માનવ અને માનવ જેવા જ અન્ય જીવો અંગે લાખો વર્ષ જૂની ખોપરીએ શું રહસ્ય ખોલ્યું?

    • લેેખક, પલ્લબ ઘોષ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

ચીનમાં લગભગ દસ લાખ વર્ષ જૂની માનવ ખોપડી મળી છે. જેનો અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે આપણી પ્રજાતિ હોમો સેપિયન્સની શરૂઆત આપણી અગાઉની ધારણા કરતાં પણ પાંચ લાખ વર્ષ પહેલાં થઈ ગઈ હતી.

પ્રતિષ્ઠિત જર્નલ 'સાયન્સ'માં છપાયેલાં સંશોધનો મુજબ, આપણે નિયંડરથલ્સ જેવી અન્ય માનવ પ્રજાતિઓ સાથે અગાઉના અનુમાનિત સમય કરતાં વધુ સમય સુધી રહ્યા છીએ.

આ તારણથી વિજ્ઞાનીઓ પણ ચોંકી ગયા છે. આ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે સંશોધનનાં તારણો શક્ય છે, પરંતુ હજૂ પણ પૂર્ણપણે સાબિત નથી થયાં.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે તેમનું વિશ્લેષણ "માનવીય ઉત્ક્રાંતિ અંગેની આપણી સમજણને સંપૂર્ણપણે બદલી દે છે." જો આ તારણો ખરા સાબિત થાય, તો પ્રારંભિક માનવઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ કહાણી બદલાઈ જશે.

આ ટીમમાં ચીનની યુનિવર્સિટી ઉપરાંત બ્રિટનના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના વિજ્ઞાનીઓ પણ સામેલ હતા.

ખોપડી તથા તેનું વર્ગીકરણ

આ રિસર્ચનું સહનેતૃત્વ કરનારા ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર શીજુન ની કહે છે, "અમને જ્યારે આ પરિણામ મળ્યાં, તો શરૂઆતમાં અમને વિશ્વાસ જ ન બેઠો. આ (ખોપડી) આટલી જૂની કેવી રીતે હોય શકે?"

તેમણે ઉમેર્યું, "પરંતુ અમે વારંવાર અલગ-અલગ રીતે પરીક્ષણ કર્યાં. તમામ મૉડલ તથા પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. હવે, અમને અમારાં તારણો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ."

વિજ્ઞાનીઓએ જ્યારે આ ખોપડીને શોધી, તો તેને 'યુનશિયન 2' એવું નામ આપ્યું. વિજ્ઞાનીઓને લાગતું હતું કે આ ખોપડી આપણા પ્રારંભિક પૂર્વજ 'હોમો ઇરેક્ટસ'ની છે.

કારણ કે, આ ખોપડી લગભગ 10 લાખ વર્ષ પુરાણી હતી. એવું માનવામાં આવતું હતું કે આ સમયગાળા દરમિયાન ઍડ્વાન્સ હ્યુમનનું અસ્તિત્વ ન હતું. હોમો ઇરેક્ટસ મોટા મગજવાળા પ્રારંભિક મનુષ્ય હતા.

પાછળથી હોમો ઇરેક્ટસનો વિકાસ થયો અને લગભગ છ લાખ વર્ષ પહેલાં બે ભાગમાં વિભાજીત થઈ ગયા. એક તરફ નિયંડરથલ્સ બન્યા તો બીજી તરફ આપણી પ્રજાતિ હોમો સેપિયન્સ હતી.

પરંતુ યુનશિયન 2ને રિસર્ચ ટીમના અલગ-અલગ નિષ્ણાતોએ ચકાસી હતી. નવા અભ્યાસના તારણ પ્રમાણે, તે હોમો ઇરેક્ટસ નથી.

હવે એવું માનવામાં આવે છે કે તે હોમો લૉન્ગીનું પ્રારંભિક સ્વરૂપ છે. તે નિયંડરથલ્સ તથા હોમો સેપિયન્સની જેમ જ સિસ્ટર સ્પીશીઝ હતી તથા લગભગ એટલા સ્તરે જ વિકસિત હતી.

જીનેટિક પુરાવા અને ટાઇમલાઇન

જીનેટિક પુરાવાનો અભ્યાસ કરીએ તો આ પ્રજાતિ તેમની સાથે જ રહેતી હતી. એટલે જ વિજ્ઞાનીઓનું કહેવું છે કે જો 'યુનશિયન 2' લગભગ 10 લાખ વર્ષ પહેલાં ધરતી ઉપર અસ્તિત્વ હતું, તો શક્ય છે કે નિયંડરથલ્સ તથા હોમો સેપિયન્સનાં પ્રારંભિક સમયે પણ તેઓ અસ્તિત્વ ધરાવતા હોય.

નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના પ્રોફેસર ક્રિસ સ્ટ્રિંગર આ સંશોધનના કો-લીડ છે. તેઓ કહે છે કે આ ચોંકાવનારાં વિશ્લેષણે મોટા મગજવાળા માણસોના વિકાસની ટાઇમલાઇનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ પાછળ સરકાવી દીધી છે.

ક્રિસ સ્ટ્રિંગર કહે છે, "આપણી ધરતી ઉપર ક્યાંક ને ક્યાંક હોમો સેપિયન્સનાં 10 લાખ વર્ષ જૂનાં જીવાશ્મિ દટાયેલાં હશે, જેને આપણે હજુ સુધી શોધ્યાં નથી."

રિસર્ચ અંગે અસહમતિ

પ્રારંભિક મનુષ્યની પ્રજાતિને બે પ્રકારે નક્કી કરી શકાય છે. પહેલું ખોપડીના આકારનું વિશ્લેષણ તથા બીજું જીનેટિક ડેટા.

'યુનિશન 2'નું બંને પ્રકારે પરીક્ષણ કરવામાં આવ્યું અને બંનેમાં એકસરખાં પરિણામ મળ્યાં. જોકે, કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ડૉ. ઍલ્વિન સ્કૅલી જેવા કેટલાક સંશોધકોનું કહેવું છે કે બંને પદ્ધતિઓમાં ઘણી અનિશ્ચિતતા રહેલી છે.

ડૉ. ઍલ્વિન સ્કૅલીએ કહ્યું, "સમયનું અનુમાન મૂકવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. ખૂબ જ મુશ્કેલ કામ છે. ચાહે તે જિનેટિક પુરાવા હોય કે જીવાશ્મિના."

તેઓ કહે છે કે પ્રોફેસર ની તથા સ્ટ્રિંગરનાં તારણો શક્ય તો લાગે છે, પરંતુ તે હજુ સુધી એકદમ પાક્કા નથી અને તેની પુષ્ટિ કરવા માટે વધુ પુરાવાની જરૂર છે.

ડૉ. ઍલ્વિન સ્કૅલીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું, "અમારા માટે આ તસવીર હજૂ ખૂબ જ અસ્પષ્ટ છે. જો આ સંશોધનનાં તારણોને અન્ય વિશ્લેષણો, વિશેષ કરીને જિનેટિક ડેટાનો ટેકો મળે, તો મને લાગે છે કે આપણને તેની ઉપર વધુ વિશ્વાસ બેસશે."

આફ્રિકા અને એશિયામાં પ્રારંભિક પુરાવા

આફ્રિકામાં પ્રારંભિક હોમો સેપિયન્સના સૌથી જૂના પુરાવા ત્રણ લાખ વર્ષ જૂના છે. આપણી પ્રજાતિ કદાચ સૌથી પહેલાં એશિયામાં વિકસિત થઈ હતી, એ વિચાર આકર્ષક લાગે છે.

પ્રોફેસર સ્ટ્રિંગરના કહેવા પ્રમાણે, "હાલના તબક્કે આવું કંઈ ચોક્કસપણે કહી ન શકાય, કારણ કે આફ્રિકા તથા યુરોપમાં પણ લગભગ દસ લાખ વર્ષ પુરાણા માનવ જીવાશ્મિ છે. જેને આ વિશ્લેષણમાં સામેલ કરવાની જરૂર છે."

પ્રોફેસર સ્ટ્રિંગરે બીબીસીને જણાવ્યું, "કેટલાક જિનેટિક પુરાવા એવા છે કે જે આપણી પ્રજાતિ આનાથી પણ પહેલાં અસ્તિત્વમાં આવી હોય, તેની તરફ અણસાર આપે છે. જે કદાચ આપણી વંશાવલીમાં સામેલ હોય, પરંતુ હજુ સુધી તે સાબિત નથી થયું."

ત્રણ પ્રજાતિ અને 'વચ્ચેની વાત'

પ્રથમ ટાઇમલાઇન મુજબ, ત્રણેય માનવીય પ્રજાતિ લગભગ આઠ લાખ વર્ષ સુધી એકસાથે રહી. જે અગાઉ અનુમાનિત સમય કરતાં ઘણો વધુ છે.

એવી પણ શક્યતા છે કે તેઓ પરસ્પર હળીમળીને રહેતા હોય અને તેમની વચ્ચે પ્રજનન પણ થયું હોય.

સૌ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હોવાની આ ટાઇમલાઇન ડઝનબંધ અન્ય જીવાશ્મિઓને પણ સમજવામાં મદદ કરે છે, જે આજથી કરીને આઠ લાખ વર્ષથી લઈને એક લાખ વર્ષ સુધીની પુરાણી છે. સંશોધકો આ જીવાશ્મિઓને યોગ્ય રીતે વર્ગીકૃત નથી કરી શક્યા.

પરંતુ હોમો સેપિયન્સ, હોમો લૉન્ગી તથા નિયંડરથલ્સ કરતાં પણ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હોવાની આ સમસ્યા મહદંશે ઉકેલાઈ જાય છે.

પ્રોફેસર નીના કહેવા પ્રમાણે, "હવે ઉપરોક્ત જીવાશ્મિઓને "બિગ થ્રી" પ્રજાતિઓ કે પછી તેમના પ્રારંભિક પૂર્વજો, એશિયન હોમો ઇરેક્ટસ અને હાઇડલબર્ગેસિસના અંશ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે."

તેમનું કહેવું છે કે, "માનવીય ઉત્ક્રાંતિ એક ઝાડ જેવી છે. એ વૃક્ષમાં અનેક શાખાઓ હતી અને ત્રણ મોટી શાખાઓ પરસ્પર ખાસ્સી એવી જોડાયેલી હતી. એમની વચ્ચે પરસ્પર મિલન અને પ્રજનન પણ થયું હશે અને તેઓ લગભગ 10 લાખ વર્ષ સુધી સાથે રહ્યા. આ તારણો ખરેખર અવિશ્વસનિય છે."

ચીનના હુબેઈ પ્રાંતમાં 'યુનશિયન 2' ઉપરાંત અન્ય બે ખોપડી નીકળી હતી, પરંતુ તે તૂટેલી-ફૂટેલી હતી અને દબાણને કારણે ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. એટલે જ 'યુનશિયન 2'ને સૌ પહેલાં હોમો ઇરેક્ટસ માની લેવામાં આવી હતી.

પ્રોફેસર ની તથા તેમની ટીમે આ ખોપડીઓને તેનું મૂળ સ્વરૂપ આપવા માટે તેમનું સ્કૅનિંગ કર્યું, પછી કમ્પ્યૂટર મૉડલિંગ તકનીકનો ઉપયોગ કરીને તેમને યોગ્ય સ્વરૂપમાં તૈયાર કરી અને થ્રી-ડી પ્રિન્ટરની મદદથી તેમની પ્રતિકૃતિઓ તૈયાર કરી.

આ ખોપડીઓને મૂળ સ્વરૂપમાં જોયા પછી વિજ્ઞાનીઓ તેને અલગ તથા વધુ ઍડ્વાન્સ્ડ ગ્રૂપમાં મૂકવામાં સફળ થયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન