અમિત શાહે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં રસ ન લીધો? કેમ શિવસેના અડી ગઈ?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી ગુજરાતી

એક તરફ અમિત શાહ ઝારખંડની ચૂંટણી માટે વ્યસ્ત થઈ ગયા છે અને ભાજપે ઉમેદવારના નામની જાહેરાત પણ શરૂ કરી દીધી છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ જવા છતાં અને 00થી વધારે બેઠકો હોવા છતાં ભાજપે સરકાર રચવાનું આમંત્રણ જતું કરવું પડ્યું અને ભાજપના નેતા અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું પડ્યું.

એ પછી શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ સરકાર ન બની શકી અને એનસીપીને આમંત્રણ આપવામાં આવ્યું.

ભાજપ-શિવસેના એક સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સરકાર બનાવવા માટે તેમના ગઠબંધન પાસે પૂરતો આંકડો પણ છે, છતાં મુખ્ય મંત્રી પદ એટલે કે સત્તામાં બરોબરીની ભાગીદારીના સમીકરણની માગણીને પગલે કોકડું ગૂંચવાયું હતું.

ગત મહિને 24મી ઑક્ટોબરે મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા હતા. જોકે, ગણતરીના દિવસોમાં જ હરિયાણામાં ભાજપે જનનાયક જનતા પાર્ટી (જેજપી )સાથે ગઠબંધન કરી સરકારી બનાવી લીધી.

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરે મુખ્ય મંત્રી પદના જ્યારે જેજેપીના વડા દુષ્યંત ચૌટાલાએ ઉપ-મુખ્ય મંત્રીપદના શપથ પણ લઈ લીધા.

હરિયાણામાં સત્તાની વહેંચણી અને ગઠબંધનની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના નિવાસસ્થાને પત્રકારોને સંબોધીને કરી હતી. અને હરિયાણમાં ભાજપ સરકાર બનાવી રહી હોવાનું નિવેદન પણ તેઓ એ પૂર્વે જ આપી ચૂક્યા હતા.

આથી રાજકીય પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો હરિયાણામાં અમિત શાહે સક્રિય રહી રાજ્યમાં સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી તે સ્પષ્ટ છે.

પરંતુ મહારાષ્ટ્રમાં શિવસેના સાથેની મડાગાંઠ ઉકેલવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે અને તેમાં તેમની શું ભૂમિકા છે, વળી તેઓ ભૂમિકા નિભાવી રહ્યા છે પણ કે નહીં તેવી વાતો રાજકીય આલમમાં ચર્ચાઈ રહી છે.

શું અમિત શાહ આ વખતે લક્ષ્ય ચૂકી ગયા છે?

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમતી માટે 145 સીટ હોવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ મળી છે.

દરમિયાન ભાજપ સાથે ગઠબંધન ધરાવતા રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને મળ્યા હતા. તેઓ એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)માં કેન્દ્રીય મંત્રી છે.

તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની બાબત મામલે તેમણે અમિત શાહ સાથે બે મિનિટ વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, "મેં અમિત શાહને કહ્યું કે નીતિન ગડકરી અને શિવસેના વચ્ચે સારા સંબંધો છે. શિવસેના મુખ્ય મંત્રી પદ માટે મક્કમ છે અને ભાજપ આ માટે તૈયાર નથી. આથી તમે મુંબઈ આવો અને ઉદ્ધવ ઠાકરેને મળી આ સમસ્યાનો ઉકેલ લાવો."

નીતિન ગડકરી અગાઉ આ પદ માટે પોતે રેસમાં નથી એવું કહી ચૂક્યા છે.

તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક પણ કરી હતી અને કહ્યું હતું કે લોકોએ ફડણવીસ અને તેમની સરખામણી ન કરવી જોઈએ.

અત્યારસુધી જો ગોવા હોય કે કર્ણાટક હોય, સરકાર રચવામાં અમિત શાહે નિર્ણાયક ભૂમિકાઓ નિભાવી હતી. સંખ્યાબળ ભલે ઓછું પડતું હોય પણ અમિત શાહે સફળતાપૂર્વક સમીકરણો રચ્યા છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાષ્ટ્રના પરિણામો જાહેર થયા બાદ અમિત શાહે મુંબઈ આવીને એક પણ વખત શિવસેનાના નેતા સાથે કોઈ બેઠક કરી નથી.

વળી બે વખત બેઠક થવાની હોવાની તારીખો નક્કી હોવા છતાં બેઠક બાદમાં મોકૂફ કરી દેવાઈ હોવાનું મીડિયા અહેવાલોમાં સાંભળવા મળ્યું હતું.

અમિત શાહ આ ચિત્રમાં ક્યા છે?

મહારાષ્ટ્રમાં છેલ્લા 15થી વધુ દિવસથી સરકાર રચવા મામલે 'જૈસે થે' છે.

અહેવાલો અનુસાર નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ભાજપ-શિવસેનાને જનમત મળ્યો છે આથી તેમણે સરકાર બનાવી જોઈએ તેઓ પોતે વિપક્ષમાં બેસશે.

જોકે શરદ પવારે આ વિવાદમાં એક વાત એવી પણ કહી છે કે અમિત શાહ મહારાષ્ટ્રની રાજકીય સમસ્યા કેવી રીતે ઉકેલે છે તે જોવા તેઓ ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન સાથે ચૂંટણી લડ્યું હતું. જોકે તેઓ બહુમતના આંકડાથી દૂર હોઈ તેમણે સરકાર રચવાનો દાવો કરવાથી હાલ દૂર રહેવાનું વલણ અપનાવ્યું છે.

આથી ફરી સવાલ ત્યાં જ આવીને ઊભો રહે છે કે અમિત શાહ આ ચિત્રમાં ક્યા છે? તેઓ શું ભૂમિકા નિભાવી રહ્યા છે?

અને સરકાર બનાવવામાં માહેર ગણાતા અમિત શાહ મુંબઈ કેમ નથી આવી રહ્યા?

અમિત શાહને 'હાથના કર્યા હૈયા વાગ્યે'

મુંબઈના વરિષ્ઠ પત્રકાર નીલેશ દવેએ બીબીસી ગુજરાતીને કહ્યું કે અમિત શાહ માટે સ્થિતિ એવી સર્જાઈ છે કે 'હાથના કર્યા હૈયા વાગ્યે.'

તેમનું કહવું છે કે આટલા દિવસથી શિવસેના-ભાજપ વચ્ચે સત્તામાં બરોબરીના વચન મામલે મડાગાંઠ ચાલી રહી છે પણ અમિત શાહે એક પણ વાર નિવેદન નથી આપ્યું કે આ વાત ખોટી છે.

તેમણે ઉમેર્યું, "શિવસેના આ વખતે મક્કમ છે, વળી તેની બેઠકો પણ વધી છે. ઉપરાંત ભાજપની બેઠકો ઘટતા ફડણવીસનું પરફૉર્મન્સ પણ માપવામાં આવી રહ્યું છે."

"શિવસેના નમતું જોખે એવું લાગતું નથી અને જો ભાજપ નમે તો તેણે મુખ્ય મંત્રી પદની સત્તામાં બરોબરીની માગણી સ્વીકારવી પડે."

"સમગ્ર મડાગાંઠ જોતા લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જોકે એક વાત એવી પણ છે કે મહારાષ્ટ્ર જેવું રાજ્ય કોઈ એમ જ હાથમાંથી ન જવા દે."

"વળી જ્યાં સુધી અમિત શાહની ભૂમિકાની વાત છે, તો અમિત શાહનું મૌન જ સ્થિતિ શું છે એ વિશે કહી જાય છે."

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ-શિવસેનાએ સાથે મળીને લડી હતી.

નાસિકથી વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમારેનું કહેવું છે કે ભાજપે લોકસભા ચૂંટણી સમયે શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં સત્તાની બરોબરીનું વચન આપ્યું હતું.

તેમણે બીબીસીની મરાઠી સેવાના સંવાદદાતા શ્રીકાંત બંગાલે સાથેની વાતચીતમાં કહ્યું,"મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ નિવેદન આપ્યું હતું કે શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ સત્તામાં બરોબરી આપવામાં આવશે. અમિત શાહ પણ એ સમયે ઉપસ્થિત હતા."

"પરંતુ હવે ફડણવીસ એવું કહી રહ્યા છે કે આવું કોઈ વચન નહોતું અપાયું. તેમણે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે આવી કોઈ વાત થઈ હોય તો તેમને તેના વિશે જાણકારી નથી. આમ ઉદ્ધવ ઠાકરેએ સત્તા મામલે આ વખતે મક્કમ વલણ અપનાવ્યું છે."

પરંતુ દિલ્હીના વરિષ્ઠ પત્રકાર મહેશ સરલષ્કરનું કહેવું છે કે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેના પરથી સ્પષ્ટ છે કે અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને સરકાર રચવા માટે સંકેત આપી દીધો છે.

તેમણે બીબીસી મરાઠી સેવાને જણાવ્યું," ફડણવીસ દિલ્હી આવ્યા હતા અને તેમણે અમિત શાહ સાથે બેઠક કરી તેમાં તેમને સરકાર રચવા મામલેની તમામ બાબતો જણાવી દેવાઈ છે."

"હાલ સરકાર રચવાના કામકાજની જવાબદારી રાજ્યના નેતૃત્ત્વ પર છોડેલી છે આથી કામકાજ પૂર્ણ થયા બાદ અમિત શાહ નિર્ણય કરશે. પરંતુ એક વાત તો છે કે સત્તા સ્થાપવામાં વિલંબ થઈ રહ્યો છે."

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?

લોકસભા યુતિ સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકસભામાં શિવસેના 23 જ્યારે ભાજપ 25 બેઠકો પર લડશે અને બાકીની બેઠકો પર બરોબરની વહેંચણી થશે.

તેમણે કહ્યું હતું,"આશા છે કે અમે કરેલા કામોને લીધે જનતા અમને ચૂંટશે અને વિજય બાદ પણ અમે સત્તામાં ભાગીદારી અને જવાબદારીઓ મામલે સમાનતા જાળવીશું."

દરમિયાન, દિલ્હીના પત્રકાર મંગેશ વૈશંપાયન કહે છે કે અમિત શાહ ધ્યાન નથી આપી રહ્યા એવું નથી.

"અમિત શાહ કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છે છે. આથી તેઓ દરેક રાજ્યમાં ભાજપની સરકાર બનાવવાની કોશિશમાં હોય છે. પરંતુ શિવસેનાના નિવેદનો અને વલણને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે જેમાં અમિત શાહ સક્રિય ભૂમિકામાં સ્પષ્ટ નથી દેખાઈ રહ્યા."

"જોકે શિવસેના અને ભાજપ વર્ષોથી સાથે રહ્યા છે આથી શિવસેના મુખ્ય મંત્રી પદ માટે મક્કમ વલણ અપનાવશે એવું ભાજપને સમજાઈ જવું જોઈતું હતું."

"પરંતુ ભાજપનું નેતૃત્ત્વ એ ન સમજી શક્યું તેમના માટે શિવસેનાનું આવું વલણ અનઅપેક્ષિત હતું."

અમિત શાહ આ મડાગાંઠ ઉકેલી શકશે?

વળી સત્તામાં બરોબરી અને અઢી વર્ષ માટે મુખ્ય મંત્રી પદની લેખિત માગણી સંબંધિત શિવસેનાના નિવેદનો તેના વલણને સ્પષ્ટ દર્શાવી રહ્યા છે કે તેઓ આ વખતે નમતું જોખવા તૈયાર નથી.

ભાજપ-શિવસેના બન્નેના નેતાઓ છેલ્લા 15 દિવસમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એકથી વધુ મળી ચૂક્યા છે.

પરંતુ હજુ સુધી કોઈ પણ પક્ષે સરકાર રચવા માટે તેમની સમક્ષ દાવો રજૂ નથી કર્યો.

આથી આ સમગ્ર પરિસ્થિતિમાં જોવું એ રહ્યું કે શું અમિત શાહ આ મડાગાંઠ ઉકેલી શકશે કે નહીં? અને જો ઉકેલે છે, તો કઈ રીતે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો