અયોધ્યાના રામમંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ગુજરાતી સોમપુરા પરિવારની કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને અમદાવાદના ચંદ્રકાંત સોમપુરા પરિવારને ન માત્ર કાર્યક્રમમાં હાજર રહેવા માટેનું આમંત્રણ મળ્યું છે, પરંતુ મંદિરની ડિઝાઇન પણ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી છે.

એક વિખ્યાત ઉદ્યોગપતિના સૂચનથી રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ લેનાર વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલે અમદાવાદસ્થિત ચંદ્રકાંતભાઈ સોમપુરાનો સંપર્ક સાધ્યો હતો. લગભગ ત્રણ દાયકા પહેલાં વિવાદાસ્પદ સ્થળે માપપટ્ટી લઈ જવાની મંજૂરી ન હોવાથી તેમણે દેશી યુક્તિ અપનાવીને માપ લીધું હતું અને મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી.

મંદિરના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે મંદિર ઓછામાં ઓછું એક હજાર વર્ષ સુધી ટકે તે પ્રકારનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. 23મી જાન્યુઆરીથી મંદિરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. એ પછી પણ બીજા તથા ત્રીજા માળ માટે નિર્માણકાર્ય ચાલતું રહેશે અને મંદિરને પૂર્ણપણે તૈયાર થવામાં વધુ બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

નવેમ્બર-2019માં સર્વોચ્ચ અદાલતના પાંચ જજોની બૅન્ચે સર્વાનુમતે વિવાદાસ્પદ જગ્યા હિંદુ પક્ષકારોને સોંપવાનું ઠેરવ્યું હતું. આ સિવાય પોતાને મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં પાંચ એકરની જમીન આપવાનો આદેશ પણ સરકારને કર્યો હતો.

સોમપુરા પરિવાર :15 પેઢી, એક વ્યવસાય

પૌરાણિક માન્યતા મુજબ વાસ્તુવિદ્યાને 64 કળામાંથી એક ગણવામાં આવી છે. ગુજરાતમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ વંશપરંપરાગત રીતે મૂર્તિ બનાવવા અને મંદિરનિર્માણના કાર્ય સાથે સંકળાયેલો છે.

જેઓ રજવાડાના સમયમાં મહેલ, ગુપ્તદ્વાર, ગુપ્ત ભોંયરાં અને પ્રતિમાઓ બનાવવાનું કામ કરતા. રજવાડાંના પતન પછી કાળક્રમે આજીવિકા રળવા માટે આ સમાજ ગામેગામ ફરીને પથ્થરની ઘંટી વેચવા અને તેને ટાંકવાના કામ સાથે જોડાઈ ગયો તથા અલગ પેટાજ્ઞાતિ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

અમુક સોમપુરા પરિવારો હિંદુ અને જૈન ધર્મનાં મંદિરો બનાવવાનું તથા તેમનો જીર્ણોદ્ધાર કરવાનું કામ કરે છે. જેમાંથી એક ચંદ્રકાંત સોમપુરા તથા તેમનો પરિવાર છે, જેમની વાસ્તવિક અટક 'પાઠક' છે, પરંતુ વ્યવસાયને કારણે તેઓ 'સોમપુરા' તરીકે જ ઓળખાય છે.

ચંદ્રકાંતભાઈના દીકરા આશિષભાઈના કહેવા પ્રમાણે, "ગત લગભગ પંદરેક પેઢીથી અમારો પરિવાર મંદિર ડિઝાઇન અને નિર્માણકાર્ય સાથે સંકળાયેલો છે. આ કામ પેઢી દર પેઢી આગળ વધતું રહ્યું છે."

"મારા પરદાદા અને દાદાના સમયથી અમે બિરલા પરિવાર માટે મંદિરનિર્માણનું કાર્ય કરી રહ્યા છીએ. બિરલા દ્વારા બદરીનાથના જીર્ણોદ્ધાર માટે દાદા બળવંતરાય અને તેમના કાકા વગેરે ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે અલકનંદા નદીમાં તણાઈ ગયા. એ પછી લગભગ આઠ-નવ વર્ષ સુધી મારા પિતા તેમના દાદાજી પાસેથી આ વિદ્યા શીખતા રહ્યા."

1980ના દાયકાના મધ્ય ભાગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની એક પાંખ વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં રામમંદિરનું આંદોલન આકાર લઈ રહ્યું હતું, તો રાજકીય પાંખ ભાજપ 'મંડળ-કમંડળ' દ્વારા રાજકારણમાં પગ જમાવવા પ્રયાસરત હતો. આ કમંડળ એટલે રામમંદિરનો મુદ્દો.

અયોધ્યાની સાઇટ પર જવાની તૈયારી કરી રહેલા આશિષ સોમપુરાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન બીબીસી ગુજરાતીને જણાવ્યું, "વિહિપના અશોક સિંઘલએ એક વખત ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાને પૂછ્યું હતું કે 'તમારાં મંદિરોનું નિર્માણ કોણ કરે છે? ' ત્યારે બિરલાએ મારા પિતા ચંદ્રકાંતભાઈનું નામ જણાવ્યું હતું. એ પછી દિલ્હી ખાતે વિહિપના અગ્રણીઓ અને મારા પિતાની બેઠક થઈ હતી."

"સિંઘલજી મારા પિતાને પોતાની ગાડીમાં અયોધ્યા લઈ ગયા હતા. એ સમયે ત્યાં મોટી સંખ્યામાં પોલીસબળ અને સુરક્ષાકર્મીઓ તહેનાત હતા. વિવાદ ન થાય તે માટે અશોક સિંઘલ પોતે ગાડીમાં રહ્યા અને ચંદ્રકાંતભાઈને માપ લેવા માટે કહ્યું. સ્ફોટક સ્થિતિને કારણે પપ્પા કાગળ, પેન્સિલ કે માપપટ્ટીનો ઉપયોગ કરી શકે તેમ નહોતા. એટલે તેમણે પગથી ડગલાંમાં માપ લીધું અને પોતાના અનુભવના આધારે ત્રણ-ચાર ડિઝાઇનો તૈયાર કરીને વિહિપને સોંપી હતી. 1989 આસપાસ વિહિપ દ્વારા એક ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી, જેનું લાકડાંનું મૉડલ તૈયાર કરવા માટે અમને કહેવામાં આવ્યું."

"એ પછી યોજાયેલા કુંભમેળામાં લાકડાનું મૉડલ રજૂ કરવામાં આવ્યું. એ મૉડલનો સ્વીકાર થયો હતો અને અભિયાન દરમિયાન તેનો ઉપયોગ થયો હતો."

જ્યારે સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, જામનગરના તત્કાલીન રાજવી દિગ્વિજયસિંહ તથા અન્યોએ સોમનાથ ખાતે મંદિરના નિર્માણનો યત્ન હાથ ધર્યો ત્યારે પણ આશિષભાઈના પરદાદા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ તેની ડિઝાઇન તૈયાર કરી હતી.

બળવંતરાયના અવસાન સમયે તેમના દીકરા ચંદ્રકાંતભાઈ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા.

પ્રભાશંકરભાઈએ તેમને બંગલા-બિલ્ડિંગના બદલે મંદિર બાંધવા માટે પ્રેરિત કર્યા અને પોતાની સાથે લીધા. પરંપરાગત વાસ્તુશિલ્પના જાણકાર પ્રભાશંકરભાઈએ તેમના પૌત્રને પોતાની પાસે રહેલાં જ્ઞાન અને અનુભવ આપ્યાં. આ સિવાય અન્યોને પણ આ જ્ઞાન મળી રહે તે માટે પરંપરાગત શિલ્પશાસ્ત્ર અને તેનાં પુસ્તકોના આધારે સોળ જેટલાં પુસ્તક લખ્યાં.

જેમાં 'જય પૃચ્છકમ', 'વાસ્તુસાર', 'ભારતીય શિલ્પસંહિતા પ્રતિમા કલાનિધિ', 'શ્રી વાસ્તુવિદ્યાયાં વાસ્તુશાસ્ત્રે', 'વાસ્તુ કલાનિધિ', 'જય પૃચ્છકમ' વગેરે મુખ્ય છે. મંદિરની સ્થાપત્યકળામાં પ્રદાન બદલ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાને 'પદ્મશ્રી'થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા

રામમંદિરની મૂળ ડિઝાઇનમાં વિસ્તાર

2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફેબ્રુઆરી-2020માં કેન્દ્ર સરકારે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર'નું ગઠન કર્યું અને તેને અધિગ્રહિત કરાયેલી લગભગ 70 એકર જમીન સોંપી દીધી, જેથી કરીને નિર્માણકાર્ય હાથ ધરી શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મંદિરનિર્માણ માટે ત્રણ સભ્યોની નિર્માણસમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે હોદ્દાની રૂએ આ સમિતિના સભ્યો 'શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર'ના સભ્ય બન્યા.

ઑગસ્ટ-2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ વગેરેની હાજરીમાં અયોધ્યા ખાતે મંદિરનું ભૂમિપૂજન હાથ ધરવામાં આવ્યું હતું.

વર્ષ 1992માં વિહિપ અને ચંદ્રકાંત સોમપુરા વચ્ચે માત્ર બે પન્નાંના સાદા કરાર થયા હતા. નવગઠિત ટ્રસ્ટે સોમપુરા પરિવાર પાસે જ ડિઝાઇન બનાવડાવાનું નક્કી કર્યું. લૉકડાઉન દરમિયાન સોમપુરાઓએ ઑનલાઇન નવીન ડિઝાઇન્સ તૈયાર કરી હતી અને મિશ્રાના નેતૃત્વવાળી ટ્રસ્ટની પ્લાનિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. સૂચનોના આધારે જ ઑનલાઇન સુધારા-વધારા કર્યા હતા, એ પછી ટ્રસ્ટે ફાઇનલ ડિઝાઇન પર મંજૂરીની મહોર મારી હતી.

આ અરસામાં મંદિરનાં સ્થળે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં સદીઓ પહેલાં સરયુ નદી પસાર થતી હોઈ ત્યાંની માટી મંદિર જેવું વજનદાર માળખું સહન કરી શકવા સક્ષમ ન હતી.

નિષ્ણાતોના સૂચનના આધારે, ભૂકંપની અસર ન થાય તથા મંદિરનું વજન સહન કરી શકે તે માટે જમીનને તૈયાર કરવા માટી બહાર કાઢવામાં આવી હતી અને તેની ઉપર વિશેષ પ્રકારની માટી અને કેમિકલનાં પડ ચઢાવવામાં આવ્યાં હતાં.

આ સિવાય રામમંદિર આંદોલન વખતે દેશના ગામેગામથી 'શ્રી રામ' ઈંટોને 'રામશિલા' તરીકે મોકલવામાં આવી હતી. તેને ઉપયોગમાં લેવામાં આવી હતી. આઈઆઈટી રુડકી, કાનપુર, ખડકપુર, ગૌહાટી સહિતની સરકારી શૈક્ષણિક સંસ્થાનો તથા એકમોનાં સૂચનો લેવામાં આવ્યાં હતાં. મિશ્રાના નેતૃત્વવાળી કમિટીએ આ કામગીરી કરી હતી.

લાર્સન ઍન્ડ ટ્રુબોને નિર્માણકાર્ય તથા ટાટા એન્જિનિયરિંગ સર્વિસને પરામર્શ દર્શનાર્થીઓની સેવા-સવલત માટે પરામર્શનું કામ સોંપવામાં આવ્યું. ફેબ્રુઆરી-2021માં ટ્રસ્ટ તથા સોમપુરા પરિવાર વચ્ચે નવીન કરાર કરવામાં આવ્યા.

રામમંદિરની ડિઝાઇનમાં શું ફેરફાર કરવામાં આવ્યા?

અમદાવાદસ્થિત સોમપુરા પરિવારે છેલ્લાં લગભગ 80 વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં દોઢસો જેટલાં શૈવ, સ્વામીનારાયણ, હિંદુ અને જૈનમંદિરોના નિર્માણ તથા જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું છે. તેઓ ઉત્તર ભારતની નાગર શૈલીના આધારે મંદિર બનાવવામાં નિપુણતા ધરાવે છે.

શામળાજી (શામળાજી, ગુજરાત), અક્ષરધામ (ગાંધીનગર, ગુજરાત), એપી મંદિર (લંડન, યુકે), સર્વધર્મ મંદિર (બૅંગકોક, થાઇલૅન્ડ), શિવમંદિર (સિંગાપોર), 108 પાર્શ્વનાથ ભક્તિવિહાર (શંખેશ્વર, ગુજરાત), જૈનમંદિર (ન્યૂજર્સી, યુએસ), બુદ્ધમંદિર (જકાર્તા, ઇન્ડોનેશિયા), મુકેશ અંબાણીના ઘરનું મંદિર (મુંબઈ, મહારાષ્ટ્ર), વગેરે મુખ્ય છે.

આશિષ સોમપુરાના કહેવા પ્રમાણે, "એક સમયે અવિભાજિત ભારતમાં મંદિરનિર્માણની સોળ જેટલી શૈલી પ્રચલિત હતી, પરંતુ હાલમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં જ મંદિરો જોવાં મળે છે અને તેનું નિર્માણ થાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં નાગર શૈલી, પૂર્વ અને મધ્ય ભારતમાં વસેરા અને દક્ષિણમાં દ્રવિડ શૈલીનું પ્રચલન છે."

"દક્ષિણમાં પ્રવેશદ્વાર કે ગોપુરમ્ મોટું હોય છે અને તેની સરખામણીમાં મંદિરનું કદ નાનું હોય છે. તેઓ માને છે કે સંસારની મોટી ઘટમાળમાંથી પસાર થઈને આપણે સત્ય કે ઈશ્વરને સન્મુખ થઈએ છીએ. જ્યારે ઉત્તર ભારતમાં માનવામાં આવે છે કે ઈશ્વર જ સર્વોચ્ચ અને સર્વોપરી છે એટલે મંદિરમાં સૌથી ઊંચું સ્થાન ગર્ભગૃહના શિખરનું હોય છે."

અયોધ્યામાં રામમંદિર પરકોટાની બહાર ગોપુરમ્ બનાવવાની ટ્રસ્ટની યોજના છે, પરંતુ તેના માટે સ્થળ તથા અન્ય કેટલીક વ્યવહારુ જટિલતાઓ રહેલી છે.

આશિષ સોમપુરાના કહેવા પ્રમાણે, "સિંહ દ્વાર, રંગમંડપ, ગૂઢમંડપ અને ગર્ભગૃહ મૂળ ડિઝાઇનમાં હતાં. મૂળ ડિઝાઇન બે માળની હતી. જોકે, ચર્ચા અને વિવાદને કારણે ઊભા થયેલા જનજુવાળને ધ્યાને લેતા ભાવિકોની વધુ સંખ્યામાં સમાવિષ્ટ કરી શકાય તે માટે નૃત્યમંડપ તથા બાજુમાં કીર્તનમંડપ અને પ્રાર્થનામંડપ ઉપરાંત એક માળ પણ ઉમેરવામાં આવ્યા."

"ટ્રસ્ટ ઇચ્છતું હતું કે તમામ સુધાર શિલ્પશાસ્ત્ર અને વાસ્તુ મુજબ જ કરવામાં આવે. આ ઉમેરાને કારણે મંદિરનાં જગતી અને શિખરની ઊંચાઈ વધારવામાં આવી. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામના બાળસ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જ્યારે પહેલાં માળ પર રામદરબાર હશે. જેમાં ભગવાન રામ ઉપરાંત, સીતા, હનુમાન, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બિરાજમાન હશે."

"આમ તે પૂર્ણ પ્રકારનું મંદિર હશે. શિલ્પશાસ્ત્રમાં અષ્ટકોણને વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. એટલે જૂની તથા નવી ડિઝાઇનમાં અષ્ટકોણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના દીર્ઘાયુષ્ય નિર્માણમાં ક્યાંય પણ લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો."

મંદિરના નિર્માણ માટે અલગ-અલગ પથ્થરોના વપરાશની સંભાવના ચકાસવામાં આવી હતી. જેમાંથી રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બંસરી પહાડપુરના ખાણનો પથ્થર ઉપયુક્ત જણાયો હતો.

હિંદુઓની માન્યતા પ્રમાણે, રામ વિષ્ણુના સાતમા અવતાર હતા. મંદિરની ફરતે લગભગ આઠ એકર વિસ્તારમાં સાત મંદિર સાથે આયાતાકાર પ્રકારનું નિર્માણ કરવામાં આવશે. જેની 35-40 ફૂટની ઊંચી દીવાલો મૂળ મંદિર માટે સુરક્ષાકવચનું પણ કામ કરશે.

જૂની ડિઝાઇન મુજબ, પૂર્વથી પશ્ચિમની લંબાઈ 270 ફૂટ, ઉત્તરથી દક્ષિણની પહોળાઈ 135 ફૂટ તથા શિખરની ઊંચાઈ 141 ફૂટ હતી. જ્યારે નવી ડિઝાઇન મુજબ લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ રહેશે. જ્યારે ગર્ભગૃહનું શિખર 161 મીટર ઊંચું હશે. દરેક માળની ઊંચાઈ 20-20 ફૂટ હશે.

'ટંગ ઍન્ડ ગ્રૂવ' સંરચનાથી પથ્થરોને જોડવામાં આવશે, જેમાં ભૂકંપરોધી ખાસિયત લાવવા માટે તેમાં તાંબાની ક્લિપ અને પિત્તળની પીન બેસાડવામાં આવી રહી છે. નેપાળથી અયોધ્યા સુધી તાજેતરનાં વર્ષોમાં નોંધાયેલા ભૂકંપ અને તેના કરતાં પણ અનેક ગણી વધુ તીવ્રતાવાળા ભૂકંપ સામે મંદિર ટકી રહે તેવી ડિઝાઇન છે.

32 દાદર ચઢીને જમીનથી લગભગ સાડા સોળ ફૂટ ઉપર આવેલા સિંહદ્વાર સુધી પહોંચી શકાશે. નીચેનો માળ 170 જેટલા સ્તંભ ઉપર ટકેલો છે. મંદિરના આકાર, શિખરની ઊંચાઈ વગેરે જેવાં પરિબળોના આધારે ધ્વજદંડ તથા તેની ધજાનું માપ નક્કી કરવામાં આવશે.

દરેક સ્તંભ ત્રણ ભાગમાં વિભાજિત હશે. જેમાં સૌથી ઉપરનો અને નીચેના ભાગ પ્રમાણમાં નાના હશે. જ્યારે વચ્ચેનો ભાગ મોટો હશે.

આશિષ સોમપુરાના કહેવા પ્રમાણે, મંદિરના તળિયામાં મકરાણાનો માર્બલ વાપરવામાં આવશે. મકરાણાના માર્બલની વચ્ચે કાળા, ગુલાબી, ક્રીમ, પીળા વગેરે રંગના ભારતમાં મળી આવતાં પથ્થરોનું ઇન-લે વર્ક કરવામાં આવશે. તેમાં ધાર્મિક ન હોય તેવા પ્રકારની ડિઝાઇનો બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાંથી મળતો મકરાણા માર્બલ પાણી શોષતો નથી અને હવાના કાર્બન સાથે પ્રતિક્રિયા નથી કરતો એટલે તેને ટકાઉ માનવામાં આવે છે.

મંદિરની જગતીની ફરતે પથ્થર ઉપર થ્રી-ડાઇમેન્શનમાં વાલ્મીકિ રામાયણના વિવરણના આધારે રામના જીવનના 100 જેટલા પ્રસંગ કંડારવામાં આવશે. સૌપ્રથમ તેનાં પેઇન્ટિંગ બનાવવામાં આવશે, જેના આધારે ક્લે-વર્ક તૈયાર કરવામાં આવશે. તે પછી ફાઇબર અને તેના આધારે પથ્થર પર પ્રસંગોને ઉતારવામાં આવશે.

જ્યારે ફરતેના પરકોટામાં સનાતન ધર્મના 100 જેટલા પ્રસંગ ઉતારવામાં આવશે. જે ટુ-ડી સ્વરૂપમાં બ્રાસના બનેલા હશે. તેમાં પણ પેઇન્ટિંગ, ક્લે-વર્ક, ફાઇબર અને બ્રાસ-મ્યુરલ જેવા તબક્કા રહેશે.

'સામાજિક સમરસતા'નો સંદેશ આપતાં આવાં સાત જેટલાં પાત્રોનાં મંદિર પરકોટાની બહાર બનાવવામાં આવશે, જેનું સંચાલન અને નિયમન ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે.

મંદિરના પાયામાંથી મળી આવેલાં ખંડિત ધાર્મિકસ્થાનના અવશેષોને અયોધ્યામાં જ એક મ્યુઝિયમમાં રાખવામાં આવશે, જેને સામાન્ય જનતા જોઈ શકશે.

કેવી રીતે કરાશે રામમંદિરનું સંચાલન?

ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં જ અલગ-અલગ સ્થપતિઓ પાસે જળરોધી અને પર્યાવરણની અસર ન થાય તેવા અલગ-અલગ ત્રણ પ્રકારના પથ્થરમાંથી ચાર-પાંચ વર્ષની ઉંમરના રામ ભગવાનની પ્રતિમા બનાવડાવામાં આવી છે.

મૂર્તિની ડિઝાઇન, ઊંચાઈ વગેરે જેવી બાબતો ગુપ્ત રાખવામાં આવી છે અને કાર્યશાળામાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી વગેરે પ્રતિબંધિત રાખવામાં આવ્યા છે. છતાં મીડિયા રિપોર્ટ્સ મુજબ કર્ણાટકના મૈસૂર જિલ્લાના સ્થપતિ અરુણ યોગીરાજની પ્રતિમા પસંદ કરવામાં આવી છે.

આ મૂર્તિ ઉપર ધાર્મિક વિધિ કરવામાં આવશે અને તેને મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવા માટે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

હિંદુ માન્યતા પ્રમાણે, મંદિરમાં પ્રસ્થાપિત કરતા પહેલાં દેવ-દેવીની મૂર્તિની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા પછી દેવ કે દેવીની આંખ પરથી પાટા હઠાવવામાં આવે છે. પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય તેવી મૂર્તિને મંદિરમાંથી બહાર કાઢવામાં નથી આવતી.

આ સિવાય શ્રદ્ધાળુ અને મૂર્તિની વચ્ચે 25થી 30 ફૂટનું અંતર હશે. અલબત્ત, લગભગ મૂર્તિની ઊંચાઈ, તેની નીચે પડઘી અને કમળને કારણે મૂર્તિનો ચહેરો દૂરથી જ દૃષ્ટિગોચર થઈ જશે.

જ્યારે સ્થપતિએ છોડી દીધી જીવનકાળ દરમિયાન રામમંદિર બનવાની આશા

આશિષ સોમપુરાના કહેવા પ્રમાણે, અગાઉ તૈયાર કરવામાં આવેલા 80 ટકા પથ્થર મંદિરના વપરાશમાં લેવાઈ ગયા છે. વરસાદ, વિવાદ દરમિયાન કાર્યશાળાની મુલાકાત લેતા ભક્તો દ્વારા પૂજાઅર્ચન, વાતાવરણની તેના ઉપર અસર થઈ હતી. તેના માટે તેને પાણી અને વિશેષ પ્રકારના કેમિકલથી સાફ કરવામાં આવ્યા હતા. આ સિવાય જૂના પથ્થરોને ઘસવામાં આવ્યા હતા, જેથી કરીને નવા-જૂના પથ્થર વચ્ચે રંગભેદ ન રહે.

આશિષે વલ્લભવિદ્યાનગરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, પ્રાણપ્રતિષ્ઠા પહેલાં તેઓ નર્વસ નથી, પરંતુ ડિઝાઇન અંગે લોકોની પ્રતિક્રિયા જાણવા માટે આતુર છે.

આશિષના મોટા ભાઈ નિખિલ તથા ભત્રીજાઓ પણ મંદિરનિર્માણના પ્રોજેક્ટમાં પ્રદાન કર્યું છે. આશિષના દીકરા પણ આર્કિટેક્ચરનો અભ્યાસ કરીને પરિવારના વારસાને આગળ ધપાવવા માગે છે.

શ્રદ્ધાળુઓ માટે ઉતારો, રસોડું, ઑડિટોરિયમ સહિતની સવલતો અયોધ્યામાં વિકસાવવામાં આવી રહી છે. મંદિરના બે માળ અને શિખરનું નિર્માણકાર્ય બાકી છે. દૈનિક હજારો-લાખો દર્શનાર્થીઓની ભીડ વચ્ચે નિર્માણકાર્યને ચાલુ રાખવું અને તેને સમયસર પૂર્ણ કરવાનું દબાણ મિશ્રાના નેતૃત્વવાળી કમિટી, ટ્રસ્ટ અને સોમપુરા પરિવાર પર હશે.

"સોમનાથના મંદિરને પુનઃસ્થાપિત કરવાનું કામ મારા પરદાદાએ કર્યું. આવું જ એક મંદિર પુનઃનિર્માણ પામી રહ્યું છે અને અમે તેની સાથે સંકળાયેલા છીએ એ અમારા માટે ગર્વની વાત છે. અમે ખુદને નસીબદાર માનીએ છીએ."

મથુરામાં બિરલા દ્વારા કૃષ્ણજન્મસ્થાન મંદિર બાંધવામાં આવ્યું છે. જેનું નિર્માણકાર્ય પણ સોમપુરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.