સોનાની સતત વધતી કિંમતો શું ખરેખર ભારત માટે ખરાબ છે, શું તેની મોંઘવારી પર અસર થશે?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજા-રજવાડાના સમયથી કયો રાજા કેટલો શક્તિશાળી એનો અંદાજ એ વાત પરથી આવતો કે તેની પાસે ગોલ્ડ એટલે કે સોનાનો કેટલો ભંડાર છે.

સમય બદલાયો, વ્યવસ્થાઓ બદલાઈ, પરંતુ સોનાની 'બાદશાહત' આજેય જળવાયેલી છે. બલકે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે પહેલાંની સરખામણીએ એ હજુ વધુ શક્તિશાળી થઈ ગયું છે. એટલું શક્તિશાળી કે એ કોઈ પણ દેશના ચલણ પર અસર કરી શકે છે, મોંઘવારી વધારી શકે છે અને સરકારો હચમચાવી શકે છે.

ભારમતાં સોનું માત્ર રોકાણ જ નહીં, બલકે સંસ્કૃતિ અને પરંપરા સાથે સાંકળીને પણ ખરીદાય છે. આ સિવાય એવું પણ મનાય છે કે સોનું જરૂરિયાતના સમયે કામ લાગે છે, તેથી એ આર્થિક દૃષ્ટિકોણથી પણ ઘણું મહત્ત્વપૂર્ણ છે.

આ વર્ષની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સોનાની કિંમતોમાં લગભગ 62 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. તેમ છતાં ભારતીયો પાસેના સોનાના હોલ્ડિંગમાં ખાસ ઘટાડો નથી આવ્યો.

ભારતીય ઘરોમાં રેકૉર્ડ સોનું

મૉર્ગન સ્ટેનલીએ હાલમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો. જેમાં કહેવાયું છે કે ભારતીય પરિવારો પાસે 34,600 ટન ગોલ્ડ છે, જેની કિંમત 3.8 ટ્રિલિયન ડૉલર છે. આ રકમ ભારતની જીડીપના 88.8 ટકા જેટલી છે.

સોનાની કિંમતો હાલ પોતાના ઑલ ટાઇમ હાઇ પર પહોંચી ચૂકી છે. સોનાની કિંમતો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 4100 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ચૂકી છે. આ દૃષ્ટિકોણથી 'ઘરેલુ ગોલ્ડ'ની આ કિંમત ભારત માટે સારા સમાચાર છે.

મૉર્ગન સ્ટેનલી અનુસાર જૂન 2025 સુધીમાં ભારતીય પરિવારો પાસે લગભગ 34,600 ટન સોનું હતું. આ સાથે જ ચીન બાદ ભારત વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા બની ગયું.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય રિઝર્વ બૅન્કે પણ પોતાનો ગોલ્ડ ભંડાર વધાર્યો છે અને વર્ષ 2024માં 75 ટન સોનાની ખરીદી કરી છે. આ સાથે જ ભારતનો ગોલ્ડ ભંડાર લગભગ 880 ટન સુધી પહોંચી ગયો છે, જે ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારના 14 ટકા છે.

આ તો થઈ વાત ભારતમાં ગોલ્ડના વધતા રુબાબની, પરંતુ સોનાની વધતી કિંમતો દેશના અર્થતંત્ર પર પણ અસર કરે છે અને તેની સીધી અસર કરન્સી એટલે કે ચલણ પર પડે છે.

રૂપિયા પર અસર

કોઈ દેશની આવકનો પ્રમુખ ભાગ એ દેશમાં પેદા થતો કે ત્યાં બનતી વસ્તુઓના વેપારથી આવે છે. એટલે કે બીજા દેશોથી મગાવેલી વસ્તુઓની સરખામણીએ જે વસ્તુઓ દેશ સૌથી વધુ નિકાસ કરે છે, તેનાથી તેને વધુ આવક મળે છે.

ગોલ્ડની આયાત-નિકાસ પર પણ આ જ નિયમ લાગુ પડે છે. જો કોઈ દેશ સોનાની વધુ નિકાસ કરે છે તો તેનું ચલણ પણ મજબૂત બને છે. પરંતુ ભારત સોનું વધુ ઇમ્પૉર્ટ કરતા દેશોમાં સામેલ છે, તેથી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધે છે, ભારતીય રૂપિયાની કિંમત ઘટે છે.

મોંઘવારી પર અસર

સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવ ઘણાં બધાં કારણોને લીધે આવે છે. તેમાંથી એક મુખ્ય કારણ છે સોનાની આયાત અને નિકાસ.

ગોલ્ડની આયાતમાં વધારાની સીધી અસર મોંઘવારી સ્વરૂપે જોવા મળી શકે છે.

માર્કેટ ઍનાલિસ્ટ આસિફ ઇકબાલ જણાવે છે કે, "આને આવી રીતે સમજીએ - ઉદાહરણ તરીકે, ભારતે વધતી માગને પૂર્ણ કરવા માટે વિદેશમાંથી સોનાની આયાત કરવી પડશે, આ સોનાની કિંમત ચૂકવવા માટે વધુ ચલણી નોટો છાપવી પડશે અને તેનાથી રૂપિયાની વૅલ્યૂ પર અસર પડશે. પરિણામ સ્વરૂપે મોંઘવારી વધવાની આશંકા જળવાઈ રહેશે."

શું પહેલાં પણ સોનામાં આવી તેજી આવી છે?

એવું નથી કે સોનાની કિંમતોમાં આ વખતે જ આવી રીતે વધી છે. આસિફ ઇકબાલ જણાવે છે કે 1930ના દાયકામાં અને 1970-80માં પણ સોનાએ 'બુલ રન' બતાવ્યું હતું. વર્ષ 1978 અને 1980 વચ્ચે સોનાની કિંમતો સમગ્ર વિશ્વમાં ચાર ગણી થઈ ગઈ હતી અને એ 200 ડૉલર પ્રતિ ઔંસથી વધીને 850 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગઈ હતી. ત્યારે નિષ્ણાતોએ કિંમતોમાં આ ઉછાળાનું કારણ સમગ્ર વિશ્વમાં વધતી મોંઘવારી, ઈરાનમાં ક્રાંતિ અને અફઘાનિસ્તાનમાં સોવિયેત હુમલાથી સર્જાયેલી અનિશ્ચિતતાને ગણાવી હતી.

જોકે, ત્યારે ભારતમાં સોનાની આયાત કાયદા અંતર્ગત નિયંત્રિત હતી. તેમ છતાં આંકડા જણાવે છે કે ભારતમાં દસ ગ્રામ સોનાના ભાવ જે 1979માં 937 રૂપિયા હતા, એ 1980માં વધીને 1,330 રૂપિયા થઈ ગયા હતા. એટલે કે કિંમતોમાં લગભગ 45 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

પરંતુ એ બાદ અમેરિકાની કેન્દ્રીય બૅન્ક ફેડરલ રિઝર્વના તત્કાલીન ચૅરમૅન પૉલ વોલ્ફરે મોંઘવારીને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરોમાં ભારે વધારો કર્યો, ત્યારે તેનું નામ 'વોલ્ફર શૉક' અપાયું હતું. આની અસર એવી થઈ કે સોનાની કિંમતો પોતાના ઉચ્ચતમ સ્તરેથી 50 ટકા ઘટી ગઈ. એ બાદ આગામી બે દાયકા સુધી સોનાની કિંમતોમાં ખૂબ ઘટાડો-વધારો જોવા મળ્યા.

સોનાની ચમક આ પહેલાં 1930ના દાયકામાં ફીકી પડી હતી. ત્યારે અમેરિકાની સરકારે કાયદો બનાવીને લોકોનું સોનું જપ્ત કર્યું હતું. રાષ્ટ્રપતિ ફ્રેકલિન ડી રૂઝવેલ્ટે 1933માં એક કારોબારી આદેશ પર સહી કરી. આ કુખ્યાત આદેશને ઑર્ડર નંબર 6102 નામ મળ્યું. આ ઑર્ડરમાં કહેવાયું હતું કે દરેક અમેરિકને પોતાનું સોનું સરકાર પાસે જમા કરાવવું પડશે અને ભાવ નક્કી થયા 20.67 ડૉલર પ્રતિ ઔંસ. અને જે સોનું આપવાનો ઇનકાર કરે, તેના પર દંડ અને જેલ સુધીની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ હતી. 1934માં ગોલ્ડ રિઝર્વ ઍક્ટ લાવવામાં આવ્યો, જેમાં સોનાનો ભાવ 35 ડૉલર પ્રતિ ઔંસ નક્કી કરાયો.

આ વખતનો માહોલ પહેલાં કરતાં અલગ કેવી રીતે છે?

સવાલ એ છે કે આ વખતનો માહોલ પહેલાં કરતાં અલગ કેવી રીતે છે?

આસિફ ઇકબાલ કહે છે કે, "1930માં સોનામાં તેજી મુખ્યપણે નીતિને કારણે હતી, તો 1980ના ઉછાળા પાછળ મુખ્યત્વે મોંઘવારી જવાબદાર હતી. પરંતુ ત્યારે સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બૅન્કો સોનાની ખરીદદારીની દોડમાં સામેલ નહોતી. સોનાની આ તેજીના સમયગાળામાં સેન્ટ્રલ બૅન્ક્સની ખરીદી પણ એક મુખ્ય કારણ છે. રિઝર્વ બૅન્કે જ પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારીને લગભગ 880 ટન કરી લીધો છે."

એમઆઇટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર રિતુ ગોયલે ઇટી નાઉ સાથેની વાતચીતમાં કહ્યું, "સોનાની કિંમતોમાં વધારાથી જ્વેલરીના ઘરેલુ માર્કેટને મજબૂતી મળી છે, પરંતુ તેની દૂરગામી અસર જોવા મળશે. વેપાર સંતુલન બગડશે, મોંઘવારી વધી શકે છે અને તેની ખરાબ અસર અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે."

આર્થિક વૃદ્ધિ પર અસર

જોકે, ઘણા જાણકારો માને છે કે ભારત સહિત ઘણા દેશ એક રાજકારણ અંતર્ગત ડૉલર પર નિર્ભરતા ઘટાડવા માટે ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે.

આસિફ કહે છે કે, "અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ સમગ્ર વિશ્વને પોતાના રાજકારણને ફરીથી તૈયાર કરવા માટે મજબૂર કરી દીધું છે. બ્રિક્સ દેશ સહિત ઘણાં બીજાં રાષ્ટ્રો ડી-ડૉલરાઇઝેશનની તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે."

જ્યારે કોઈ દેશ ડૉલરથી દૂર જાય છે કે અંતર જાળવે છે તો તેને ડી-ડૉલરાઇઝેશન કહેવામાં આવે છે.

સામાન્ય રીતે દેશો પાતાના ફૉરેક્સ રિઝર્વમાં ડૉલર કે યુએસ બૉન્ડ રાખે છે અને તેને સતત વધારતા રહે છે. કારણ કે તેમણે ક્રૂડઑઇલ કે બીજો સામાન આયાત કરવા માટે ડૉલરમાં ચુકવણી કરવી પડે છે.

ઘણાં વર્ષોથી ડૉલર અંગે આવું જ વલણ ચાલી રહ્યું છે.

આસિફ કહે છે કે, "હાલનાં વર્ષોમાં અમેરિકાની નીતિઓથી ડૉલર અંગે ઘણા દેશોમાં આશંકા પેદા થઈ છે. વર્ષ 2015 અને 2016 બાદ અમેરિકાએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લાદ્યા છે અને તેમની પાસે ફૉરેક્સ રિઝર્વ ફ્રીઝ કરી દેવાયા છે. એ બાદથી જ કેટલાક દેશ ડૉલર અંગે અસહજ રહ્યા છે."

બૅન્કિંગ સિસ્ટમ પર દબાણ સંભવ?

દેશમાં સોનું ખરીદવાના વલણમાં પણ બદલાવ આવ્યો છે. જ્વેલરીના સ્થાને ઘણા લોકો ફિઝિકલ ગોલ્ડ (જેમ કે બ્રિક્સ કે બિસ્કિટ)માં રોકાણ કરી રહ્યા છે.

ઇન્ડિયા બુલ્સ ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના પ્રવક્તા સુરિંદર મહેતાએ બીબીસીને કહ્યું કે જ્વેલરીના વેચાણમાં 27 ટકાનો ઘટાડો આવ્યો છે, પરંતુ સિક્કા અને બુલિયનના વેચાણમાં વધારો થયો છે.

સમગ્ર ભારતમાં લોકો નિશ્ચિંતપણે સોનું ખરીદી રહ્યા છે. મોટાં શહેરોની સરખામણીએ નાનાં શહેરો અને કસબામાં લોકો સોનું વધુ ખરીદી રહ્યા છે.

ટ્રેન્ડમાં જોવા મળી રહેલા આ બદલાવ અંગે આસિફે કહ્યું, "વધતી કિંમતો છતાં જો લોકો સોનું ખરીદી રહ્યા છે તો તેનાથી તેમની ફાઇનાન્સિયલ સેવિંગ્સ ઘટી શકે છે. બૅન્કમાં ડિપૉઝિટ ઘટી શકે છે. આનાથી બૅન્કિંગ સિસ્ટમાં પૈસા ઘટી શકે છે અને લોન આપવા માટેની રકમ ઘટી શકે છે. કુલ્લે આની અસર કૉર્પોરેટ કે કૃષિ સેક્ટરને અપાતી લોન પર પડી શકે છે અને આર્થિક વૃદ્ધિ પ્રભાવિત થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન