અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સારાંશ

    • લેેખક, રામદત્ત ત્રિપાઠી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

સુપ્રીમ કોર્ટે મોટાભાગે અયોધ્યા વિવાદ મામલે પોતાના નિર્ણયમાં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાનું અનુમોદન કર્યું છે.

સાથે-સાથે 1993માં કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યામાં જમીન અધિગ્રહણ કાનૂનની સ્કીમ પ્રમાણે વિવાદના સમાધાનના આદેશ આપ્યા છે.

ચુકાદાના પેરા 805માં સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના કેસને નિશ્ચિત સમયમર્યાદા બાદ દાખલ કરવાના કારણે રદ કરી દીધો હતો.

કોર્ટે નિર્મોહી અખાડાનો રામજન્મભૂમિ મંદિરના પ્રબંધક હોવાનો દાવો પણ ફગાવી દીધો છે પરંતુ બંધારણના અનુચ્છેદ 142માં તેની પાસે વિશેષાધિકાર છે.

તેનો ઉપયોગ કરતા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે પરિસરમાં નિર્મોહી અખાડાની ઐતિહાસિક ભૂમિકાને ધ્યાનમાં રાખતા તેને મંદિર નિર્માણ માટે બનતા ટ્રસ્ટના મૅનેજમેન્ટમાં યોગ્ય સ્થાન આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના એ નિર્ણયને પલટી નાખ્યો છે કે જેમાં સુન્ની વકફ બોર્ડે કેસને સમયમર્યાદાની બહારનો ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે બંધારણમાં પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરતા સુન્ની વકફ બોર્ડને નવી મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર વર્ષ 1993માં અધિગ્રહીત 67 એકર જમીનમાંથી સુન્ની વકફ બોર્ડને જમીન ફાળવશે અથવા રાજ્ય સરકાર અયોધ્યાના કોઈ પ્રમુખ સ્થળ પર આ જમીન ફાળવશે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે સુન્ની વકફ બોર્ડ આ જમીન પર મસ્જિદ બનાવવા માટે જરૂરી પગલાં ઉઠાવવા સ્વતંત્ર છે એટલે કે તેના પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં.

ચુકાદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલો કેસ દાખલ કરનારા હિંદુ મહાસભાના નેતા રામગોપાલ વિશારદને મંદિરમાં પૂજાનો અધિકાર હશે.

તેમણે વર્ષ 1949માં મસ્જિદમાં મૂર્તિઓ રખાયા બાદ આ અધિકાર માગ્યો હતો.

વિશારદ હવે આ દુનિયામાં નથી અને તેમના ઉત્તરાધિકારી કેસના પક્ષકાર છે. એક રીતે આ તેમની જીત થઈ છે.

કોર્ટે ભગવાન રામલલ્લા વિરાજમાનનો દાવો મંજૂર કરતા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તેઓ જજમૅન્ટના ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે એક કાર્ય યોજના પ્રસ્તુત કરે.

કોર્ટે કહ્યું છે કે આ કાર્ય યોજના 1993માં બનેલા અધિગ્રહણ કાયદાની કલમ 6 અને 7 અંતર્ગત હશે.

કલમ 6માં મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ ગઠિત કરવાની વાત છે જેના સંચાલન માટે એક બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ હશે.

આ ટ્રસ્ટને મંદિરના નિર્માણ અને આસપાસ જરૂરી વ્યવસ્થાઓ કરવાનો અધિકાર હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો