You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ત્રણ કારણો જેને લીધે કૉંગ્રેસ તેલંગણામાં પહેલી સરકાર બનાવશે
- લેેખક, હર્ષ શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયાં છે. ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે. કૉંગ્રેસને માત્ર તેલંગણામાં સફળતા મળી છે. તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના એક દાયકા લાંબા શાસનનો અંત થયો છે.
રાજ્યના ચૂંટણી પરિણામ અગાઉ આવેલાં અનુમાનો જેવાં જ અંતિમ પરિણામો આવ્યાં છે.
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર તેલંગણાની કુલ 119 વિધાનસભા બેઠકોમાંથી કૉંગ્રેસ 64 બેઠકો જીતી છે. જ્યારે બીઆરએસ 39 બેઠકો પર જીતી છે. ભાજપે પણ તેલંગણામાં પોતાનું ખાતું ખોલી લીધું છે. ભાજપ 8 બેઠકો પર જીત્યો છે.
નોંધનીય છે કે 2014માં તેલંગણા રાજ્યની રચના પછી કૉંગ્રેસ પહેલી વખત સત્તા પર આવી છે.
તેલંગણામાં કૉંગ્રેસનો યોજનાબદ્ધ ચૂંટણીપ્રચાર અને કેસીઆર વિરૂદ્ધ સત્તા પરિવર્તનની લાગણી કેવી રીતે કૉંગ્રેસની જીત માટે કેવી રીતે જવાબદાર બની તે જાણીએ.
યુવાનોની રાજય સરકાર પ્રત્યે નારાજગી
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીની જેમ સરકારી નોકરીમાં ભરતી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપરો ફૂટવાં એ તેલંગણામાં પણ એક મહત્ત્વનો મુદ્દો હતો. તેના કારણે રાજ્યના યુવાનો મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ અને રાજ્ય સરકારના વલણથી નારાજ હતા.
રાહુલ ગાંધીએ નવેમ્બરમાં તેલંગણાના સાંગારેડીમાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે, “મેં બેરોજગાર યુવાનો સાથે ગઈકાલે સાંજે મુલાકાત કરી હતી. તેમણે મને જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તેમણે અથાક મહેનત અને પૈસા પણ ખર્ચ કરવા છતાં પેપર ફૂટવાને કારણે તેમને નોકરી ન મળી.”
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેલંગણાના વરિષ્ઠ પત્રકાર નાનચૈરયા મેરૂગુમલે જણાવ્યું કે, “સરકારી નોકરીમાં ભરતી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઘણાં પેપર ફૂટવાને કારણે અને ઘણી પરીક્ષાઓ રદ્દ થવાને કારણે યુવાનોની સરકાર પ્રત્યે નારાજગી હતી. તેણે પણ કેસીઆરની હાર અને કૉંગ્રેસની જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીઆરએસ સામે સત્તા વિરોધી લહેર
2014માં તેલંગણા રાજ્યની રચના પછી કેસીઆરના નેતૃત્ત્વ હેઠળ બીઆરએસે સતત બે વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યો હતો.
કેસીઆર પોતાના લગભગ એક દાયકાના શાસન દરમિયાન પરિવારવાદ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતા રહ્યા હતા.
બીઆરએસ સામે સત્તા વિરોધી લહેરની અસર ચૂંટણીનાં પરિણામો પર પડી છે કે કેમ?
આ પ્રશ્નના જવાબમાં મેરૂગુમલે કહ્યું, "કેસીઆરે પોતાના શાસન દરમિયાન પોતાના પરિવારની પાર્ટી અને સરકાર પર પકડ મજબૂત કરી હતી. પરંતુ તેમનું જનતા સાથેનું ઓછું જોડાણ અને જમીન પરની વાસ્તવિક હકીકતોથી અંતર રહી જવાને કારણે બીઆરએસ આ ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરનો ભોગ બની છે."
ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે, કેસીઆર પોતાની મજબૂત બેઠકગજવેલ 45 હજારથી વધુ મતોથી જીત્યા છે. પરંતુ તેઓ કામારેડ્ડી બેઠક પર ભાજપના ઉમેદવાર કટ્ટીપલી વેંકટારમણા રેડ્ડી સામે 6,700થી વધુ મતોથી હાર્યા છે.
કૉંગ્રેસનો યોજનાબદ્ધ ચૂંટણી પ્રચાર
તેલંગણામાં કૉંગ્રેસે પોતાનો ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાથે શરૂ કરી દીધો હતો.
ઑક્ટોબર-2022માં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' તેલંગણામાંથી પસાર થઈ હતી. જેમણે 16 દિવસ દરમિયાન 375 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. આ યાત્રા 19 વિધાનસભા બેઠકમાંથી પસાર થઈ હતી.
કૉંગ્રેસ પોતાના પ્રચારમાં લોકોને એ વાત સમજાવવામાં સફળ રહી હતી કે, આ ચૂંટણી કૉંગ્રેસ નહીં પણ તેલંગણાના લોકો કેસીઆર વિરૂદ્ધ લડી રહ્યા છે.
આ વિશે મેરૂગુમલે કહ્યું, “કૉંગ્રેસનાં નેતાઓ પોતાના પ્રચારમાં સદંતર કહેતા રહ્યા કે બીઆરએસ અને ભાજપ બન્ને પક્ષો એક બીજાનું સમર્થન કરી રહ્યા છે અને લોકો આ આરોપને કંઈક અંશે સાચો પણ માનતા હતા.”
મેરૂગુમલ કૉંગ્રેસના યોજનાબદ્ધ ચૂંટણી પ્રચારનો ઘણોખરો શ્રેય સુનીલ કનુગોલુને આપે છે. કર્ણાટકમાં ડીકે શિવકુમારને પાર્ટીના વિજયના શિલ્પી માનવામાં આવે છે. તેમની ટીમના સુનિલ કનુગોલુની ટીમને તેલંગણામાં પાર્ટીના વિજયની જવાબદારી સોંપવામાં આવી હતી.
સુનીલ કનુગોલુ હાલમાં કૉંગ્રેસ પાર્ટીના ઈલેક્શન ટાસ્ક ફૉર્સના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
આ મુખ્ય કારણો સિવાય મેરૂગુમલ અનુસાર રેડ્ડી અને કામ્મા સમુદાયનું કૉંગ્રેસને સમર્થન પણ પાર્ટીના વિજય માટે મહત્ત્વનું રહ્યું છે.