કબૂતરોની વધતી સંખ્યા માણસો અને પર્યાવરણ માટે હાનિકારક છે?

    • લેેખક, રેણુકા કલ્પના
    • પદ, બીબીસી સંવાદદાતા

કબૂતરો માટે શહેરોમાં રહેવાથી મોટી અનુકૂળતા બીજી કોઈ નથી. શહેરમાં તેમને ખોરાક તથા પાણી મળી રહે છે અને તેમનો શિકાર કરે તેવાં જૂજ પ્રાણીઓ હોય છે.

કબૂરતોના રહેવા માટે ઊંચી ઇમારતો, બારીઓ, છાપરાં, પુલ, ફ્લાયઓવર અને ગોદામો ઉપરાંત બીજી ઘણી યોગ્ય જગ્યાઓ છે.

મહાનગરોમાં ઘરફોડીના વધતા કિસ્સા હવે મોટી સમસ્યા બની રહ્યા છે.

કબૂતરોને કારણે સર્જાતા આરોગ્ય સંબંધી જોખમોને ધ્યાનમાં રાખીને પૂણે મહાનગરપાલિકાએ કબૂતરોને ચણ નાખતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.

કબૂતરની ચરક અને પીછાં શ્વસન સંબંધી બીમારીનું કારણ બની શકે છે અને ત્વચાની સમસ્યાઓ, ઍલર્જી તેમજ સાઇનાઇટિસનું જોખમ પણ વધારે છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે કોઈ પણ જીવંત વસ્તુની સંખ્યામાં જોરદાર વધારો થાય તો તેની અસર પર્યાવરણ પર થાય છે. કબૂતરોની સંખ્યામાં થતો વધારો પર્યાવરણીય અસંતુલનની નિશાની છે.

શહેરો બન્યાં પોલ્ટ્રી ફાર્મ

બાયોડાઇવર્સિટીમાં પીએચ.ડી.ની પદવી ધરાવતા અને પર્યાવરણ સંરક્ષક સંસ્થા નિસર્ગ જાગર પ્રતિષ્ઠાનના પ્રમુખ મહેશ ગાયકવાડે જણાવ્યું હતું કે શહેરોમાં જોવા મળતાં કબૂતરો મોટા ભાગે હાઇબ્રિડ હોય છે.

ગાયકવાડના જણાવ્યા મુજબ, કબૂતર વાસ્તવમાં સ્વદેશી પ્રજાતિ છે. પીળા પગવાળા ગ્રીન પીજનને મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે. પૂણે શહેરમાં હવે શ્વેત કબૂતરો અને ગ્રીન કબતરો એકસાથે પ્રજનન કરી રહ્યાં છે.

માણસો ખોરાક, માહિતી તથા ઘરમાં ઉછેરવા માટે કબૂતરોને જંગલમાંથી ગામડાં અને શહેરોમાં લાવ્યાં હતાં.

કબૂતરો અગાઉ જંગલમાં મોટા ખડકો વચ્ચે માળા બનાવીને રહેતાં હતાં. નાના જંતુઓ તથા ફળો ખાઈને જીવતાં હતાં. તેમની ચરક આખા જંગલમાં ફળોનાં બીજ ફેલાવે છે.

જોકે, હવે જંગલોમાં પક્ષીઓને પૂરતો ખોરાક મળતો નથી. તેમનામાં જંગલની કેટલીક લાક્ષણિકતાઓ જરૂર છે, પરંતુ હવે તેઓ વધારે સામાન્ય પક્ષીઓ બની ગયાં છે.

આમ પ્રાણીઓ અને માણસોની નજીક રહેતા કબૂતરોની સંખ્યામાં વધારો થયો છે, એમ ગાયકવાડે જણાવ્યું હતું.

ગાયકવાડના કહેવા મુજબ, "ગરુડ અને બાજ પક્ષી આ કબૂતરોનો શિકાર તથા તેનો આહાર કરે છે. કબૂતરો વરુ અને શિયાળનો પણ પ્રિય ખોરાક છે. ઘણી વાર માણસો પણ કબૂતરોનો શિકાર કરે છે. અગાઉ આ પક્ષી જંગલમાં ખૂબ જ જોવા મળતું હતું, પરંતુ હવે તેની સંખ્યામાં ઘટાડો થયો છે."

માનવામાં આવે છે કે શહેરમાં કબૂતરો બહુ સલામત છે અને તેમના દુશ્મનો બહુ ઓછા થઈ ગયા છે. તેથી તેમની સંખ્યામાં મોટો વધારો થયો છે.

શહેરોમાંની બહુમાળી અને ઊંચી ઇમારતો કબૂતરોના રહેવા માટે અનુકૂળ બની ગઈ છે. લોકો તેમને ચણ નાખી રહ્યા છે. તેમનો બહુ ઓછો શિકાર થાય છે. આ કારણે તેમનું કુદરતી પ્રજનન સરળ બન્યું છે.

ગાયકવાડે કહ્યું હતું, "મરઘાંને પોલ્ટ્રી ફાર્મમાં ઉછેરવામાં આવે છે તેમ શહેરોમાં કબૂતરોને પણ ઉછેરવામાં આવે છે. શહેરો મોટા પોલ્ટ્રી ફાર્મ બની ગયાં છે."

કબૂતરોની સંખ્યામાં વધારો થવાની સાથે તેની અસર અન્ય જીવો પર પડી રહી છે. કબૂતરો ચકલી જેવાં નાનાં પક્ષીઓને હેરાન કરે છે. ચકલીઓના માળા પર આક્રમણ કરે છે. તેમનો ખોરાક ખાઈ જાય છે. પરિણામે નાનાં પક્ષીઓ ખોરાકના અભાવે મૃત્યુ પામે છે.

તેમણે ઉમેર્યું હતું કે આપણી આસપાસ માત્ર કબૂતર જ નહીં, કોઈ પણ પ્રાણીની વિષ્ટા કે પેશાબ હોય તો તેની માનવ સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે.

સહસંબંધનો અભ્યાસ કરવો જોઈએ

પર્યાવરણવિદ્ અને ભાવતાલ ફાઉન્ડેશનના સ્થાપક અભિજિત ઘોરપડેએ જણાવ્યું હતું કે પર્યાવરણમાં કબૂતરો મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ તેમની સંખ્યામાં જંગી વધારો પ્રકૃતિનું સંતુલન ખોરવી શકે છે.

કોઈ પણ વિસ્તારમાં કેટલાં પક્ષીઓ રહી શકે તેની ચોક્કસ મર્યાદા છે. કોઈ એક પ્રજાતિની વસ્તીમાં વધારો થાય તો અન્ય પ્રજાતિઓ માટે ઉપલબ્ધ ખોરાક, આવાસ અને ઊડવાની જગ્યામાં ઘટાડો થાય છે. તેની અસર તેમની વસ્તી પર થાય છે.

અભિજિત ઘોરપડેએ કહ્યું હતું, "કબૂતરો તમામ પરિસ્થિતિમાં રહી શકે છે. અન્ય પક્ષીઓથી વિપરીત કબૂતરો કોઈ પણ સમયે ઈંડાં મૂકી શકે છે અને પ્રજનન કરી શકે છે. યોગ્ય આવાસ, પુષ્કળ ખોરાક અને શિકારીઓની અછત કબૂતરોની વસ્તીમાં જંગી વધારાને પ્રોત્સાહિત કરતાં પરિબળો છે."

ઘણા શહેરી વિસ્તારો કબૂતરોથી ભરાઈ ગયા હોય તેવું લાગે છે. તેને કારણે કાગડાઓ અને ચકલીઓ જેવાં કેટલાંક પક્ષીઓ અદૃશ્ય થઈ રહ્યાં છે.

ઘોરપડેના કહેવા મુજબ, "કબૂતરોની સંખ્યામાં વધારાને કારણે અન્ય પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, એમ કહેવું સંપૂર્ણપણે સાચું નથી. વધતા શહેરીકરણને પગલે કેટલાંક અન્ય કારણસર આ પક્ષીઓ અદૃશ્ય થઈ રહ્યાં હોય તે શક્ય છે. આ બેમાંથી કયું કારણ, કેટલી હદે સાચું છે તેની તપાસ કરવી જરૂરી છે."

મનુષ્ય એક આશીર્વાદ

કબૂતરના સંવર્ધકો તેમને અનાજથી માંડીને કેક અને બિસ્કિટ સુધીની વિવિધ પ્રકારના ખોરાક ખવડાવે છે. આ ખોરાક મનુષ્યો પરની કબૂતરોની નિર્ભરતામાં વધારો કરે છે. તેમની કુદરતી શિકારી વૃત્તિને ખતમ કરી નાખે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કબૂતરોની સંખ્યામાં જેમ જેમ વધારો થશે તેમ તેમ તેની અસર નાના જીવોના ખોરાકના પુરવઠા પર થશે, જે આખરે નાના જીવોની વસ્તીમાં ઘટાડા તરફ દોરી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.