અયોધ્યાના ચુકાદા પર અડવાણી બોલ્યા, 'આંદોલન સાથે જોડાવું સૌભાગ્યપૂર્ણ'

ભાજપના વરિષ્ઠ નેતા અને રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.

અડવાણીએ અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. જેનું સંચાલન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

અડવાણીએ કહ્યું કે આ પૂર્ણતાની ક્ષણ છે અને આંદોલન સાથે જોડાવું એ સૌભાગ્યપૂર્ણ હતું.

તેમણે કહ્યું, "સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બૅન્ચ દ્વારા અયોધ્યા મામલે આપવામાં આવેલા ચુકાદાનું સ્વાગત કરવામાં હું દેશવાસીઓ સાથે છું."

"હું ખુદને ધન્ય મહેસૂસ કરું છું. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન રામ માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ વિસ્તારતા, સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે."

અડવાણીએ ખુદ રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા હોવાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ પૂર્ણતાની ક્ષણ છે.

તેમણે કહ્યું, "આ મારા માટે ખૂબ મોટી વાત છે કે ભગવાને તેમને આ આંદોલન સાથે જોડાવાની તક આપી."

ભાજપના વરિષ્ઠ નેતા અને રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.

આ સાથે જ અડવાણીએ રામમંદિર આંદોલનને આઝાદ ભારતનું સૌથી મોટું આંદોલન ગણાવ્યું.

તેમણે આગળ કહ્યું કે હવે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે, તો એવામાં હવે સમય આવી ગયો છે કે હવે આપણે બધા તમામ વિવાદો અને કટુતાને પાછળ છોડી દઈએ. સદ્ભાવ અને શાંતિને ગળે લગાડીએ.

આઝાદી પહેલાંથી ચાલી રહેલા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

ચુકાદો આપતાં પહેલાં સુપ્રીમ કોર્ટે દરરોજ 40 દિવસ સુધી લગાતાર સુનાવણી કરી હતી અને તમામ પક્ષકારોને સાંભળ્યા હતા.

દેશમાં સંવેદનશીલ એવા આ મામલા પર પાંચ જજોની બૅન્ચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે.

જેમાં નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડના દાવાનો ખારિજ કરી દેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનને રામલલ્લા વિરાજમાનને આપવાનો તથા મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.

રામમંદિર બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનું પણ કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો