You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત મંત્રીમંડળના શપથગ્રહણ: ઋષિકેશ પટેલ, કનુ દેસાઈએ શપથ કેમ ન લીધા, કોને કોને કાઢી મુકાયા?
પાછલા કેટલાક સમયથી રાજ્ય સરકારના મંત્રીમંડળમાં મોટા બદલાવની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. આ આશંકાઓ હકીકત બનતાં ગુરુવારે કેટલાક મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.
શુક્રવારે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ પણ યોજાઈ ગયો, જેમાં 21 મંત્રીઓએ શપથ લીધા.
નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ સી. આર. પાટીલના સ્થાને નવા અધ્યક્ષની ચૂંટણી અને ભાજપના મોટા નેતાઓના ગુજરાત-દિલ્હીના વધતા આંટાફેરા જોઈને ગુજરાતના મંત્રીમંડળમાં 'નવાજૂની'ના એંધાણ તો અગાઉથી જ મળી ચૂક્યા હતા.
નિષ્ણાતો આ મંત્રીમંડળના આ બદલાવને 'સત્તાવિરોધી લહેર અને પક્ષમાં અસંતોષને ખાળવાના પ્રયાસ' અને 'સત્તા સંતુલન સ્થાપવાના પ્રયાસ' તરીકે જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક રાજકીય નિષ્ણાતો પક્ષપલટો કરીને આવેલા મોટા નેતાઓની 'મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાની કવાયત' પણ ગણાવી રહ્યા છે.
આ શપથવિધિ સમારોહની ખાસ વાત એ રહી કે અગાઉ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકેનું પદ સંભાળતા હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી તરીકે 'બઢતી' મળી છે.
આમ, જ્યારે હર્ષ સંઘવી જેવાં કેટલાંક નામોને ફરી વાર નવા મંત્રીમંડળમાં 'રિપીટ' કરાયાં છે તો સામેની બાજુએ કેટલાંક નામ એવાં પણ છે જેમની નવા મંત્રીમંડળમાંથી 'બાદબાકી' પણ કરાઈ છે.
ઉપરાંત અર્જુન મોઢવાડિયા જેવા કેટલાક પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ આ વખત મંત્રીમંડળમાં તક અપાઈ છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે આખરે આ વખત મંત્રીમંડળમાંથી કોની કોની બાદબાકી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રીમંડળમાંથી કયાં નામોની 'બાદબાકી' કરાઈ?
નવા મંત્રીમંડળમાંથી રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુ બેરા, કુબેર ડિંડોર, ભાનુબહેન બાબરિયા, જગદીશ વિશ્વકર્મા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ જેવાં નામોને બાકાત રાખવામાં આવ્યાં છે.
રાઘવજી પટેલ પાસે અગાઉના મંત્રીમંડળમાં કૃષિ, પશુ સંવર્ધન, માછીમારી, ગ્રામીણ વિકાસ ખાતાં હતાં.
બળવંતસિંહ રાજપૂત પાસે ઉદ્યોગ, કુટીર, ખાદી ગ્રામોદ્યોગ, શ્રમ ખાતાં હતાં.
મૂળુભાઈ બેરા પાસે અગાઉના મંત્રીમંડળમાં પર્યટન મંત્રાલય, કુબેર ડિંડોરને આદિવાસી વિકાસ મંત્રાલય અને ભાનુબહેન બાબરિયા પાસે સામાજિક ન્યાય અને મહિલા સશક્તીકરણ તથા બાળ કલ્યાણ ખાતાં હતાં.
બચુભાઈ ખાવડને પંચાયત અને કૃષિ મંત્રાલય તથા મુકેશ પટેલને વન અને પર્યાવરણ મંત્રાલયનો રાજયકક્ષાનો હવાલો અપાયો હતો.
ભીખુસિંહ પરમાર પાસે ખાદ્યાન્ન અને સામાજિક ન્યાય ખાતાં હતાં. કુંવરજી હળપતિને અગાઉના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા અને તેમને આદિવાસી વિકાસ, શ્રમ અને રોજગારની જવાબદારી અપાઈ હતી.
આ સિવાય તાજેતરમાં અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) સીઆર પાટીલને સ્થાને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ તેમનું નામ નવા મંત્રીમંડળમાં સામેલ નહોતું કરાયું.
નોંધનીય છે કે અગાઉ તેમની પાસે સહકાર, નમક ઉદ્યોગનાં ખાતાં હતાં.
શપથવિધિ સમારોહના અંત સુધીમાં અગાઉના મંત્રીમંડળમાં કૅબિનેટ મંત્રી તરીકે સામેલ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાએ પણ શપથ લીધા નહોતા.
અગાઉના મંત્રીમંડળમાં કૅબિનેટ મંત્રીઓની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ પાસે નાણા અને ઊર્જા મંત્રાલય હતું, જ્યારે ઋષિકેશ પટેલ પાસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, કાયદો, ન્યાય ખાતું હતાં.
કુંવરજી બાવળિયાને જળ સંસાધન, પાણી પુરવઠો અને ખાદ્યાન્ન ખાતાં હતાં.
આ ઉપરાંત અગાઉના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી રહેલા પરશોતમ સોલંકીએ પણ શપથ લીધા નહોતા.
પરશોત્તમ સોલંકી પાસે અગાઉના મંત્રીમંડળમાં મત્સ્યોદ્યોગ ખાંતું હતું.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે જણાવ્યાનુસાર ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, જળસંસાધન મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીએ ગુરુવારે રાજીનામાં આપ્યાં નહોતાં.
તેથી તેઓ હાલ મંત્રીમંડળમાં ચાલુ રહેશે. આમ, શપથગ્રહણ સમારોહમાં શપથ લેનાર કુલ 21 મંત્રી અને ચાર અગાઉના મંત્રી તેમજ મુખ્ય મંત્રી સહિત ગુજરાત રાજ્યનું મંત્રીમંડળનું કદ વધીને હવે 26 થઈ ગયું છે.
નવા મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ?
શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં સૌપ્રથમ સુરતના મજૂરા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ અગાઉ તેમની પાસે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી તરીકેનો હવાલો હતો.
આ ઉપરાંત કૅબિનેટ મંત્રી તરીકે ભાવનગર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય જિતુ વાઘાણીની મંત્રીમંડળમાં વાપસી થઈ હતી. આ ઉપરાંત રાજ્યના કૅબિનેટ મંત્રી તરીકે ગણદેવીના ધારાસબ્ય નરેશભાઈ પટેલ, કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમ્ન વાજા અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ શપથ લીધા હતા.
આ ઉપરાંત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય, દર્શનાબહેન વાઘેલા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણકુમાર માળી, નિઝરના ધારાસભ્ય ડૉ. જયરામભાઈ ગામીત, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને જામનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા.
આ સિવાય અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને વડોદરા શહેરનાં ધારાસભ્ય મનીષા વકીલને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન