કારસેવકથી પ્રધાનસેવક : રામમંદિરનો મુદ્દો નરેન્દ્ર મોદીને કેવો ફળ્યો અને કેવાં પડકારો?

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, બીબીસી સંવાદદાતા

"એક સમયે અયોધ્યાના હિંદુ અને મુસ્લિમ માટે જે સ્થાનિક ભૂમિવિવાદ હતો, તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને એ સમયે તેમના સારથી બનેલા હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રામ રથયાત્રાને કારણે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો."

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી અયોધ્યાના ચુકાદાનું રાજકીય મુલ્યાંકન કરતા આ વાત નોંધે છે.

રામમંદિરનો મુદ્દો 1990માં અડવાણીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા કાઢી ત્યારે દેશમાં વધુ ચર્ચામાં આવ્યો હતો અને 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના બની હતી.

1990માં યોજાયેલી રામ રથયાત્રામાં હાલ વડા પ્રધાન એવા નરેન્દ્ર મોદીએ કારસેવક (ધર્માર્થે કરાતી સેવા)ની ભૂમિકા ભજવી હતી.

હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિમાં સભ્ય હતા.

દેશના બહુચર્ચિત બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદનો સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો અને બાબરી મસ્જિદના ગુંબજની વિવાદિત જમીન રામમંદિરના નિર્માણ માટે હિંદુ પક્ષકારોને આપવાનું ઠેરવ્યું.

સર્વોચ્ચ અદાલતે જ્યાં બાબરી મસ્જિદ હતી તે જમીન હિંદુ પક્ષને આપવાની અને ત્યાં ટ્રસ્ટ ઊભું કરી એના થકી રામમંદિર નિર્માણનો ચુકાદો આપ્યો છે.

એ સાથે જ સર્વોચ્ચ અદાલતે સુન્ની વકફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન અલગથી આપવાનું પણ કહ્યું છે.

40 દિવસ ચાલેલી લાંબી સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને એનો 9 નવેમ્બરે ચુકાદો આપવામાં આવ્યો છે.

ભાજપ અને રામમંદિર

1984ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીએ 49.10 ટકા વોટશેર સાથે 404 બેઠકો જીતી લીધી હતી અને એ ચૂંટણીમાં ભાજપનો ગુજરાતની મહેસાણા સહિત બે બેઠક પર વિજય થયો હતો.

જોકે, કૉંગ્રેસની આટલી જંગી બહુમતી છતાં મુસ્લિમ મહિલા શાહબાનો કેસમાં કૉંગ્રેસે જે વલણ લીધું તેને લઈને સરકાર મુસીબતમાં આવી ગઈ.

1989માં 9મી લોકસભાની ચૂંટણીના 3 વર્ષ અગાઉ 1986માં ફૈઝાબાદના ન્યાયાધીશના આદેશ પર બાબરી મસ્જિદના વિવાદિત સ્થળે તાળા ખોલવાનો આદેશ આપવામાં આવ્યો.

કેટલાક પત્રકારો કૉંગ્રેસે મુસ્લિમોના તૃષ્ટિકરણના આરોપને ખાળવા માટે આ પગલું લીધું હોવાનું ગણાવે છે. અલબત્ત, તાળું અદાલતના આદેશથી ખોલાયું હતું.

ઉલ્લેખનીય છે કે 1949થી ત્યાં રામ લલાની મૂર્તિ મૂકવામાં આવી હતી, પરંતુ અંદર પૂજાની અદાલતે મનાઈ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં 1949માં મૂર્તિ મૂકવાની ઘટનાને ગેરકાયદેસર કૃત્ય ઠેરવ્યું છે.

1989માં ભાજપે પાલમપુર (હિમાચલ પ્રદેશ)માં વિવાદિત સ્થળે રામમંદિર નિર્માણ માટે પ્રયાસ કરવાની જાહેરાત કરી અને એ જ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં પણ એને સ્થાન આપવામાં આવ્યું. 1998માં ફક્ત બે બેઢકો જીતનાર ભાજપે 1989ની ચૂંટણીમાં 85 બેઠકો જીતી હતી.

બીબીસી ઉર્દૂના વરિષ્ઠ પત્રકાર શકીલ અખ્તરે સંવાદદાતા ઝુબેર અહેમદને કહ્યું, "આ હિંદુ રાષ્ટ્રવાદના ઉત્થાનની શરૂઆત હતી."

"લાલ કૃષ્ણ અડવાણીએ દેશના બદલાઈ રહેલા મૂડને પારખી લીધો હતો. રામજન્મભૂમિ આંદોલન વિખરાયેલા રાષ્ટ્રવાદને ધર્મ સાથે જોડી એક હિંદુ રાષ્ટ્રવાદ રાજકીય આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું અને ભારતમાં પહેલીવાર હિંદુ રાષ્ટ્રવાદ સામૂહિક મુદ્દો બન્યો.''

સોમનાથ, અડવાણી અને ભાજપનો ઉદય

1989ની લોકસભાની ચૂંટણીના એક વર્ષ પછી લાલ કૃષ્ણ અડવાણીએ 25 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતના સોમનાથથી લગભગ 10,000 કિલોમિટર લાંબી રામ રથયાત્રાનું આયોજન કર્યું.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખ પ્રમાણે લાલ કૃષ્ણ અડવાણીએ 'માય કન્ટ્રી, માય લાઇફ'માં લખ્યું છે :

"યાત્રાની શરૂઆત માટે સોમનાથની પસંદગીનું એક મજબૂત પ્રતીકાત્મક મૂલ્ય હતું."

"તે સતત મુસ્લિમ અત્યાચારનો ભોગ બન્યું તે તથ્ય વારંવાર ચર્ચાથી પુખ્ત થયું હતું."

"અયોધ્યાને મુસ્લિમ આક્રામકતાના ઇતિહાસમાં પ્રાસંગિક બનાવવું અને પછી તેની સાથ સામ્યતા દાખવીને મંદિર આંદોલનની વાજબી ઠેરવવાનો આશય હતો."

સંઘ પરિવાર સોમનાથ મંદિરના પુનર્નિમાણ સાથે સામ્યતા દર્શાવતો હતો."

નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમનાથથી શરૂ થયેલી રામ રથયાત્રા ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહારમાં પસાર થઈ અયોધ્યા સુધીની હતી. આ યાત્રા દરમિયાન જ બિહારમાં લાલુ પ્રસાદ યાદવે અડવાણીની ધરપકડ કરી હતી.

અમદાવાદથી સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ કહે છે કે "આ યાત્રા થકી અડવાણીનો અને ભાજપનો ઉદય થયો."

વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્ર નાથ ભટ્ટે બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદને કહ્યું:

"ભારતીય મતદારોને મનમાં ખાલીપાની જે લાગણી હતી, તે અડવાણીની રથયાત્રાએ પૂરી કરી.અડવાણીની રથયાત્રાએ ભાજપને એક એવો મંચ પૂરો પાડ્યો કે તેને માટે ઑલ ઇન્ડિયા પાર્ટી બનવાનો રસ્તો ખુલી ગયો."

અયોધ્યાથી વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "અડવાણીની રથયાત્રાએ મંદિર-મસ્જિદના સ્થાનિક મુદ્દાનો દેશવ્યાપી માહોલ બનાવ્યો."

ત્રિપાઠી જણાવે છે, "1949થી 1986 સુધી તે એક સ્થાનિક મુદ્દો હતો અને બેઉ પક્ષો અદાલતમાં કેસ લડતા હતા."

"તાળું ખોલવાની ઘટના પછી આ મુદ્દાને ભાજપે રાષ્ટ્રીયસ્તરે જોરશોરથી ઉપાડ્યો અને એનું રાજકીયકરણ કરવામાં આવ્યું અને તેમાં અડવાણીનો મહત્ત્વનો ફાળો હતો."

"જ્યારે 1991માં સંસદમાં મધ્યસત્રી ચૂંટણી થઈ ત્યારે ભાજપે અગાઉ કરતાં 35 વધુ એટલે કે 120 બેઠકો જીતી. એ જ વર્ષે ઉત્તર પ્રદેશમાં પાર્ટી પહેલીવાર સત્તામાં આવી અને કલ્યાણસિંહ પહેલા મુખ્ય મંત્રી પણ બન્યા."

1992માં બાબરી મસ્જિદ તોડવાની ઘટના બની અને એ ઘટનામાં અડવાણી પણ આરોપી છે જેનો કેસ હજી ચાલુ છે.

અડવાણીની રથયાત્રાના સારથી મોદી

1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના બની તેને અનેક રાજકીય વિશ્લેષકો 1990ની અડવાણી રામ રથયાત્રાની અસર માને છે.

લાલ કૃષ્ણ અડવાણીની એ રથયાત્રાના સારથી બનનાર નરેન્દ્ર મોદી હાલ વડા પ્રધાન છે અને તેમના શાસનકાળમાં રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદનો ચુકાદો આવ્યો છે.

સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ યાદ કરતા કહે છે, "સોમનાથથી રથયાત્રા કાઢવાની પહેલી પત્રકારપરિષદ અમદાવાદમાં યોજાઈ હતી."

"એ વખતે સમગ્ર યાત્રાનું સંકલનનું કામ નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું હતું."

ઉલ્લેખનીય છે કે આ જવાબદારી સોંપાઈ તે સમયે નરેન્દ્ર મોદી ભાજપની ચૂંટણી સમિતિમાં સભ્ય હતા અને એમના સંકલન હેઠળ જ ભાજપે પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તા મેળવી હતી.

25 સપ્ટેમ્બરથી 30 ઑક્ટોબર, 1990 દરમિયાન યોજાયેલી આ રામ રથયાત્રાના સંકલનની જવાબદારીમાં નરેન્દ્ર મોદીએ કેટલી અને કેવી સક્રિય ભૂમિકા ભજવી હતી તેમાં મતમતાંતર છે.

સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ કહે છે, "નરેન્દ્ર મોદીએ મીડિયા મૅનેજમૅન્ટથી માંડીને યાત્રાની તમામ સુવિધાઓ અને રથના નિર્માણ સુધીની તમામ ભૂમિકા સક્રિય રીતે ભજવી હતી અને સમગ્ર દેશમાં યાત્રા જ્યાં પણ ગઈ તેનું સંકલન કર્યું હતું.''

નરેન્દ્ર મોદીના જીવન વિશે પુસ્તક લખનાર લેખક નીલંજન મુખોપાધ્યાયને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :

"નરેન્દ્ર મોદી સમગ્ર રામ રથયાત્રાના સંયોજક હતા એ ખોટી માન્યતા છે."

"નરેન્દ્ર મોદી સમગ્ર યાત્રાના નહીં પરંતુ ફક્ત ગુજરાત પૂરતા રામ રથયાત્રાના સંયોજક હતા."

ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ બીબીસી સંવાદદાતા હરિતા કંડપાલને કહ્યું :

"નરેન્દ્ર મોદીએ જ્યારે ભાજપમાં 1987-88માં ઍન્ટ્રી કરી, ત્યારે એમણે સૌપ્રથમ ગરીબ મજૂરોને રોજગાર અને ચૂકવણી અંગે 'ન્યાયયાત્રા' કાઢી હતી."

ભરત પંડ્યા કહે છે, "અડવાણીની જે રામ રથયાત્રા થઈ તેનું ગુજરાતનું સંકલન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને મુંબઈ સુધી યાત્રાને વળાવવા ગયા હતા. યાત્રાનું દેશમાં મુખ્ય સંકલન પ્રમોદ મહાજને કર્યું હતું."

જોકે, ભરત પંડયા કહે છે, "યાત્રાની સોમનાથથી જે ધમાકેદાર શરૂઆત થવી જોઈતી હતી તે માટે નરેન્દ્ર મોદીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી."

"એ સમયે તેમણે ઝીણવટભર્યું આયોજન કર્યું હતું અને એ રીતે તેમનું યોગદાન મહત્ત્વનું હતું."

અડવાણીની 'રામ રથયાત્રા' પછી 1991થી 1992 વચ્ચે મુરલી મનોહર જોષીએ જે 'એકતાયાત્રા' કાઢી હતી, તેમાં પણ નરેન્દ્ર મોદીએ સંયોજકની ભૂમિકા ભજવી હતી. આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરના લાલ ચોક સુધી પહોંચી હતી.

ગુજરાત અને રામમંદિર આંદોલન

આ સમયે ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હાથ ધરાયેલા 'ત્રિશૂળ દીક્ષા' કાર્યક્રમ અને 'દુર્ગાવાહિની'ની હથિયારધારી તાલીમ જેવા કાર્યક્રમો પણ થયા જેને લઈને વિવાદ થયો હતો.

વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ કલ્પિત ભચેચે આ કૅમ્પની તસવીરો લીધી હતી. એ વખતે તેઓ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' માટે કામ કરી રહ્યા હતા.

ભચેચ કહે છે, "પત્રકાર તરીકે કેટલીક ઘટનાઓનું કવરેજ જીવનભર યાદ રહી જાય તેવું હોય છે.

આ વાત 06-10-1991ના દિવસની છે, જ્યારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત દુર્ગાવાહિની-બજરંગદળ પ્રશિક્ષણ શિબિરની પૂર્ણાહુતિનું કવરેજ કરવાની મને પરવાનગી મળી હતી."

"અમદાવાદમાં સરખેજ ખાતેના એક મેદાનમાં આયોજિત આ ખાનગી શિબિરમાં દેશભરમાંથી આવેલા દુર્ગાવાહિની અને બજરંગદળના લગભગ 100 યુવક-યુવતીઓને ચાર અઠવાડિયા સુધી રાયફલ શૂટિંગ, રોપ કલાઇમ્બિંગ, અવરોધ પાર કરવા જેવી તાલીમ આપવામાં આવી હતી."

ભચેચ ઉમેરે છે, "આ કવરેજ કર્યા બાદ મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ હું વિહિપના એક આગેવાન સાથે નારણપુરા સ્થિત સ્થાપત્યકાર ચંદ્રકાન્ત સોમપુરાના નિવાસસ્થાને પહોંચ્યો."

''ત્યાં પરિષદના અગ્રણીઓ અશોક સિંઘલ, આચાર્ય ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા, ડૉ. પ્રવીણ તોગડિયા સહિતની ઉપસ્થિતિમાં સોમપુરાએ તૈયાર કરેલો અયોધ્યા ખાતે સૂચિત રામ મંદિરની ડિઝાઇનનો નકશો બતાવ્યો અને પરિષદના નેતાગણ સાથે તેની પર ચર્ચા કરી.''

...અને બાબરી મસ્જિદ તૂટી

ભારતમાં બીબીસીના પૂર્વ સંપાદક માર્ક ટલી 1992માં બાબરી મસ્જિદ તૂટી તે ઘટનાને નજરે નિહાળી હતી.

એમણે લખ્યું કે "લગભગ 15,000 લોકોની ભીડ આગળ વધી અને તેણે મસ્જિદને બચાવવા માટેનો પોલીસનો સુરક્ષા પહેરો તોડી આક્રમણ કરી દીધું. પળવારમાં એને તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું."

"મેં જોયું કે અંતિમ ઘેરો પણ તૂટી ચૂક્યો હતો અને ઉપરથી વરસી રહેલા પથ્થરોથી બચવા માટે પોલીસ પોતાની લાકડીને ઢાલ બનાવી પાછળ હઠી રહી હતી."

"એક પોલીસ અધિકારીએ બાકીના પોલીસકર્મીઓને કિનારે ધકેલતા ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા."

"એ સમયે મને અહેસાસ થયો કે હું એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો છું અને આ ઘટના આઝાદી પછી હિંદુ રાષ્ટ્રવાદીઓના મહત્ત્વપૂર્ણ વિજયની અને ધર્મનિરપેક્ષતાને લાગેલા આકરા ધક્કાની હતી."

1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના પછી રમખાણોમાં મુંબઈ સૌથી વધારે અસરગ્રસ્ત હતું અને ત્યાં લગભગ 900 લોકો માર્યા ગયા તેમજ પોલીસ પર હિંદુઓનો પક્ષ લેવાનો આરોપો પણ લાગ્યો.

માર્ક ટલી લખે છે કે ''1995 પછીની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે ધીરેધીરે પકડ જમાવવાની શરૂ કરી અને 1999માં મિશ્ર સરકાર બનાવી.''

1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવી તેનું રિપોર્ટિંગ તે સમયે અમદાવાદથી પ્રકાશિત 'અભિયાન' સામયિકના પત્રકાર વિક્રમ વકીલે પણ અયોધ્યા જઈ કર્યું હતું.

વિક્રમ વકીલે પોતાના અહેવાલમાં લખ્યું હતું, "એ વખતે 10,000 ગુજરાતીઓ અયોધ્યા ગયા હતા અને કારસેવકોના ભોજનની જવાબદારી 250 જેટલી ગુજરાતી મહિલાઓએ ઉપાડી હતી."

"ગુજરાતથી ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલ, કૉર્પોરેટર બિમલ શાહ, પ્રદીપસિંહ જાડેજા, ભૂષણ ભટ્ટ અયોધ્યા ગયા હતા. બિમલ શાહ કારસેવાની તૈયારી માટે એક મહિનો ત્યાં રોકાયા હતા."

વિક્મ વકીલને આપેલા નિવેદન મુજબ બિમલ શાહે ત્યારે કહ્યું હતું કે "1990ની કારસેવા વખતે કારસેવકો ટેન્શનમાં હતા કારણ કે એ વખતે મુલાયમસિંહની સરકાર હતી પણ આ વખતે (1992) ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોવાથી કારસેવકો ઉત્સાહમાં છે."

બિમલ શાહે કહ્યું હતું કે "આ વખતે કારસેવકોમાં ઝનૂન દેખાય છે અને એમને અટકાવવા મુશ્કેલ લાગે છે."

વિક્રમ વકીલે અહેવાલમાં લખ્યું હતું કે "ફૈઝાબાદના ગુજરાતી વેપારી વિનુભાઈ પટેલની મદદથી કેટલાક ગુજરાતીઓએ 20,000 કારસેવકોની જમણની વ્યવસ્થા ગોઠવી હતી."

નરેન્દ્ર મોદી અને રામમંદિરનો લાભ

નીલંજન મુખોપાધ્યાયે બીબીસી સંવાદદાતા હરિતા કંડપાલ સાથેની વાતચીતમાં કહ્યું, "રામમંદિરનો મુદ્દો નરેન્દ્ર મોદીને ચોક્કસ ફળ્યો છે એમ કહી શકાય."

તેઓ કહે છે કે "1990ના દાયકામાં નરેન્દ્ર મોદી બહુ મોટા પદ પર નહોતા, પરંતુ તેમણે રામ રથયાત્રા બાદ 'એકતાયાત્રા'નું સંયોજન કર્યું હતું."

"અયોધ્યા વિવાદનો નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં મોટો ફાળો ગણી શકાય કારણ કે તેઓ 2002ના રમખાણો બાદ લાઇમલાઇટમાં આવ્યા હતા."

"2002માં ગોધરાકાંડ બાદ થયેલા રમખાણો બાદ હિંદુત્વ રાજનીતિનો ચેહરો બનીને મોદી આગળ આવ્યા, એટલે કહી શકાય કે અયોધ્યા બાબતનો ફાયદો મોદીના રાજકીય કૅરિયરમાં થયો."

1990માં અડવાણીની રથયાત્રાના ગુજરાતમાં સારથી બનનાર નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા એ પછી 2002માં અયોધ્યામાંલી પરત ફરી રહેલા 59 કારસેવકો પર ગોધરામાં હુમલો થયો હતો.

59 કારસેવકો સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બામાં સળગી ગયા અને તે પછી ગુજરાતમાં મોટાપાયે રમખાણો થયા.

સત્તાવાર આંકડા મુજબ, 2002ના ગુજરાત રમખાણોમાં 790 મુસ્લિમ, 254 હિંદુઓ માર્યા ગયા. 223 લોકો લાપતા થયા અને 2500 લોકો ઘાયલ થયા.

2002માં નરેન્દ્ર મોદીની ભૂમિકા બાબતે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા અને અદાલતી કેસો બાદ એમને ક્લીન-ચીટ મળી.

નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે તેમણે રમખાણો રોકવા માટે યોગ્ય ભૂમિકા ભજવી હતી.

ચૂંટણીપંચ સાથેની ચકમક અને કપરી સ્થિતિ છતાં ડિસેમ્બર 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે 127 બેઠકો જીતી બહુમતી મેળવી અને તેઓ મુખ્ય મંત્રીના પદે બરકરાર રહ્યા.

જોકે, 2004ની લોકસભાની ચૂંટણીમાં અટલબિહારી વાજપેયીની એનડીએ સરકાર હારી ગઈ.

એ વખતે વાજપેયીએ એક ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું હતું કે ગુજરાતના રમખાણોની અસર આખા દેશમાં જોવા મળી, એ ઘટના પછી નરેન્દ્ર મોદીને હઠાવી દેવાની જરૂર હતી.

જોકે, એ વખતે અડવાણીએ મોદીનો બચાવ કર્યો હતો.

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ નરેન્દ્ર મોદીને 'લાલકૃષ્ણ અડવાણીના લાભાર્થી' ગણાવે છે.

તેઓ કહે છે કે "વિભાજનનું રાજકારણ નરેન્દ્ર મોદીને ફળ્યું છે એમાં કોઈ બેમત નથી."

"રામમંદિરનો જે રાજકીય લાભ મળવાનો હતો તે તો મળ્યો જ, પરંતુ આ ચુકાદો આવ્યા પછી સંઘ પરિવારમાં નરેન્દ્ર મોદીનું સ્થાન વધારે મજબૂત બનશે તેમ લાગે છે."

શાહ કહે છે કે, ખાસ કરીને કટ્ટર કાર્યકરોનો ટેકો એમને વધશે.

જોકે, પ્રકાશ ન. શાહને મતે "હાલ જે ડહાપણ દાખવવામાં આવી રહ્યું છે, તે જો નરેન્દ્ર મોદી જાળવી નહીં રાખે તો પરિસ્થિતિ વાઘસવારી જેવી બની શકે છે."

તેઓ કહે છે કે "હવે આગળ 'અયોધ્યા તો ઝાંકી હૈ કાશી-મથુરા બાકી હૈ' જેવા કટ્ટર સ્લોગનોને નરેન્દ્ર મોદી ખાળે છે કે નહીં તે જોવાનું રહેશે."

"જો તેઓ પોતે સરકારમાં છે એટલે દર્શાવી રહ્યાં છે એવું ડહાપણ નહીં દાખવે તો પરિસ્થિતિ વિકટ બનશે."

વરિષ્ઠ પત્રકાર કિંશુક નાગ રામમંદિરના મુદ્દો નરેન્દ્ર મોદીને સીધો લાભ થયો તેમ નથી કહેતા, પરંતુ તેઓ નરેન્દ્ર મોદીને હિન્દુત્વની રાજનીતિના 'વર્તમાન વંશજ' ગણાવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું, "રામમંદિર મુદ્દા અને ચુકાદોનો મુખ્ય ફાયદો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને મોહન ભાગવતને થયો."

નાગ ઉમેરે છે કે "1980 પછી ભાજપે ભગિનીસંસ્થા વિશ્વ હિંદુ પરિષદનો એજન્ડા રાજકારણમાં લાગુ કર્યો અને હિન્દુત્વ ચર્ચામાં આવ્યું ત્યારથી ભાજપની વિચારધારા બદલાઈ. રામમંદિરનો મુદ્દો ભાજપને ફળ્યો અને એ રીતે પાર્ટીના વડા તરીકે મોદી એના લાભાર્થી થયા."

અડવાણીએ આદરેલું કામ નરેન્દ્ર મોદીને ફળ્યું એમ પણ તેઓ જણાવે છે.

કિંશુંક નાગ કહે છે કે "નરેન્દ્ર મોદી અડવાણીના 'માનસપુત્ર' છે અને હિન્દુત્વના એજન્ડાના શાસનકર્તા વંશજ છે."

"એમના સમયમાં ચુકાદો આવ્યો છે એટલે પરોક્ષ રીતે એનો જશ એમને માથે લખાશે, પણ વધારે ફાયદો સંઘપરિવારને અને મોહન ભાગવતને થશે."

વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:

"રામમંદિરનો મુદ્દો નરેન્દ્ર મોદી સત્તા પર નહોતા અને કોઈ મહત્ત્વ નહોતા ધરાવતા ત્યારે શરૂ થયો હતો, પણ એ પૂરો એમના સમયમાં થઈ રહ્યો છે એનો આડકતરો લાભ નરેન્દ્ર મોદીને મળે."

"નરેન્દ્ર મોદીમાં પરિસ્થિતિને સમજવાની અને તેને પોતાની તરફે રજૂ કરવાની આવડત છે એટલે રામમંદિર બને ત્યાં સુધી એનો લાભ એમને મળતો રહેશે."

"ભૂમિપૂજનથી માંડીને અનેકવિધ વિધિઓ વગેરે દ્વારા એ મુદ્દો સમયેસમયે લોકો સામે આવતો રહેશે અને તેનો લાભ મોદીને મળતો રહેશે."

અજય નાયક કહે છે કે 1990માં અડવાણીની રથયાત્રાના મોદી અને 2019ના મોદી અલગ છે અને પરિસ્થિતિઓ પણ અલગ છે.

અલબત્ત, વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહની જેમ સંઘપરિવારમાં જે કટ્ટર તત્ત્વો છે તેને બળ મળશે એ વાત સાથે અજય નાયક સહમતી દર્શાવે છે.

અજય નાયક કહે છે કે 'આ ચુકાદા પછી સરકારમાં વિવિધ વિભાગમાં સંઘપરિવાર સાથે સંકળાયેલા લોકોની જે પકડ છે તે વધશે એવું માની શકાય કેમ કે મંદિરને મુદ્દે એમનો ઉત્સાહ બેવડાશે.'

હવે મંદિર મુદ્દે ભાજપ પ્રચાર નહીં કરે?

જોકે, આ વિચાર સાથે વરિષ્ઠ પત્રકાર રાજ ગૌસ્વામી માને છે કે હવે આ મુદ્દો પૂરો થઈ રહ્યો હોય તેમ લાગે છે.

નરેન્દ્ર મોદીને, અડવાણીને, વાજપેયીને અને સમગ્ર રીતે ભાજપને રામમંદિરનો મુદ્દો અત્યારસુધી ઉપયોગી થયો, પરંતુ હવે આ ચુકાદા પછી ભાજપ તેને પ્રોજેક્ટ નહીં કરે કે દાવો નહીં કરે એમ રાજ ગોસ્વામી બીબીસી ગુજરાતીને જણાવે છે.

ગોસ્વામી કહે છે, "સુપ્રીમ કોર્ટે કોને રાજકીય ફાયદો એ વિચારીને ચુકાદો નથી આપ્યો અને ભાજપ પોતે ક્લેમ કરવા નહીં જાય, કેમ કે હવે બોલવાની જરૂર નથી મંદિર પોતે જ બોલશે."

"ચુકાદા બાદ જે રીતે માહોલ ઊભો થયો છે અને જે પ્રકારે નિવેદનો આવ્યા છે તે જોતા લાગે છે કે હવે આ મુદ્દો પૂરો થાય છે."

આ ચુકાદા પછી ભાજપ કે સંઘપરિવાર સાથે સંકળાયેલા કટ્ટર તત્ત્વોને પ્રોત્સાહન મળી શકે એ વાત સાથે પણ રાજ ગોસ્વામી સહમત નથી.

ગોસ્વામી કહે છે કે "કદાચ પહેલીવાર નરેન્દ્ર મોદીના રાજકીય કાર્યકાળમાં એવું બન્યું છે કે તેમણે આગોતરી શાંતિ અને સૌહાર્દની અપીલ કરી છે, લોકો ઉશ્કેરણી કે હારજીત તરીકે ન લે એવું નિવેદન આપ્યું છે."

તેઓ ઉમેરે છે "હવે કાશી-મથુરા વગેરે મુદ્દાઓ પણ નહીં આવી શકે કેમ કે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં પણ કહ્યું જ છે કે 1949માં મૂર્તિ મૂકવી તે અને 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવી તે ગેરકાનૂની કૃત્ય હતું."

રાજ ગોસ્વામી માને છે કે "ભાજપ રામમંદિરના મુદ્દાનો દાવો કરી પ્રચાર નહીં કરે અને કરશે તો પણ મુસ્લિમોને સાથે રાખીને કરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો