You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાને અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું કહ્યું?
અયોધ્યામાં મંદિર અને મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
શનિવારે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી 5 જજોની બૅન્ચે સર્વસંમતિથી વિવાદિત જમીન રામલલ્લાને સોંપવાનો હુકમ કર્યો છે.
તેમજ મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવા જણાવ્યું છે.
આ નિર્ણય પર ભારતમાંથી તમામ પક્ષો તરફથી સંતુલિત પ્રતિક્રિયા આવી રહી છે, પરંતુ પાકિસ્તાન તરફથી આ મામલે આક્રમક પ્રતિક્રિયા આવી રહી છે.
આ સમયે કેમ આવ્યો નિર્ણય?
પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું કે, "દુનિયાએ એક વાર ફરીથી ઉદ્દામમતવાદી ભારતનો અસલી ચહેરો જોઈ લીધો છે."
"5 ઑગસ્ટના રોજ ભારતે પાકિસ્તાનને અપાતો ખાસ દરજ્જો ખતમ કરી નાખ્યો અને આજે બાબરી મસ્જિદ પર નિર્ણય આવી ગયો."
"બીજી તરફ પાકિસ્તાને બીજા ધર્મ પ્રત્યે સન્માન પ્રગટ કરતાં ગુરુ નાનકના સેવકો માટે કરતારપુર કૉરિડોર ખુલ્લો મૂક્યો છે."
રેડિયો પાકિસ્તાન અનુસાર અયોધ્યાના નિર્ણય પર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે આ નિર્ણય પરથી મોદી સરકારની કટ્ટર છબિ સામે આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુરેશીએ એ વાતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો કે જે દિવસે પાકિસ્તાને કરતારપુર કૉરિડોર ખુલ્લો મૂક્યો એ જ દિવસે કેમ ભારતની સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય જાહેર કરી દીધો?
કુરેશીએ કહ્યું કે, "ભારતમાં મુસ્લિમો પહેલાંથી જ દબાણમાં છે અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ આ દબાણમાં વધારો થશે."
કુરેશીએ કહ્યું કે આ નિર્ણયના કારણે ભારતની બિનસાંપ્રદાયિક છબિની હકીકત સામે આવી ગઈ છે.
ભારત વિરુદ્ધ અવારનવાર વિવાદિત નિવેદન આપનાર પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનીક મંત્રી ચૌધરી ફવાદ હુસૈને અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને શરમજનક, બેકાર, ગેરકાયદેસર અને અનૈતિક ગણાવ્યો.
પાકિસ્તાની પત્રકારોનો મત
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ટ્વીટ કરીને કહ્યું કે, "બાબરી મસ્જિદનો નિર્ણય જે સમયે આવ્યો છે, એના પરથી ઘણા પ્રશ્નો ઊભા થાય છે."
"ભારતની સર્વોચ્ચ અદાલતે આ અઠવાડિયામાં જ પોતાનો નિર્ણય સંભળાવવાનો નિર્ણય કેમ લીધો હશે? શું પાકિસ્તાને કરતારપુરમાં શીખો માટે જે કર્યું તેની સામે પ્રતિક્રિયા આપવા માટે આવું કરવામાં આવ્યું હશે? આ નિર્ણય કાયદા આધારે લેવાયો છે કે ભાજપના ઘોષણાપત્ર આધારે."
પાકિસ્તાનમાં સમા ટીવીના વરિષ્ઠ પત્રકાર નદીમ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે, "ભારતની સુપ્રીમ કોર્ટે એક વિવાદિત નિર્ણય લીધો છે."
"વિવાદિત જમીનને હિંદુઓના મંદિર માટે ફાળવી દેવાઈ છે. 460 વર્ષ જૂની મસ્જિદ હિંદુઓએ 1992માં ધ્વસ્ત કરી નાખી હતી."
"મુસલમાનોને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અલગથી ફાળવી દેવાઈ છે."
પાકિસ્તાનમાં ટ્વિટર પર બાબરી મસ્જિદ હૅશટૅગ ટોચ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
બીજા નંબર પર હૅશટૅગ અયોધ્યા વર્ડિક્ટ છે અને પાંચમા નંબર પર હૅશટૅગ રામમંદિર છે.
બશીર અહમદ ગ્વાખ નામના પત્રકારે આ હૅશટૅગ સાથે એક ટ્વીટમાં પાકિસ્તાનમાંથી અયોધ્યા પર આવી રહેલી પ્રતિક્રિયાઓની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "પાકિસ્તાન બાબરી મસ્જિદ અંગે ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયથી નારાજ છે એ વાત રસપ્રદ છે. જ્યારે પાકિસ્તાનના પંજાબના હાસિલપુરમાં અહમદિયા મસ્જિદ તોડી પડાઈ હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો