સોનાની થાળીઓમાં રાણીઓને જમાડનાર એ મહારાજા, જેમણે 'પટિયાલા પેગ'ની શરૂઆત કરાવી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

ઘટના જાણીતી છે કે 30ના દાયકામાં જ્યારે ઉર્દૂના પ્રખ્યાત શાયર જોશ મલીહાબાદી આર્થિક તંગીથી પરેશાન થઈ ગયા ત્યારે તેઓ જાણીતા વકીલ તેજબહાદુર સપ્રૂનો એક પત્ર લઈને પટિયાલાના મહારાજા ભૂપિન્દરસિંહના વિદેશમંત્રી કેએમ પણિક્કર પાસે પહોંચ્યા.

પણિક્કરને લખેલા પત્રમાં તેજબહાદુર સપ્રૂએ લખ્યું હતું કે તેઓ મહારાજાને કહે કે તેઓ જોશ મલીહાબાદી માટે એક નિયમિત પેન્શન નક્કી કરી આપે.

પણિક્કર જોશને મહારાજાની પાસે લઈ ગયા અને ભલામણ કરી કે તેમના માટે માસિક 75 રૂપિયાનું પેન્શન નક્કી કરી આપે.

પણિક્કર પોતાની આત્મકથામાં લખે છે, "મહારાજા મારી તરફ ફર્યા અને આશ્ચર્યથી બોલ્યા, તમે દક્ષિણ ભારતીય છો તેથી આ શાયરની મહાનતા તમને નહીં સમજાય. જ્યારે આપણે બધા લોકો ભુલાઈ જઈશું, લોકો આમને કાલિદાસની જેમ યાદ કરશે. આટલા મોટા માણસને આટલું સામાન્ય પેન્શન મારી પ્રતિષ્ઠા સાથે મેળ નથી ખાતું, તેથી મેં નક્કી કર્યું છે કે જોશને જીવનભર 250 રૂપિયા પેન્શન આપવામાં આવે."

બહુઆયામી વ્યક્તિત્વ

જો પટિયાલાના મહારાજા ભૂપિન્દરસિંહ ફક્ત વિશાળ હૃદયના અને હદ બહારનો ખર્ચ કરનાર સનકી રાજા જ રહ્યા હોત, તો જીવનચરિત્રકારોને તેમનામાં આટલો રસ ન પડ્યો હોત.

તેમના જીવનચરિત્રકાર નટવરસિંહ પોતાના પુસ્તક 'ધ મેગ્નેફિસન્ટ મહારાજા, ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ મહારાજા ભૂપિન્દરસિંહ ઑફ પટિયાલા'માં લખે છે, "મહારાજાનું આકર્ષણ તેમના બહુઆયામી વ્યક્તિત્વમાં હતું. તેઓ મહારાજા, દેશભક્ત, પરોપકારી, ખેલાડી, સૈનિક, સંગીત અને કળાના પ્રેમી, પ્રેમાળ પિતા, ઉદાસીન પતિ, વફાદાર દોસ્ત, ખતરનાક દુશ્મન, ભારતીય ક્રિકેટના પિતામહની સાથોસાથ એક ચાલક રાજનીતિજ્ઞ પણ હતા."

મહારાજા ભૂપિન્દરસિંહનો જન્મ 12 ઑક્ટોબર 1891એ થયો હતો. બાળપણમાં તેમને પ્રેમથી 'ટિક્કાસાહેબ' કહેવામાં આવતા હતા. તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતા રાજિન્દરસિંહનું મૃત્યુ થઈ ગયું હતું.

તેમની પહેલાં તેમનાં માતા જસમેત કૌરનું પણ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના હતા, ત્યારે તેઓ પટિયાલાની ગાદીએ બેઠા હતા.

મહારાણી વિક્ટોરિયાના મૃત્યુના કારણે તેમના રાજ્યાભિષેક સમારંભને લગભગ એક વર્ષ માટે ટાળી દેવાયો હતો.

ભૂપિન્દરસિંહ વયસ્ક થયા ત્યાં સુધી પટિયાલાનું રાજકાજ એક મંત્રીપરિષદે ચલાવ્યું. ઈ.સ. 1903માં દિલ્હીમાં બ્રિટનના મહારાજા એડવર્ડ પંચમનો રાજદરબાર ભરવામાં આવ્યો હતો.

તે સમયે ભૂપિન્દરસિંહની ઉંમર 12 વર્ષની હતી. આ સમારંભમાં ભાગ લેવા તેઓ પોતાના કાકાની સાથે એક વિશેષ ટ્રેન દ્વારા દિલ્હી પહોંચ્યા. ત્યાં તેમણે પોતાનું પહેલું સાર્વજનિક ભાષણ આપ્યું.

પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનને મદદ

ઈ.સ. 1904માં ભણવા માટે તેમને લાહોરની એચિસન કૉલેજમાં મોકલવામાં આવ્યા. તેમની સારસંભાળ માટે પચાસ સહાયકોની એક ટુકડી લાહોર ગઈ. તેમનાં જૂતાંની દોરી પણ નોકર બાંધતા હતા. પૂર્ણ વયસ્ક થયા પછી તેમને સત્તાની શક્તિઓ સોંપી દેવામાં આવી. તેમના રાજ્યાભિષેકમાં વાઇસરૉય લૉર્ડ મિન્ટોએ ભાગ લીધો હતો.

આ દરમિયાન તેઓ એશોઆરામની જિંદગી જીવ્યા અને પોતાનો બધો સમય પોલો, ટેનિસ અને ક્રિકેટ રમવા પાછળ વિતાવ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે બ્રિટનની હૃદયપૂર્વક મદદ કરી. તેમણે મેજર વૉલી સાથે મળીને સૈનિક ભરતીની ઝુંબેશ ચલાવી અને એક દિવસમાં 521 નવા સૈનિકોને સેનામાં ભરતી કર્યા.

ડૉક્ટર દલજિતસિંહ અને ગુરપ્રીતસિંહ હરિકા તેમના જીવનચરિત્ર 'મહારાજા ભૂપિન્દરસિંહ, ધ ગ્રેટ રૂલર ઑફ ધ પટિયાલા સ્ટેટ'માં લખે છે, "મહારાજા ભૂપિન્દરસિંહે યુદ્ધ માટે બ્રિટિશ સરકારને દોઢ કરોડ રૂપિયા આપ્યા, જે એ સમયે મોટી રકમ હતી. એ ઉપરાંત, યુદ્ધ દરમિયાન પટિયાલા સ્ટેટે 60 લાખ રૂપિયા અલગથી ખર્ચ કર્યા. એટલું જ નહીં, તેમણે 72મી પટિયાલા કૅમલ કૉર્પ્સ માટે 612 અને 8મી પટિયાલા કૅમલ કૉર્પ્સ માટે 1,072 ઊંટ પણ આપ્યા. તે સિવાય તેમણે બ્રિટિશ સેનાને 247 ખચ્ચર, 405 ઘોડા, 13 મોટરકાર પણ આપ્યાં."

તેમણે શિમલા હિલ સ્ટેશનમાં પોતાનાં નિવાસ સ્થાનો 'રૉકવુડ' અને 'ઓક ઓવર'ને હૉસ્પિટલોમાં બદલી નાખ્યાં.

હિટલર અને મુસોલિની સાથે મુલાકાત

ભૂપિન્દરસિંહ ઊંચી કદકાઠીના હતા. આઝાદીની લડાઈ દરમિયાન તેમની સહાનુભૂતિ અંગ્રેજોની સાથે હતી, પરંતુ પંજાબીઓ, ખાસ કરીને શીખો કોઈ પ્રભાવશાળી નેતાના અભાવમાં તેમને પોતાના એક પ્રતિનિધિ તરીકે જોતા હતા.

તેમને તેમની રીતભાત અને ફૅશન સ્ટેટમેન્ટ પર, ખાસ કરીને જે રીતે તેઓ શાહી અંદાજમાં પોતાની પાઘડી બાંધતા હતા તેના ઉપર ગર્વ થતો હતો. તેઓ પંજાબી ભાષાના ખૂબ મોટા હિમાયતી હતા અને તેને દરબારી ભાષા બનાવવાની તેમણે ભરપૂર કોશિશ કરી હતી.

પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અને મહારાજા ભૂપિન્દરસિંહના પૌત્ર અમરિન્દરસિંહના જીવનચરિત્રકાર ખુશવંતસિંહ પોતાના પુસ્તક 'કૅપ્ટન અમરિન્દરસિંહ મહારાજા'માં લખે છે, "ભૂપિન્દરસિંહ પંજાબી ભાષાના એટલા મોટા પ્રેમી હતા કે તેમની સલાહથી રેમિંગ્ટન ટાઇપરાઇટર કંપનીએ ગુરમુખી ટાઇપરાઇટર બનાવ્યું હતું, જેને 'ભૂપિન્દર ટાઇપરાઇટર' નામ આપવામાં આવ્યું હતું. તેઓ ભારતની પહેલી વ્યક્તિ હતા, જેમનું પોતાનું વિમાન હતું, જેને તેઓ બ્રિટનથી 20મી સદીના પહેલા દાયકામાં લાવ્યા હતા. તેના માટે તેમણે પટિયાલામાં રનવે પણ બનાવડાવ્યો હતો.

તેમને પોતાના જીવનકાળમાં દુનિયાના સૌથી મોટા સરમુખત્યારો બેનિટો મુસોલિની અને હિટલરને મળવાની તક મળી હતી.

હિટલરે તેમને જર્મનીમાં બનેલી એક ડઝન લિગ્નોઝ પિસ્તોલ અને સફેદ રંગની મેબૅક કાર ભેટમાં આપ્યાં હતાં.

દુનિયાની દુર્લભ વસ્તુઓ ભેગી કરવાના શોખીન

જ્યારે પણ ભૂપિન્દરસિંહ લંડન જતા હતા ત્યારે તેમની મુલાકાતને બ્રિટિશ પ્રેસમાં ભરપૂર કવરેજ મળતું.

'ડેઇલી મેઇલ'એ પોતાના 3 ઑગસ્ટ 1925ના અંકમાં લખ્યું, "મહારાજા દુનિયાના સૌથી ઊંચા સ્થળે બનેલા ક્રિકેટ ગ્રાઉન્ડના માલિક છે. તેઓ ચાંદીના બાથ ટબમાં નહાય છે અને તેમની હોટલ તેમને દરરોજ 3,000 ગુલાબ મોકલે છે. તેઓ પોતાની સાથે 200 સૂટકેસ લાવ્યા છે."

ભારતના 560 શાસકોમાંથી ફક્ત 108 શાસક તોપોની સલામી મેળવવાના હકદાર હતા.

હૈદરાબાદ, વડોદરા, કાશ્મીર, મૈસૂર અને ગ્વાલિયરના રાજાઓને 21 તોપોની સલામી મળતી હતી. ભૂપિન્દરસિંહ જ્યાં પણ જતા હતા, તેમને 17 તોપોની સલામી આપવામાં આવતી હતી.

ભૂપિન્દરસિંહને પુસ્તકો, કાર્સ, જાજમ, કપડાં, શ્વાન, ઝવેરાત, પાંડુલિપિઓ, પદકો, પેઇન્ટિંગ્સ, ઘડિયાળો અને જૂની વાઇન એકત્ર કરવાનો શોખ હતો. તેમના ઝવેરાત 'કારતિએ' અને ઘડિયાળો 'રૉલેક્સ'માંથી ખાસ ઑર્ડર આપીને બનાવડાવવામાં આવતાં હતાં. તેમનો સૂટ 'સૅવિલ રો' પાસે સિવડાવતા હતા અને જૂતાં 'લૉબ્સ'માંથી ખરીદાતાં હતાં.

જૉન લૉર્ડ પોતાના પુસ્તક 'મહારાજાઝ'માં લખે છે, "તેમની પાસે કુલ 27 રોલ્સ-રૉય્સ કાર હતી, જેની દેખરેખ કંપનીએ મોકલેલી એક અંગ્રેજ વ્યક્તિ કરતી હતી."

'પટિયાલા પેગ'ની શરૂઆત

મહારાજા ભૂપિન્દરસિંહની ઉદારતાના કિસ્સા દરેક જગ્યાએ પ્રખ્યાત હતા. તેઓ વિશ્વવિદ્યાલયો અને ગરીબો માટે કામ કરનારી સંસ્થાઓને દિલ ખોલીને દાન આપતા હતા.

મહારાજાના મંત્રી રહેલા દીવાન જરમનીદાસ પોતાના પુસ્તક 'મહારાજા'માં લખે છે, "એટલે સુધી કે મદનમોહન માલવીય જેવા મોટા નેતા પણ જ્યારે મહારાજાને બનારસ વિશ્વવિદ્યાલય માટે પૈસાની વિનંતી કરતા હતા, ત્યારે તેઓ 50,000 રૂપિયાનો ચેક લઈને જ જતા હતા."

મહારાજાને ત્યાં પીવા અને ખાવાનો નિશ્ચિત પ્રૉટોકૉલ હતો. પટિયાલા પેગની શરૂઆત તેમના ત્યાંથી જ થઈ હતી.

નટવરસિંહ લખે છે, "તેનો અર્થ હતો, ગ્લાસમાં ચાર ઇંચ સુધીની વ્હિસ્કીને પાણી વગર એક જ ઘૂંટમાં પી જવી. મહારાજા વ્હિસ્કીથી વધુ વાઇન પસંદ કરતા હતા. તેમને બધા પ્રકારની વાઇનની માહિતી હતી. તેમનું લિકરનું કલેક્શન સંભવતઃ ભારતમાં સર્વશ્રેષ્ઠ હતું."

સોના અને રત્નોની થાળીમાં ભોજન

ભૂપિન્દરસિંહના રાજમહેલમાં 11 રસોઇયા હતા, જેમાં સેંકડો લોકો માટે દરરોજ જમવાનું બનાવવામાં આવતું હતું.

દીવાન જરમનીદાસ લખે છે, "મહારાણીઓને સોનાની થાળી અને વાટકામાં ભોજન પીરસાતું હતું. તેમને પીરસવામાં આવતાં કુલ વ્યંજનોની સંખ્યા 100 રહેતી હતી. રાણીઓને ચાંદીની થાળીમાં ભોજન કરાવાતું હતું. તેમને 50 પ્રકારનાં ભોજન ખવડાવાતાં હતાં. બીજી અન્ય મહિલાઓને પિત્તળની થાળીમાં ખાવાનું પીરસાતું હતું. તેમને પીરસાતાં વ્યંજનો 20થી વધુ નહોતાં. સ્વયં મહારાજાને રત્નોજડિત સોનાની થાળીમાં ભોજન પીરસાતું હતું. તેમને પીરસવામાં આવતાં વ્યંજનોની સંખ્યા 150થી ઓછી નહોતી રહેતી."

ખાસ પ્રસંગોએ, જેમ કે, મહારાજ, મહારાણીઓ અને રાજકુમારના જન્મદિવસે જમણવાર રખાતો હતો, જેમાં લગભગ 300 લોકોનો જમણવાર રહેતો.

આ જમણવારમાં ઇટાલિયન, ભારતીય અને અંગ્રેજ વેઇટર્સ ભોજન પીરસતા હતા. ખોરાક અને શરાબની ગુણવત્તા ઉચ્ચ કોટીની રહેતી હતી. જમણવાર પછી સંગીતનો કાર્યક્રમ થતો હતો, જેમાં ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાંથી બોલાવવામાં આવેલી નર્તકીઓ મહારાજાનું મનોરંજન કરતી હતી. આ પ્રકારની પાર્ટી મોટા ભાગે સવારે સમાપ્ત થતી હતી. ત્યાં સુધી બધા લોકો દારૂના નશામાં ચકચૂર થઈ જતા હતા.

ક્રિકેટ માટે પાગલપણું

મહારાજા ભૂપિન્દરસિંહને પાગલપણાની હદ સુધી ક્રિકેટ ગમતું હતું. ઓછા લોકોને ખબર છે કે વીસમી સદીના અંતમાં મહાન ક્રિકેટ ખેલાડી રણજીમહારાજના પિતા મહારાજા રાજિન્દરસિંહના એડીસી હતા. જ્યારે 1898માં તેઓ પટિયાલા આવ્યા, ત્યાં સુધીમાં તેઓ ક્રિકેટર તરીકે પંકાઈ ગયા હતા, પરંતુ નવાનગરના રાજા તરીકે તેમની માન્યતા સમાપ્ત થઈ ગઈ હતી.

તેઓ પહેલાં જોધપુરના મહારાજા સર પ્રતાપસિંહ પાસે ગયા હતા. તેમણે તેમને પત્ર લખીને પટિયાલાના મહારાજા પાસે મોકલ્યા હતા. ઈ.સ. 1911માં 20 વર્ષની વયે ભૂપિન્દરસિંહે ઇંગ્લૅન્ડ જનારી પહેલી ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

નટવરસિંહ લખે છે, "પટિયાલામાં ક્રિકેટમાં પણ પ્રૉટોકૉલનું પાલન થતું હતું. એક વાર એ સમયના સૌથી ફાસ્ટ બૉલર મોહમ્મદ નિસાર મોતીબાગ રાજમહેલમાં પાઘડી વગર પહોંચી ગયા. તેઓ શીખ નહોતા, નહોતા પટિયાલાના રહેવાસી, પરંતુ તેઓ મહારાજાની ટીમના સભ્ય હતા, ભૂપિન્દરસિંહે જેવા છ ફીટ બે ઇંચ ઊંચા નિસારને જોયા, તેઓ જોરથી બોલ્યા, 'નિસાર તરત પાછા જાઓ અને પાઘડી પહેરીને અહીં આવો'."

'રણજી ટ્રૉફી' નામ ભૂપિન્દરસિંહે આપ્યું

એક વખત તેઓ લાલા અમરનાથથી નારાજ થઈ ગયા. તેમણે નિસારને કહ્યું કે જો તેઓ લાલાને પોતાના બાઉન્સર દ્વારા ઈજા કરે તો તેમને મોટું ઇનામ મળશે.

લાલાના પુત્ર રાજિન્દર અમરનાથ તેમના જીવનચરિત્ર 'લાલા અમરનાથ લાઇફ ઍન્ડ ટાઇમ્સ'માં લખે છે, "જ્યારે આખી ઓવરમાં નિસારે અમરનાથ પર બાઉન્સરોનો વરસાદ કર્યો, ત્યારે અમરનાથ નિસાર પાસે જઈને બોલ્યા, 'તારું મગજ છટકી તો નથી ગયું ને? બૉલ કેમ ઉછાળે છે?' નિસારે હસીને જવાબ આપ્યો, 'ઓય અમર, તારા માથાના સો રૂપિયા રાખ્યા છે. મહારાજા પટિયાલાએ કહ્યું છે, જેટલી વાર મારીશ, એટલા સો મળશે. ઓછામાં ઓછી એક વાર તો ખાઈ લે. અડધા અડધા કરી લઈશું'."

અમરનાથનો જવાબ હતો, "તારો બૉલ વાગ્યા પછી જીવતો કોણ રહેશે?"

મહારાજા હંમેશા લાલા અમરનાથને 'છોકડા' કહીને બોલવતા હતા. એક વાર તેમણે તેમને કહ્યું હતું, "છોકડે, તારા દરેક રન પર હું તને સોનોનો એક સિક્કો આપીશ." અમરનાથે સદી ફટકારી અને પોતાનું ઇનામ મેળવ્યું.

રાજિન્દર અમરનાથ લખે છે, "1932માં જ્યારે રાષ્ટ્રીય ક્રિકેટ ચૅમ્પિયનશિપનું નામ રાખવાની વાત આવી ત્યારે કેટલાક લોકો તેનું વેલિંગ્ટન ટ્રૉફી નામ રાખવા માગતા હતા. ભૂપિન્દરસિંહે જ સૌથી પહેલાં આ ટ્રૉફીને રણજીના નામ પર રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. એટલું જ નહીં, તેમણે આ ટ્રૉફી બનાવવા માટે એક મોટી રકમ પણ આપી. તેમના જ પ્રયાસોથી મુંબઈના પ્રખ્યાત બ્રેબોર્ન સ્ટેડિયમનું નિર્માણ થયું હતું."

ગામા પહેલવાનનું સન્માન

મહારાજા ભૂપિન્દરસિંહને ક્રિકેટ ઉપરાંત બીજી રમતોમાં પણ રસ હતો. પ્રખ્યાત પહેલવાન ગામાને મહારાજાએ સંરક્ષણ આપ્યું હતું. ગામાએ ઈ.સ. 1910માં જૉન બુલ સ્પર્ધા જીતી હતી.

બાર્બરા રેમુસૅક પોતાના પુસ્તક 'ધ ન્યૂ કૅમ્બ્રિજ હિસ્ટરી ઑફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન પ્રિન્સેસ ઍન્ડ ધેર સ્ટેટ્સ'માં લખે છે, "1928માં પટિયાલામાં ગામા પહેલવાનની એક હરીફાઈનું આયોજન કરાયું હતું, જેને જોવા માટે 40 હજાર દર્શકો આવ્યા હતા. આ સ્પર્ધામાં ગામાએ પોલિશ પહેલવાન સ્ટેનિસલૉસ જિબિસ્કોને પરાજિત કર્યા હતા. ગામા જીતી જતાં મહારાજા ભૂપિન્દરસિંહે પોતાની મોતીઓની માળા કાઢીને ગામાને પહેરાવી દીધી હતી. તેમણે તેમનું સન્માન કરતાં યુવરાજના હાથી પર બેસાડ્યા, તેમને એક ગામ ભેટ આપ્યું અને તેમના માટે સ્ટાઇપેન્ડ બાંધી આપ્યું."

તેમના મૃત્યુ પછી પટિયાલામાં તેમના મહેલ મોતીબાગ પૅલેસને હવે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ બનાવી દેવાયો છે.

આંખે અંધાપો આવ્યો

જ્યારે ભૂપિન્દરસિંહ સાતમી વાર પોતાની વિદેશયાત્રાથી પાછા આવ્યા, ત્યારે તેમનું સ્વાસ્થ્ય ગંભીર કથળી ચૂક્યું હતું.

વિદેશમાં હતા ત્યાં જ તેમને ત્રણ વાર હાર્ટ અટૅક આવ્યા હતા. પોતાના અંતિમ સમયે તેમની આંખોની રોશની જતી રહી હતી.

દીવાન જરમનીદાસ લખે છે, "મહારાજા નહોતા ઇચ્છતા કે તેમના અંધ થયાની વાત તેમનાં પત્નીઓને ખબર પડે. તેમના સૌથી નિકટતમ સહાયક મેહરસિંહ અંતિમ સમય સુધી તેમની દાઢી અને પાઘડી વ્યવસ્થિત કરતા રહ્યા. તેમને આંખે દેખાતું નહોતું, છતાં તેઓ અરીસાની સામે એવી રીતે બેસતા જેથી તેમની મહિલાઓ અને આસપાસના લોકોને લાગતું રહે કે તેઓ નેત્રહીન નથી. એટલે સુધી કે પહેલાંની જેમ જ તેમના નોકર તેમની આંખોમાં સુરમો લગાવતા રહ્યા."

અંતિમ સમય સુધી તેઓ સફેદ સિલ્કની શેરવાની પહેરતા રહ્યા. માત્ર તેમના ડૉક્ટર્સ, તેમના પ્રધાન મંત્રી, તેમના કેટલાક ખાસ નોકરોને ખબર હતી કે મહારાજાને દેખાતું બંધ થઈ ગયું છે.

માત્ર 47 વર્ષની વયે અવસાન

તેમને તપાસવા માટે પૅરિસથી ફ્રેન્ચ ડૉક્ટર્સને બોલાવવામાં આવ્યા. તેમની કરોડરજ્જુના મણકામાં એક ઇન્જેક્શન આપવામાં આવ્યું, જેનાથી તેમની તબિયત વધુ બગડી ગઈ.

કેએમ પણિક્કર લખે છે, "પોતાની મૃત્યુશય્યા પર પણ તેમની શક્તિ અને ઊર્જા જોવા લાયક હતી. પોતાના મૃત્યુના દિવસે પણ તેમણે દસ ઈંડાંની આમલેટ ખાધી હતી. તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં જ્યારે હું તેમને મળવા ગયો ત્યારે તેઓ પોતાની પત્નીઓથી ઘેરાયેલા હતા. એ સ્થિતિમાં પણ તેમણે રાજવી કપડાં પહેર્યાં હતાં. તેમના ગળામાં મોતીઓની માળા હતી. તેમણે પોતાના કાનમાં વાળી અને હાથમાં કડાં પહેરેલાં હતાં."

તેમને તપાસવા આવનારમાં મહાત્મા ગાંધીના ડૉક્ટર બીસી રૉય પણ હતા, જેઓ 1947 પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા હતા.

23 માર્ચ 1938ની બપોરે 12 વાગ્યે મહારાજા ભૂપિન્દરસિંહ કોમામાં જતા રહ્યા. આ હાલતમાં તેઓ આઠ કલાક રહ્યા અને પછી તેમણે આ દુનિયાથી વિદાય લીધી.

એ સમયે તેમની ઉંમર માત્ર 47 વર્ષ હતી. તેમના પાર્થિવ દેહને એક તોપગાડીમાં મૂકીને અંતિમસંસ્કાર માટે લઈ જવાયો. લગભગ 10 લાખ લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન