બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ : અયોધ્યાના ચુકાદા પર પાકિસ્તાની મીડિયામાં આકરી પ્રતિક્રિયા

અયોધ્યામાં મંદિર-મસ્જિદના વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની ચર્ચા પાકિસ્તાનમાં ખૂબ થઈ રહી છે.

પાકિસ્તાની મીડિયામાં પણ ભારતની સુપ્રીમ કોર્ટનાચુકાદાને ઘણું સ્થાન મળ્યું છે.

શનિવારે સુપ્રીમ કોર્ટે વિવાદિત બાબરી મસ્જિદની જમીન હિંદુ પક્ષકારને આપવાનો અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવાનો નિર્ણય આપ્યો.

ભારતની સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર પાકિસ્તાનમાં સેનાથી લઈને વિદેશમંત્રાલય સુધીની પ્રતિક્રિયાઓ આવી.

પાકિસ્તાનના જાણીતા અંગ્રેજી અખબાર ડૉનમાં આ વિષય પર તંત્રીલેખ લખાયો છે.

ડૉને તંત્રીલેખની ટિપ્પણીમાં લખ્યું કે ''ભારતની સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં તોડી પડાયેલી મસ્જિદના સ્થળે મંદિર બનાવવાની પરવાનગી આપી દીધી છે."

"જોકે, સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાને ગેરકાયદે બતાવી પણ સામે મંદિર બાંધવાની પરવાનગી આપીને અપ્રત્યક્ષરીતે ભીડની તોડફોડનું સમર્થન પણ કર્યું છે."

"એ પણ દિલચસ્પ છે કે આ નિર્ણય શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કૉરિડૉર ખોલવાને દિવસે આવ્યો છે.''

ડૉને લખ્યું છે કે ''આ મુદ્દો ભારતમાં ખૂબ સંવેદનશીલ હતો અને તેનો સંબંધ સાંપ્રદાયિક સૌહાર્દ સાથે પણ છે ત્યારે કોર્ટે કોઈ પક્ષની તરફદારી ન કરી હોત તો કદાચ સારું થાત."

"આસ્થા અને ધાર્મિક નિષ્ઠાની બાબતોમાં રાજ્ય કોઈ એકની તરફ ન ઝૂકે અને તમામ નાગરિકોને ન્યાય આપે એ જ સૌથી યોગ્ય ગણાય.''

ડૉને તંત્રીલેખમાં લખ્યું કે ''1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ પછી એવું કહી શકાય છે કે ભારતમાં નહેરૂના 'સેક્યુલર ઇન્ડિયા'ના અંતની શરૂઆત થઈ ગઈ હતી અને સંઘ પરિવારે રાષ્ટ્રીય સ્તરે દસ્તક દીધી હતી."

"જેમણે અયોધ્યામાં ભીડને ઉશ્કેરી બાબરી મસ્જિદ તોડાવી હતી, એમનામાંથી અનેક સત્તાનું સુખ ભોગવી રહ્યા છે.''

ડૉનના રવિવારના તંત્રીલેખમાં લખાયું છે કે ''બેશક આ નિર્ણયથી કટ્ટર હિંદુવાદને પ્રોત્સાહન મળશે અને લઘુમતીઓમાં, ખાસ કરીને મુસલમાનોમાં એ સંદેશ જશે કે આધુનિક ભારતમાં ધાર્મિક આઝાદી સામેની બહુમતીઓની હિંસા માફ કરી દેવાય છે.''

ડૉને લખ્યું છે કે ''આ સાથે જ હવે ભારત એ દાવો નહીં કરી શકે કે તે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. બાબરી મસ્જિદના ઘટનાક્રમ પછી નેશનલ નૅરેટિવ હવે નહેરૂ અને ગાંધીને છોડીને સાવરકર અને ગોલવલકરની વિચારધારા તરફ ફંટાઈ ગયો છે.

"હવે ભારતના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ લોકશાહીની વિચારધારા તરફ વળશે કે લઘુમતીઓને કાયમ બીજા દરજ્જાના નાગરિક તરીકે જોવામાં આવે એવા હિંદુરાષ્ટ્ર તરફ જશે."

પાકિસ્તાની અખબાર ધ નેશને પણ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

'ધ નેશન'માં પાકિસ્તાની ધારાશાસ્ત્રી રહમાન મલિકની એક કૉલમ છપાઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પક્ષપાતી ગણાવાયો છે.

રહમાન મલિક પોતાની કૉલમમાં લખે છે કે ''હું ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રીઝને અપીલ કરું છું કે આને આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટિસ કે જેમાં ભારતે હસ્તાક્ષર કરેલા છે, ત્યાં સવાલ ઉઠાવે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના આંતરધાર્મિક સદ્ભાવનાના ચાર્ટરની વિરુદ્ધ છે. આરએસએસ અને મોદી ફકત ભારતના મુસલમાન અને પાકિસ્તાનનું નુકસાન નથી કરી રહ્યા પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના મુસલમાનોનું નુકસાન કરી રહ્યા છે.''

ધ નેશને પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીનું નિવેદન પણ પ્રકાશિત કર્યું છે.

એ નિવેદનમાં કુરેશીએ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ભારતના મુસલમાનોને મજબૂર કરવાવાળો ગણાવ્યો છે.

કુરેશીએ કહ્યું કે ''ભારતમાં મુસલમાન પહેલાંથી જ દબાણમાં હતા અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દાબ વધશે.''

પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ઇન્ટરનેશનલ ધ ન્યૂઝે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય કમાલ ફારૂકીના હવાલાથી એક નિવેદન છાપ્યું છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''અમને લોકોને આશા હતી કે સર્વોચ્ચ અદાલત આસ્થાના આધારે નહીં પણ ઉપલબ્ધ ઐતિહાસિત તથ્યો અને પુરાવાઓને આધારે નિર્ણય આપશે.''

ધ ન્યૂઝે પોતાના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશ સુન્ની સૅન્ટ્રલ વકફ બોર્ડના ચૅરમૅન ઝફર અહમદ ફારૂકીનું નિવેદન છાપ્યું છે.

ફારૂકીએ કહ્યું કે ''અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને બોર્ડ આ નિર્ણયને નહીં પડકારે.''

પાકિસ્તાનથી પ્રકાશિત થનારા અખબાર ટ્રિબ્યૂનમાં શરૂઆતનાં બે પાનામાં ભારતની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સંબંધિત બે સમાચારો પ્રકાશિત કરાયા છે.

પહેલા સમાચારમાં અખબારે જમાત ઉલેમા-એ-ઇસ્લામના ફઝલૂર રહમાનનું નિવેદન પ્રકાશિત કર્યું છે, જે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સામે આઝાદી માર્ચ પર નીકળ્યા છે.

રહમાને ભારતની સુપ્રીમ કોર્ટના નિર્ણયની નિંદા કરી છે.

એમણે કહ્યું, ''દેશ લઘુમતીઓના અધિકારોની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય એમની સંકુચિત વિચારધારા દર્શાવે છે.''

અન્ય એક સમાચાર તરીકે અખબારે પાકિસ્તાન શીખ કાઉન્સિલના ચૅરમૅન સરદાર રમેશસિંઘના હવાલાથી એક તુલનાત્મક ખબર પ્રકાશિત કરી છે.

અખબાર લાહોરના શહીદગંજ ગુરુદ્વારા કેસમાં બાબરી મસ્જિદ કેસમાં આવેલા નિર્ણયની તુલના કરે છે.

અખબાર લખે છે કે ''ભારતીય સુપ્રીમ કોર્ટે 16મી સદીમાં બનેલી મસ્જિદની વિવાદિત જમીન મંદિર બનાવવા માટે હિંદુઓને આપી દીધી, આવામાં પાકિસ્તાનના શહીદગંજ ગુરુદ્વારાનો ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે.''

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને સરદારનું નિવેદન છાપ્યું છે. એમણે કહ્યું કે ''બેઉ મામલાઓમાં ઘણી સમાનતા છે. બેઉ કેસોમાં દાવો કરવામાં આવ્યો. બેઉ કેસોમાં જે સમયે નિર્ણય આવ્યો છે તે ખાસ અને વિચારવા મજબૂર કરનારો છે, જ્યારે શનિવારે જ પાકિસ્તાન અને ભારત વચ્ચે કરતારપુર કૉરિડૉરની શરૂઆત થઈ ગઈ છે.''

રમેશસિંઘ આનો શ્રેય મુસલમાનોને આપે છે જેમણે પાકિસ્તાનની રચના પછી શહીદગંજ ગુરૂદ્વારાને મસ્જિદમાં તબદિલ ન કર્યો.

તેઓ કહે છે ''ભારતમાં મુસ્લિમ લઘુમતીઓ પાસેથી બાબરી મસ્જિદ લઈ લેવાઈ જ્યારે અહીં પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી હોવા છતાં શીખ લઘુમતી સંબધિત ગુરુદ્વારા હજી પણ એને સ્થાને બિરાજમાન છે.''

આ સિવાય પાકિસ્તાનની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે પણ અયોધ્યા અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે.

ગફૂરે એક વીડિયો ટ્વિટ કરતાં લખ્યું કે ''આજે ભારતના તમામ લઘુમતીઓને ફરી એ અહેસાસ થઈ ગયો કે અમારા મહાન નેતા મહમદ અલી ઝીણા હિન્દુત્વ અંગે જે વિચારતા હતા તે એકદમ યોગ્ય હતું.''

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂને અયોધ્યા અંગે પાકિસ્તાનના વિદેશમંત્રાલયની પ્રતિક્રિયાને પહેલા પાને પ્રકાશિત કરી છે.

પાકિસ્તાની વિદેશમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું ''સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ભારતનો ધર્મનિરપેક્ષતાનો દેખાડો દુનિયા સામે છતો થઈ ગયો છે. હવે એ સ્પષ્ટ છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, લઘુમતીઓનાં ધર્મસ્થાનો ભારતમાં સુરક્ષિત નથી. ભારતમાં હિંદુરાષ્ટ્ર મુજબ ફરી ઇતિહાસ લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો