You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાપ અને દેડકાની એ પ્રજાતિ, જેણે દુનિયાને 16 અબજ ડૉલરનું નુકસાન કર્યું
- લેેખક, લિયો સૅન્ડ્સ
- પદ, બીબીસી ન્યૂઝ
હુમલાખોર સરીસૃપોથી દુનિયાને કેટલું આર્થિક નુકસાન થાય છે? આ પ્રશ્નનો જવાબ સરળ નથી પરંતુ આજકાલ વૈજ્ઞાનિકો સમગ્ર વિશ્વને સરીસૃપોથી થતા આર્થિક નુકસાન વિશે જાણવા લાગેલા છે.
આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સરીસૃપોની બે પ્રજાતિ અન્ય કરતાં વધારે નુકસાન પહોંચાડે છે.
વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર અમેરિકન બુલફ્રૉગ અને બ્રાઉન ટ્રી સ્નેક 1986થી લઈને અત્યાર સુધી 16.3 અબજ ડૉલરનું નુક્સાન પહોંચાડી ચૂક્યા છે.
ઇકૉલૉજીને નુકસાન પહોંચાડવા સિવાય આ હુમલાખોર પ્રજાતિઓએ પાકને બરબાદ કરી નાખ્યો છે અને તેમના કારણે વીજપુરવઠો કાપવાનો સમય આવ્યો છે. અને તેના લીધે મોટું નુકસાન થયું છે.
સંશોધકોને આશા છે કે તેમના આ સંશોધનોથી ભવિષ્યમાં પાક પર હુમલો કરનારા જાનવરોની પ્રજાતિઓને રોકવા માટે વધુ રોકાણ મળશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માત્ર બ્રાઉન ટ્રી સ્નેક જ 10.3 અબજ ડૉલરનું નુક્સાન કરી દે છે.
આ વૈજ્ઞાનિકોએ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ' જર્નલમાં એક રિપોર્ટ લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેસેફિક આઇલૅન્ડ્સમાં ઘણી ઝડપથી આ પ્રજાતિઓ વધી રહી છે.
ગુઆમમાં મચાવી તબાહી
ગુઆમમાં સાપની આ પ્રજાતિ મોટી સંખ્યામાં ફેલાઈ છે. અમેરિકન નૌસેનાએ ભૂલથી સાપની આ પ્રજાતિને અહીં છોડી દીધી હતી પરંતુ હવે તે મુશ્કેલી બની ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાવર લાઇનમાં તેમના ઘૂસી જવાથી અહીં ઘણી વખત વીજપુરવઠો પણ રોકવો પડ્યો હતો અને એ સંકટ લાંબા સમય સુધી ચાલ્યું. તેનાથી ભારે નુકસાન પણ થયું હતું.
હકીકતમાં દ્વીપોની ઇકૉલૉજી પર હુમલાખોર સરીસૃપોના હુમલાનો વધારે ભય રહે છે. અહીંની વનસ્પતિઓ અને પર્યાવરણ માટે તે વધારે ખતરનાક છે.
યુરોપમાં બુલફ્રૉગનો કેર
યુરોપમાં અમેરિકન બુલફ્રૉગની વસતિ એટલી બધી વધી ગઈ છે કે તેને કાબૂમાં લેવા માટે મસમોટો ખર્ચો કરવો પડે તેમ છે.
આ ઉભયજીવીની લંબાઈ એક ફૂટ સુધીની થઈ શકે છે અને વજન એક પાઉન્ડ સુધી વધી શકે છે. યુરોપમાં તેમની સમસ્યા એટલી વધી ગઈ છે કે હવે તેમને કાબૂમાં લેવા માટે ફૅન્સિંગનો ખર્ચ કરવો પડે છે.
ખાસ કરીને બુલફ્રૉગના પ્રજનનસ્થળો પર અધિકારીઓએ આ કવાયત હાથ ધરવી પડે છે.
જર્મનીમાં આ પ્રજાતિને રોકવા માટે પાંચ તળાવોમાં ચોતરફ ફૅન્સિંગ કરવામાં આવી હતી પરંતુ તેમાં 2.70 લાખ યૂરોનો ખર્ચ થયો હતો.
સાયન્ટિફિક રિપોર્ટ્સમાં લેખકોએ પોતાના લેકમાં યુરોપિયન સ્ટડીના આ આંકડા ટાંક્યા હતા.
બુલફ્રૉગ બધું જ ખાય છે. ઘણી વખત તો તેઓ અન્ય બુલફ્રૉગને પણ ખાઈ જાય છે. વૈજ્ઞાનિકોએ તેમના સિવાય અન્ય એક પ્રજાતિને પણ નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા છે.
એ છે કોકીફ્રૉગ, પરંતુ દેડકાની આ પ્રજાતિ અન્ય રીતે નુકસાન પહોંચાડે છે.
આ દેડકા પ્રજનન કરતી વખતે એટલો અવાજ કરે છે કે લોકો તેમના પ્રજનનસ્થળોની આસપાસ ઘર કે પ્રૉપર્ટી ખરીદવાનું ટાળતા હોય છે.
આ અધ્યયનના લેખકોને આશા છે કે સરકારો ભારે નુકસાન પહોંચાડનારા હુમલાખોર જીવજંતુઓ તેમજ સરીસૃપોને કાબૂમાં લેવા માટે પૈસા ખર્ચશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો