You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાડાના રૂમમાં 32 મહિલાઓનો ગર્ભપાત, પોલીસે ખાનગી હૉસ્પિટલની નર્સને કેવી રીતે પકડી?
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સોલાપુર જિલ્લાના બાર્શી તાલુકામાં એક ભાડાના રૂમમાં આશરે 32 મહિલાઓના ગર્ભપાત કરવામાં આવ્યા હતા.
બાર્શી પોલીસે આ મામલે આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે. આ પૈકી ત્રણ આરોપી સુષ્મા ગાયકવાડ, ઉમા સરવડે અને રાહુલ થોરાટની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જ્યારે નંદા ગાયકવાડ, દાદા સુર્વે, સોનુ ભોસલે, સુનિતા જાધવ અને સોનોગ્રાફી કરનારા ડૉક્ટરની શોધખોળ ચાલુ છે.
કેવી રીતે ભાંડો ફૂટ્યો?
આઠ આરોપીઓ પૈકી સુષ્મા ગાયકવાડ ખાનગી હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે.
તેમણે બાર્શીમાં એક રૂમ ભાડે લીધો હતો અને અહીં જ મહિલાઓના ગર્ભપાત થતા હતા. આ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. એવામાં 22 જુલાઈએ પોલીસને આ અંગે બાતમી મળી. બાતમી મળતાં જ પોલીસની ટીમ રાત્રે સાડા આઠ વાગ્યે સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન નવ વાગ્યે પોલીસે એક મહિલાને હાથમાં બૅગ સાથે શંકાસ્પદ રીતે રૂમમાં પ્રવેશતી જોઈ હતી.
પોલીસે મહિલાનો પીછો કર્યો અને જેવા જ પોલીસકર્મીઓ રૂમમાં પ્રવેશ્યા, ત્યાં તેમને ચાર મહિલાઓ જોવા મળી. તેમાંની એક પલંગ પર સૂતી હતી. પલંગ પર સૂઈ રહેલી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેઓ ગર્ભપાત કરાવવા માટે આવી હતી.
પોલીસે આસપાસમાં ઊભેલી મહિલાઓને પૂછ્યું તો એ સુષ્મા ગાયકવાડ અને ઉમા સરવડે હોવાનું જણાવ્યું. પોલીસને ઘટનાસ્થળેથી ગર્ભપાતની ગોળીઓ સહિત કેટલાંક ઇન્જેક્શનો મળી આવ્યાં હતાં. જેની કુલ કિંમત 6,106 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
પોલીસના દરોડા સમયે ગર્ભપાત કરાવવા આવેલી મહિલા દર્દમાં કણસી રહી હતી. જેથી પોલીસે ઍમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે મોકલી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલ પહોંચ્યાં બાદ ટૂંક જ સમયમાં તેમનો ગર્ભપાત થઈ ગયો હતો. મૃત અવસ્થામાં સ્ત્રીભૃણ નીકળી ગયા બાદ મહિલાની તબિયત વધુ લથડી હતી. જેથી તેમને વધુ સારવાર માટે સોલાપુર ખસેડવામાં આવી હતી.
આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પરથી પકડાયેલ નર્સ સુષ્મા ગાયકવાડ અને ઉમા સરવડેની પૂછપરછ હાથ ધરી હતી. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે "મહિલા જ્યારે સોનોગ્રાફી કરાવવા ગઈ તો તેને ગર્ભ રહી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેને ગર્ભપાત કરાવવા માટે અમે અહીં લાવ્યા હતા અને ગોળીઓ આપી હતી."
તેમણે પોતાની કબૂલાતમાં આગળ કહ્યું, "અમે લગભગ છ મહિનાથી આ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એજન્ટ દાદા સુર્વે દ્વારા મોકલલલી 15થી 20 મહિલાઓ, એજન્ટ સોનુ ભોસલે દ્વારા મોકલેલી પાંચથી સાત મહિલાઓ અને અન્ય એક એજન્ટ સુનીતા જાધવે મોકલેલી ચારથી પાંચ સગર્ભાઓનો ગર્ભપાત કર્યો છે."
નોંધનીય છે કે ભારતમાં ગર્ભપાત માટેની ગોળીઓ પર પ્રતિબંધ છે. તો આ ગોળીઓ આવી ક્યાંથી? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "નંદા ગાયકવાડ નામની મહિલા તેમને સમગ્ર પ્રક્રિયામાં મદદ કરતી હતી. તે રાહુલ થોરાટ નામની વ્યક્તિ પાસેથી આ ગોળીઓ લાવીને આપતી હતી."
આ કબૂલાતના આધારે પોલીસે પોલીસે કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બાર્શી પોલીસમથકના સબ ઇન્સ્પેક્ટર ગજાનન કર્ણેવાડ આ કેસની તપાસ કરી રહ્યા છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આરોપીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે.