહે છે, "જ્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે ત્યારથી તેઓ દક્ષિણ ભારતના દસ-અગિયાર મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે સ્નાન કર્યું, બધી વિધિઓ કરી. હકીકતમાં કર્ણાટક સિવાય દક્ષિણમાં ભાજપનું કોઈ અસ્તિત્વ નથી. તેમને લાગે છે કે જો ભાજપને 2024ની ચૂંટણીમાં ઉત્તર ભારતમાં કોઈ ઝટકો લાગે તો તેઓ દક્ષિણમાં કેટલીક બેઠકો જીતીને તેની ભરપાઈ કરી શકે છે.”
તેમનું કહેવું છે કે, “ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. મોદીજીનું દરેક પગલું રાજકીય અને ચૂંટણીલક્ષી હોય છે. તેમણે દક્ષિણના મંદિરોની જે રીતે મુલાકાત લીધી તેના પરથી આનો સંકેત મળે છે.”
જોકે, વિજય ત્રિવેદી આ વાત સાથે સહમત નથી, "મને નથી લાગતું કે ઉત્તર ભારતમાં ભાજપની બેઠકોમાં કોઈ ઘટાડો થશે. પરંતુ વડાપ્રધાન સમજે છે કે ભારતીય જનતા પાર્ટી પર ઉત્તર ભારતીય કે હિન્દી બેલ્ટ પાર્ટી હોવાનો જે ટૅગ લગાવવામાં આવ્યો છે તેને દૂર કરવો જોઈએ. તેઓ દક્ષિણ ભારતમાં ‘મોદીની ગેરંટી’ અને ‘મંદિર’ના મુદ્દાની અજમાયશ કરવા માંગે છે.”
નીલાંજન મુખોપાધ્યાય દક્ષિણ ભારતમાં ભાજપની પગપેસારો કરવાની રણનીતિ સમજાવતા કહે છે, “દક્ષિણમાં ભાજપે હિન્દુ-મુસ્લિમ વચ્ચે ટકરાવની નીતિ અપનાવીને જનાધાર વધારવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ ન થઈ. હવે તેમણે બીજા રસ્તા અપનાવવાની શરૂઆત કરી છે.”
તેઓ કહે છે, “હવે તેઓ રામનો સહારો લઈને ફરીવાર જઈ રહ્યા છે. તેઓ હવે આમ જોવા જઈએ તો નરમ વલણ અપનાવીને દક્ષિણનાં રાજ્યોમાં જઈ રહ્યા છે. હિન્દુ-મુસલમાન વિવાદ ન છેડીને તેઓ હવે સાંસ્કૃતિક સંબંધોનો ટેકો લઈ રહ્યા છે. ભાજપ કહે છે, ઉત્તર અને દક્ષિણની સંસ્કૃતિ એક જ છે, રામ તમારા પણ છે અને અમારા પણ.”
“પરંતુ તેમાં એક સમસ્યા પણ છે. ભાજપ એકત્વવાદના સિદ્ધાંત પર કામ કરે છે- વન નેશન, વન પીપલ, વન રીલિજિયન. રામાયણમાં પણ એક જ રામ છે. હિન્દુસ્તાનમાં અનેક રામાયણ છે જેમાં રામનાં અલગ-અલગ ચરિત્ર છે. તમિલનું કમ્બન રામાયણ બંગાળના કૃતિવાસ રામાયણથી અલગ છે. પરંતુ રામની વિવિધતા ખતમ કરીને તેમને એક જ બીબામાં ઢાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.”
નીલાંજન કહે છે, “રામનો એક સ્ટીરીયોટાઇપ બનાવવામાં આવી રહ્યું છે. તમે રામની એક જ છબી બનાવી અને તમે ઇચ્છો છો કે લોકો તેને જ અનુસરે. પહેલા ક્યારેય રામને એક કેન્દ્રીય મંદિરની જરૂર પડી નહોતી. છતાં પણ લોકો રામને સમગ્ર દેશમાં માને છે. પછી તમારે એક હિન્દુ વેટિકન સીટી બનાવવાની જરૂર શું હતી. તમે ઇતિહાસમાં અમર થઈ જવા માંગો છો તે જ એક કારણ છે.”