રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારમાં જોરશોરથી ઉઠાવેલો જાતિગત વસતિગણતરીનો મુદ્દો કેમ ન ચાલ્યો?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બિહારમાં જાતિગત વસતિગણતરી બાદ કૉંગ્રેસે આ મુદ્દો પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી ઉઠાવ્યો હતો.

‘જો અમે 2024ની લોકસભા ચૂંટણી જીતીશું તો સરકાર બન્યાના બે કલાકમાં જ જાતિગત વસતિગણતરી કરવાનો નિર્ણય લેશું.’

છત્તીસગઢના બસ્તરમાં 28 ઑક્ટોબરના રોજ એક ચૂંટણીસભાને સંબોધતાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું હતું. આની પહેલાં પણ તેઓ છત્તીસગઢમાં જાતિગત વસતિગણતરીનો મુદ્દો અનેક વખત ઉઠાવી ચૂક્યા હતા.

‘જે દિવસથી મેં કહ્યું કે આ દેશમાં કેટલા દલિતો છે, કેટલા આદિવાસી છે, કેટલા ઓબીસી છે તેની ગણતરી કરવી જોઈએ એ દિવસથી મોદીજી કહે છે કે આ દેશમાં કોઈ જાતિ નથી.’

10 નવેમ્બરે મધ્ય પ્રદેશના સતનામાં એક રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ કૉંગ્રેસની મધ્ય પ્રદેશમાં સરકાર આવશે તો જાતિગત વસતિગણતરી કરાવવાનો વાયદો કર્યો હતો.

16મી નવેમ્બરે રાજસ્થાનના તારાનગર, નોહર અને સાદુલશહરમાં એક જ દિવસમાં ત્રણ રેલીઓ સંબોધતાં રાહુલ ગાંધીએ આ વાત કહી હતી.

ચાર રાજ્યોની વિધાનસભાના ચૂંટણીનાં પરિણામોમાં કૉંગ્રેસના અપેક્ષાથી ખરાબ પ્રદર્શનને કારણે એ સવાલો ઊઠી રહ્યા છે કે જે મુદ્દાને રાહુલ ગાંધીએ લગભગ દરેક રેલીમાં ઉઠાવ્યો તેની સામાન્ય લોકો પર કેટલી અસર થઈ? 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા હવે આ મુદ્દો કેટલો અગત્યનો?

'ત્રણેય રાજ્યોમાં ‘ઓબીસી’ સમુદાયનું વર્ચસ્વ'

2011માં થયેલી છેલ્લી વસતિગણતરી અનુસાર ભારતમાં કુલ 44 ટકાથી વધુ ઓબીસી સમુદાયની વસ્તી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વર્ષ 2017-18ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, હિન્દી બૅલ્ટનાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને બિહાર પછી સૌથી વધુ ઓબીસી સમુદાયની વસ્તી ધરાવતું રાજ્ય રાજસ્થાન છે.

રાજસ્થાનમાં 47.3 ટકા વસ્તી ઓબીસી સમુદાયની છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઓબીસી સમુદાયનું વર્ચસ્વ છે. મધ્ય પ્રદેશમાં ઓબીસી સમુદાયની વસ્તી 41.5 ટકા અને છત્તીસગઢમાં 45.5 ટકા છે.

છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આદિવાસી સમુદાયની વસ્તી પણ અનુક્રમે 30.6 ટકા અને 21.1 ટકા છે. આ રાજ્યોમાં ઓબીસી મતદારોનો પ્રભાવ હોવાથી આ ચૂંટણીપરિણામોને કૉંગ્રેસે ઉઠાવેલા આ મુદ્દાના લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવતા હતા.

દરેક ચૂંટણીસભામાં રાહુલ ગાંધી જાતિગત વસતિગણતરીનો વાયદો કરતી વખતે ‘ઓબીસી, આદિવાસી અને દલિત ભાઈઓ-બહેનો’ આ શબ્દાવલિનો ઉપયોગ કરતા હતા. કૉંગ્રેસે ચૂંટણીપ્રચારમાં ઓબીસી કાર્ડ ખેલતાં ‘જિતની આબાદી, ઉતના હક’ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.

બીજી ઑક્ટોબર, 2023ના રોજ બિહાર સરકારે જાતિગત વસતિગણતરીનો ડેટા જાહેર કર્યો હતો. ત્યારબાદ 9મી ઑક્ટોબરે જ કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ ‘રાહુલ ગાંધીની જાતિગત વસતિગણતરી કરાવવાની અને અનામત પરથી 50 ટકાની મર્યાદા હઠાવી લેવાની’ વાતનું સમર્થન કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ‘હિન્દી હાર્ટલૅન્ડ’નાં આ ત્રણ અગત્યનાં રાજ્યોમાં કૉંગ્રેસ સંપૂર્ણપણે ઓબીસી કાર્ડ પર ચૂંટણી લડશે.

ઓબીસી સમુદાય ભાજપને પડખે

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે પૂર્ણ બહુમતીથી સત્તા હાંસલ કરી છે. પરિણામો પછી રાજકીય પંડિતો એ વાતનું આંકલન લગાવી રહ્યા છે કે ભાજપની આટલી ભવ્ય જીત પાછળ કયા મતદારોનો પ્રભાવ રહ્યો.

ભાજપને મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી 163 બેઠકોને મળી છે તો કૉંગ્રેસને 66 બેઠકો મળી છે. જો મત ટકાવારી જોઈએ તો ચૂંટણીપંચ અનુસાર ભાજપને 48.5 ટકા મત મળ્યા છે અને કૉંગ્રેસને 40.40 ટકા મત મળ્યા છે.

આવી જ રીતે રાજસ્થાનમાં પણ ભાજપને બહુમતી મળી છે, અહીં ભાજપને 115 બેઠકો અને કૉંગ્રેસને 69 બેઠકો મળી છે. રાજસ્થાનમાં ભાજપને 41.69 ટકા મત મળ્યા છે તો કૉંગ્રેસને 39.53 ટકા મત મળ્યા છે.

રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્ય પમાડે તેવાં પરિણામ છત્તીસગઢની ચૂંટણીમાં આવ્યાં છે. છત્તીસગઢની 90 બેઠકોની વિધાનસભામાં ભાજપને 54 બેઠકો અને કૉંગ્રેસને 35 બેઠકો મળી છે. આ સિવાય તેલંગણામાં કૉંગ્રેસે બીઆરએસને માત આપી છે. કૉંગ્રેસ તેલંગણામાં બહુમતી મળવીને સરકાર બનાવવા જઈ રહી છે.

જોકે ચૂંટણીપરિણામો પહેલાં આવેલા 'ઇન્ડિયા ટુડે- ઍક્સિસ માય ઇન્ડિયા'ના સરવે પ્રમાણે મધ્ય પ્રદેશમાં કુલ ઓબીસી મતોમાંથી ભાજપને 56 ટકા મતો અને કૉંગ્રેસને ફાળે માત્ર 32 ટકા મતો મળવાનું અનુમાન લગાવવવામાં આવ્યું હતું. આ સરવે પ્રમાણે રાજસ્થાનમાં કૉંગ્રેસને ભાજપની સરખામણીએ ડબલ આદિવાસી મતો મળવાનું અનુમાન હતું પરંતુ જો ઓબીસી મતોની વાત કરીએ તો તેમાં ચિત્ર ઊલટું થઈ જાય છે. ભાજપને કુલ ઓબીસી મતોમાંથી 55 ટકા મતો તો કૉંગ્રેસને માત્ર 29 ટકા મતો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

તો છત્તીસગઢમાં અગત્યના ગણાતા આદિવાસી મતો મેળવવામાં ભાજપ સફળ થયો છે. આદિવાસી મતોના પ્રભાવ ધરાવતી 29માંથી 17 બેઠકો ભાજપે જીતી લીધી છે.

વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશ કહે છે, “રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવી પોતાના પક્ષને સામાજિક ન્યાયના મુદ્દા સાથે જોડવાનો જબરદસ્ત પ્રયાસ કર્યો જે જૂના કૉંગ્રેસ પક્ષથી ઘણો અલગ રસ્તો છે. ભારતીય જનતા પક્ષ જાતિગત જનગણનાના મુદ્દાના વિરોધમાં છે, છતાંય તેને ઓબીસી સમુદાયના ભરપૂર મતો મળ્યા છે. એટલે સવાલો ઊઠવા વાજબી છે.”

જોકે, તેઓ કહે છે કે, “એવું કહેવાને કોઈ કારણ નથી કે રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો એટલે ઉચ્ચ વર્ગના લોકો કૉંગ્રેસથી દૂર થઈ ગયા અને તેનાથી કૉંગ્રેસ હારી ગઈ. ઊલટાનું હકીકત તો એવી છે કે સમગ્ર ઉત્તર ભારતમાં ઉચ્ચ વર્ગના મોટા ભાગના લોકો મજબૂતીથી ભાજપ સાથે પહેલાંથી જ છે. ઉચ્ચ વર્ગના હિન્દુઓની પસંદગીની પાર્ટી ભાજપ જ છે. ભાજપને ઉચ્ચ જાતિઓના મહત્તમ મતો તો મળ્યા સાથે જ તેને ઓબીસી, દલિતોના મતોમાં પણ ખૂબ ફાયદો થયો.”

ઇતિહાસ પણ જવાબદાર

બીબીસી હિન્દી પૉડકાસ્ટમાં વરિષ્ઠ પત્રકાર નલિન વર્માએ જાતિગત વસતિગણતરી મુદ્દે કૉંગ્રેસે કરેલો પ્રચાર કેમ સફળ ન રહ્યો તેના કારણોની ચર્ચા કરી હતી.

ઇતિહાસને આધાર બનાવીને તેઓ કહે છે કે, “મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સમાજવાદી કે પછાત વર્ગનાં આંદોલનોનો એટલો પ્રભાવ રહ્યો નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેનો વધારે પ્રભાવ જોવા મળ્યો છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક પક્ષો પણ વધુ મજબૂત છે. તેમની પાસે જાતિગત વસતિગણતરીના મુદ્દા માટે એક માળખું તૈયાર છે.”

વધુ સમજાવતાં તેઓ કહે છે કે, “ જે રીતે બિહારમાં કર્પૂરી ઠાકુર અને લાલુપ્રસાદ યાદવ કે પછી ઉત્તર પ્રદેશમાં રામમનોહર લોહિયા અને મુલાયમસિંહ યાદવે લડાઈ લડી એવી કોઈ લડાઈ આ રાજ્યોમાં લડવામાં આવી નથી. અહીં તો ભાજપને કૉંગ્રેસ સામે લડવામાં ખાલી મેદાન મળ્યું છે. કૉંગ્રેસે તો બૅકવર્ડ ક્લાસ મૂવમેન્ટની આ વાત પણ ઇન્ડિયા ગઠબંધન બન્યું તે પછી ચાલુ કરી.”

બદલાઈ ચૂક્યું છે રાજકારણ?

દિલ્હી યુનિવર્સિટીના પ્રૉફેસર અને રાજકીય વિશ્લેષક અપૂર્વાનંદ કહે છે, “લોકો જે નિર્ણય લે છે એ કોઈ એક કારણને ધ્યાનમાં રાખીને નથી લેતા. લોકો નિર્ણય લેતી વખતે પોતાને એક સમૂહના સ્વરૂપે નથી જોતા. લોકોના નિર્ણયો ઘણી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જાતિગત વસતિગણતરી વિશે લોકોએ એમ જ વિચાર્યું કે આ માત્ર ચૂંટણીનો જ મુદ્દો છે. પરંતુ હકીકતમાં આ મુદ્દો માત્ર ચૂંટણીનો નથી.”

“જોકે, આપણે એવું પણ ન માની લેવું જોઇએ કે આ ચૂંટણીપરિણામો પ્રજાએ જાતિગત વસતિગણતરીના મુદ્દે આપેલો ચુકાદો છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારમાં જે રીતે દરેક જગ્યાએ આ મુદ્દો ઊઠાવ્યો, એ રીતે તેમણે કદાચ અદાણીનો મુદ્દો પણ ઊઠાવ્યો છે. તો તેનાથી શું એવું પ્રતિપાદિત કરી શકાય કે આ તમામ મુદ્દાઓને જનતાએ નકાર્યા છે?”

તેઓ સમજાવતા કહે છે, “ઘણા લોકોને એવું લાગતું હતું કે આ મુદ્દો ખૂબ ચાલશે. પરંતુ સમય બદલાઈ ચૂક્યો છે. રાજકારણ મંડલ-કમંડલથી ઘણું આગળ વધી ચૂક્યું છે. જાતિઓની 'સૅલ્ફ-ઇમેજ' પણ બદલાઈ ગઈ છે. દલિતો, ઓબીસી પણ હવે પોતાને અલગ રીતે જુએ છે. તેઓ પોતાને માત્ર જાતિઓના ખાંચામાં જ જોતા નથી, હિન્દુત્વના ખાંચામાં પણ જુએ છે. તેઓ એ પ્રકારના હિન્દુ પણ છે જેવા તેમને ભાજપ બનાવવા માંગે છે.”

કૉંગ્રેસની કથની અને કરણીમાં અંતર

વરિષ્ઠ પત્રકાર ઊર્મિલેશનું કહેવું છે કે, “ચૂંટણીપ્રચારમાં કૉંગ્રેસ તરફથી આ મુદ્દાને સૌથી વધુ રાહુલ ગાંધીએ અને ખડગેએ ઉઠાવ્યો છે. બીજા કૉંગ્રેસના નેતાઓને આ મુદ્દો સ્વીકાર્ય નથી એ સ્પષ્ટ વાત છે. કાર્યકર્તાઓ, નેતાઓએ પણ મોટા ભાગે આ મુદ્દે વાત કરવાનું ટાળ્યું હતું.”

તેઓ કહે છે કે, “બિહારમાં નીતિશ-તેજસ્વીની સરકારે જાતિગત વસતિગણતરી કરીને બતાવી. કૉંગ્રેસે માત્ર વાયદા કર્યા. તેમની સરકાર હતી ત્યાં તેમણે કશું કરીને બતાવ્યું નહીં. એટલે પ્રજાએ તેમને ગંભીરતાથી લીધા નહીં. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાંથી જેટલા લોકોને છેલ્લે કૉંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યા તેમાંથી કોઈ ઓબીસી કે દલિત સમુદાયમાંથી ન હતું. ઉચ્ચ પદો પર પણ કૉંગ્રેસે આ સમુદાયના જૂજ લોકોની નિમણૂક કરી. કૉંગ્રેસની આખી થિંક-ટૅંકમાં પણ કેટલા લોકો ઓબીસી-દલિત સમુદાયથી છે તે જોવું રહ્યું.”

તેમનું કહેવું છે કે બીજે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ મોટા પ્રમાણમાં નેતાગીરીમાં પણ ઓબીસી નેતાઓને આગળ કર્યા, તેમને તાલીમ આપી, તેમને પ્રવક્તા બનાવ્યા. જ્યારે કૉંગ્રેસની ટોચની નેતાગીરીમાં તે જોવા મળ્યું નહીં.

હિન્દુત્વનો જવાબ જાતિ આધારીત વસતિગણતરી?

જ્યારથી રાહુલ ગાંધીએ જાતિગત વસતિણતરી મુદ્દે બોલવાનું શરૂ કર્યું ત્યારથી ઘણા લોકોને એવું લાગતું હતું કે આ મુદ્દાને કારણે ભાજપના હિન્દુત્વના કાર્ડનો સામનો થઈ શકશે.

પ્રોફેસર. અપૂર્વાનંદ કહે છે, “જાતિગત વસતિગણતરી ખુદ જ એક મોટો મુદ્દો છે. જો હિન્દુત્વના મુદ્દાને કાઉન્ટર કરવા માટે આ મુદ્દાને લાવવામાં આવ્યો હોય તો તેનાથી આ મુદ્દો નાનો થઈ જશે. એ રીતે આ મુદ્દો ચાલશે નહીં.”

તેઓ કહે છે, “તમારું સંપૂર્ણ રાજકારણ શું છે એ તમારે લોકોને કહેવું પડશે. આ મુદ્દો એ અંતે તો તમારા રાજકારણનો જ ભાગ છે. ક્યારેક જાતિની વાત, ક્યારેક અદાણીની વાત, ક્યારેક કોઈ બીજી વાત, એમ ટુકડે-ટુકડે વાત કરવાથી કામ નહીં થાય. જેમ ભાજપ ખુલ્લેઆમ કહે છે કે તે હિન્દુત્વવાદી પાર્ટી છે તેમ કૉંગ્રેસે પણ તેમના મુદ્દાઓ અંગે, તેમના રાજકારણ અંગે ખુલીને વાત કરવી પડશે.”

ઊર્મિલેશ કહે છે, “મારા મતે અંતે એક જ વાત સામે આવે છે કે તમે વાયદાઓ કરો છો, પણ તમે તેનો અમલ કરીને બતાવતા નથી તો બધું નક્કામું છે. કથની અને કરણીમાં એકસૂત્રતા હશે તો જ ભાજપના હિન્દુત્વવાદી કાર્ડ સામે કૉંગ્રેસ ટક્કર ઝીલી શકશે.”

2024ની ચૂંટણીમાં આ મુદ્દો ચાલશે?

ચૂંટણીનાં પરિણામો બાદ નરેન્દ્ર મોદીએ વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન પર દેશને જાતિઓમાં વહેંચી ભાગલા પાડવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ઘણા પ્રયાસો થયા હતા. પરંતુ હું સતત કહેતો હતો કે મારા માટે માત્ર ચાર જાતિઓ જ દેશની સૌથી મોટી જાતિઓ છે. એ ચાર જાતિઓ છે- મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો. તેમને સશક્ત કરીને જ આપણો દેશ સશક્ત બનશે.”

ચૂંટણીપરિણામો બાદ હવે ફરીથી કૉંગ્રેસ આ મુદ્દાને ઉઠાવે છે કે નહીં તે જોવાનું રહ્યું.

ઊર્મિલેશનું કહેવું છેે, “2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કૉંગ્રેસે એ પ્રશ્નનો જવાબ શોધવો પડશે, કારણો પર મંથન કરવું પડશે કે સામાજિક ન્યાયનો મુદ્દો ઉઠાવવા છતાં ઓબીસી,દલિત સમુદાયે તેમનું સમર્થન કેમ ન કર્યું? તેમના મતો વગર ભાજપની હિન્દુત્ત્વવાદી રાજનીતિનો સામનો કરી શકાય નહીં.”

પ્રૉ. અપૂર્વાનંદ કહે છે, “શું રાહુલ ગાંધી માત્ર ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે પછી તેઓ ખરેખર એવું માને છે કે આ મુદ્દો ભારતીય સમાજ માટે ખૂબ જરૂરી છે. જો તેઓ ખરેખર આ મુદ્દાને ચૂંટણીથી પર માનતા હોય તો તેમણે આ મુદ્દા પર વાત કરવાનું ચૂંટણી પછી પણ ચાલુ રાખવું જોઈએ. ભાજપે બે બેઠકો મળી હોય કે 80 બેઠકો મળી હોય, ક્યારેય રામમંદિરના મુદ્દે વાત કરવાનું બંધ કર્યું નથી. કારણ કે એ તેના રાજકારણનો ભાગ છે. સામાન્ય લોકો સુધી આ મુદ્દાને પહોંચાડવા લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે, ચૂંટણી સિવાય પણ લોકોને સતત તેના વિશે વાત કરવી જરૂરી છે.”