You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લામાં સાંબેલાધારની આગાહી કરાઈ?
હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિનમાં જણાવાયું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગીર સોમનાથ અને દાદરા અને નગરહવેલીમાં પણ અતિભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ તમામ જિલ્લા વરસાદ હેઠળ આવરી લેવાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં જૂનાગઢના મેંદરડામાં 13.31 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કેશોદ તાલુકામાં 11.20 ઇંચ, વંથલીમાં 10.40 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ, નવસારીના ગણદેવીમાં 9 ઇંચ, વલસાડના કપરાડામાં 8 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 8, નવસારીના ચીખલીમાં 8, પોરબંદરના કુતિયાણામાં સાત, રાણાવાવમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત તાપી, નવસારી, જલાલપોર, ખેરગામ, તાલાલા, પારડી, માંગરોળ, મહુવા, વાપી, ઉંબરગામ, મહુવા, વ્યારા તાલુકામાં ચારથી છ ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 71 ટકા વરસાદ પડી ગયો છે, જેમાં કચ્છમાં 74 ટકા, ઉત્તર ગુજરાતમાં 72 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 69 ટકા, સૌરાષ્ટ્રમાં 70 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 73 ટકા વરસાદ પડી ગયો છે.
ગુજરાત પર સર્જાઈ વરસાદી સિસ્ટમ
હવામાન વિભાગ અનુસાર હાલમાં દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારમાં એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઊંચાઈએ આવેલું છે.
ગુજરાતથી 7.6 કિમીની ઊંચાઈએ અને અરેબિયન સમુદ્ર પર 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે જળવાઈ રહ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્રકિનારા પર એક ઑફશોર ટ્રફની રચના થઈ છે. હાલમાં નલિયા, વલ્લભ વિદ્યાનગર, બેતુલ, માંડલા, સાંભલપુર પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જે બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધાં પરિબળો ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ લાવે છે.
ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કહ્યું?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 21 ઑગસ્ટ, ગુરુવારે સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દ્વારકા માટે હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ ઉપરાંત ગુરુવારે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લાઓ માટે ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
તેવી જ રીતે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે જે દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે.
આગામી ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે?
22 ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લા હાલમાં યલો ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
23 ઑગસ્ટ, શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના બાકીના જિલ્લામાં પણ તે દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને પવનની મહત્તમ ઝડપ 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
24 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતનાં જળાશયો કેટલાં ભરાયાં?
આ દરમિયાન ભારે વરસાદના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણી આવતું જાય છે અને ડૅમની સપાટી વધી રહી છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ અત્યાર સુધીમાં 78 ટકા જેટલો ભરાયો છે.
ઉત્તર ગુજરાતના ડૅમોમાં સરેરાશ 66 ટજકા પાણી ભરાયું છે જ્યારે મધ્ય ગુજરાતના 17 ડૅમમાંથી ચાર ડૅમ છલકાયા છે અને તેમાં 82 ટકા પાણી ભરાયેલું છે.
દક્ષિણ ગુજરાતમાં 13માંથી 8 ડૅમ છલકાયા છે અને તેમાં 76 ટકા પાણી છે. કચ્છમાં 20માંથી ત્રણ ડૅમ છલકાયા છે, જેમાં સરેરાશ 56 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં 141માંથી 25 ડૅમ છલકાઈ ગયા છે અને હાલમાં 71 ટકા કરતા વધારે પાણી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન