જગદીશ વિશ્વકર્મા : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ છે?

ગુજરાતમાં ભાજપ પોતાના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરે તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે હવે ઇંતેજારીનો અંત આવ્યો છે.

આજે ત્રીજી ઑક્ટોબરે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના હતા, જેમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી નોંધાવી હતી. આથી તેમની પ્રમુખપદે પસંદગી થઈ છે.

1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે જે સૂચક ગણવામાં આવે છે, કારણ કે આગામી ચૂંટણીઓમાં ઓબીસી મત નિર્ણાયક સાબિત થાય તેમ છે.

ગુજરાત ભાજપે ગુરુવારે પોતાના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કાઉન્સિલના સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. રસ ધરાવતા ઉમેદવારોએ શુક્રવારે બપોરના બે વાગ્યા સુધીમાં પોતાના ઉમેદવારીપત્રો ગાંધીનગરસ્થિત હેડક્વાર્ટરમાં જમા કરાવવાનું હતું. તેમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવી હતી.

જગદીશ વિશ્વકર્મા કોણ છે?

હાલમાં તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેમણે એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે મહત્ત્વના હોદ્દા મેળવતા રહ્યા છે.

તેમની પ્રોફાઇલ મુજબ 1998માં તેઓ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં બૂથ પ્રભારી બન્યા હતા. ત્યાર પછી 2013માં ભાજપમાં ગુજરાત ઉદ્યોગ સેલના સંયોજક બન્યા હતા. તેઓ અમદાવાદ ભાજપના પ્રમુખ પણ હતા.

વર્ષ 2012માં તેઓ પહેલી વખત નિકોલની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં તેઓ ફરીથી આ બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હાલમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રાજ્યકક્ષાના મંત્રી છે. તેમની પાસે સહકાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ, નમક ઉદ્યોગ જેવા વિભાગો છે.

આ ઉપરાંત તેઓ મુદ્રણ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેઓ ઉદ્યોગ, માર્ગ અને મકાન તથા વન અને પર્યાવરણ મંત્રાલયના સહાયકમંત્રીપદે પણ છે.

અગાઉ સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન જગદીશ વિશ્વકર્માએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાત સરકાર કેટલીક જગ્યાએ કથિત ગેરકાયદે બાંધકામો તોડતી હતી ત્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે "અમદાવાદ, દ્વારકા અને સોમનાથમાં ચોક્કસ સમુદાયના લોકો ગેરકાયદે બાંધકામો અને દબાણ કરવા માટે જવાબદાર છે."

તેમની આ ટિપ્પણીના કારણે વિવાદ થયો હતો અને ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વાંધો ઉઠાવ્યો હતો.

ત્યાર પછી જગદીશ વિશ્વકર્માએ પોતાના બચાવમાં કહ્યું કે તેમણે કોઈ સમુદાયનું નામ નથી લીધું.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ભાજપના જે પ્રદેશ પ્રમુખો આવ્યા તેમાં શંકરસિંહ વાઘેલા સૌથી વધુ આઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા. અન્ય આગેવાનોમાં રાજેન્દ્રસિંહ રાણા સાત વર્ષ, આરસી ફળદુ 6 વર્ષ અને 18 દિવસ સુધી પ્રદેશ પ્રમુખ હતા.

હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાંચ વર્ષ અને બે મહિના કરતાં વધુ સમયથી આ હોદ્દા પર છે. તેમનો કાર્યકાળ 2023માં પૂરો થયો હતો, પરંતુ બે વખત તેમની મુદ્દત લંબાવવામાં આવી હતી.

જગદીશ વિશ્વકર્માએ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જે ઍફિડેવિટ ફાઇલ કરી હતી તે પ્રમાણે તેમની સામે કોઈ એફઆઈઆર કે કોર્ટ કેસ નથી. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એસવાયબીએ સુધી અભ્યાસ કર્યો છે.

સીઆર પાટીલની કામગીરી કેવી રહી?

હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે, જેમનો કાર્યકાળ જુલાઈ 2023માં જ પૂરો થઈ ગયો હતો. છતાં હજુ સુધી નવા અધ્યક્ષની વરણી કરવામાં આવી ન હતી. પાટીલને બે વર્ષ કરતા વધારે એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.

સીઆર પાટીલ અત્યારે કેન્દ્રમાં જળશક્તિ વિભાગના મંત્રી છે અને તેમને બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં સહ-પ્રભારી બનાવાયા છે.

સીઆર પાટીલની આગેવાનીમાં ભાજપ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભાની ચૂંટણી લડ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી. હવે આગામી વર્ષમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે.

નવસારીની બેઠક પર પાટીલ સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમના કાર્યકાળમાં ડિસેમ્બર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં 156 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી 'અભૂતપૂર્વ દેખાવ' કરી ચૂક્યો છે.

અગાઉ 1985ની ચૂંટણીમાં 'ખામ થિયરી'ની મદદથી માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કૉંગ્રેસ 182માંથી 149 બેઠકો જીતી હતી. આ રેકૉર્ડ 2022માં પાટીલે તોડ્યો હતો. ગુજરાતમાં ભાજપની જીતનું શ્રેય ઘણી વખત સીઆર પાટીલને આપવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન