પેંગોલિનઃ આ પ્રાણીનો વિશ્વમાં સૌથી વધુ શિકાર શા માટે કરવામાં આવે છે?

    • લેેખક, હેલેન બ્રિગ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં દાણચોરી કરવામાં આવતી હોય એવાં સસ્તન પ્રાણીઓની યાદીમાં પેંગોલિન (કીડીખાઉ) ટોચ પર છે.

ઈન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરના જણાવ્યા મુજબ, વર્ષ 200થી 2019 દરમિયાન આશરે નવ લાખ પેંગોલિનની દાણચોરી કરવામાં આવી હતી.

બીજી તરફ મલેશિયાના સત્તાવાળાઓએ 2019માં બોર્નિયોમાંથી પેંગોલિનનું 27 ટન માંસ અને ભીંગડાં જપ્ત કર્યાં હતાં. તેની અંદાજે કિંમત 16 લાખ પાઉન્ડ (આશરે 16 કરોડ રૂપિયા) હતી.

માણસો પર ક્યારેય હુમલો ન કરતા આ પ્રાણીનો મોટા પ્રમાણમાં શિકાર શા માટે કરવામાં આવે છે? તેની દાણચોરી શા માટે થાય છે?

પેંગોલિન ખાસ શા માટે છે?

પેંગોલિન 'સ્કેલી ઍન્ટઇટર' (ભીંગડાંવાળું કીડીખાઉ)ના નામે પણ ઓળખાય છે અને તે વિશ્વનું શરીર પર ભીંગડાં ધરાવતું એકમાત્ર સસ્તન પ્રાણી છે.

પેંગોલિનનાં ભીંગડાંમાં કેરેટિન હોય છે. માનવ નખમાં પણ કેરેટિન મળી આવે છે.

પેંગોલિન તેની લાંબી જીભ વડે કીડીઓ અને નાના જંતુઓનો આહાર કરે છે. એશિયામાં પેંગોલિનની ચાર પ્રજાતિ જોવા મળે છે. તેમાં ઈન્ડિયન પેંગોલિન, ફિલિપાઈન પેંગોલિન, સુન્દા પેંગોલિન અને ચાઈનીઝ પેંગોલિનનો સમાવેશ થાય છે.

આફ્રિકાના વિષુવવૃત્તીય પ્રદેશના ઘાસનાં મેદાનોમાં જોવા મળતું જાયન્ટ પેંગોલિન લગભગ 1.8 મીટર લાંબું હોય છે અને તેનું વજન 30 કિલોગ્રામ હોય છે.

તેની જબરી માગ શા માટે?

પેંગોલિનની ચામડી પરનાં ભીંગડાંની મોટી માગ છે. તેનો ઉપયોગ પરંપરાગત ચીની દવા બનાવવા માટે કરવામાં આવે છે.

ચીની લોકો માને છે કે તે અસ્થમા અને કૅન્સર જેવા રોગની સારવારમાં ઉપયોગી છે. જોકે, ડૉક્ટરો જણાવે છે કે આ વાત સાચી હોવાના કોઈ પુરાવા અભ્યાસોમાં મળ્યા નથી.

પેંગોલિનનાં માંસની માંગ પણ મોટી છે. એશિયાના ઘણા દેશોમાં તેનો શિકાર માંસ માટે પણ કરવામાં આવે છે.

વિયેતનામના થાઈ વાન ન્યૂયેન પેંગોલિનના સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે. એ માટે તેમણે 2014માં "વાઈલ્ડ લાઈફ" વિયેતનામ નામના સંગઠનની સ્થાપના કરી હતી. તેમણે અત્યાર સુધીમાં 1500થી વધારે પેંગોલિન બચાવ્યાં છે.

થાઈ વાને વિયેતનામમાં સૌપ્રથમ પેંગોલિન પુનર્વસન કેન્દ્રનું નિર્માણ પણ કર્યું છે. તેને લીધે આશરે 500 પેંગોલિનને ફરીથી તેમના કુદરતી આવાસમાં છોડી શકાયાં છે.

થાઈ વાને કહ્યું હતું કે "પેંગોલિન પ્રતિકાર કરતું પ્રાણી નથી. તેથી શિકારીઓ તેનો આસાનીથી શિકાર કરી શકે છે. પેંગોલિનની ચામડી પર કઠોર ભીંગડાં હોય છે તેથી વાઘ પણ પેંગોલિન ખાતા નથી. પેંગોલિન વિશિષ્ટ પ્રાણી છે. તેઓ માણસોને ક્યારેય હાનિ પહોંચાડતા નથી કે બટકું પણ ભરતા નથી, પરંતુ માણસો તેનો શિકાર કરે છે, જે પેંગોલિનના અસ્તિત્વ માટે જોખમી છે."

કીડીખાઉનું જીવન કેવું હોય છે?

પેંગોલિનનું જીવન કેવું હોય છે? તેમનું વર્તન કેવું હોય છે? આ બધું જાણવા માટે આફ્રિકાના યુગાન્ડામાં ખાસ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ હેતુ માટે ખાસ પ્રકારના કૅમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એ કૅમેરામાં ઝડપાયેલાં દૃશ્યો પૈકીના એકમાં બેબી પેંગોલિન તેની માતાની પીઠ પર બેસેલું જોવા મળે છે. મોટા કદના પેંગોલિન ઝાડ પર ચડતાં જોવા મળે છે.

આ દૃશ્યો ઝિવા એનિમલ કન્ઝર્વેશન સેન્ટરમાં રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યાં પેંગોલિન ગેંડાઓ સાથે રહે છે. કોઈ તેમનો શિકાર ન કરી શકે એટલા માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝિવા એનિમલ રિસર્ચ સેન્ટરના સ્ટુઅર્ટ નિક્સને કહ્યુ હતું કે "પેંગોલિનના વર્તન વિશે અમારી પાસે ચોક્કસ માહિતી નથી. પેંગોલિનના વર્તન પર નજર રાખીને તેના સંરક્ષણ માટે વધુ સારાં પગલાં લઈ શકાય."

સ્ટુઅર્ચ નિક્સન યુગાન્ડા વાઈલ્ડલાઈફ ઑથૉરિટી અને રાઈનો ફંડ યુગાન્ડા સાથે આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે.

નવી ટેકનૉલૉજીની મદદથી કીડીખાઉના સંરક્ષણના પ્રયાસો

સ્ટુઅર્ટ નિક્સને કહ્યું હતું કે "પેંગોલિન સેન્ટ્રલ આફ્રિકામાં જોવા મળતાં નથી. પેંગોલિનની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તેના સંરક્ષણ માટે લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે."

યુગાન્ડા વાઈલ્ડલાઈફ ઑથૉરિટીના સૅમ વાંઢાએ કહ્યું હતું કે "આ પ્રોજેક્ટ પેંગોલિનની દાણચોરી અટકાવવામાં મદદરૂપ થવાની ક્ષમતા ધરાવે છે."

ઇંગ્લૅન્ડની પૉર્ટ્સમાઉથ યુનિવર્સિટીના સંશોધકોની એક ટુકડીએ પેંગોલિનની દાણચોરી અટકાવવા માટે નવી ટેકનૉલૉજી વિકસાવી છે.

આ ટેકનૉલૉજીથી પેંગોલિનનાં ભીંગડાં પરની માણસની ફિંગરપ્રિન્ટ્સ આસાનીથી મેળવી શકાય છે. તેને લીધે શિકારીઓ તેમજ દાણચોરોને ઓળખી કાઢવાની તક ઊજળી બની છે.

થાઈ વાને ચેતવણી આપી હતી કે પેંગોલિનનું રક્ષણ નહીં કરવામાં આવે તો પર્યાવરણીય સંતુલનને નુકસાન થશે અને તેના અણધાર્યા પરિણામનો સામનો કરવો પડશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો