જગદીપ ધનખડ વિરુદ્ધ ઐતિહાસિક અવિશ્વાસ પ્રસ્તાવ, રાજ્યસભાના સભાપતિને પદથી હઠાવવાની પ્રક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
વિરોધપક્ષના ગઠબંધન 'ઇન્ડિયા'એ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
વિપક્ષનો આરોપ છે કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગૃહની કાર્યવાહીનું સંચાલન પક્ષપાતપૂર્ણ રીતે કરે છે.
કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે, "રાજ્યસભાના માનનીય સભાપતિ અત્યંત પક્ષપાતપૂર્ણ રીતે ઉપલા ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવાને કારણે ઇન્ડિયા ગ્રૂપનાં તમામ ઘટક દળો પાસે તેમના વિરુદ્ધ ઔપચારિકપણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો."
"ઇન્ડિયા ગઠબંધનનાં દળો માટે આ એક અત્યંત કષ્ટદાયક નિર્ણય રહ્યો છે, પરંતુ સંસદીય લોકશાહીના હિતમાં આ અભૂતપૂર્વ પગલું ઉઠાવવું પડી રહ્યું છે. આ પ્રસ્તાવ રાજ્યસભાના સેક્રેટરી જનરલને અપાયો છે."
શું છે મામલો?

ઇમેજ સ્રોત, ANI
જયરામ રમેશે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે, "ગઈ કાલે (સોમવાર) સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પોતે ચૅરમૅનસાહેબ સામે કહ્યું કે જ્યાં સુધી તમે લોકો લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવશો, ત્યાં સુદી અમે રાજ્યસભા નહીં ચાલવા દઈએ અને તેમાં ચૅરમૅનસાહેબ પણ સામેલ છે, ચૅરમૅનસાહેબે આ મામલે અડગ રહેવું જોઈએ."
સંસદના ચાલુ સત્રની શરૂઆતથી જ ગૃહમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય ઘણા મુદ્દા અંગે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ સત્રની શરૂઆતના ઠીક પહેલાં જ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીના આરોપ ઘડવાના સમાચાર આવ્યા હતા.
જે બાદથી જ કૉંગ્રેસ સતત સરકાર પર હુમલો કરી રહી છે. કૉંગ્રેસ પાર્ટી પહેલાં પણ ઘણા મુદ્દે અદાણી મામલા પર જેપીસીની માગ કરતી રહી છે.
જયરામ રમેશે કહ્યું છે કે રાજ્યસભા અસ્તિત્વમાં આવ્યાને 72 વર્ષ થઈ ગયાં છે અને પ્રથમ વખત રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ પ્રસ્તાવ સોંપાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ સાંસદ અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, "હું ફરી એક વાર સ્પષ્ટપણે કહી રહ્યો છું કે જો સંસદ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે તો કૉંગ્રેસ પાર્ટીએ શા કારણે ડ્રામા શરૂ કરી દીધો? સ્લોગન લખાયેલાં જાકીટ અને માસ્ક પહેરીને આવવાની શું જરૂર છે?"
રિજિજૂએ કહ્યું છે કે, "અમે અહીં દેશસેવા માટે આવ્યા છીએ, ના કે આ પ્રકારનો ડ્રામા જોવા માટે. કૉંગ્રેસ અને તેમના સહયોગીઓ દ્વારા અપાયેલ નોટિસને નિશ્ચિતપણે નામંજૂર કરવી જોઈએ અને એ નામંજૂર થશે પણ."
આ દરમિયાન ભારતીય બંધારણમાં અપાયેલી જોગવાઈઓની વાત કરીએ તો બંધારણમાં રાષ્ટ્રપતિને હઠાવવા માટેની મહાભિયોગની પ્રક્રિયાની વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ છે.
હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે, તેમને હઠાવવા માટેની પ્રક્રિયાના આધાર અંગે જાણવા માટે બીબીસીએ બંધારણના કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.
કેવી રીતે શરૂ કરી શકાય છે પ્રક્રિયા?

ઇમેજ સ્રોત, ANI
લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણના જાણકાર પીડીટી આચારી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિને હઠાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે 14 દિવસ પહેલાં તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાય એ આવશ્યક છે.
ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હઠાવવાની પ્રક્રિયા રાજ્યસભામાં જ શરૂ કરી શકાય છે, કારણ કે તેઓ રાજ્યસભાના સભાપતિ છે.
પીડીટી આચારી કહે છે કે, "આના માટે કોઈ અલાયદા નિયમો નથી બનાવાયા. આ મામલામાં એ જ નિયમો લાગુ થાય છે, જે લોકસભાના અધ્યક્ષને હઠાવવા માટે છે."
તેમનું કહેવું છે કે, "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ ખાસ (નિશ્ચિત) આરોપ હોવા જોઈએ અને નોટિસના 14 દિવસ બાદ જ આ પ્રસ્તાવ રાજ્યસભામાં લાવી શકાય છે. આ પ્રસ્તાવ રાજ્યસભાના હાલના સભ્યોના સામાન્ય બહુમતથી પસાર થાય એ જરૂરી છે. રાજ્યસભા બાદ આ પ્રસ્તાવ પ્રસ્તાવ લોકસભામાં પણ સામાન્ય બહુમતથી પસાર થાય એ જરૂરી છે."
વિપક્ષને શું હાંસલ થશે?
આ પહેલી તક છે કે જ્યારે ભારતના કોઈ ઉપરાષ્ટ્રપતિને હઠાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ મોકલાવાયો છે.
બંધારણ અને કાયદાના જાણકાર ફૈઝાન મુસ્તફા કહે છે કે આ પ્રકારની પહેલીથી વિપક્ષને કશું હાંસલ થવાનું નથી, કારણે તેઓ તેને પાસ નહીં કરાવી શકે.
ફૈઝાન મુસ્તફા કહે છે કે, "ઉપરાષ્ટ્રપતિએ પણ ડિબેટ થવા દેવાની જરૂર છે, એ માટે તેમણે વિપક્ષનેય સાથે લઈને ચાલવું પડશે. ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પ્રકારનો પ્રસ્તાવ આવે એ પણ યોગ્ય નથી. રાજ્યસભાના સભાપતિને હઠાવવા માટે 14 દિવસ પહેલાં નોટિસ અપાય એ જરૂરી છે, પરંતુ સંસદનું સત્ર 20 તારીખના રોજ જ ખતમ થઈ રહ્યું છે."
તેમણે કહ્યું કે, "રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવા માટે 'બંધારણનું ઉલ્લંઘન કરવું' એ આધાર હોય છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ માટે એવું કંઈ નથી, તેમને સંસદનો વિશ્વાસ ગુમાવી દીધાની સ્થિતિમાં પણ હઠાવાઈ શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












