You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઈટાલિયાએ હારવા છતાં સુરતમાં પોસ્ટરો કેમ લગાડાવ્યાં?
આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા છે.
જોકે, એમ છતાં તેમણે તેમને મળેલા મત બદલ મતદારોનો આભાર માનવા માટે સુરતમાં પોસ્ટરો લગાડાવ્યાં છે.
ઈટાલિયાનું કહેવું છે કે તેમને55,713 મત મળ્યા છે અને એ બદલ તેઓ જનતાનો આભાર વ્યક્ત કરવા માગે છે.
રાજ્યસભામાં હોબાળા વચ્ચે ભાજપે રજૂ કર્યું ‘કૉમન સિવિલ કોડ’ પર પ્રાઇવેટ મેમ્બર બિલ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ કિરોડીલાલ મીણાએ શુક્રવારે રાજ્યસભામાં કૉમન સિવિલ કૉડ પર પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 'યુનિફોર્મ સિવિલ કૉડ ઇન ઇન્ડિયા બિલ, 2020'માં તમાન નાગરિકો માટે સમાન કાયદાની જોગવાઈ કરાઈ છે.
ભાજપના રાજ્યસભાના સાંસદે જ્યારે આ બિલ રજૂ કર્યું ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૅર પર હતા અને વિપક્ષી સભ્યોએ આનો વિરોધ કર્યો હતો.તૃણમૂલ કૉંગ્રેસ, એમડીએમકે, રાષ્ટ્રીય જનતાદળ, સમાજવાદી પાર્ટી, ભાકપા, માકપા, એનસપી અને કૉંગ્રેસના સભ્યો રાજ્યસભામાં આનો વિરોધ કર્યો.
હિમાચલ પ્રદેશમાં આપના તમામ ઉમેદવારોની ડિપૉઝિટ ડૂલ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં લગભગ 13 ટકા વોટશૅર સાથે પાંચ બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટીને હિમાચલ પ્રદેશમાં ‘કારમી હાર’નો સામનો કરવો પડ્યો છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જાતને ‘ત્રીજો અને શ્રેષ્ઠ વિકલ્પ’ ગણાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની તમામ બેઠકો પર ડિપૉઝિટ ડૂલ થઈ હતી.
હિમાચલ પ્રદેશની 67 વિધાનસભાની બેઠકોમાં માન્ય મતો પૈકી છઠ્ઠા ભાગના મત મેળવવામાં આપના ઉમેદવારો નિષ્ફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબનો સત્તા પક્ષ આપ હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદે આવેલા વિસ્તારોમાં પણ સારું પ્રદર્શન નહોતો કરી શક્યો.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કેટલાક રોડ શો કર્યા પરંતુ બાદમાં ખરાખરીના સમયે પાર્ટીએ હિમાચલ પરથી ‘ધ્યાન હઠાવી દીધું હતું.’
ચૂંટણીપંચની વેબસાઇટ પર રજૂ કરાયેલ વિશ્લેષણ અનુસાર આમ આદમી પાર્ટીને કુલ મતો પૈકી 1.10 ટકા મત મળ્યા હતા.
ચૂંટણી હાર્યા બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું, "ચૂંટણી પહેલાં જેમ લોકોને ખવડાવ્યું-પીવડાવ્યું, એમ કાયમ ચાલુ રાખજો"
વાઘોડિયાના ચર્ચાસ્પદ નેતા મધુ શ્રીવાસ્તવનો ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. ત્યાર બાદ તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી અને વિજેતા ઉમેદવાર પર લોકોને દારૂ પીવડાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે "સામેવાળા ઉમેદવારે જે ખેલ કર્યા છે. લોકોને ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, લોકોને બસોમાં ભરીને ફેરવ્યાં છે. હું તેમને અભિનંદન પાઠવું છું અને કહેવા માગું છું કે આગળ પણ આ કામ ચાલુ રાખજો. અમે લોકોને ખવડાવતા-પીવડાવતા નથી."
જોકે, તેમની સામે જીતેલા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું, "કહેવાતા બાહુબલિ નેતા મધુ શ્રીવાસ્તવને જ્યાં મોકલવાના હતા, ત્યાં મોકલી દીધા છે. તેઓ જે રીતે બેફામ વાણીવિલાસ કરતા હતા. તે એક જનપ્રતિનિધિને શોભે તેમ નથી. આ પરિણામે સાબિત કરી દીધું કે તેઓ માત્ર ભાજપના જોરે જીતતા હતા."
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતાં તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.જોકે, આ બેઠક પર ન તો તેઓ અથવા તો ભાજપના ઉમેદવાર જીત્યા હતા. અહીંથી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જીત્યા હતા.
ગુજરાતમાં ભાજપ અને મોદીની જીત પર આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે.
પ્રદેશમાં સૌથી વધુ નુકસાન કૉંગ્રેસને થયું છે. પક્ષનો આંકડો ઘટીને 17 થઈ ગયો છે.
ભારતમાંથી પ્રકાશિત થતા આજના સમાચારોમાં ગુજરાતમાં ભાજપની રેકૉર્ડ જીત અને હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસના જીતના સમાચારો છવાયેલા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચૂંટણીના સમાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વૉશિંગટન પોસ્ટે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ, "વડા પ્રધાન મોદીની પાર્ટીએ એક રાજ્યમાં જીત હાસલ કરી છે, તો એકમાં હારી ગઈ છે."
વેબસાઈટ લખે છે કે, "મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટીએ ફરી એકવાર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 27 વર્ષનું નિયંત્રણ ચાલુ રાખ્યું છે, પરંતુ હિમાચલ અને દિલ્હીમાં સત્તાથી બહાર રહી છે."
1995થી ગુજરાતમાં ભાજપે કોઈ પણ ચૂંટણીમાં હાર જોઈ નથી અને વડા પ્રધાન બન્યા પહેલા 13 વર્ષ સુધી મોદી અહીંથી મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.
વેબસાઈટે લખ્યું હતું કે, "જો પક્ષને ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ જીત મળે, તો તે મોદી અને ભાજપની સ્થિતિને વધુ મજબૂત કરશે અને પાર્ટીને વધુ જોરદાર હિંદુત્વ ઍજેન્ડા સાથે 2024ની સામાન્ય ચૂંટણીમાં પ્રવેશવામાં મદદ કરશે."
વેબસાઈટે લખ્યું હતું કે, “પ્રદેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણ વધવા છતાં પણ મોદીની પાર્ટી રાજ્યમાં લોકપ્રિય છે.”
રીવાબાના વિજય બાદ રવીન્દ્ર જાડેજાએ શું કહ્યું?
જામનગર (ઉત્તર) બેઠક પરથી રીવાબાએ કૉંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને 53 હજાર કરતાં વધુ મતના માર્જિનથી પરાજય આપ્યો છે.
આ વિજય બાદ રીવાબાના પતિ અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને એમને અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમણે ટ્વિટર પર લખ્યું, "હેલ્લો ધારાસભ્ય, તમે ખરેખર સુયોગ્ય છો. જામનગરની જનતાનો વિજય થયો છે. જનતાનો દિલથી આભાર માનું છું. "
તેમણે જામનગરનાં કામો સારી રીતે થાય એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
શ્રદ્ધા મર્ડર કેસ – આફતાબ સાથ દીકરીના સંબંધો પર પિતા વિકાસ વાલકરે કહ્યું – હું આના વિરોધમાં હતો
શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે શુક્રવારે કહ્યું કે દિલ્હી પોલીસે તેમને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેમને ન્યાય માટે વિશ્વાસ અપાવ્યો છે.
આફતાબ સાથે દીકરીના સંબંધો અંગે તેમણે મુંબઈમાં એક પત્રકારપરિષદ દરમિયાન કહ્યું, “હું શ્રદ્ધા અને આફતાબ પૂનાવાલાના સંબંધોના ખિલાફ હતો. શ્રદ્ધા સાથે આફતાબ મારઝૂડ કરતો હતો, તે અંગે મને જાણકારી નહોતી. મને લાગે છે કે આફતાબના પરિવારજનોને બધું ખબર હતી કે તેમનો પુત્ર શ્રદ્ધા સાથે શું કરી રહ્યો છે.”
તેમણે કહ્યું, “આફતાબે શ્રદ્ધાને ઘર છોડવા માટે મનાવી હતી. ડેટિંગ ઍપ્સ દ્વારા શ્રદ્ધા આફતાબના સંપર્કમાં આવ્યાં હતાં.”
હાર્દિક પટેલે વિજય-સરઘસ કેમ ના કાઢ્યું?
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને ભાજપના નેતા હાર્દિક પટેલ વીરમગામથી ચૂંટણી જીતી ગયા છે.
ચૂંટણી જીતતાં તેમણે વીરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.
જોકે, તેમણે વિજય-સરઘસ ના કાઢવાનો નિર્ણય લીધો હતો. પોતાના ઑફિશિયલ ફેસબુક પેજ પર હાર્દિક પટેલે આ અંગે જાણકારી આપી હતી.
હાર્દિકે ફેસબુક પેજ પર જણાવ્યું હતું, "વિજય-સરઘસ કાઢીને શહેરના નાગરિકોને તકલીફ આપવા નથી માગતા એટલે વિજય-સરઘસ રાખેલ નથી."
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનજાણીતા થયેલા હાર્દિક પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા.
વીરમગામ બેઠક પર છેલ્લી બે ટર્મથી કૉંગ્રેસના ધારાસભ્ય જીતતા આવ્યા હતા. ગત ચૂંટણી (2017) કૉંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે ભાજપનાં ઉમેદવાર તેજશ્રી પટેલને હરાવ્યાં હતાં.
તેજશ્રી પટેલ અગાઉ કૉંગ્રેસની બેઠક પરથી વીરમગામથી ધારાસભ્ય બન્યાં હતાં. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
જોકે આ વખતે ભાજપે તેમને ટિકિટ નહોતી આપી અને નવા આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી હતી. ચૂંટણી પહેલા વીરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટરો પણલાગ્યાં હતાં.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને રાજીનામું આપ્યું
ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપી દીધું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકૉર્ડ 156 બેઠકો મળી હતી. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી જંગી લીડ સાથે જીત્યા હતા.
ચૂંટણી વખતે ભાજપે ભૂપેન્દ્ર પટેલને જ મુખ્ય મંત્રી બનાવવાનું એલાન કર્યું હતું.
વિશ્વ બૅન્કની ચેતવણી: ‘માણસ સહન નહીં કરી શકે એટલી ગરમી પડશે’
વિશ્વ બૅન્કે ભારતને એક નવી ચેતવણી આપી છે. વિશ્વ બૅન્કના રિપોર્ટમાં કહ્યું છે કે, “ભારતમાં હીટવેવ એ કક્ષાએ વધી જશે કે મનુષ્ય માટે તેનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની જશે અને આ સમય બહુ ઝડપથી આવી રહ્યો છે.“
છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વ સ્તરે પર હીટવેવમાં વધારો થયો છે અને હજારો લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ બૅન્કે અહેવાલમાં જણાવ્યું છે કે,“ભારત દેશ અપેક્ષા કરતાં વધુ ગરમીનો સામનો કરી રહ્યો છે, જે સમય કરતાં વહેલાં શરૂ થાય છે અને લાંબા સમય સુધી રહે છે.”
કેરળ સરકાર સાથે ભાગીદારીમાં વિશ્વ બેન્ક દ્વારા આયોજિત બે દિવસીય ‘ઇન્ડિયા ક્લાઈમેટ ઍન્ડ ડેવલપમેન્ટ પાર્ટનર્સ’ મિટીંગમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
ભારતની અર્થવ્યવસ્થા પર હીટવેવનો પ્રભાવ
વિશ્વ બૅન્કના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, સમગ્ર ભારતમાં વધતી ગરમીના કારણે આર્થિક ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે. ભારતના 75 ટકા વર્કફોર્સ એટલે કે લગભગ 38 કરોડ લોકો એવા વિસ્તારમાં કામ કરે છે કે જ્યાં તેમને ગરમ વાતાવરણમાં રહેવું પડે છે.
અમુક સમયે તેમને સંભવિત જીવલેણ તાપમાનમાં કામ કરવું પડે છે. ગરમીના ત્રાસથી સંબંધિત ઉત્પાદકતાના નુકસાનના કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 80 મિલિયન નોકરીઓ ગુમાવવાનો અંદાજ છે, ભારતમાં 3.4 કરોડ લોકો નોકરીઓ ગુમાવશે.
દક્ષિણ એશિયાના દેશોમાં ભારે શ્રમ પર સૌથી વધુ ગરમીની અસર ભારતમાં જોવી મળી છે. જેમાં એક વર્ષમાં ગરમીના કારણે 101 અબજ કલાકનું નુકસાન થયું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 77 ધારાસભ્યો ફરીથી ચૂંટાયા
2022ની ચૂંટણીમાં 126 ઉમેદવારો એવા હતા જેઓ ફરીથી ચૂંટણી લડ્યા હતા. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા છે.
જેમાંથી 84 ટકા ભાજપમાંથી છે, જ્યારે 12 ટકા કૉંગ્રેસમાંથી ચૂંટાયા છે. જેમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ સામેલ છે. જેમણે ટિકિટ ન મળવાથી બાયડની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ સાથે કાંધલ જાડેજા કે જેમને એનસીપીમાંથી ટિકિટ ન મળી તો કુતિયાણાથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડ્યા હતા. ભાજપના 65 વર્તમાન ધારાસભ્યો જીત્યા હતા, જ્યારે કૉંગ્રેસના આવા 10 ધારાસભ્યો ફરી ચૂંટાયા છે.
ટીએમસી નેતા સાકેત ગોખલેની ફરી ધરપકડ, શું છે સમગ્ર મામલો?
ગુજરાત પોલીસે તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલેની ગુરુવારે ફરી વખત ધરપકડ કરી છે.
આની પહેલાં ધરપકડના મામલામાં ગોખલેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા જ્યાર બાદ તેઓ ઍરપોર્ટ જઈ રહ્યા હતા પરંતુ મોરબી પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું, “ગુજરાત પોલીસ સાકેત ગોખલેને જામીન મળ્યા બાદ પરેશાન કરી રહી છે. તેમની આઠ ડિસેમ્બરના 8.45 વાગ્યે ફરી ધરપકડ કરવામાં આવી. તેઓ અમદાવાદના સાયબર પોલીસ સ્ટેશનથી નીકળી રહ્યા હતા. પોલીસ ટીમે તેમની વિના કોઈ નોટિસ કે વૉરન્ટના ધરપકડ કરી રહી છે.
આની પહેલાં આ અઠવાડિયે થયેલી શરૂઆતમાં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ડેરેક ઓ'બ્રાયને કહ્યું હતું કે આ ધરપકડ મોરબીમાં તૂટી પડેલા સસ્પેન્શન બ્રિજથી જોડાયેલા સાકેત ગોખલેના એક ટ્વીટના કારણે થઈ છે.
આ દુર્ઘટના 31 ઑક્ટોબરના થઈ હતી જેમાં આશરે 140 લોકોના જીવ ગયા હતા.
નરેન્દ્ર મોદીએ 'ન્યૂટ્રલ' લોકોને ટોણો મારતાં શું કહ્યું?
ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોનું સંબોધન કરતા તેમણે 'ન્યૂટ્રલ' લોકોને ટોણો માર્યો હતો.
મોદીનાં ભાષણના કેટલાક મહત્ત્વના મુદ્દાઓઃ
- આ ચૂંટણીમાં ઘણા લોકોને ઓળખવાનો મોકો મળ્યો છે.
- ગત ચૂંટણીઓનું એક વિશાળ પરિપાટી પર વિશ્લેષણ કરવું જોઈએ કે જે પોતાને 'ન્યૂટ્રલ' કહે છે, જેમનું 'ન્યૂટ્રલ' હોવું જરૂરી હોય છે, એ લોકો ક્યાં ઊભા હોય છે, ક્યારે કેવી રીતે રંગ બદલે છે અને કેવા ખેલ રચે છે, આ બધું દેશે જાણવું જરૂરી છે.
- ઉત્તરખંડમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલાની ડિપૉઝિટ જપ્ત થઈ, કોઈ ચર્ચા નહીં.
- હિમાચલમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલા લોકોની ડિપૉઝિટ ગઈ, કેટલા લોકોની હાલત ખરાબ થઈ એના પર કોઈ ચર્ચા નહીં.
- રાજનીતિમાં સેવાભાવથી એક મૂકસેવક રીતે કામ કરવું એક ડિસક્વૉલિફિકેશન માનવામાં આવે છે, શું સ્થિતિ સર્જાઈ છે. આ કેવા માપદંડ છે.
- ખાસ કરીને 2002 બાદ હું વિશેષ રીતે માનું છું... કદાચ મારા જીવનમાં એવી કોઈ ક્ષણ નહીં હોય, એવું કોઈ પગલું નહીં હોય કે મારા પર કાદવ ન ઉછાળ્યો હોય. પણ તેનો ઘણો ફાયદો પણ રહ્યો, કેમ કે હું હંમેશાં સતર્ક રહ્યો, આ ખરાબ પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક શીખતો રહ્યો. ટીકાએ પણ અમને ઘણું બધું શીખવ્યું છે.