રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા કેટલું બદલાઈ ગયું અને વિકાસ હજુ પણ ક્યાં પહોંચી શક્યો નથી?

    • લેેખક, વિષ્ણુ સ્વરૂપ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશનું નાનું શહેર અયોધ્યા સમગ્ર દેશના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અયોધ્યામાં પ્રવેશતાંની સાથે જ નગરના કાયાકલ્પનો ધમધમાટ નજરે ચડે છે. નવું ઍરપોર્ટ બિલ્ડીંગ, બહેતર માર્ગો, સુશોભિત જાહેર સ્થળો અને સર્વવ્યાપી ભગવા ધ્વજો – આ બધું અયોધ્યામાં તમારું સ્વાગત કરે છે.

ઉત્તર પ્રદેશના કેન્દ્રમાં આવેલું અયોધ્યા, ખાસ કરીને 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ અને ત્યાર બાદ રામમંદિરના નિર્માણની હાકલને લીધે, લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલું હતું. મંદિરના નિર્માણને મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાને પગલે અયોધ્યામાં નોંધપાત્ર પરિવર્તનનો તબક્કો શરૂ થયો હતો.

તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ અયોધ્યા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કર્યું છે. આ પહેલનો હેતુ માત્ર રામમંદિરના નિર્માણનો જ નહીં, પરંતુ સમગ્ર શહેર ફરી ધમધમતું કરવાનો છે.

મંદિરનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે ત્યારે અયોધ્યાનો બદલાયેલો ચહેરો વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યો છે. તેના પરિણામે, એક સમયે જે ભીડ વિનાનું નાનકડું નગર હતું તે અયોધ્યા ઝડપથી બદલાઈ રહ્યું છે.

અયોધ્યાનું પ્રતીકાત્મક નવનિર્માણ

અયોધ્યામાં આવતા મુલાકાતીઓને આવકારવા રામની છબીઓવાળા ભગવા ધ્વજથી શણગારવામાં આવ્યું છે. મંદિર તરફ જતો 13 કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ ‘રામપથ’ સુશોભિત વસ્તુઓ અને રોશનીથી શણગારવામાં આવ્યો છે.

સરકાર ચાર મુખ્ય રસ્તા – રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિપથને પહોળા કરી રહી છે. આ રસ્તાઓ પરનાં ઘરો અને દુકાનોના અગ્રભાગોને એકસમાન ઊજળા પીળા રંગે રંગવામાં આવ્યાં છે.

દુકાનોનાં શટર ત્રિશૂળ, હનુમાન, કેસરી ધ્વજ અને 'જય શ્રીરામ' જેવાં હિન્દુ પ્રતીકોથી રંગાયેલાં છે.

આર્થિક અસર

સ્થાનિક વેપારમાં ઉછાળો આવ્યો છે અને એ નગરના વર્તમાન વિકાસને આભારી છે. રામપથ પરની નાસ્તાની દુકાનના માલિક અર્શદ શેરાના કહેવા મુજબ તેમને વિકાસનો સીધો લાભ થયો છે.

અર્શદ શેરા કહે છે, "અહીં છેલ્લાં બે વર્ષથી વિકાસકાર્યો ચાલી રહ્યાં છે. તમામ સ્થળો અપગ્રેડ કરવામાં આવ્યાં છે. હવે અહીં ઘણા પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. અમારી આવક વધી છે."

દેશના વિવિધ ભાગોમાંથી આધ્યાત્મિક યાત્રાળુઓ તથા પ્રવાસીઓને ધસારાને પરિણામે સર્વિસીસની માગમાં વધારો થયો છે. પરિવહનક્ષેત્રમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.

એક રેન્ટલ કૅબ ડ્રાઇવર રાજા કહે છે, "સ્થાનિક રહેવાસીઓ અગાઉ હૉસ્પિટલે અથવા સંબંધીઓના ઘરે જવા માટે જ કાર ભાડે લેતા હતા, પરંતુ હવે દેશના અન્ય ભાગોમાંથી આવતા લોકો આખા સપ્તાહ માટે ભાડાની ટેક્સીનો ઉપયોગ કરે છે."

દેશના વિવિધ ભાગોમાંથી આવી રહેલા લોકો

ગયા સપ્તાહના અંતે, નિર્માણાધીન રામમંદિર તરફની ગલીઓ લોકોથી ધમધમતી હતી. તેમાં મોટા ભાગના યાત્રાળુઓ અને પ્રવાસીઓ હતા. આ માર્ગ પર અનેક નાની-મોટી દુકાનો ખૂલી ગઈ છે. ભગવા ધ્વજ, રામાયણનાં પુસ્તકો, ફોટોગ્રાફ્સ અને મૂર્તિઓનું જોરશોરથી વેચાણ થઈ રહ્યું છે.

મંદિરમાં જતા ઘણા લોકો કપાળ પર 'જય શ્રીરામ'નું તિલક કરાવે છે. આ કામ ઘણા સ્થાનિક લોકો કરી રહ્યા છે. તામિલનાડુ સહિતનાં દક્ષિણનાં રાજ્યોમાંથી અહીં આવેલા ઘણા લોકો અમને જોવા મળ્યા હતા.

તામિલનાડુના વેલ્લોરથી યાત્રાળુઓના સંઘમાં આવેલાં 56 વર્ષનાં લક્ષ્મી વિજયને જણાવ્યું હતું કે તેઓ ત્રણ દિવસ ટ્રેનમાં પ્રવાસ કરીને અહીં પહોંચ્યાં છે. બહારગામથી આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે અહીં પરિવહન તથા રહેવાની સગવડ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સ્થાનિક યુવાઓમાં ઉત્સાહ

અયોધ્યાના રહેવાસીઓ અને ખાસ કરીને યુવાઓ શહેરના વિકાસથી ઉત્સાહિત છે. મુલાકાતીઓની વધતી સંખ્યાને પહોંચી વળવાં નવાં રેસ્ટોરાં, ઉદ્યાનો અને ચોક આકાર પામ્યાં છે.

12 વર્ષની વયની વિદ્યાર્થિની આરાધ્યા તિવારી કહે છે, "રામમંદિરના નિર્માણને પગલે શહેરની 'વાઇબ' બદલાઈ ગઈ છે."

એવી જ રીતે 15 વર્ષનો વિદ્યાર્થી પ્રજ્વલ શ્રીવાસ્તવ સામાજિક મેળાપના વધી રહેલા વિકલ્પોની નોંધ લેતાં કહે છે, "અયોધ્યામાં દોસ્તો સાથે બહાર ફરવા જવા માટે અગાઉ બહુ ઓછી જગ્યાઓ હતી. હવે ઘણી હોટલો અને ઉદ્યાનો બની ગયાં છે."

માળખાકીય સુવિધાઓના વિકાસની વાત કરીએ તો અયોધ્યામાં નવા ઍરપૉર્ટના નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેમાં ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જૂના રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવ્યું છે અને નવા બસ સ્ટેન્ડના વિકાસનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ થયો છે.

રામમંદિરની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં અસંખ્ય સુશોભન કાર્યો અને વિકાસ પ્રકલ્પોનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. ફ્લાયઓવર્સ, શૉપિંગ મૉલ્સ અને પાર્કિંગ લોટ્સનું નિર્માણ થઈ રહ્યું છે, જે આધુનિકીકરણ માટેની શહેરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અયોધ્યામાં શું વિકાસમાં અસમાનતા છે?

'અયોધ્યા ડેવલપેન્ટ પ્રોગ્રામ' અંતર્ગત રામમંદિરની આસપાસના મુખ્ય વિસ્તારોનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે પરંતુ નગરના રહેણાક વિસ્તારો અને અયોધ્યા જિલ્લાના અન્ય ભાગો સુધી વિકાસની ગાડી પહોંચવાની હજુ બાકી છે.

કેટલાક વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ જર્જરિત છે અને જેટલા આવાતો છે એ પૂરતા નથી. મુખ્યત્વે મુસ્લિમોની વસ્તી ધરાવતા ફૈઝાબાદમાં સમાન પ્રમાણમાં વિકાસ થયો નથી.

સિમ્મી નવા ઍરપોર્ટથી બે કિલોમીટર દૂર આવેલાં ફૈઝાબાદમાં શિક્ષિકા છે. ફૈઝાબાદમાં હજુ સુધી કોઈ વિકાસ થયો નથી. જોકે, હવે તેનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે.

મહિલાઓ માટે શૈક્ષણિક અને રોજગારની વધુ તક ઉપલબ્ધ કરાવવાની વાત કરતાં સિમ્મી કહે છે, "શહેર સુધરી રહ્યું છે તેમ અહીંના લોકોના શિક્ષણનું ધોરણ પણ સુધરવું જોઈએ. મૉલ અને હોટલોની જેમ જ એન્જિનિયરિંગ કૉલેજ અને મેડિકલ કૉલેજનો વિકાસ કરવાની પણ જરૂર છે. મહિલાઓ માટે સ્વરોજગારની તકો સર્જાવી જોઈએ."

ફૈઝાબાદના સામાજિક કાર્યકર ગુફરન સિદ્દીકી 2019ના અયોધ્યા ચુકાદા પછી નિર્માણકાર્ય ઝડપી બન્યાનો સ્વીકાર કરવાની સાથે કેટલીક મહત્વની સમસ્યાઓ હાઇલાઇટ પણ કરે છે.

તેઓ કહે છે,"શહેરમાં પાયાની જરૂરિયાતોની સ્થિતિ કંગાળ છે. દાખલા તરીકે ફૈઝાબાદમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓની હાલત નબળી છે. એ ઉપરાંત રોજગારની તકો બહુ ઓછી છે. તેનું નિરાકરણ પણ થવું જોઈએ."

સરકારનો પ્રતિભાવ

'અયોધ્યા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' પર દેખરેખ રાખતા જિલ્લા મૅજિસ્ટ્રેટ નીતીશ કુમાર આ ચિંતાના સંદર્ભમાં ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પ્રોજેક્ટોને સમાવતી ત્રણ તબક્કાની યોજનાની રૂપરેખા આપે છે.

તેઓ ખાતરીપૂર્વક જણાવે છે કે પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. વચગાળાના પ્રોજેક્ટો જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે અને લાંબા ગાળાના પ્રોજેક્ટો કામ ઝડપભેર ચાલી રહ્યું છે.

ફૈઝાબાદ જેવા વિસ્તારો બાબતે નીતીશ કુમાર જણાવે છે કે નગરની બહારના વિસ્તારો અને ઉપનગરોમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકાસકાર્ય હાથ ધરવામાં આવે છે.

કુમારે ‘અયોધ્યા 2047’ યોજના હેઠળની આગામી પહેલોની માહિતી આપી હતી. તેમાં દશરથ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં 200 બેડના ઉમેરા અને પ્રવાસનક્ષેત્રને વિકસાવીને સર્વિસ સેક્ટરમાં રોજગારનું નિર્માણ કરવાના પ્રોજેક્ટ્સના અમલનો સમાવેશ થાય છે. તેમણે પેઈંગ ગેસ્ટ આવાસ યોજના અને ઇકૉલૉજિકલ ટુરિઝમ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.