You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આપના 'વધતા પ્રભુત્વ'ને જોતાં ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને પાટીદારને વધારે મહત્ત્વ મળ્યું?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
શુક્રવારે ગુજરાતના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. અગાઉ રાજ્ય સરકારમાં 'નંબર-ટુ' મનાતા હર્ષ સંઘવી હવે ઔપચારિક રીતે રાજ્ય નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
શુક્રવારના વિસ્તરણ પછી મુખ્ય મંત્રી ઉપરાંત 25 મંત્રીઓ કૅબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) કે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મંત્રીમંડળમાં બેસશે. આ આંકડો મહત્તમ મર્યાદા કરતાં એક ઓછો છે.
રાજ્ય સરકારના મંત્રી મંડળ ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં અહીંના પાટીદાર ધારાસભ્યોને પણ તક મળી છે.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપ તથા રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. ત્યારે આ નિર્ણયને ડૅમેજ કંટ્રૉલ તરીકે જોવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે અચાનક જ ભૂપેન્દ્ર પટેલ સરકારના 16 મંત્રીઓએ તેમનાં પદ પરથી રાજીનામાં આપી દીધાં હતાં. લગભગ એક પખવાડિયા પહેલાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માને (પંચાલ) ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારથી જ મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ વધુ એક વખત વેગ પકડ્યો હતો.
આમ આદમી પાર્ટીનો પગપેસારો
વર્ષ 2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ઉપર નજર કરીએ તો મતોની ટકાવારી અને સીટોની સંખ્યાની દૃષ્ટિએ આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. આ પ્રદર્શનને કારણે આપને 'રાષ્ટ્રીય પક્ષ' તરીકેનો દરજ્જો મળ્યો હતો.
પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ચૌત્તર વસાવા (એસટી, દેડિયાપાડા) સિવાયના ચાર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી (ગારિયાધાર, જામજોધપુર, વિસાવદર અને બોટાદ) ચૂંટાઈ આવ્યા હતા.
તાજેતરમાં કડદા પ્રથા, ટેકાના ભાવે ખરીદી ન થવી વગેરે જેવી સમસ્યા સાથે બોટાદના કૉટન સબયાર્ડ ખાતે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. જેને આપની કિસાન પાંખના વડા રાજુ કરપડાએ નેતૃત્વ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑક્ટોબર-2024માં જૂનાગઢ જિલ્લામાં ઇકૉઝોનના વિસ્તરણ મુદ્દો ઉગ્ર બન્યો હતો, ત્યારે આપના નેતા પ્રવીણ રામ તેમાં અગ્રેસર હતા.
રાજકોટ સ્થિત વરિષ્ઠ પત્રકાર કાના બાંટવાનું કહેવું છે, "તાજેતરના મંત્રીમંડળમાં ફેરબદલ ઉપર આમ આદમી પાર્ટી અને તાજેતરમાં બોટાદના ખેડૂતપ્રશ્નનોનો ઓછાયો સ્પષ્ટપણે દેખાય છે. આપે કડદો, ટેકાના ભાવે ખરીદી, પાકવીમો વગેરે જેવા ખેડૂતોને સ્પર્શતા મુદ્દા ઊઠાવ્યા છે."
"સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ પટેલો મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા છે એટલે તેઓ આપની સાથે જોડાઈ રહ્યા હોય તેમ લાગે. પાટીદાર સમાજના નોકરિયાત, શહેરી વિસ્તાર કે વેપારીવર્ગ કરતાં ખેતી સાથે સંકળાયેલો વર્ગનો સાથ વધુ મળી રહે છે."
આપે જે મુદ્દા ઉઠાવ્યા, તે કૃષિલક્ષી છે તથા તે અન્ય સમાજના ખેડૂતોને પણ અસર કરે જ છે. આપે બોટાદમાં જે રીતે ખેડૂતોની સમસ્યાનું નેતૃત્વ કર્યું અને ખેડૂતો પણ સાર્વજનિક રીતે જે બેબાકી રીતે પોતાની સમસ્યાઓ રજૂ કરી, તે નોંધપાત્ર હતી."
કાના બાંટવા ઉમેરે છે, "સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના ડૉ. પ્રદ્યુમન વાજા કોડિનારથી ધારાસભ્ય છે. જેમને કૅબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય અમરેલી જિલ્લામાંથી કૌશિક વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આમ વીસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાના વ્યાપને વિસ્તરતો અટકાવવા માટે પ્રયાસ થયો હોય તેમ જણાય છે."
કાના બાંટવા કહે છે કે જે સમયે દેશભરમાં ભાજપ કે જનસંઘ માટે કપરા ચઢાણ હતા, ત્યારે રાજકોટમાંથી તેના ઉમેદવાર ચૂંટાઈ આવતા હતા, પરંતુ પચાસ વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ પણ ધારાસભ્યને મંત્રી બનાવવામાં નથી આવ્યા. અન્યથા મુખ્ય મંત્રી કે રાજકોટના એક કરતાં વધુ ધારાસભ્ય મંત્રીમંડળમાં હોય, તેવું પણ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો મેળવનારા પ્રફુલભાઈ પાનેસરિયા સુરતની કામરેજ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના છે અને પોતાના વતન તથા આસપાસના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે.
સૌરાષ્ટ્ર તથા પાટીદારોને પ્રતિનિધિત્વ
ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ જમ્બો મંત્રીમંડળ છે. 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં મુખ્ય મંત્રી સહિત મહત્તમ 15 ટકા ધારાસભ્યોને મંત્રીપદ આપી શકાય. એ હિસાબે ગુજરાતમાં 27 ધારાસભ્ય મંત્રી બની શકે.
ફેરબદલ બાદ મંત્રીમંડળની સંખ્યા મુખ્ય મંત્રી સહિત 26 પર પહોંચી ગઈ છે. જે 27ની ટોચમર્યાદા કરતાં એક ઓછી છે.
વરિષ્ઠ પત્રકાર પરેશ દવે જણાવે છે, "દર વખતે મંત્રીમંડળમાં ફેરફાર થાય, એટલે કઈ જ્ઞાતિને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું, એ ઍંગલથી ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવે છે. જે-તે ધારાસભ્યને તેમની જ્ઞાતિને કારણે જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એમ કેમ માની લેવામાં આવે છે?"
"રાજકોટ-2 (હાલની રાજકોટ-પશ્ચિમ) બેઠક ઉપરથી કારડિયા રાજપૂત સમાજના વજુભાઈ વાળા ચૂંટાઈ આવતા. આ બેઠક પર કારડિયા રાજપૂત સમાજની સંખ્યા એકદમ નહિવત્ છે."
"આ બેઠક પર બ્રાહ્મણોની નિર્ણાયક સંખ્યા છે, છતાં વાળા અહીંથી સૌથી વધુ વખત ચૂંટાઈ આવેલા ધારાસભ્ય છે. તેઓ રેકૉર્ડ સમય માટે ગુજરાતના નાણા મંત્રી રહ્યા અને સ્પીકર પણ બન્યા હતા."
"આમ આદમી પાર્ટીની અસર હેઠળ સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ મળ્યું કે પાટીદાર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા, એમ ન કહી શકાય. પાટીદાર સમાજ મોટો છે તથા તેમના ધારાસભ્યો મોટી સંખ્યામાં ચૂંટાઈ આવ્યા છે, એટલે તેમને વધુ પ્રતિનિધિત્વ મળ્યું એવું જણાય."
રાજકોટસ્થિત દવે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વક્ષેત્રે સક્રિય છે તથા આ ગાળા દરમિયાન રાજકોટ તથા સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી જોયું છે.
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "તમામ જ્ઞાતિઓ અને ઝોનને સંતુલિત કરીને આ નવું મંત્રીમંડળ બન્યું છે. પાટીદાર સમાજના ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે."
પોતાના નામનો સમાવેશ ન થવા વિશે રાદડિયાએ કહ્યું કે, "ઘણાં નામોની ચર્ચા થતી હોય છે. પરંતુ પક્ષનો નિર્ણય શિરોમાન્ય રહે છે. હું માત્ર 30 વર્ષનો હતો ત્યારથી સરકારમાં જવાબદારી સંભાળું છું અને છેલ્લાં 10 વર્ષમાં મેં સરકારમાં અલગ-અલગ વિભાગો સંભાળ્યા છે."
સૌરાષ્ટ્ર વિસ્તારમાં 48 બેઠક (લગભગ 26 ટકા) છે, જેમાંથી આઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જે લગભગ 31 ટકા જેટલું પ્રતિનિધિત્વ સૂચવે છે.
મુખ્ય મંત્રી ઉપરાંત 10 ધારાસભ્યોને કૅબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જેમાંથી 50 ટકા (પાંચ) સૌરાષ્ટ્ર વિસ્તારના છે. જિતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), કુંવરજી બાવળિયા (જસદણ) અને પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) સૌરાષ્ટ્ર વિસ્તારના છે.
આ સિવાય કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી) અને રીવાબા જાડેજાને (જામનગર-ઉત્તર) પણ સ્થાન મળ્યું છે.
મંત્રીમંડળના 26 સભ્યોમાં મુખ્ય મંત્રી ઉપરાંત છ (ઋષિકેશ પટેલ, વાઘાણી,વેકરિયા, અમૃતિયા, પાનેસરિયા અને કમલેશ પટેલ) પાટીદાર સમાજના છે. જે મંત્રીમંડળમાં 27 ટકા જેટલું પ્રતિનિધિત્વ દર્શાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન