રામમંદિર નરેન્દ્ર મોદી અને ભાજપને શું ત્રીજી વખત સત્તામાં લાવશે?

    • લેેખક, મયૂરેશ કોણ્ણૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી

જ્યારથી રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તારીખ જાહેર થઈ ત્યારથી એક મહત્ત્વની રાજકીય ચર્ચા શરૂ છે. એક તરફ એ ચર્ચા થઈ રહી છે કે મંદિરનું નિર્માણ અધૂરું હોવા છતાં હેતુપૂર્વક તેની પ્રાણપ્રતિષ્ઠાની તારીખ લોકસભા ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ વિપક્ષોએ અને શંકરાચાર્યોએ પણ આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ સ્વીકાર્યું નહોતું.

બીજી તરફ ભાજપ, આરએસએસ અને તેના સાથે જોડાયેલા પક્ષો અને સંગઠને સમગ્ર દેશમાં અક્ષત વહેંચીને સમગ્ર દેશમાં ધાર્મિક વાતાવરણ ઊભું કરી દીધું છે. તેમણે ઘરેઘરે જઈને અક્ષત પહોંચાડ્યા છે અને ઠેકઠેકાણે કળશ યાત્રા જેવી ધાર્મિક રેલીઓ કાઢી છે. દેશનો દરેક ખૂણો ભગવા રંગમાં રંગાઈને ભક્તિના માહોલનો સાક્ષી બની રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું નેતૃત્ત્વ કર્યું. તેઓ આ પ્રકારના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા અને ઉદ્ધાટનના આટલા મોટા કાર્યક્રમમાં સામેલ થનારા દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા છે.

આ કાર્યક્રમ વચ્ચે આ આખા કાર્યક્રમ અંતર્ગત રહેલા રાજકીય હેતુને કોણ નકારી શકે?

સમકાલીન કાળમાં ‘અયોધ્યાકાંડ’ ક્યારેય માત્ર ધાર્મિક રહ્યો નથી, તેની સાથે હંમેશા રાજકીય ગતિવિધિઓ સામેલ રહી છે.

રામમંદિર આંદોલને માત્ર હિન્દુત્ત્વ અને બહુમતીવાદને મુખ્ય પ્રવાહમાં લાવવાનું જ કામ નથી કર્યું પરંતુ તેણે ભારતના રાજકારણની દિશા બદલી નાખી છે.

જ્યારથી મંદિરનો મુદ્દો રાજકારણમાં પ્રવેશ્યો ત્યારથી તેણે વત્તાઓછા પ્રમાણમાં દરેક ચૂંટણીને અસર કરી છે. આ વખતે પણ તેની ચૂંટણીમાં અસર થશે તેવું દેખાય છે.

શું આવનારા મહિનાઓમાં રામમંદિરનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બની રહેશે? છેલ્લા ત્રણ દાયકામાં આ મુદ્દાથી જેણે સૌથી વધુ ફાયદો મેળવ્યો છે એ ભાજપ શું નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ સતત ત્રીજી વખત બહુમતી સાથે સત્તામાં આવશે?

શું ભાજપને ફરીથી ફાયદો થશે?

છેલ્લા ત્રણ દાયકાનો રાજકીય ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે રામમંદિરના મુદ્દાએ ભાજપને ચૂંટણીમાં સતત ફાયદો કરાવ્યો છે. ભાજપના મતદારો ધીરેધીરે વધતા ગયા અને એક સમયે માત્ર બે સાંસદો ધરાવતા પક્ષના લોકસભામાં 100 સાંસદો થયા અને પછી તેણે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી.

લોકનીતિ સીએસડીએસના ડાયરેક્ટર અને ચૂંટણી વિશ્લેષક સંજય કુમાર 2014 અને 2019ની ચૂંટણીઓના સમયગાળા દરમિયાન આવેલા ડેટા તરફ ઇશારો કરે છે. હિન્દુ મતદારોનો કરવામાં આવેલો આ સર્વે એવું સૂચવે છે કે ધાર્મિક આસ્થા કે વિશ્વાસ ધરાવનાર સમુદાય કે જે નિયમિતપણે મંદિરોમાં જાય છે તેમણે ભાજપને મત આપ્યો હતો અને આવા મતદારોનું પ્રમાણ ખૂબ ઊંચું હતું.

સંજય કુમાર કહે છે, "જે લોકો દરરોજ મંદિરે જાય છે અને ધાર્મિક સ્વભાવવાળા છે તેમાંથી 51 ટકા લોકોએ 2019માં ભાજપને મત આપ્યો હતો. 2014માં પણ આ પ્રમાણ લગભગ આટલું જ હતું. પરંતુ જે લોકો અતિશય ધાર્મિક નથી અને મંદિરે દરરોજ જતા નથી તેમાંથી 32 ટકા લોકોએ ભાજપને મત આપ્યો હતો. આમ, સીધો મતલબ એવો નીકળે છે કે ધાર્મિક લોકો ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે."

આથી, રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશમાં જે પ્રકારનું ધાર્મિક વાતાવરણ બની રહ્યું છે તે જોતાં એવું બની શકે કે આવા તમામ ‘વફાદાર અને વિશ્વાસુ મતદારો’ કે જેઓ કાયમથી રામમંદિરમાં શ્રદ્ધા ધરાવે છે તેઓ ભાજપ તરફ જાય.

જ્યારથી આ મુદ્દો ધીમેધીમે જોર પકડતો ગયો એટલે કે 1980ના દાયકાના સમયથી, ભાજપને આ મતદારોનું સમર્થન મળતું રહ્યું છે અને દિવસે-દિવસે વધતું રહ્યું છે.

સંજય કુમાર અનુસાર, 2014માં કૉંગ્રેસની સરકાર સામે ભ્રષ્ટાચારનો મુદ્દો અને 2019માં પુલવામા-બાલાકોટના મુદ્દાઓ હાવી રહ્યા હતા પરંતુ એવું ક્યારેય નથી બન્યું કે મતદારો પરથી ધાર્મિક મુદ્દાઓની અસર ઓછી થઈ હોય.

કંઈક આવું જ આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં થશે તેવું તેમનું માનવું છે. તેઓ દાવો કરતા કહે છે, "2024ની ચૂંટણીઓમાં હિન્દુત્વ અને રામમંદિરનો મુદ્દો કેન્દ્રમાં રહેશે અને તેના પર ચૂંટણી લડાશે. મને એ વાતની ખાતરી છે કે ઓછામાં ઓછા ઉત્તર ભારતના મતદારો તો રામમંદિર નિર્માણને કારણે ભાજપને મત આપશે."

ભાજપના નેતાઓ સતત એવું કહી રહ્યા છે કે રામમંદિરનો મુદ્દો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો છે અને તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ તેમ છતાં, જ્યારે આ સ્તરે જનભાવનાઓને અસર થાય છે ત્યારે તેની અસર તેમના અભિપ્રાયોમાં જોવા મળશે.

મહારાષ્ટ્ર ભાજપના ઉપપ્રમુખ માધવ ભંડારી કહે છે, "જ્યારે આ પ્રકારનું જનઆંદોલન દેશના ખૂણેખૂણે પહોંચી રહ્યું છે ત્યારે પ્રજાનો મત પણ એક જ દિશામાં ચાલવાનું શરૂ કરી દે છે. એક યા બીજી રીતે ચોક્કસપણે તમને તેનું પરિણામ દેખાશે."

અયોધ્યામાં રામમંદિર બાંધવાનું વચન હોય કે પછી રામજન્મભૂમિ આંદોલનમાં સતત ભાગીદારી હોય, ભાજપે સતત આ મુદ્દાને આટલાં વર્ષો સુધી જીવંત રાખ્યો છે.

ભાજપ મંદિરના ઉદ્ઘાટન દ્વારા ગત ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન કરવા માગે છે પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે કે કેટલીક ધારણાઓ કે જે આપણને દેખાય છે તે ચૂંટણીના મેદાનમાં યથાવત રહેતી નથી.

વરિષ્ઠ પત્રકાર રામદત્ત તિવારી કહે છે, "જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે પણ એવી ધારણા હતી કે દરેક જગ્યાએ હિંદુત્વ છવાયેલું રહેશે અને ભાજપ દરેક જગ્યાએ ચૂંટણી જીતશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ અને કાંશીરામ એકસાથે આવ્યા અને તેમણે ભાજપને હરાવી દીધો. ત્યારપછી યોજાયેલી કેટલીક ચૂંટણીઓમાં પણ ભાજપ જીતી શક્યો ન હતો."

લોકસત્તાના સંપાદક ગિરીશ કુબેર કહે છે, "રામમંદિરના મુદ્દાની અસરને કારણે ભાજપને વધારેમાં વધારે 10થી 20 બેઠકોનો ફાયદો થઈ શકે છે. એવું નથી કે રામમંદિર જ એકમાત્ર મુદ્દો છે જે ભાજપને સત્તામાં લાવવામાં મદદ કરશે અને જો આ મુદ્દો ન હોત તો ભાજપ માટે સત્તામાં આવવું અઘરું બન્યું હોત."

"તમે દરેક વખતે એકની એક વસ્તુ વેચી શકતા નથી. લોકોએ રામમંદિરના વિચારને વધાવી લીધો અને હવે તે તૈયાર છે. બધાએ આ વાતની પહેલેથી જ અપેક્ષા હતી. એટલે ભાજપને આના કારણે કોઈ ચોક્કસ પ્રકારનો લાભ મળશે એવું નથી. પરંતુ રામમંદિરને કારણે ઊભા થયેલા ભાવનાત્મક જુવાળનો લાભ ભાજપ ચોક્કસ ઉઠાવશે. એ જ તો અંતે રાજકારણ છે."

મંડલ કે કમંડળ? જાતિ કે ધર્મ?

જ્યારે રામમંદિરનો મુદ્દો ચૂંટણીમાં સૌથી ઉપર રહેશે તેવું જણાઈ રહ્યું છે ત્યારે એ પ્રશ્ન પણ છે કે શું ભારતના રાજકારણમાં મંડલ વિ. કમંડળનો મુદ્દો ફરીથી જોવા મળશે કે કેમ.

જ્યારે રામમંદિરની ચળવળ 80ના દાયકામાં શરૂ થઈ અને 90ના દાયકામાં વધુ ઉગ્ર બની ત્યારે જ મંડલ કમિશનની ભલામણો લાગુ કરવામાં આવી હતી. ઓબીસી સમુદાયને અનામત આપવામાં આવી હતી અને સંપૂર્ણ રાજકીય પ્રવાહ બદલાઈ ગયો હતો.

ચૂંટણીલક્ષી રાજકારણમાં ધર્મ અને જાતિ સૌથી મોટા પ્રભાવી પરિબળો રહ્યાં છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઇતિહાસનું પુનરાવર્તન થશે? શું મંડળ એ કમંડળના પ્રભાવને રોકી શકશે?

મુખ્ય વિપક્ષી ગઠબંધન એટલે કે ‘ઇન્ડિયા’ ગઠબંધન એમ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જ્યારથી રામમંદિરનો મુદ્દો ફરીથી પ્રભાવી થવા લાગ્યો ત્યારથી જાતિગત વસતિગણતરીનો મુદ્દો સામે આવવા લાગ્યો. ‘જિતની આબાદી ઉતના હક’ સૂત્ર ધરાવતો પ્રચાર એ તેનો જ ભાગ હતો.

જોકે, અહીં એ વાત યાદ રાખવી જોઈએ કે 1992-93થી સમયની સાથે 2024 સુધીમાં સામાજિક-રાજકીય પરિદૃશ્ય પણ ઘણું બદલાયું છે.

ઓળખનું રાજકારણ (ધર્મ અને જાતિની ઓળખસમું) હવે આજથી 30 વર્ષ પહેલાં હોય તેવું રહ્યું નથી. સમાજમાં ધર્મ અને જાતિ વચ્ચેના સંઘર્ષનું સ્વરૂપ હવે બદલાઈ ગયું છે. તદુપરાંત, ભાજપનું રાજકારણ હવે 'કમંડળ' પૂરતું સીમિત નથી રહ્યું પરંતુ તેણે 'મંડળ' પણ ઊભું કર્યું છે. એટલે કે તેઓ પહેલેથી જ સોશિયલ ઍન્જિનિયરિંગમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના જનમોર્ચા અખબારના તંત્રી સુમન ગુપ્તા કહે છે, "2014 સુધી ઓબીસી સમુદાય, ખાસ કરીને ઉત્તર ભારતનો ઓબીસી સમુદાય ભાજપથી અંતર રાખીને ચાલી રહ્યો હતો. તેમનો અલગ રાજકીય ઍજન્ડા હતો."

"મંડલ અને કમંડળ- બંનેની હાજરી હતી. બેરોજગારી અને અન્ય મુદ્દાઓ પણ પ્રભાવી હતા. મંડલ સામે કમંડળને મૂકવાનું રાજકારણ હવે બદલાઈ ચૂક્યું છે. ભાજપ હવે પોતાને અતિશય પછાત વર્ગ, ગરીબ વર્ગ સાથે જોડાયેલો ગણાવે છે જે પહેલાં ‘મંડળ’ નો ભાગ ગણાતો હતો."

તેઓ કહે છે, “આવું એટલા માટે થયું કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ દ્વારા ગરીબો માટે અનેક સહાય યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં મુખ્યત્ત્વે તેમને આર્થિક મદદ આપવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ગ પણ ભાજપની નજીક આવી ગયો.”

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી પણ કહે છે કે ભાજપનું રાજકારણ હવે ધર્મ અને લોકકલ્યાણ બંનેનું મિશ્રણ છે.

લોકનીતિ-સીએસડીએસના સંજય કુમાર માને છે કે, "વિપક્ષો ભલે જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવે અને તેનાથી રામમંદિરના મુદ્દાની અસર ઘટાડવાનો પ્રયત્ન કરે પણ તે એટલું અસરકારક નીવડશે નહીં."

તેઓ કહે છે, "જાતિગત વસ્તીગણતરીના મુદ્દા ઉપર એક રીતે મંદિરનો મુદ્દો છવાયેલો રહેશે. વિપક્ષ ભલે આ પ્રકારની વસતિગણતરીની વાત કરે પણ હવે લોકો માટે જાતિ કરતાં ધર્મ વધુ મહત્ત્વનો બની ગયો છે."

"જાતિ જોખમ હેઠળ છે તે વાત હવે એટલી અસરકારક રહી નથી. પરંતુ 'હિંદુ ખતરે મેં હૈ' એટલે કે હિંદુઓ જોખમમાં છે એ સૂત્ર વધુ પ્રબળ બન્યું છે. તે જ્ઞાતિના રાજકારણ કરતાં લોકોને વધુ એકત્ર કરશે. જાતિની વસતિગણતરી સાથે એક લાઇન પર લોકોને એકત્ર કરવા હવે મુશ્કેલ લાગે છે."

આવા વાતાવરણમાં પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ ન થવું એ વિપક્ષો માટે જોખમી કે શાણપણભર્યું?

રાજકીય વર્તુળોમાં મંદિર મુદ્દે થયેલી ચર્ચાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી વધુ ચર્ચાયેલો આ પ્રશ્ન છે.

પહેલાં એ પ્રશ્ન ચર્ચાતો હતો કે કોને આમંત્રણ આપવામાં આવશે અને કોને નહીં આપવામાં આવે. પરંતુ કૉંગ્રેસ સહિત મોટાભાગના પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જોકે, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત મોટાભાગના નેતાઓએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં જવાનું ટાળ્યું છે અને કહ્યું છે કે તેઓ પછી મંદિરે જશે.

આમંત્રણનો સ્વીકાર કરવો કે ન કરવો એ વિપક્ષો માટે જાણે કે ‘ઇધર કુઆ, ઇધર ખાઈ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા બરાબર હતો. આ સમારોહમાં ભાગ લેવો એટલે કે જાણે ભાજપના રાજકીય લાભનો સ્વીકાર કરવા બરાબર હતું અથવા તો ભાજપની નીતિમાં હામી ભરવા બરાબર હતું. અને આમંત્રણનો અસ્વીકાર કરવો એટલે કટ્ટર હિન્દુ મતદારોનો ગુસ્સો વહોરી લેવાનું જોખમ ખેડવું.

પરંતુ વિપક્ષે આ કાર્યક્રમને રાજકીય ગણાવીને તેમાં જવાનું ટાળ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ આ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ જાય તે પછી તેની મુલાકાત લેશે. હાલમાં અધૂરા બનેલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ લેવાની વાતને તેઓ યોગ્ય ગણાવતા નથી.

પરંતુ આ નિર્ણયની ચૂંટણી પર અસર કેવી રહેશે એ તો મતદારો રામમંદિરને ધાર્મિક કાર્યક્રમ ગણે છે કે રાજકીય કાર્યક્રમ તેના પર નિર્ભર કરશે.

જ્યારે એક તરફ રામમંદિરની દેશભરમાં થઈ રહેલી ઉજવણી દેશના રાજકારણનું સ્વરૂપ બદલી નાખે તેવી સંભાવના વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી પસાર થઈ રહ્યા છે. કૉંગ્રેસ પક્ષ એવો દાવો કરે છે કે આ યાત્રાને ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પૂછે છે કે, "શું આ કાર્યક્રમના યોજાવાથી તમને એવું લાગે છે કે જે લોકોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું તેઓ તેમનો વિચાર બદલી નાખશે? મને નથી લાગતું કે તેઓ આમ કરશે."

એક તરફ એવી અવધારણા છે કે રામમંદિરના ઉદ્ધાટનને કારણે મળનારા મતોમાં વધારો થશે તો બીજી તરફ કૉંગ્રેસનો એવો દાવો છે કે તેનાથી કૉંગ્રેસના મતદારો પર કોઈ અસર પડશે નહીં. બંનેમાંથી જે દાવાઓ સફળ થશે તે નિર્ણાયક પરિબળ નીવડશે તે નક્કી છે.

પરંતુ હાલ પૂરતું તો કૉંગ્રેસને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ન જવા માટેનો એક ટેકો અથવા તો બહાનું શંકરાચાર્યોએ કરેલા પ્રાણપ્રતિષ્ઠાના વિરોધરૂપે મળ્યું છે.

પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે, "હિન્દુ ધર્મમાં સૌથી મહત્ત્વનું અને ટોચનું સ્થાન ગણાતા શંકરાચાર્યે કહ્યું કે અયોધ્યામાં જે થઈ રહ્યું છે તે ખોટું છે. તેમણે પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવાનો નનૈયો ભણી દીધો . હવે મને કહો કે શું શંકરાચાર્ય પણ હિન્દુ-વિરોધી છે? શું તેઓ પણ મુસ્લિમ-સમર્થક છે? તેમણે ભાજપનું રામમંદિરનું રાજકારણ ખુલ્લું પાડી દીધું છે."

શું રામમંદિરનો મુદ્દો મોંઘવારી અને બેરોજગારી કરતાં પણ અસરકારક નીવડશે?

જમીન પરની વાસ્તવિકતા એ છે કે દેશનો સામાન્ય માણસ હજુ પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે.

પરંતુ મીડિયાનું વૃતાંત જોઈને તમને એવો વિશ્વાસ થઈ જશે કે દેશના રાજકારણમાં મંદિરનો મુદ્દો જ સૌથી અસરકારક અને અગત્યનો બની ગયો છે. સિક્કાની બીજી બાજુ એ છે કે બેરોજગારી અને મોંઘવારી સામાન્ય માણસની જિંદગી દુભર બનાવી રહ્યા છે.

‘સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી’ ના તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 8 ટકાથી વધુ છે જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ છે.

બીજી તરફ મોંઘવારીનો માર પણ એટલો જ છે. મોંઘવારીએ કેટલાય પરિવારોના બજેટ ખોરવી નાખ્યા છે. તેમાંથી મોટાભાગના પરિવારો મધ્યમવર્ગીય અથવા તો ગરીબ વર્ગના છે. પરંતુ રામમંદિરને કારણે શું અતિશય ધર્મમય બની ચૂકેલા વાતાવરણમાં આ મુદ્દાઓ ટકી શકશે?

પત્રકાર ગિરીશ કુબેરના મત અનુસાર, "આ (ધર્મ) ઝનૂનનું વાતાવરણ એટલી હદ સુધી લઈ જવામાં આવશે કે એ જ સમયે એ જ પાનાં પર લખાયેલા અન્ય મુદ્દાઓ લોકોને મહત્ત્વના નહીં લાગે. અને જ્યારે સમાજના મોટા નેતાઓ જ તેમાં ભાગ લઈ રહ્યા હશે ત્યારે કુદરતી રીતે જ તેમનું સમર્થન કરનારો અથવા તો તેમને માનનારો મોટો વર્ગ આ પ્રકારના પ્રશ્નો નહીં પૂછે."

"આ બે ધ્રુવો વચ્ચે સ્પર્ધા થશે તેવી કોઈ શક્યતા જ નથી. હકીકતમાં તો પરિસ્થિતિ એવી છે કે તેની સામે કોઈ સવાલ ઉઠાવી શકે તેવી તક પણ તેમની પાસે નથી."

લોકનીતિ-સીએસડીએસના સંજય કુમારના જણાવ્યા અનુસાર, "ભલે લોકો બેરોજગારી, મોંઘવારી જેવા સળગતા મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા હોય, પરંતુ તેની અસર વાસ્તવિક મતદાનમાં કદાચ નહીં દેખાય અને તે વાસ્તવિકતા છે."

તેઓ કહે છે, "લોકોને છેલ્લાં બે વર્ષથી આ મુદ્દો નડી રહ્યો છે. પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં અમારા સર્વેમાં એ વાત સામે આવી છે કે બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. પરંતુ આપણે એ જોયું કે આ મુદ્દાઓ હોવા છતાં પણ ભાજપ બહુમતી સાથે સત્તામાં આવ્યો છે."

"ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પણ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પ્રભાવી હતા પરંતુ તેમ છતાં પણ લોકોએ ભાજપને મત આપ્યો હતો."

"લોકો આ મુદ્દાને લઈને ચિંતાઓ વ્યક્ત કરે છે પરંતુ તેઓ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરતા નથી. તેઓ રાષ્ટ્રવાદ અને હિન્દુઓની એકતા જેવા મુદ્દે મતદાન કરે છે."

ઘણા વિશ્લેષકો અનુસાર, ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દાને રામમંદિર સાથે જોડવામાં સફળ થયો છે. જેના કારણે રાષ્ટ્રવાદના પાયા પર સ્થિત રામમંદિરનો મુદ્દો તેના માટે ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે.

આવનારી ચૂંટણીઓ એ નક્કી કરશે કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરના ઉદ્ધાટન બાદ આ મુદ્દો રાજકારણમાં સમાપ્ત થઈ જશે કે એ જ પુસ્તકમાં નવું પ્રકરણ શરૂ થશે.