You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
HMPV થી ગુજરાત સહિત દેશભરમાં ચિંતા, બાળકો પર કેમ વધુ જોખમ?
ગુજરાતમાં એચએમપીવીનો વધુ એક કેસ આવ્યો છે.
સાંબરકાંઠામાં એચએમપી વાઇરસનો શંકાસ્પદ કેસ આવતા બે દિવસ પહેલાં સૅમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં.
સાબરકાંઠામાં આઠ વર્ષના એક બાળકનું સૅમ્પલ એચએમપીવી પૉઝિટિવ આવ્યું છે.
આરોગ્ય વિભાગ અનુસાર બાળકની હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે અને તે હાલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.
સાબરકાંઠામાં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર અંકિત ચૌહાણ અનુસાર મેડિકલ ઑફિસર ડૉક્ટર સ્મૃતિ મહેતાએ કહ્યું કે, "બાળકને જ્યારે દાખલ કરવામાં આવ્યું હતું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેને સરકારની ગાઇડસલાઇન પ્રમાણે તેની સારવાર ચાલી રહી છે પરંતુ બાળકની સ્થિતિ ગંભીર છે અને તે વેન્ટિલેટર મશીન પર છે. તેના ઑક્સિજનનું સ્તર જળવાઈ રહ્યું છે પરંતુ તેના એક્સ-રેમાં હજુ ન્યુમોનિયા આવી રહ્યું છે."
અગાઉ કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા હતા જેની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી હતી. રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા બે મહિનાના બાળકનો એચએમપીવી સૅમ્પલ પૉઝિટિવ આવ્યો હતો. જોકે તેની પરિસ્થિતિ સ્થિર જણાવાઈ હતી.
ઉત્તર ચીનમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (એચએમપીવી)ના સંક્રમણમાં વધારો થવાથી ભયનું વાતાવરણ સર્જાયું છે.
ચીનમાં પાંચ વર્ષ પહેલાં કોવિડ-19 વાઇરસ ફાટી નીકળવાને કારણે આખી દુનિયામાં રોગચાળો ફેલાયો હતો. વિશ્વભરમાં 70 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ફરીથી એવી જ પરિસ્થિતિ સર્જાશે કે કેમ તેવો ભય અનેક લોકો અનુભવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, એચએમપીવીનું સંક્રમણ 14થી ઓછી વર્ષની વયનાં બાળકોમાં વધી રહ્યું છે. જોકે, તેના કારણે હૉસ્પિટલો ખીચોખીચ ભરેલી હોવાના દાવાને તેમણે નકારી કાઢ્યો હતો.
ભારતમાં પણ આ વાઇરસના કેટલાક દર્દીઓ મળી આવ્યા છે.
એચએમપી નવો વાઇરસ છે?
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, આ વાઇરસની શોધ સૌપ્રથમ વાર 2001માં થઈ હતી. અલબત્ત, નિષ્ણાતો કહે છે કે આ વાઇરસ છેલ્લા એક દાયકાથી અસ્તિત્વમાં છે.
એચએમપીવીનાં લક્ષણો સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવાં છે. એ લક્ષણોમાં ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને નાક બંધ થઈ જવાનો સમાવેશ થાય છે. કેટલાક દર્દીઓમાં આવાં લક્ષણો ગંભીર હોય છે.
આ વાઇરસ બ્રોન્કાઇટિસ અથવા ન્યૂમોનિયા જેવા શ્વસનતંત્રના ઉપલા અને નીચલા હિસ્સાના રોગોનું કારણ બની શકે છે. તેનો ચેપ કોઈ પણ ઉંમરની વ્યક્તિને લાગી શકે છે, પરંતુ તે નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને થવાની શક્યતા વધારે હોય છે.
એચએમપીવીનો ચેપ લાગે ત્યાંથી છ દિવસ સુધીમાં તેનાં લક્ષણો જોવાં મળી શકે છે. માંદગીના સરેરાશ દિવસોનો આધાર તેની ગંભીરતા પર હોય છે, પરંતુ વાઇરસને કારણે થતા શ્વસનતંત્રના અન્ય રોગોની માફક આ બીમારીમાંથી સાજા થવામાં થોડા દિવસો લાગે છે.
સીડીસીના ડેટા અનુસાર, શિયાળાના અંતમાં અને સમશીતોષ્ણ આબોહવામાં વસંતઋતુ દરમિયાન આ વાઇરસ સૌથી વધુ સક્રિય હોય છે.
એચએમપીવી ખાંસી અથવા છીંકનાં છીંટાં દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
એ ઉપરાંત તંદુરસ્ત વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તે વાઇરસથી સંક્રમિત થઈ શકે છે. એચએમપીવી હાથથી હાથના સ્પર્શ અથવા આ વાઇરસથી ગ્રસ્ત વ્યક્તિના હાથથી મોં, નાક અથવા આંખોના સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.
લોકો ઠંડીના દિવસોમાં ઘરની અંદર વધુ સમય વિતાવતા હોય છે ત્યારે આ વાઇરસ વધુ ફેલાય છે.
બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી શા માટે?
એક જ વ્યક્તિને એચએમપીવીનો ચેપ અનેક વખત લાગી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે આ વાઇરસનો પ્રથમ વાર લાગતો ચેપ લાગે ત્યારે વધુ ત્રાસ થઈ શકે છે.
પ્રથમ વારના ચેપ પછી શરીર રોગ સામે પ્રતિકારક શક્તિ બનાવે છે અને તે પછી ચેપ લાગે ત્યારે વધારે તકલીફ થતી નથી.
જોકે, એવું ન થાય એટલા માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. એચઆઈવી કે કૅન્સર જેવા રોગોથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે.
બાળકો અને 65 વર્ષથી વધુ વયના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી જ તેમના પર એચએમપીવી જેવા શ્વસનતંત્ર સંબંધી રોગોનું જોખમ વધારે હોય છે.
અલબત્ત, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એચએમપીવી લગભગ દાયકાથી અસ્તિત્વમાં હોવાને કારણે તેની સામે વૈશ્વિક સ્તરે પૂરતી રોગપ્રતિકારક શક્તિ તૈયાર થઈ ગઈ છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, 65 વર્ષ કરતાં વધુ વયના વરિષ્ઠ લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાઇરસનો ચેપ લાગવાનો ભય વધુ છે.
બીબીસી સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રના હડપસર ખાતેની નોબલ હૉસ્પિટલના બાળરોગોના નિષ્ણાત ડૉ. અભય મહિન્દ્રેએ આ વિશે જણાવે છે કે, "એચએમપી વાઇરસ એ બાળકોમાં સામાન્યપણે જોવા મળતાં વાઇરલ ઇન્ફેક્શનો પૈકી એક છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ય વયની વ્યક્તિઓ કરતાં ઓછી હોય છે."
તેથી માત્ર એચએમપી વાઇરસ જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારનો વાઇરલ રોગ બાળકો માટે વધુ ગંભીર સાબિત થઈ શકે છે. ઉપરાંત બાળકમાં માતા પાસેથી મળેલી રોગપ્રતિકારક શક્તિ પ્રથમ છથી બાર મહિનામાં ધીમે ધીમે ખતમ થવા લાગે છે.
"તેથી જ્યારે બાળકને પ્રથમ વખત એચએમપી વાઇરસનો ચેપ લાગે તો તેનાં લક્ષણો અને ગંભીરતા થોડા અંશે ઝાઝાં હોઈ શકે છે."
ચીની હૉસ્પિટલોમાં માસ્ક પહેરીને ફરતા લોકોના ફોટોગ્રાફ્સ અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. તેથી એવો અંદાજ છે કે ચીનની હૉસ્પિટલો એચએમપીવીના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
કેટલીક સ્થાનિક સમાચાર સંસ્થાઓએ આ પરિસ્થિતિની સરખામણી કોવિડ-19ના શરૂઆતના દિવસો સાથે કરી છે.
ચીનના સીડીસીના વડા કાન બાયોએ આગાહી કરી છે કે દેશમાં ઠંડીના દિવસોમાં અને વસંતઋતુમાં શ્વસનતંત્ર સંબંધી કેટલાક તીવ્ર રોગો ફેલાશે.
એક પત્રકારપરિષદમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2024માં શ્વસનતંત્ર સંબંધી રોગોથી પીડાતા લોકોની કુલ સંખ્યા પાછલા વર્ષ કરતાં ઓછી હતી.
સેન્ટર ફૉર ઍપિડેમિક રિસ્પોન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિયો ડી. ઓલિવેરાના જણાવ્યા અનુસાર, ચીનમાં શિયાળા દરમિયાન ચાર વાઇરસ ફેલાય છે અને એચએમપીવી એ પૈકીનો એક છે. અન્ય ત્રણ વાઇરસમાં રેસ્પિરેટરી સિન્સિટિયલ વાઇરસ, કોવિડ અને ઇન્ફ્લ્યુએન્ઝાનો સમાવેશ થાય છે.
ઓલિવેરાએ ઉમેર્યું હતું કે શિયાળાની મોસમ અને આ ચાર વાઇરસને ફેલાવાને કારણે ચીનની હૉસ્પિટલો પર થોડું દબાણ રહેવાની અપેક્ષા છે.
ચીને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે અજાણ્યા મૂળના ન્યૂમોનિયા પર નજર રાખવા એક સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી રહ્યું છે. શિયાળામાં શ્વસનતંત્ર સંબંધી રોગોમાં વધારો થતો હોવાથી આ વ્યવસ્થા મહત્ત્વપૂર્ણ હોવાનું પણ ચીને જણાવ્યું હતું.
પાંચ વર્ષ પહેલાં કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારે ચીન આટલું સજ્જ ન હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન