International Dog Day : 'જુવારની એક રોટલી' પર જીવી શકતાં મુધોલ કૂતરાં જે PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સામેલ થશે

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી હિંદી, બેંગલુરુથી
  • વડા પ્રધાનની સુરક્ષામાં દેશી પ્રજાતિના મુધોલ હાઉન્ડ શ્વાનને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે
  • આમનું કામ માત્ર અડધા કિલો પિસેલા મકાઈ, ઘઉં, અડદની દાળમાં ચાલી જાય છે
  • દરરોજ બે ઈંડાં અને અડધો લીટર દૂધ પણ આપવામાં આવે છે
  • તેમની આંખ 240 ડિગ્રીથી લઈને 270 ડિગ્રી સુધી ઘૂમી શકે છે
  • 2018માં ઉત્તર કર્ણાટકની એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશી પ્રજાતિનાં કૂતરાંઓની પ્રશંસા કરી હતી
  • આદિવાસી શિકાર કરવા માટે આ કૂતરાંઓનો ઉપયોગ કરતા હતા
  • મુધોલ કૂતરાંઓ પર પહેલી વખત રાજા માલોજીરાવ ધોરપડે (1884-1937)ના શાસનમાં ધ્યાન ગયું
  • રાજાએ બ્રિટનની પોતાની મુલાકાત દરમિયાન કિંગ જ્યોર્જ પંચમને કેટલાંક મુધોલ કૂતરાંના બચ્ચાં પણ ઉપહારમાં આપ્યા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપે દેશી પ્રજાતિના મુધોલ હાઉન્ડ શ્વાનને પોતાના દળમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

ખૂબ જ સ્ફૂર્તિવાળા આ શ્વાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'જુવારની એક રોટલી' પર પણ તે જીવિત રહી શકે છે.

કર્ણાટકના બગલકોટ જિલ્લામાં આવેલાં કેનાઇન રિસર્ચ ઇન્ફૉર્મેશન સેન્ટર(સીઆરઆઈસી) માં રહેતાં આ કૂતરાં સંપૂર્ણ સામાન્ય ભારતીય ઘરમાં બનતું ખાવાનું ખાય છે.

આમનું કામ માત્ર અડધા કિલો પિસેલા મકાઈ, ઘઉં, અડદની દાળમાં ચાલી જાય છે જે તેમને દિવસમાં બે વખત આપવામાં આવે છે. આની સાથે જ દરરોજ બે ઇંડા અને અડધો લીટર દૂધ પણ આપવામાં આવે છે.

કેટલાંય ખાનગી બ્રીડર તેમને ખાવામાં અઠવાડિયામાં એક વખત ચિકન પણ આપે છે.

કેમ છે ખાસ?

મુધોલ કૂતરાંનું માથું, ગરદન અને છાતી ઊંડાં હોય છે. પગ સીધા અને પેટ પાતળું હોય છે. કાન નીચે તરફ વળેલા હોય છે.

ગ્રેટ ડેન પછી દેશી પ્રજાતિમાં આ સૌથી લાંબુ કૂતરું હોય છે. આની ઉંચાઈ 72 સેન્ટિમિટર અને વજન 20 થી 22 કિલો હોય છે. મુધોલ કૂતરાં આંખના એક પલકારમાં તો એક કિલોમિટર સુધી દોડી શકે છે.

આ કૂતરાંનું શરીર ઍથ્લીટ જેવું હોય છે અને શિકાર કરવામાં આમની કોઈ હરીફાઈ કરી શકે તેમ નથી.

નિષ્ણાતો અનુસાર મુધોલ પ્રજાતિના કૂતરાંની કેટલીક ખાસિયતો ચોંકાવનારી છે.

જેમ કે, તેમની આંખ 240 ડિગ્રીથી લઈને 270 ડિગ્રી સુધી ઘૂમી શકે છે. જોકે દેશી પ્રજાતિના કેટલાંક કૂતરાંની સરખામણીમાં આની સૂંઘવાની ક્ષમતા ઓછી હોય છે. ઠંડા વાતાવરણમાં તેમને તાલમેલ બેસાડવામાં તકલીફ થાય છે.

કર્ણાટક વેટરિનરી ઍનિમલ ઍન્ડ ફિશરિઝ સાયન્સ યુનિવર્સિટી, બીદરના રિચર્સ ડિરેક્ટર ડૉ બી.વી. શિવપ્રકાશનું કહેવું છે, 'મુધોલ પ્રજાતિના કૂતરાંને ફૅન્સી બ્રાન્ડેડ ખાવાનું નથી જોઈતું.'

'સીઆરઆઈસીમાં કૂતરાંને જે કાંઈ પણ ખાવાનું અપાય છે તેની પર આ જીવિત રહી શકે છે. જો માલિકની ઇચ્છા હોય તો તેમને ખાવામાં ચિકન આપી શકે છે. મુધોલ જુવારની એક રોટલી ખાઈને પણ જીવિત રહી શકે છે.'

સીઆરઆઈસીના મુખ્ય અને યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુશાંત હાંડગેએ બીબીસી હિંદીને કહ્યું, 'તમે આ કૂતરાંને બાંધીને રાખી શકતા નથી. તેમને ફરવું ખૂબ જ ગમે છે. સવારે અને સાંજે એક કલાક ફરીને પોતાનું કામ ખૂબ જ ઝડપથી કરી શકે છે.'

'આ વનમેન ડૉગ છે. વધારે લોકો પર તેને ભરોસો હોતો નથી. સામાન્ય રીતે આ શ્વાનને સર્વેલન્સના કામમાં લગાવાય છે'

વર્ષ 2018માં ઉત્તર કર્ણાટકની એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશી પ્રજાતિના કૂતરાંની પ્રશંસા કરી હતી. આ પછી અનેક સુરક્ષા એજન્સીએ સીઆરઆઈસી પાસેથી બચ્ચાં લઈને તેમને ટ્રેનિંગ આપવાની શરૂ કરી.

એસએસબી રાજસ્થાન, સીઆરપીએફ બેંગલુરુ અને વન વિભાગ બાંદીપુરે અહીંથી બે-બે, સીઆઈએસએફ હરિકોટાએ એક, બીએસએફ ટેકનપુરે ચાર, ઇન્ડિયન ઍરફોર્સની આગરા યુનિટે સાત અને રિમોટ વેટરિનરી કોર અથવા આરવીસી મેરઠે છ બચ્ચાં લીધાં છે.

ક્યાંથી આવે છે?

મુધોલ કૂતરાં પર પહેલી વખત રાજા માલોજીરાવ ધોરપડે (1884-1937)ના શાસનમાં ધ્યાન ગયું.

આદિવાસી શિકાર કરવા માટે આ કૂતરાંનો ઉપયોગ કરતા હતા.

માલોજીરાવનું ધ્યાન આની પર ગયું. ત્યાં સુધી કે રાજાએ બ્રિટનની પોતાની મુલાકાત દરમિયાન કિંગ જ્યોર્જ પંચમને કેટલાંક મુધોલ કૂતરાંના બચ્ચાં પણ ઉપહારમાં આપ્યા હતા.

સુશાંત હાંડગે કહે છે, 'કહેવામાં આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં પણ મુધોલ કૂતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

ડૉ. શિવપ્રકાશે કહ્યું, 'સામાન્ય રીતે આ કૂતરાં મુધોલ તાલુકામાં મળે છે. હવે સીઆરઆઈસી પાસેથી જ આ કૂતરાંને ખાનગી બ્રીડર લઈ જાય છે. હવે મહારાષ્ટ્ર, તેલંગાણા અને બીજા રાજ્યમાં આનું પ્રજનન કરવામાં આવી રહ્યું છે.'

ગત વર્ષે નેશનલ બ્યૂરો ઑફ ઍનિમલ જેનેટિક્સ રિસોર્સેઝ (એનબીએજીઆર), કરનાલે મુધોલ પ્રજાતિના કૂતરાંઓને દેશી પ્રજાતિના કૂતરાં તરીકે માન્યતા આપી અને આને સર્ટિફાય કર્યા.

આ સર્ટિફિકેશનની સાથે અનેક ખાનગી બ્રીડરોએ મુધોલ અને બલકોટના આસપાસના અલગ-અલગ રાજ્યોમાં રહેનારાં લોકોને આ કૂતરાં વેચવાનું શરૂ કર્યું.

મુધોલ તાલુકાના લોકાપુર વેંકપ્પા નાવાલગીએ બીબીસી હિંદીને કહ્યું, 'તેમની પાસે 18 કૂતરાં છે. આમાંથી 12 માદા અને છ નર છે. અમે દર વર્ષે એક વખત આમનું પ્રજનન કરાવીએ છીએ. માદા એક વર્ષમાં બેથી ચાર અથવા તો દસથી ચૌદ બચ્ચાંને જન્મ આપી શકે છે. કેટલાંક ઇંજેક્શન નથી લગાવતા અને કુરકુરિયાંનું રજિસ્ટ્રેશન પણ નથી કરાવતાં.'

"આ એક સમય માગી લેતી પ્રક્રિયા છે. એટલા માટે એક કુરકુરિયાંને 12 હજાર રૂપિયામાં વેચીએ છીએ. પરંતુ જે લોકો કુરકુરિયાંને ઇંજેક્શન મૂકાવે છે અને સર્ટિફિકેશન કરાવે છે તે આને 13થી 14 હજાર રૂપિયામાં વેચે છે. આ કૂતરાંની ઉંમર 16 વર્ષની હોય છે. પરંતુ તે હવે ઘટીને 13થી 14 વર્ષ થઈ ગઈ છે."

બેંગલુરુના રશ્મિ મવિનકર્વેએ બીબીસીને કહ્યું, 'અમારા ત્યાં એક મુધોલ ડૉગ છે. તે ઘણું મળતાવડું છે અને મારી ત્રણ વર્ષની દીકરી સાથે ઘણું હળીમળી ગયું છે. આ એટલાં મિલનસાર હોય છે કે બાળકો તેમને ટેડી બિયર સમજવા લાગે છે.'

'લોકોનું કહેવું છે કે તે ઘણાં તુંડમિજાજી હોય છે પરંતુ તે વાત સાચી નથી. તે બધુ તમે તેમની કેવી રીતે સંભાળ રાખો છો તેની પર આધાર રાખે છે. તે જરા પણ આક્રમક નથી. અમારી પાસે એક સમયે આવા સાત કૂતરાં હતા'.

સૂંઘવાની શક્તિ મર્યાદિત

મર્ફી નામના પોતાના એક મુધોલ કૂતરાં વિશે વાત કરતાં તેઓ કહે છે, "આને મહિનામાં એક વખત નવડાવવામાં આવે છે. છતાં પણ તેના શરીરમાંથી બીજા કૂતરાં જેવી દુર્ઘંધ નથી આવતી. અમે અઠવાડિયામાં એક વખત આનું ગ્રૂમિંગ કરીએ છીએ. આનું ખાવાનું પણ સાદું છે."

"અમે દરરોજ આમને રાગી મૉલ્ટ અને દહીંની સાથે દોઢસો ગ્રામ ખાવાનું આપીએ છીએ. આમાં ઈંડું અને 100 ગ્રામ જેટલું ચિકન જાય છે. અઠવાડિયામાં તેમને 100 ગ્રામ ચોખા આપવામાં આવે છે. વર્ષમાં એક વખત રસી અપાઈએ છીએ. આમની દેખરેખ રાખવી ઘણી સસ્તી છે."

ન્યૂઝીલૅન્ડમાં પ્રશિક્ષિત સર્ટિફાઇડ કેનાઇન બિહેવિયરિસ્ટ અમૃત હિરણ્યે બીબીસીને કહ્યું, 'મુઘોલ હાઉન્ડ અથવા ગ્રે હાઉન્ડને સામાન્ય રીતે શિકારી કૂતરાં માનવામાં આવે છે. જો ભારતીય સૈન્યની ઇન્ફન્ટ્રી જો આમને ખતરાની ઓળખ કરીને પછી હુમલો કરીને પરત આવવાના ઇરાદે ખરીદે છે તો તે સંપૂર્ણ અનૂકુળ છે.'

"દુનિયામાં માત્ર મુધોલ પ્રજાતિના કૂતરાંની આંખ 240 થી 270 ડિગ્રી સુધી ફરી શકે છે."

તે કહે છે, 'તે ખૂબ જ ઝડપથી દોડી શકે છે. દોડતી વખતે તે લાંબો કૂદકો પણ મારી શકે છે કારણ કે તેમનું શરીર ઘણું પતલું હોય છે. ઇન્ફન્ટ્રી પેટ્રોલિંગ માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે કારણ કે તે ઘેરા અંધારામાં પણ જોઈ શકે છે. તેમની સાંભળવાની ક્ષમતા મનુષ્યની સરખામણીમાં ઘણી વધારે હોય છે.'

"પરંતુ જો આમનો ઉપયોગ વિસ્ફોટક, નાર્કોટિક્સની શોધ અથવા ચોરી જેવા અપરાધોની તપાસમાં કરવામાં આવે તો એટલાં સફળ સાબિત થતા નથી કારણ કે મુધોલની સૂંઘવાની તાકાત લેબ્રાડોર, જર્મન શેફર્ડ અથવા બેલ્જિયન મેલિનોઇસથી ઓછી હોય છે."

હિરણ્ય કહે છે કે કોંબાઈ અથવા ચિપ્પારારી જેવા દેશી પ્રજાતિના કૂતરામાં મુધોલથી વધારે સૂંઘવાની ક્ષમતા હોય છે. પરંતુ તેમની નજર વધારે દૂર સુધી નથી જતી. પરંતુ મુધોલનો આ માત્ર એક વાત નથી.

તેમણે કહ્યું, 'મુધોલની ત્વચા એવી હોય છે કે તે શુષ્ક વાતાવરણમાં પણ સરળતાથી રહે છે. મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકના વાતાવરણમાં તેની ત્વચા અનુકૂળ હોય છે. થોડું વાતાવરણ બદલાય તેની સાથે તેમના શરીરમાં ખંજવાળ અને ફૂગ થઈ શકે છે.'

"જ્યારે તમે ખાનગી રીતે 10થી 30 ટકા સારી કાર્યક્ષમતા વાળા કૂતરાંને પાળી શકો છો તો પછી જનતાના પૈસાથી કૂતરાંને લગાડવા છે તો મુધોલ ને કેમ નથી અપનાવતા."

તે કહે છે, "આખી દુનિયામાં લોકો જર્મન શેફર્ડ અથવા બેલ્જિયન મેલિનોઇસને અપનાવવા માટે આગળ વધી રહ્યા છે. આનાં અનેક કારણો છે. એક, બેલ્જિયન મેલિનોઇસ કોઈપણ વાતાવરણ સહન કરી શકે છે અને તે જર્મન શેફર્ડથી નાનું હોય છે."

હિરણ્ય કહે છે, "તમને યાદ હશે કે બેલ્જિયન મેલિનોઇસે જ સૂંઘીને ઓસામા બિન લાદેનને શોધી કાઢ્યો હતો. વિસ્ફોટક પદાર્થ સૂંઘીને જાણકારી મેળવવામાં એક સેકન્ડની પણ ચૂક ઘણી ખતરનાક સાબિત થઈ શકતી હોય છે. જેથી આવા કામમાં મુધોલને લગાવવું ઘણું જોખમી સાબિત થઈ શકે છે."

તે કહે છે, "ગત સાત-આઠ વર્ષમાં બેલ્જિયન મેલિનિયોસે 5000 કિલો નાર્કોટિક્સને સૂંઘીને ઓળખ કરી હશે. બેંગલુરુના નજીકના સીઆરપીએફના ટ્રેનિંગ સેન્ટરના ડૉગ બ્રિડિંગ સેન્ટરમાં આ કૂતરાંને ટ્રેનિંગ આપવામાં આવી હતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો