ગુજરાત : ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સીઆર પાટીલના 'રેકૉર્ડ' તોડી શકશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

જુલાઈ-2020માં સીઆર પાટીલે ગુજરાતના ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ પાર્ટીને મળેલી સર્વાધિક બેઠકો હતી. એ વખતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા, પણ ઐતિહાસિક વિજય માટે પાટીલની વાહવાહી થતી હતી.

ભૂતકાળમાં કૉંગ્રેસને 1985માં 149 બેઠકો મળી હતી. તેનો જશ માધવસિંહ સોલંકીને અપાતો હતો અને તેઓ મુખ્ય મંત્રી હતા.

સીઆર પાટીલના કાર્યકાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભાજપને મળેલી સફળતા પણ સામેલ છે.

તો અર્જુન મોઢવાડિયા, અંબરીષ ડેર, સીજે ચાવડા, હાર્દિક પટેલ વગેરે કૉંગ્રેસના નેતાઓ પાટીલના કાર્યકાળ દરમિયાન જ ભાજપમાં જોડાયા હતા.

હવે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ માટે સીઆર પાટીલે બનાવેલા 'રેકૉર્ડ' અને 'સિદ્ધિઓ' કેટલો મોટો પડકાર છે.

વિધાનસભામાં 156 બેઠકની જીતનું શ્રેય પાટીલને

સીઆર પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ થયા પછી તેમણે જે પ્રકારે નિર્ણયો લીધા હતા અને પક્ષ પ્રમુખ તરીકે છાપ ઊભી કરી હતી તે વાતાવરણ પાર્ટીમાં અગાઉ જોવા મળ્યું નહોતું તેવું મનાય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિત કૉંગ્રેસના કેટલાક નેતા સીઆર પાટીલને 'સુપર સીએમ' તરીકે જ સંબોધતા હતા.

દરેક જિલ્લામાં પાર્ટીનું કાર્યાલય કમલમ્ શરૂ કરવાનું હોય કે પેજ પ્રમુખ જેવાં મૉડલથી બૂથ લેવલના કાર્યકરોને સક્રિય કરવાના હોય, પાટીલે નવી ચીલો ચાતર્યો હતો. જોકે પાટીલની કામ કરવાની શૈલી સામે કેટલાકને અણગમો પણ હતો.

લોકસભાની 2024ની ચૂંટણી વખતે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને 'બિનહરીફ વિજેતા' જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સામેના તમામ ઉમેદવારોએ પોતાનાં ફૉર્મ 'પાછાં ખેંચી' લીધાં હતા.

તે વખતે મુકેશ દલાલ તુરંત પાટીલને મળવા ગયા હતા અને તેમનો આભાર માન્યો હતો. વિપક્ષે એ મુકેશ દલાલના બિનહરીફ વિજય પર 'લોકશાહીની હત્યાનો' આરોપ લગાવ્યો હતો.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસીને કહ્યું હતું કે, "જ્યારે ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવાયા ત્યારે લોકો તેમને ખાસ ઓળખતા નહોતા. તેઓ સીએમનો સંભવિત ચહેરો પણ નહોતા. પક્ષની આંતરિક વ્યવસ્થામાં સીઆર પાટીલને જ વધારે મહત્ત્વ અપાયું હતું. ભાજપે જે 156 બેઠક પર બહુમતી મેળવી તેનો જશ પટેલ કરતાં પાટીલને વધારે મળ્યો હતો તેનું કારણ પણ એ જ છે."

વડોદરાસ્થિત એમએસ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે, "પાર્ટીમાં નવા પ્રમુખની નિમણૂક થવામાં જે વાર લાગી તેનું એક કારણ પણ એ છે કે પાટીલે જે પરિપાટી બેસાડી છે તેમાં સેટ કોણ થશે એ મુદ્દાએ પાર્ટી માટે પણ મંથનનો સમય માગી લીધો હતો."

"પાટીલ પછી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવો એ જગદીશભાઈ માટે એક પડકાર છે અને પર્ફૉર્મન્સ પ્રેશર પણ તેમના પર રહેશે. ગુજરાતમાં કોઈ પણ ભાજપ પ્રમુખ કરતાં પાટીલનું મહત્ત્વ વધારે હતું. કેન્દ્રીય પ્રધાનો સાથે તેમનો સીધો સંપર્ક હતો. તેઓ નિર્ણયો પણ સીધા લઈ લેતા હતા. એ તેમની કાર્યશૈલી હતી."

"જગદીશભાઈની પોતાની કાર્યશૈલી હશે. શરૂઆતમાં તેમને પણ થોડા સંવાદ કેળવવા પડશે. એમ કશું ખોટું પણ નથી."

'સંગઠન સંતુલન એ જગદીશ વિશ્વકર્મા માટે પહેલો પડકાર હશે'

સીઆર પાટીલના પ્રમુખપદે ભાજપે વિધાનસભાની એ બેઠકો પર 2022ની ચૂટણીમાં વિજય મેળવ્યો હતો જે ભાજપ ક્યારેય જીત્યો ન હતો. જેમાં માંડવી, બોરસદ, ઝઘડિયા જેવી બેઠકોનો સમાવેશ થાય છે.

પાટીલે દાવો કરતા કહ્યું હતું કે, 350 જેટલાં સહકારી ક્ષેત્રોમાં પાર્ટીના આગેવાન ચૂંટણી લડ્યા હતા, તેમાં 349માં ભાજપના આગેવાન જિત્યા હતા.

આમ આદમી પાર્ટીએ 2022માં ગુજરાતમાં 182 બેઠક ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ભાજપને જે 156 બેઠક પર બહુમતી મળી તેનું કારણ આપે કરેલા 'મતવિભાજન'ને પણ ગણવામાં આવે છે. તેની સામે પાટીલનો જવાબ હતો કે, "2022માં ભાજપને 135 એવી બેઠકો પર વિજય મળ્યો જેમાં કૉંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી(આપ)ના મત ભેગા કરવામાં આવે તો પણ ભાજપના ઉમેદવારને મળેલી લીડ ઘણી વધારે છે."

જગદીશ વિશ્વકર્માને પ્રમુખનો પદભાર સોંપતી વખતે પાટીલે કહ્યું હતું કે, "182નો સંકલ્પ હતો અને 156 લાવી શક્યા તેનો મને અફસોસ છે. આવતી વખતે 182 બેઠકો આપણે જીતવાની છે તેના માટે સંકલ્પબદ્ધ છીએ."

શું વિશ્વકર્મા એ કરી શકશે? આના જવાબમાં વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા અને જગદીશ આચાર્ય બંને માને છે કે, પાટીલે જે 156 બેઠકો જિતાડી છે એ જોતા વિશ્વકર્મા માટે પ્રમુખપદની કમાન સંભાળવી એ પડકાર જ છે.

જગદીશ આચાર્યે કહ્યું હતું કે, "હવે સગઠનનું અને પ્રધાનમંડળનું વિસ્તરણ થશે એમાં જ્ઞાતિસંતુલન જળવવું પડશે, તેથી જગદીશ વિશ્વકર્માની પહેલી પરીક્ષા ત્યાં થશે."

"જે મંત્રીઓ કે ધારાસભ્યો નિષ્ક્રિય રહ્યા હોય કે જૂથબંધી વકરાવાનો પ્રયાસ કર્યો હોય તેમની સામે 'પાટીલ સ્ટાઇલ'થી પગલાં લેવાં પડે. આ પદ્ધતિથી જગદીશભાઈ કામ કરે તો એ સફળ થાય."

શું પાટીલને કદ વધતા તેમને સાઇડલાઇન કરાયા છે?

ભાજપમાં છેલ્લા થોડા સમયથી કેટલાક વિવાદ સપાટી પર આવ્યા છે. ઇન્ડિયન ફાર્મર્સી ફર્ટિલાઇઝર્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોના ડિરેક્ટરની ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મૅન્ડેટ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યું હતું અને છતાં મૅન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફૉર્મ ભર્યું અને ચૂંટણી લડીને જીત્યા હતા.

તો તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોની દાહોદ પોલીસે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કથિત 71 કરોડ રૂપિયાના મનરેગા ગોટાળાના આરોપમાં ધરપકડ કરી હતી અને વિવાદ થયો હતો.

કૌશિક મહેતાએ કહ્યું હતું કે, "પાર્ટીમાં સ્થિતિ પણ બદલાણી છે. પાંચ વર્ષ અગાઉ પાટીલને લીધે કોઈ બોલતું નહોતું, હવે બોલે છે. બચુ ખાબડથી માંડીને જે કંઈ કિસ્સા થયા તેથી પાર્ટીમાં રોષ છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતે જ એક સિસ્ટમ જેવી બની જાય ત્યારે પાર્ટી સતર્ક થઈ જતી હોય છે."

કૌશિક મહેતા કહે છે કે, "કોઈ માણસ રાજકારણમાં વધારે માથું કાઢે તો તેને કદ મુજબ વેતરવામાં આવે છે. પાટીલને પણ કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે."

"પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારે એ સરપ્રાઇઝ નિમણૂક હતી. વિજય રૂપાણીની સરકાર ગઈ એ પછી પાટીલે જે રીતે તંત્ર ચલાવ્યું તે લોકોએ જોયું છે."

"સીઆર પાટીલે જે કામ કરવાની પદ્ધતિ વિકસાવી છે તેને તોડવા માટેનું આ પહેલું પગલું છે."

વિશ્વકર્માની નિમણૂક ભાજપની એક 'રાજકીય ડિઝાઇન' છે

ગુજરાતમાં ઓબીસી વર્ગ દરેક પક્ષ માટે એક મોટી વોટબૅન્ક મનાય છે.

રાજકીય વિશ્લેષક અમિત ધોળકિયાએ કહ્યું કે, "55–60 ટકાની ઓબીસી વોટબૅન્ક ગુજરાતમાં છે. ગુજરાતમાં દરેક પક્ષ વચ્ચે તેના માટે જ હરીફાઈ થઈ રહી છે. જગદીશ વિશ્વકર્મા ઓબીસી ચહેરો છે. તેમના વિશે વધારે કોઈ વિવાદ નથી અને બધાને સાથે લઈને ચાલે એવો ચહેરો છે. તેથી ભાજપે તેમની પસંદગી કરી છે."

અમિત ધોળકિયાએ કહ્યું હતું કે, "પાટીલ ગુજરાતની ભૂગોળનાં દરેક રાજકીય સમીકરણથી વાકેફ હતા. રજેરજ જાણતા હતા. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, વિવિધ વિસ્તારોનો તેમનો વ્યાપક પ્રવાસ અને અભ્યાસ હતો. જગદીશભાઈ હવે પ્રમુખ બન્યા છે તો નવા સંપર્કો ઊભા કરવા પડશે."

વિશ્વકર્માને પ્રમુખ બનાવવા એ પાર્ટીની રાજકીય ડિઝાઇનનો જ એક ભાગ છે એવું કૌશિક મહેતાને લાગે છે.

તેઓ કહે છે કે, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ઓબીસી વોટબૅન્ક મજબૂત કરવાની તેમણે નેમ રાખી હતી. તે કામ પાટીલે પૂરું કર્યું અને હવે તેના પર જગદીશ વિશ્વકર્માને પ્રમુખપદ મળ્યું. એ ફ્રૅમમાં નિહાળો તો આ એક રાજકીય ડિઝાઇન છે."

જગદીશ આચાર્ય કહે છે કે, "કોઈ પણ અનુગામીની સરખામણી પુરોગામી સાથે થાય છે. ભાજપનું બૂથ અને વોર્ડ સ્તરનું જે સંગઠન બે દાયકામાથી અમલમાં છે પણ તેને મજબૂત પાટીલે કર્યું છે. નાના કાર્યકરોમાં જે અસંતોષ હતો તે તેમણે દૂર કર્યો હતો."

"મૂળભૂત રીતે સંગઠન માળખું યથાવત્ છે. જોવાનું એ રહે છે કે પાટીલને જેટલી સત્તા અને છૂટ આપવામાં આવી હતી તે જગદીશભાઈને આપવામાં આવે છે કે કેમ?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન