You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંખો આવવી એટલે શું? તેનાથી બચવા શું કરવું?
- લેેખક, ડૉ. પ્રતિભા લક્ષ્મી
- પદ, બીબીસી માટે
ગુજરાતમાં હાલ આ ઋતુમાં કંજેંક્ટિવાઇટિસ અથવા ‘આંખો આવવા’ની ચેપી બીમારી વધુ જોવા મળી રહી છે. લગભગ દર વર્ષે ચોમાસાના ભારે વરસાદના સમયગાળામાં જોવા મળતી આ બીમારી કેવી રીતે થાય છે એ તમે જાણી લો અને સાવચેતી રાખો તો ચેપથી તમારી આંખોને બચાવી શકાય છે.
સામાન્ય વાતચીતની ભાષામાં કંજેંક્ટિવાઇટિસ રોગને ‘અંખિયા મિલાકે’ રોગ તરીકે એટલા માટે પણ ઓળખવામાં આવે છે. એની પાછળ એવી માન્યતા છે કે કંજેક્ટિવાઇટિસનો ચેપ ધરાવતા દર્દીની આંખોમાં જોવાથી તમને પણ આ રોગ થઈ જાય. આ ખોટી માન્યતા છે અને તેમાં જરાય સત્ય નથી.
આ રોગના જિવાણુંઓ ધરાવતાં મનુષ્યો અને વસ્તુઓને સ્પર્શવાથી ફેલાય છે.
આંખો કેમ આવે છે?
કંજેંક્ટિવાઇટિસની બીમારી વાઇરસ, બૅક્ટેરિયા કે કોઈક ઍલર્જીના કારણે થઈ શકે છે.
વાઇરસ અથવા બૅક્ટેરિયાને કારણે લાગેલો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે. ભીડવાળાં સ્થાનોમાં, શાળાએ જતાં બાળકોમાં આ ચેપ ફેલાય છે.
જ્યારે શેની ઍલર્જીને કારણે આ બીમારી કેમ થાય છે, તે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક પ્રણાલી પર આધાર રાખે છે. જો આ બીમારી વાઇરસ કે ઍલર્જીના કારણે થાય તો તેના લક્ષણો થોડા સમય માટે ખૂબ જ ગંભીર જણાય છે. પરંતુ તે સરળતાથી મટી પણ જાય છે.
પરંતુ જો બૅક્ટેરિયાના ચેપને કારણે કંજેંક્ટિવાઇટિસની બીમારી થાય તો તેમાં થોડા દિવસો સુધી વધતી રહે છે. પરંતુ આંખો પર તેની મોટી અસર થાય છે. તેના કારણે આંખની દૃષ્ટિને (જોવાની ક્ષમતાને) નુકસાન થવાનો ભય રહે છે.
ક્યારેક ચોક્કસ પ્રકારનાં રસાયણોને કારણે પણ આંખમાં ચળ (ખંજવાળ) આવે છે. આ ચળને ઘટાડવા માટે આંખને ચોખ્ખા પાણી ધોવી જોઈએ. જો લક્ષણો ગંભીર જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમે મોડું કરો તો સમસ્યા વધુ વકરે તેની પણ સંભાવના હોય છે.
તે કેવી રીતે ફેલાય છે?
આ રોગનો વાઇરસ એક ચેપી વ્યક્તિની આંખમાંથી ઝરતા પાણી અને હાથના સ્પર્શથી બીજી વ્યક્તિઓમાં ફેલાય છે. આંખમાં આવતી ચળને કારણે આ રોગની ચેપી વ્યક્તિ જાણ બહાર જ તેમના હાથથી આંખો ચોળવા લાગે છે, જેને કારણે આંખમાંથી નીકળતા પાણીમાં રહેલા વાઇરસ હાથમાં આવી જાય છે અને પછી એ હાથ જ્યાં જ્યાં સ્પર્શે તે સ્થળે એ વાઇરસ ફેલાતો રહે છે. એ વ્યક્તિએ સ્પર્શેલી વસ્તુઓને કે પછી એ વ્યક્તિ સાથે અન્ય કોઈ તંદુરસ્ત વ્યક્તિ હાથ મિલાવે ત્યારે એ વાઇરસ એ તંદુરસ્ત વ્યક્તિના હાથમાં પહોંચે છે અને પછી જ્યારે તે વ્યક્તિ પોતાની આંખને સ્પર્શે ત્યારે વાઇરસનો ચેપ એ તંદુરસ્ત વ્યક્તિને પણ લાગે છે.
આ ઉપરાંત રોગગ્રસ્ત વ્યક્તિના નાક અથવા સાઇનસમાં રહેલા વાઇરસ અને બૅક્ટેરિયા અન્ય વ્યક્તિમાં ફેલાઈને ચેપ લગાડી શકે છે. ખાસ કરીને જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ બીમારીનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
જે લોકો કૉન્ટેક્ટ લેન્સ પહેરતા હોય અને તેને યોગ્ય રીતે સાફ ન કરતા હોય અથવા યોગ્ય લેન્સ ન પહેરતા હોય તેમને પણ આ ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે.
જે લોકો ભીડવાળાં સ્થળો અથવા સ્કૂલોમાં વધુ સમય પસાર કરતા હોય તો પણ આંખની આ બીમારીનો ચેપ ફેલાવવામાં કારણભૂત બને છે.
લક્ષણો શું છે?
- એક અથવા બન્ને આંખ લાલાશ આવી જવી
- વધુ પ્રકાશ ન જોઈ શકાય
- આંખમાંથી ઘટ્ટ પ્રવાહી અથવા પાણી નીકળવું
- બૅક્ટેરિયાને કારણે પોપચાંમાં પરૂ ભરાઈ જવાની સંભાવના છે. જો ચેપ આંખના ડોળામાં ફેલાય તો દૃષ્ટિ જવાનું જોખમ રહે છે.
- વાઇરસ દ્વારા થતી સામાન્ય શરદી પણ કંજેંક્ટિવાઇટિસ થવાનું એક કારણ છે.
- નાનાં બાળકોને આ રોગના ચેપને કારણે તાવ પણ આવી શકે છે.
- આંખોમાં બળતરા, દુખાવો કે ચળ આવવી
- આંખોનાં પોપચાંમાં સોજો આવવો
- આંખોનાં પોપચાં ચોંટી જવા (પોપચાં આંખમાંથી નીકળતા પાણીને કારણે ખાસ કરીને સવારે ઉઠતી વખતે ચોંટી જવાં)
ટાળવા માટે શું કરવું?
- જ્યારે આ લક્ષણો જણાય તો આંખોને ચોળવી નહીં અથવા આંખોને હાથ ન અડાડવો.
- આંખોને સ્વચ્છ ટિસ્યુ પેપર અથવા ચોખ્ખા રૂમાલથી લૂછો.
- ઘાટા રંગના ચશ્મા પહેરવાથી આ લક્ષણોમાં કંઈક રાહત મળી શકે છે.
- કૉન્ટેક્ટ લેન્સ પહેરતાં લોકોએ તેને પહેરવાનું તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ.
- વાઇરસને કારણે લાગેલા ચેપની સમસ્યા સામાન્ય રીતે એક અથવા બે સપ્તાહમાં ઘટી જાય છે.
- જો ચેપ બૅક્ટેરિયાને કારણે લાગેલો હોય તો, ચેપની ગંભીરતા પ્રમાણે ચોક્કસ દિવસો સુધી યોગ્ય માત્રામાં યોગ્ય દવા લેવી જરૂરી છે.
તેની શું સારવાર છે?
આ બીમારીને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી અટકાવવા માટે વારંવાર તમારા હાથ ધોતા રહો.
તમારી આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. આંખોને હાથથી સ્પર્શવાની ટેવને ચશ્માનો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે અને એ રીતે આ પ્રકારનો ચેપ પણ અટકાવી શકાય છે.
જ્યારે આ સમસ્યા ઉદ્ભવે ત્યારે જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને સ્વિમિંગ પુલનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ બીમારી ધરાવતાં લોકોએ ઉપયોગમાં લીધેલાં ટુવાલ, હાથરૂમાલ, ચાદરનો અન્ય લોકોએ ઉપયોગ ન કરવો જોઈએ.
કંજેંક્ટિવાઇટિસનાં લક્ષણો ધરાવતાં બાળકોને સ્કૂલે ન મોકલીને આ બીમારીને ફેલાતી અટકાવવી જોઈએ.
સમસ્યા ઓછી ગંભીર હોય ત્યારે ઘરગથ્થું ઉપચારો કરીને સારવારને લંબાવવાને બદલે ડૉક્ટરની સલાહ લઈને સંપૂર્ણ સારવાર લઈ લેવી જોઈએ, જેથી ઝડપથી સાજા થઈ શકાય.
નોંધ: લેખક ડૉક્ટર છે અને આ લેખ આ વિષયની સામાન્ય સમજ માટે લખવામાં આવ્યો છે.