ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?

ગુજરાત સહિત ભારતભરમાં આગામી ચોમાસાની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ આ પહેલાં ચોમાસાને લઈને પૂર્વાનુમાન પણ જાહેર કરી ચૂક્યો છે.

હાલ ગુજરાતના અનેક વિસ્તારો ઉનાળાની ગરમીનો સામનો કરી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાઈ રહ્યું છે.

રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે અને જે બાદ 15 દિવસની અંદર સમગ્ર ગુજરાતના વિસ્તારોને આવરી લેતું હોય છે.

હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસાની અધિકારીક શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ બંગાળની ખાડીમાં સર્જાઈ છે.

ચોમાસું કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?

કેરળ પર જ્યારે ચોમાસું પહોંચે ત્યારે ભારતના મુખ્ય ભૂભાગો પર ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવતી હોય છે.

કેરળ પર ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન છે. જે બાદ દેશના વિવિધ ભાગોમાં ચોમાસું આગળ વધતું હોય છે.

કેરળ પર ચોમાસું પહોંચે તે પહેલાં આંદામાન અને નિકોબારના ટાપુ પર ચોમાસાનું આગમાન થતું હોય છે. જ્યાં સામાન્ય રીતે 20થી 22 મેની આસપાસ ચોમાસું પહોંચે છે.

આ વર્ષે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 19 મેના રોજ નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચી ગયું છે.

જોકે, 19 મે બાદ હજી ચોમાસું આગળ વધ્યું નથી અને 23 મે સુધી ચોમાસું ત્યાં જ છે. સામાન્ય રીતે 22 મે સુધીમાં તે શ્રીલંકાની નજીક પહોંચી જતું હોય છે.

આ વખતે હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે 4 જૂનની આસપાસ કેરળ પર ચોમાસું પહોંચે તેવી સંભાવના છે.

ગુજરાત પર ચોમાસું ક્યારે પહોંચશે?

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે એટલે કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો વરસાદ શરૂ થતો હોય છે.

ગયા વર્ષે એટલે કે 2022માં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 13 જૂનના રોજ થઈ હતી. રાજ્યમાં સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શરૂ થાય છે. જે બાદ તે આગળ વધીને અન્ય વિસ્તારોમાં પહોંચે છે.

લગભગ 1 જુલાઈ સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેતું હોય છે. એટલે કે શરૂઆત થયા બાદ સામાન્ય રીતે 15 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું પહોંચી જાય છે.

આ વર્ષે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પર પહોંચશે. ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે 7 જૂનની આસપાસ ચોમાસું કેરળ પર પહોંચશે.

કેરળમાં ચોમાસું પહોંચે તેના 12થી 15 દિવસ સુધી ચોમાસું રાજ્યમાં પહોંચી જતું હોય છે. જેમાં પશ્ચિમથી આવતા પવનો ખાસ મહત્ત્વના ગણાય છે. આ પવનો મજબૂત હોય તો ચોમાસું તેની નિર્ધારિત તારીખો પ્રમાણે આગળ વધતું હોય છે.

ગયા વર્ષે ચોમાસાની શરૂઆત 13 જૂનના રોજ થઈ ગઈ હતી પરંતુ તે બાદ તેની પ્રગતિ રોકાઈ ગઈ હતી. 16 જૂનના રોજ કેટલાક વધારે વિસ્તારોમાં પહોંચ્યા બાદ 10 દિવસ સુધી ચોમાસું આગળ વધ્યું ન હતું.

બે સિસ્ટમ જે ચોમાસાની પ્રગતિ પર કરી શકે છે અસર

બંગાળની ખાડીમાં ચોમાસું આવી પહોંચ્યું છે અને હવે આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.

જોકે, ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના અહેવાલ મુજબ બે સિસ્ટમો ચોમાસાની પ્રગતિ પર અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હાલ પ્રશાંત મહાસાગરમાં એક તાકતવર વાવાઝોડું સર્જાયું છે. આ વાવાઝોડું તાઇવાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.

આ તાકાતવર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી પવનો પોતાના તરફ ખેંચી રહી છે. જેથી ચોમાસાના પવનો અરબ સાગર પર આવે તે પહેલાં જ તે તરફ ખેંચાય તેવી સંભાવના છે.

બીજી સિસ્ટમ અરબ સાગરમાં બનેલી છે. અરબ સાગરમાં બનેલા એન્ટિ સાયક્લૉનને કારણે અહીં વાદળો બંધાવા પર અને પશ્ચિમ તરફથી આવતા પવનો પર અસર પડે તેવી સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા પવનોને ચોમાસું કેરળ પર લાવે છે. પરંતુ આ એન્ટિ સાયક્લૉનને કારણે પવનોને કેરળ સુધી પહોંચવામાં અડચણ ઊભી થાય તેવી શક્યતા છે. જેના કારણે થોડી અસર ચોમાસાની પ્રગતિ પર પડે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાતો અનુસાર દેશમાં ચોમાસું મોડું શરૂ થાય તો પણ સમગ્ર ચોમાસા પર તેની કોઈ ખાસ સરેરાશ નકારાત્મક અસર જોવા મળતી નથી.