You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૈનિકને બચાવવા જતાં જ્યારે ભારતીય સેનાના ડૉગ 'કેન્ટ'નું ગોળીબારમાં મૃત્યુ થયું
- લેેખક, મોહિત કંધારી
- પદ, જમ્મુથી, બીબીસી હિન્દી માટે
ભારતીય સેનાની ’21 ડૉગ યુનિટ’ ની છ વર્ષીય માદા લેબ્રાડોર ‘કેન્ટ’ સોશિયલ મીડિયા પર મંગળવાર પછીથી વાઇરલ છે.
મંગળવારે રાજૌરી જિલ્લાના નારલા વિસ્તારમાં ઉગ્રવાદીઓ સાથે થયેલી અથડામણમાં તેના કમાન્ડરને બચાવવા જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
‘કેન્ટ’ હકીકતમાં ઉગ્રવાદીઓને શોધી રહેલા સૈનિકોના જૂથનું નેતૃત્વ કરી રહી હતી અને તે દરમિયાન ઉગ્રવાદીઓના ગોળીબારમાં તેનું મૃત્યુ થયું હતું.
આ અંગે રક્ષા મંત્રાલયના જમ્મુ સ્થિત પ્રવક્તા લૅફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું હતું કે, "ભારતીય સેનાના '21 આર્મી ડૉગ યુનિટ'ની ટ્રેકર ડૉગ ‘કેન્ટ’ રાજૌરીમાં ઑપરેશન સુજાલિગાલામાં સૌથી આગળ હતી. ભાગી રહેલા ઉગ્રવાદીઓની શોધમાં એ સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી. તે દરમિયાન ભારે ગોળીબારની ચપેટમાં તે આવી ગઈ. તેના હેન્ડલરનું રક્ષણ કરતી વખતે, તેણે ભારતીય સેનાની શ્રેષ્ઠ પરંપરાઓને અનુસરીને પોતાના જીવનું બલિદાન આપ્યું છે."
તે દરમિયાન જમ્મુ રેન્જના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાજૌરી જિલ્લાના નારલા વિસ્તારમાં ઍન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે ઉગ્રવાદીઓ માર્યા ગયા છે અને ભારતીય સેનાના એક જવાન પણ શહીદ થયા છે. આ સિવાય એ અથડામણ દરમિયાન પોલીસ એસપીઓ અને અન્ય ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા."
‘કેન્ટ’ના અંતિમ સંસ્કાર
‘કેન્ટ’ના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં સેનાના જવાનોએ હાજરી આપી હતી અને તેને ભાવુક વિદાય આપી હતી.
પોતાના ટ્વિટર હૅન્ડલ પર એક ટ્વિટમાં, નગરોટા સ્થિત વ્હાઇટ નાઈટ કૉર્પ્સે સેનાના જવાન રાઈફલમેન રવિને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, "વ્હાઇટ નાઇટ કૉર્પ્સ ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાઓમાં ઑપરેશન સુજાલિગાલા દરમિયાન રાઇફલમૅન રવિના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. તેમના અતૂટ સમર્પણ અને આપણા રાષ્ટ્ર પ્રત્યેની સેવા હંમેશા યાદ રાખવામાં આવશે."
સોમવારે મોડી રાત્રે રાજૌરીના નારલા વિસ્તારમાં ઑપરેશન શરૂ થયા પછી તરત જ સૈનિકોની મદદ માટે ‘21 આર્મી ડૉગ યુનિટ’ના સ્નિફર ડૉગ્સ ઍન્કાઉન્ટર સ્થળ પર તૈનાત કરવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમ્મુ ખાતે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, "તે તાજેતરમાં જ બે અઠવાડિયાની તાલીમમાં ભાગ લીધા પછી ફરજ પર તહેનાત થઈ હતી."
‘કેન્ટ’ 16 ઑગસ્ટથી 31 ઑગસ્ટ, 2023 વચ્ચે બે સપ્તાહની તાલીમ લીધા પછી તારીખ એક સપ્ટેમ્બરના રોજ તેના યુનિટમાં ફરજ પર જોડાઈ હતી.
સર્ચ ઑપરેશન
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અનુસાર, ‘કેન્ટ’નો જન્મ 23 ઑક્ટોબર, 2016ના રોજ થયો હતો અને તે 23 મે, 2018ના રોજ આર્મીમાં જોડાઈ હતી.
‘કેન્ટ’ને ટ્રેકર ડૉગની શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી અને 30 ડિસેમ્બર, 2022થી ઑપરેશનલ ડ્યૂટી પર તહેનાત કરવામાં આવી હતી.
છેલ્લા નવ મહિના દરમિયાન કેન્ટે અડધો ડઝન જેટલાં ઑપરેશનમાં ભાગ લીધો હતો.
જમ્મુમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અનુસાર કેન્ટને 27 જાન્યુઆરી, 2023ના રોજ સર્ચ ઑપરેશન ડ્યૂટી પર તહેનાત કરવામાં આવી હતી.
આ પછી તેણે તેના ઑપરેટરની સાથે ત્રીજી ફેબ્રુઆરીએ હાથ ધરેલા સર્ચ ઑપરેશનમાં પણ ભાગ લીધો હતો.
ચોથી એપ્રિલે ‘કેન્ટ’ને ચોરીનો એક કેસ ઉકેલવા માટે પણ ફરજ પર તહેનાત કરવામાં આવી હતી.
વીરતા અને બલિદાન
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ મોટી સંખ્યામાં લોકો ‘કેન્ટ’ની બહાદુરી અને બલિદાનની પ્રશંસા કરી રહ્યા છે અને ફરજ પર તેના દ્વારા કરવામાં આવેલા બલિદાનની પ્રશંસા કરી રહ્યા છે.
ગયા વર્ષે પણ જમ્મુ-કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં આર્મી ડૉગ યુનિટના સભ્યોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
ભારતીય સેનાના 26 ડૉગ યુનિટના સૌથી નાના સૈનિકોમાંથી એક એવા બે વર્ષના હુમલાખોર શ્વાન ‘ઍક્સેલ’એ 30 જુલાઈ, 2022 ના રોજ પટ્ટનમાં એક ઑપરેશનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
‘ઍક્સેલ’ને તેના ટ્રેનર દ્વારા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઘરની અંદર છુપાયેલા ઉગ્રવાદીઓનું ચોક્કસ સ્થાન શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
તેના ટ્રેનરના આદેશને અનુસરીને ‘ઍક્સેલ’ બિલ્ડિંગની અંદર ગયો. જ્યારે તે ઉગ્રવાદીઓને શોધી રહ્યો હતો ત્યારે ઍક્સેલને એક રૂમની અંદર છુપાયેલા ઉગ્રવાદી દ્વારા ચલાવવામાં આવેલા ગોળીઓના વરસાદથી ગંભીર ઈજાઓ થઇ હતી. ‘ઍક્સેલ’ બૅલ્જિયન માલિનોઇસ વર્ણનો હતો જેણે ડ્રગ્સ, બૉમ્બ, ગેસ ડિટેક્શન, સર્ચિંગ અને ટ્રેકિંગ જેવી કામગીરીમાં ભાગ લીધો હતો.
પહેલાં પણ થયાં છે મૃત્યુ
આ પછી તારીખ નવ ઑક્ટોબર, 2022ના રોજ અન્ય એક ઑપરેશન દરમિયાન આર્મી ડૉગ યુનિટના સૌથી નાના સૈનિક બે વર્ષના ઝૂમે અનંતનાગમાં ઉગ્રવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં પોતાનો જીવ આપ્યો હતો.
જમ્મુમાં રહેતા એક ભૂતપૂર્વ ડૉગ ટ્રેનર અનુસાર, "છેલ્લા ત્રણ દાયકામાં પ્રશિક્ષિત શ્વાનોએ તેમની ફરજ અચૂકપણે બજાવી છે અને ભારતીય સેનાના જવાનોની સાથે તેમના જીવનનું બલિદાન પણ આપ્યું છે."
તેમના જણાવ્યા મુજબ, "યુનિટના શ્વાનોને પહેલાં છુપાયેલા ઉગ્રવાદીઓનું સ્થાન અને તેઓ જે હથિયારો અને દારૂગોળો લઈ જઈ રહ્યા છે તે શોધવા માટે મોકલવામાં આવે છે."
ડૉગ ટ્રેનર સમજાવે છે કે, "આ શ્વાનો પર લગાવવામાં આવેલા કૅમેરાના ફીડ પર કંટ્રોલ રૂમમાંથી દેખરેખ રાખવામાં આવે છે. આ શ્વાનોને છુપાયેલા આતંકવાદીઓના ઠેકાણામાં ઘૂસી જવાની તાલીમ પણ આપવામાં આવે છે. તેમને આ કામગીરીમાં પ્રશિક્ષિત કરવામાં આવે છે. તેમને ઑપરેશન દરમિયાન ન ભસવાની તાલીમ પણ આપવામાં આવે છે."
વિશેષ પુરસ્કાર
જો આ શ્વાનો પર છુપાયેલા ઉગ્રવાદીઓની નજર પડી જાય અને તેઓ તેમના પર હુમલો કરે છે તો શ્વાનો પણ જવાબી હુમલો કરે છે. શ્વાનના હૅન્ડલરો હંમેશા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખે છે.
જમ્મુ અને કાશ્મીરમાં રોડ ઑપનિંગ પાર્ટી (આરઓપી) ડ્યૂટી, વિસ્ફોટકોને શોધવા, કોઈપણ વીઆઇપી અથવા સંવેદનશીલ વિસ્તારને ચેક કરવા માટે ટ્રૅકર ડૉગ્સનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.
સમયાંતરે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ આર્મી ડૉગ યુનિટ્સને પ્રશસ્તિપત્રો અને અન્ય પુરસ્કારો આપીને સન્માનિત કરે છે. ભારતીય સેનામાં શ્વાનોને તેમની બહાદુરી માટે વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવે છે.
આ શ્વાનને વિવિધ ઑપરેશન દરમિયાન તેમની કામગીરી બદલ ચીફ ઑફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડ, વાઈસ ચીફ ઑફ સ્ટાફ કમેન્ડેશન કાર્ડ અને જીઓસી ઈન ચીફ કમેન્ડેશન કાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. બે વર્ષના ઍક્સેલને ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ભારતીય સેનાની યુનિટ્સમાં શ્વાન
ભારતીય સેના પાસે તેના યુનિટમાં વિવિધ જાતિના શ્વાન છે.
તેમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, બૅલ્જિયન માલિનોઈસ અને ગ્રેટ માઉન્ટેન સ્વિસ ડૉગ્સનો સમાવેશ થાય છે.
ભારતીય જાતિઓમાં મુધોલ હાઉન્ડ શ્વાનોનો પણ સમાવેશ થાય છે.
આ શ્વાનોનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે જેમ કે ગાર્ડ ડ્યૂટી, પેટ્રોલિંગ, ઇમ્પ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) સહિત વિસ્ફોટકોને સૂંઘવા, માઇન્સને શોધવી, ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને સૂંઘવી અને લક્ષ્યો પર હુમલો કરવો.
ભારતીય સેનાના શ્વાનોને દરરોજ તાલીમ આપવા અને માર્ગદર્શન આપવા માટે એક હૅન્ડલર હોય છે.
તેમની મુખ્ય તાલીમ રીમાઉન્ટ અને વેટરનરી કૉર્પ્સ સેન્ટર ઍન્ડ કૉલેજ મેરઠમાં શરૂ થાય છે.
આ શ્વાનોને નવ મહિનાથી વધુ સમય માટે અહીં અને પછી ગ્રાઉન્ડ પર ત્રણ મહિના માટે તાલીમ આપવામાં આવે છે.
સેના તેમની ચપળતાના આધારે લગભગ સાત-આઠ વર્ષ સુધી આ શ્વાનોને સેવામાં રાખે છે.
આ શ્વાનોને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે તેમને વિશેષ ખોરાક અને પોષણ પણ આપવામાં આવે છે.
ભારતીય સેના પાસે દેશભરમાં 27થી વધુ ડૉગ યુનિટ છે.
એક યુનિટમાં 24 જેટલા શ્વાન સામેલ હોય છે. કેટલાક શ્વાન આરવીસી સેન્ટરમાં જન્મે છે અને કેટલાક બહારથી લાવવામાં આવે છે.