You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશ જે ‘ગાય આપી ગરીબી દૂર કરી રહ્યો’ છે
ભારતમાં આજીવિકા અને દૂધઉત્પાદન માટે ઉપયોગી મનાતી ગાયનું વિશેષ મહત્ત્વ છે. આપણા દેશમાં ગાય સાથે ઘણાની આસ્થા પણ જોડાયેલી છે.
ગાય અંગેની રસપ્રદ હકીકતો પૈકી એક એ છે કે ભારતમાં સાંસ્કૃતિક અને આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ એવી ગાય આફ્રિકાના એક દેશ માટે ‘ગરીબીનિવારણનો ઉપાય’ બની રહી છે.
આ દેશમાં ‘અતિશય ગરીબીના નિવારણ માટેની યોજના’માં ગાયનું વિશેષ સ્થાન છે.
આ પૂર્વ-મધ્ય આફ્રિકાના દેશ રવાન્ડાની વાત છે. રવાન્ડાની સરકારની એક યોજના અંતર્ગત આ નીતિનું અમલ કરાય છે. ગરીબીનિવારણનો આ ઉપાય આંકડા પ્રમાણે દેશ માટે કારગત પણ નીવડી રહ્યો છે.
નોંધનીય છે કે આ યોજનાનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની મુલાકાત વખતે ‘ગરીબીનિવારણ માટેની તેની ભૂમિકાને કારણે’ વખાણ કર્યાં હતાં.
પરંતુ આખરે કેવી રીતે આ યોજનાનું અમલ કરાય છે? અને આનાથી કેવી રીતે ગરીબી દૂર કરવામાં સફળતા મળી રહી છે?
શું છે રવાન્ડા સરકારની આ યોજના?
રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કેગામેએ વર્ષ 2006માં ગિરિન્કા પ્રોગ્રામની શરૂઆત કરી હતી.
ગિરિન્કા શબ્દનો અર્થ કંઈક આવો થાય છે - તમને એક ગાય મળે. આ શબ્દ રવાન્ડામાં સદીઓથી ચાલતી આવતી પ્રથાનું પ્રતીક પણ મનાય છે. જેમાં એક વ્યક્તિ બીજી પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગાય આપતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રોગ્રામની ઉપયોગિતાના આકલન માટે વર્ષ 2019માં રવાન્ડા સરકાર દ્વારા ‘ગિરિન્કા પ્રોગ્રામ એઝ અ પાર્ટ ઑફ પોવર્ટી રિડક્શન સ્ટ્રેટજી ઇન રવાન્ડા : ટેન યર્સ સોશિયોઇકૉનૉમિક ઇમ્પેક્ટ્સ’ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો.
જેમાં નોંધાયેલા યોજનાના હેતુઓ કંઈક આ અનુસાર હતા.
યોજનાનો મુખ્ય હેતુ પશુધનની સોંપણી દ્વારા લાઇવસ્ટૉક અને ખેતી ક્ષેત્રની ઉત્પાકદતા વધારીને તેના પરીણામ સ્વરૂપે ગ્રામીણ ગરીબીમાં ઘટાડો અને કુટુંબની આવકમાં વધારો કરવાનો છે.
ગરીબી ઘટાડવા માટે પશુપાલન થકી ડેરી ઉદ્યોગનો વ્યાપ વધારવા, તેમજ પશુનાં છાણ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરી જમીનને વધુ ફળદ્રુપ બનાવવા પણ આ યોજના ઉપયોગી મનાય છે.
આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ગરીબો ગામના વડા સાથેની મિટિંગમાં પોતાની ગરીબી સંબંધિત સમસ્યાઓ અંગે વાત કરે છે, આ વાતચીત પરથી આ યોજનાના લાભાર્થીઓની યાદી તૈયાર કરાય છે. જે બાદ સંબંધિત વિભાગ દ્વારા કુટુંબને જીવનનિર્વાહ માટે ગાય અપાય છે.
જૂન, 2016 સુધીમાં આ યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને 2,48,566 ગાય અપાઈ હતી.
બ્રિટાનિકા અનુસાર દેશની કુલ વસતી 1.44 કરોડની આસપાસ છે.
રિપોર્ટ અનુસાર 2006થી વર્ષ 2017 સુધીમાં આ પ્રોગ્રામે ગરીબીના ઘટાડામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ પ્રોગ્રામના લાભોની વિગતવાર વાત કરાય તો તેનાથી ન માત્ર લાભાર્થીના જીવનધોરણમાં પરંતુ તે સંપૂર્ણ પ્રદેશમાં નોંધનીય પ્રગતિ જોવા મળી છે. લાભાર્થીઓની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોવાનું નોંધાયું છે. માત્ર દૂધ કે દૂધની બનાવટો વેચીને કમાણી જ નહીં, પરંતુ લાભાર્થીઓને દૂધના સેવનથી કુપોષણ જેવી સમસ્યા સામે પણ બાથ ભીડવામાં મદદ મળી છે.
આમ, આ સમગ્ર યોજના સંસાધનરહિત કુટુંબો માટે ન માત્ર આર્થિક ઉપાર્જનનું, પરંતુ પૌષ્ટિક આહાર મેળવવા માટેનું પણ સાધન બની છે.
નોંધનીય છે કે વર્લ્ડ બૅન્કના દસ્તાવેજ અનુસાર વર્ષ 2022માં રવાન્ડાનો ગરીબી દર 44.4 ટકા હતો. પાછલાં બે વર્ષથી સતત ગરીબીના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ પ્રોગ્રામની ‘સફળતાના પરિણામ સ્વરૂપે’ જ કદાચ તાજેતરમાં રવાન્ડાની સરકારે ‘ગરીબીને સંપૂર્ણપણે દૂર કરવાની’ પોતાની યોજનામાં આ પ્રોજેક્ટ જેવી જ યોજના સામેલ કરી છે.
નવેમ્બર, 2022માં રવાન્ડાની મિનિસ્ટ્રી ઑફ લોકલ ગવર્નમેન્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘નૅશનલ સ્ટ્રેટજી ફૉર સસ્ટેનેબલ ગ્રૅજ્યુએશન’ અંતર્ગત ગરીબ પરિવારોને ‘કાયમીપણે ગરીબીમાંથી બહાર કાઢવા’ અન્ય યોજનાઓ સાથે ‘ગાય સહિતનાં પશુઓ આપવાની યોજના’ પણ અમલમાં મુકાઈ છે.
આ અંગે ન્યૂટાઇમ્સના એક અહેવાલમાં લખાયું છે કે કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલ નવી વ્યૂહરચના અંતર્ગત 2023-24ના નાણાકીય વર્ષથી આગામી બે વર્ષમાં 3.15 લાખ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવાની યોજના છે.
લોકલ ઍડમિનિસ્ટ્રેશન એન્ટિટીસ ડેવલપમૅન્ટ એજન્સીનાં ડિરેક્ટર જનરલ ક્લોડિન નિઆનાવાગાગાએ કહ્યું હતું કે, “દેશમાં ગરીબીના સંકટ સામે ઝઝૂમી રહેલા નવ લાખ કુટુંબોને આ સ્થિતિમાંથી બહાર કાઢવાની જરૂર છે. પરંતુ અમે આ વર્ષે 3.15 લાખ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢશું. આ કુટુંબો સ્વનિર્ભર બનશે.”
તેમના જણાવ્યાનુસાર આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ કુટુંબોને નોકરી-ઓછા વ્યાજની લોન અપાશે. આ સિવાય પશુસંપત્તિની સોંપણી, વ્યવસાયિક તાલીમ અને યોગ્ય શિક્ષણ માટેની પણ વ્યવસ્થા કરાશે.
જ્યારે વડા પ્રધાન મોદીએ રવાન્ડાને ભેટ કરી 200 ગાય
રવાન્ડાની સંસ્કૃતિ અને તેમાં ગાયનું મહત્ત્વ એ વાત પરથી પણ સમજી શકાય છે કે જ્યારે વર્ષ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવાન્ડાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે તેમણે ‘ગાય ન ધરાવતા હોય તેવા કુટુંબો’ને 200 ગાય ભેટ કરી હતી.
‘રવાન્ડા સરકારના ગિરિન્કા પ્રોજેક્ટ’ અનુલક્ષીને રવાન્ડાના રોવેરુ મૉડલ ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના રાષ્ટ્રપતિ પોલ કગામે પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ‘ગિરિન્કા કાર્યક્રમ’ની પ્રશંસા કરી હતી, સાથે જ રાષ્ટ્રપતિ પોલ કેગામેએ આ ક્ષેત્રે કરેલી પહેલને પણ બિરદાવી હતી.
તેમણે કહ્યું હતું કે, “ભારતીયો પણ રવાન્ડાના ગામમાં આર્થિક સશક્તીકરણ માટે ગાયના આવા મહત્ત્વ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હોત.”
તેમણે આ યોજનાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે રવાન્ડાનાં ગામોની શિકલ બદલવામાં મદદરૂપ સાબિત થશે.