You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોન પાપડી : દિવાળી દરમિયાન ચર્ચામાં આવતી આ મીઠાઈ ક્યાંથી આવી છે?
- લેેખક, શુભ રાણા
- પદ, બીબીસી માટે
'દિવાળી આવી અને સોન પાપડી લાવી' સોશિયલ મીડિયા ઉપર અનેક વખત પરસ્પર વાતચીત દરમિયાન આ વાત વ્યંગરૂપે કહેવાય છે.
લોકો મજાક-મજાકમાં એવું પણ કહે છે કે ઘણી વખત સોન પાપડીનું એક જ પૅકેટ અલગ-અલગ ઘરોનું ચક્કર મારી આવે છે.
મતલબ કે કેટલાક લોકો તેમને ગિફ્ટમાં મળેલું સોન પાપડીનું પૅકેટ ખોલ્યા વગર જ પોતાના મિત્ર, પરિવાર કે સંબંધીને આપી દે છે.
સોન પાપડીને જોઈને કેટલાક લોકોનાં મોઢામાં પાણી આવી જાય છે, તો કેટલાક લોકોનું મોં ચડી જાય છે. ગમે તે કરો, પરંતુ દિવાળીના સમયે તેને અવગણી શકાય નહીં. કારણકે, સોન પાપડી ચર્ચામાં રહે છે.
ત્યારે મોઢામાં ઝટ દઈને ઓગળી જતી આ મીઠાઈનો ઇતિહાસ શું છે? બીબીસીએ આ અંગે નિષ્ણાતો સાથે વાત કરી.
સોન પાપડી માત્ર દિવાળીની મીઠાઈ નથી
સોન પાપડીને – સોહન પાપડી, પતીસા, શોણપાપડી, સન પાપડી, શોમપાપડી જેવાં અનેક નામોથી પણ ઓળખાય છે. જે બેસન, ઘી તથા ખાંડ દ્વારા બને છે.
ભારતીય વ્યંજનોના ગહન અભ્યાસુ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક પુષ્પેશ પંત કહે છે, "સોન પાપડી માત્ર દિવાળીની મીઠાઈ છે, એ મોટી ગેરસમજ છે. આ મીઠાઈ આખું વરસ અને બારેય મહિના બધે જ મળે છે. ઍરપૉર્ટ, રેલવે સ્ટેશનથી લઈને પાડોશની દુકાનમાં તમને સોન પાપડીનું પૅકેટ જોવા મળશે."
પ્રો. પંત કહે છે, "સોન પાપડીમાં દૂધ નથી હોતું. તે બેસન તથા ખાંડમાંથી બને છે, જે છ મહિના સુધી બગડતી નથી. એટલે જ અનેક મોટી બ્રાન્ડો આ મીઠાઈને દેશ-વિદેશમાં મોકલે છે. મોતીચૂરનાં લાડુ અને કાજુ કતરીની જેમ તે દરેક પ્રસંગે ખવાતી મીઠાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાદ્ય પરંપરાઓ અંગે સંશોધન કરનારા ચિન્મય દામલે કહે છે, તે સસ્તી હોવાથી અને મોટાપાયે તેનું ઉત્પાદન થઈ શકતું હોવાથી દિવાળી સમયે તે સૌથી વધુ વહેંચાતી મીઠાઈ બની રહે છે. એટલે જ લોકો તેને મજાકમાં 'દરેક ઘરની મીઠાઈ' કહે છે.
પ્રો. પંતના કહેવા પ્રમાણે, આ મીઠાઈનાં મૂળિયાં પંજાબમાં છે, જે તેને અન્ય એક મિષ્ઠાન પતીસાં સાથે જોડે છે. પ્રો. પંત કહે છે :
"પતીસાં બનાવવાનું કામ સહેલું ન હતું. પંજાબનાં જૂના પરિવારોને યાદ હશે કે ખાંડની ચાસણીને વારંવાર ગૂંદીને પછી ફેલાવીને તેમાંથી બારિક રેસા તૈયાર કરવામાં આવતા. રેસાદાર બનાવટ સોન પાપડીને અન્ય મિષ્ઠાનોથી અલગ પાડે છે."
"શું તમને નાનપણમાં ખવાતા 'બુઢીના બાલ' (સૂતરફેણી) કે ગજક યાદ છે? આ એવી જ તકનીક હતી. પહેલાં બધું હાથેથી બનતું, પરંતુ હવે મશીનોએ કામને સરળ કરી દીધું છે."
પુષ્પેશ પંત કહે છે, "પંજાબમાં બેસનના લાડવા સાથે પતીસા મીઠાઈ બનતી. જે ધીમે-ધીમે સોન પાપડીમાં ફેરવાઈ ગઈ. બંનેમાં એક વાત કૉમન છે – રેસાદાર બનાવટ અને ખાંડની મિઠાસ."
પ્રો. પંત કહે છે, "બધી વસ્તુ હિંદુસ્તાનની બહારથી નથી આવી. અનેક ચીજો અવિભાજિત ભારતમાં અગાઉથી જ પ્રચલિત હતી."
શું ભારત સિવાય ક્યાંય સોન પાપડી મળે છે?
ચિન્મય દામલે કહે છે, "સોન પાપડીનાં મૂળ ફારસી મીઠાઈ પશ્મકમાં છે. પશ્મકનો મતલબ 'ઊન જેવું' એવો થાય છે, જે તેની રેસાદાર બનાવટ તરફ ઇશારો કરે છે. 19મી સદી દરમિયાન ફારસી (હાલનું ઈરાન) વેપારીઓ મુંબઈના રસ્તાઓ ઉપર પશ્મક વેચતા. એસએમ ઍડ્વર્ડ્સનાં પુસ્તક 'બાય-વૅઝ ઑફ મુંબઈ'માં તેનો ઉલ્લેખ જોવા મળે છે. પશ્મકમાંથી ખાંડ, સૂકામેવા, પિસ્તા અને ઇલાયચીની ખુશબો આવતી."
દામલે 'સોહન' શબ્દને સંસ્કૃતના શબ્દ 'શોભન' (સુંદર) સાથે જોડે છે. તેઓ કહે છે, "મિર્ઝા ગાલિબના એક પત્રમાં 'સોહન'નો ઉલ્લેખ મળે છે, જેના જવાબમાં તેઓ બાજરાના હલવાની વાત કહે છે."
ચિન્મય દામલેના મતે સોન પાપડીનો એક સંભવિત સંબંધ ફારસી સોહન હલવા સાથે હોવાનું પણ જણાવે છે. તેમનું કહેવું છે કે આ મિઠાઈ ઈરાન અને તુર્કિસ્તાન થઈને ભારત પહોંચી હતી.
સોહન હલવા તથા સોહન પાપડીનો ફેર જણાવતા દામલે કહે છે, "સોહન હલવો ઘઉંના લોટમાંથી બને છે અને તે ઘટ્ટ હોય છે, જ્યારે સોહન પાપડી બેસનમાંથી બને છે અને તે રેસેદાર પણ હોય છે. 18મી સદી દરમિયાન અવધમાં સોન પાપડી બનવા લાગી હતી અને તેનો સમાવેશ ચાર પ્રકારની 'સોહન' મીઠાઈમાં થતો. 20મી સદી દરમિયાન બિહાર, બંગાળ અને વિશેષ કરીને બક્સર વિસ્તારમાં તેની દુકાનો વિખ્યાત હતી."
દામલે વધુ એક મિષ્ઠાનનો ઉલ્લેખ કરે છે – સૌંધ હલવો. જે 18મી સદી દરમિયાન નાઇજીરિયાથી રામપુર આવ્યો, પરંતુ તે સોન પાપડી કરતાં અલગ હતો.
દિવાળી, સોન પાપડી અને મજાક-મસ્તી
દિવાળી દરમિયાન સોન પાપડી મજાક-મસ્તી અને મીમ કલ્ચરનો ભાગ બની જાય છે.
દામલે કહે છે, "સોન પાપડીનું ઉત્પાદન મોટાપાયે થાય છે તથા તેમાં દૂધનો ઉપયોગ નથી થતો, એટલે તે લાંબા સમય સુધી બગડતી નથી. એટલે જ દિવાળીના સમયે લોકો મોટાપાયે તેનું વિતરણ કરે છે. દરેક ઘરમાં સોન પાપડીનો ડબ્બો પહોંચી જાય છે અને લોકો તેને 'દિવાળીની ફિક્સ્ડ ગિફ્ટ' કહીને તેની મજાક પણ ઊડાવે છે."
સોન પાપડીની કહાણી દુનિયાના બે ભાગોથી જોડાય છે. પ્રો. પંતના મતે તે ભારતમાં પંજાબની પતીસાં મીઠાઈ સાથે જોડાયેલી છે, તો ચિન્મય દામલે તેનો સંબંધ ફારસનાં પશ્મક મિષ્ઠાન સાથે હોવાનું જણાવે છે.
જોકે, બંને એક વાત પર સહમત છે કે તેનાં બારીક રેસા અને મોઢામાં જતાં જ ઓગળી જવાની તેની ખાસિયત તેને અન્ય મીઠાઈઓ કરતાં અલગ પાડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન