You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ ભાજપની 'વ્યૂહરચના' છે કે પછી 'નિષ્ફળતા'?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
ભાજપ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈને નવું મંત્રીમંડળનું ગઠન કર્યું છે.
વર્ષ 2022માં જંગી બહુમતી દ્વારા સત્તામાં આવેલી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એવું શું થયું કે ભાજપે તેના મંત્રીમંડળને બદલીને તેનું વિસ્તરણ કરવાની જરૂર જણાઈ?
ગુજરાત ભાજપની 'પ્રયોગશાળા' માનવામાં આવે છે ત્યારે સવાલ એ પણ થાય છે કે શું આ ભાજપનો કોઈ 'માસ્ટર સ્ટ્રોક' છે કે 'રાજકીય નિષ્ફળતા'?
કેટલાક નિષ્ણાતો તેને ભાજપની સ્ટ્રેટજી ગણાવી રહ્યા છે, પરંતુ મંત્રીમંડળનું જે પ્રકારે વિસ્તરણ થયું છે અને જે પ્રકારે કેટલાક મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રીઓને ભૂપેન્દ પટેલની સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે તેને લઈને સવાલો પણ ઊઠી રહ્યા છે.
વિપક્ષો આરોપ લગાવે છે કે સરકાર તેની 'નિષ્ફળતા' છુપાવવા આ 'તરકટ' કરી રહી છે.
જાણકારો એમ પણ કહે છે કે જ્ઞાતિ અને પ્રદેશનું સમીકરણ સાધવા માટેની અને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને આપેલાં વચનો પૂરાં કરવાની આ કવાયત છે.
જોકે, ભાજપ વિપક્ષના આરોપોને ફગાવે છે. તેનું કહેવું છે કે ભાજપ માટે વ્યક્તિ કે હોદ્દો નહીં પરંતુ જવાબદારી મહત્ત્વની છે.
હવે આ બધા વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ એ શું ભાજપની 'વ્યૂહરચના' છે કે 'નિષ્ફળતા'?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ ભાજપની 'નિષ્ફળતા' છે?
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં તમને આટલી જંગી બહુમતિ મળી હોય છતાં તમે આટલા બધા મંત્રીઓને હઠાવી દો તે દર્શાવે છે કે સરકારની સામે ઘણી ફરિયાદો છે.
સુરતથી પ્રકાશિત થતા 'ધબકાર' દૈનિકના તંત્રી નરેશ વરિયા આ ફેરફારને ગુજરાત સરકારની 'નિષ્ફળતા' ગણાવે છે.
તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "કેટલાક મંત્રીઓને હઠાવીને એક પ્રકારે ભાજપે સ્વીકાર કર્યો છે કે આ મંત્રીઓની છબિ ખરડાયેલી છે. રાજ્યભરમાં આંદોલનો ચાલે છે. પ્રજાના રોષનો પડઘો પડ્યો છે."
"કેટલાક મંત્રીઓના સામે ગંભીર ફરિયાદો હતી. તે પૈકી કેટલાકની સામે ભ્રષ્ટાચારની પણ ફરિયાદો હતી."
જાણકારો એમ પણ કહે છે કે સરકારની ખરડાયેલી છબિને સાફ કરવા માટે ભાજપે આ પ્રકારના પ્રયોગો કરવા મજબૂર થવું પડ્યું.
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "સરકારનો ચહેરો સાફ કરવાની આ કવાયત છે. જે પ્રધાનો સામે ગંભીર આરોપો હતા તેમને દૂર કરાયા છે."
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "આ પ્રકારના ફેરફારો બેધારી તલવાર જેવા છે. એક તરફ તમે છબિ સાફ કરવાની કવાયત હોવાનો દાવો કરો છો જ્યારે બીજી તરફ જૂના મંત્રીઓને પડતા મૂકીને તમે એ સ્વીકારો છો કે આ તમારી નિષ્ફળતા છે."
"બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ જેવા દિગ્ગજ પડતા મુકાયા. જે પ્રજામાં સંકેત મોકલે છે કે આ મંત્રીઓ પ્રજાનું કામ કરવામાં ઊણા ઊતર્યા છે."
નરેશ વરિયા કહે છે, "મંત્રીઓની સંખ્યામાં વધારો કરવો પડ્યો છે. જે બતાડે છે કે તેમની સામે પડકારો વધ્યા છે અને ચરિત્ર ખરડાયું છે."
આ સાથે તેઓ કહે છે કે પરસોત્તમ સોલંકી જેવા કેટલાક મંત્રીઓને હઠાવવાનું જોખમ પણ ભાજપે લીધું નથી, જે તેની મજબૂરી પણ બતાવે છે.
ભાજપ, કૉંગ્રેસ અને 'આપ'નું શું કહેવું છે?
કૉંગ્રેસ મંત્રીમંડળમાં પરિવર્તનની ભાજપની કવાયતને પ્રજાને ભ્રમમાં રાખવાની રણનીતિ ગણાવે છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "વિખવાદ, વિવાદ અને ખેંચતાણને કારણે ગુજરાતનો વહીવટ ખાડે ગયેલો છે. આ નિષ્ફળતાને છુપાવવા માટે સરકારને ફરજ પડી છે. સરકારે ચહેરો બદલવાની જરૂર નથી, પરંતુ તંત્ર અને નીયત બદલવાની જરૂર છે."
તેઓ એ પણ સવાલ કરે છે કે આ ફેરફારથી જનતાને શું મળ્યું? શું તેનાથી ગુજરાતના લોકોની પરેશાની કે સમસ્યા દૂર થશે ખરી?
ડૉ. મનીષ દોશી વધુમાં જણાવે છે, "બચુ ખાબડ સામે આરોપ થયાને આટલો સમય થયો છતાં તેમને અત્યાર સુધી કેમ ચાલુ રાખ્યા હતા? ખેડૂતોની આટલી બધી સમસ્યા હતી છતાં રાઘવજી પટેલને કૃષિમંત્રીપદે શા માટે ચાલુ રાખ્યા હતા? રાઘવજી પટેલને બીમાર હોવાનું કારણ આગળ ધરીને તેમને પડતા મૂકવામાં આવ્યા એવું કહે છે, તો પરસોત્તમ સોલંકી ઘણા સમયથી બીમાર છે, તેમને કેમ પડતા નહોતા મૂકવામાં આવ્યા? આ બતાવે છે કે સરકાર માત્ર પ્રજાની આંખમાં ધૂળ નાખવા માટે આ બધાં તરકટો કરે છે."
જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપ વીસાવદરમાં 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયાની જીતથી ગભરાઈ ગયો છે.
હેમંત ખવા જણાવે છે, "આપનો સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપ વધ્યો છે તેથી ભાજપ હવે આ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. પરિણામે સરકારે આ વિસ્તારમાંથી મંત્રીઓ વધાર્યા છે."
"આ ભાજપની ચાલ છે. તેનાથી લોકોના રોષને ટાઢો પાડવાનો પ્રયાસ કરવો છે. સરકાર નિષ્ક્રિય હતી અને પ્રજા તેને જાણી ગઈ હતી તેથી લોકોમાં આવાં ગતકડાં કરીને આશાનો સંચાર કરવાનો નિષ્ફળ પ્રયાસ છે."
ભાજપ કહે છે કે જે પાર્ટીનું ગુજરાતમા કશું ઊપજતું નથી તેઓ આ પ્રકારના આરોપો કરે તે સ્વાભાવિક છે.
ડૉ. યજ્ઞેશ દવે જણાવે છે, "આ પ્રકારના આરોપો લગાવનારા લોકો પાસે ન તો સત્તાનો અનુભવ છે, ન યોગ્ય જાણકારી. ભાજપ પરિવર્તનશીલતામાં માને છે. દરેકને ભાગે યોગ્ય જવાબદારી આવે તેનું તે ધ્યાન રાખે છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ 'રણનીતિ' છે?
ગુજરાતની વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળને હઠાવીને નવા મુખ્ય મંત્રી સહિત તમામ મંત્રીઓ નવા લીધા હતા. પછી 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે 'ભવ્ય વિજય' મેળવ્યો હતો.
જાણકારો કહે છે કે ભાજપે ફરી વખત રાજ્યમાં આ જ પ્રયોગ કર્યો છે અને તેનો ઉદ્દેશ્ય બે વર્ષ બાદ આવનારી વિધાનસભાની ચૂંટણી છે.
રાજકીય નિષ્ણાતો માને છે ભાજપને આ પ્રયોગોનો લાભ પણ મળતો રહ્યો છે. ભાજપ 'નો-રિપિટ' થિયરીને ઘણે અંશે લાગુ કરીને જૂના ચહેરાને હઠાવીને નવા ચહેરાને મૂકીને ઍન્ટિ-ઇન્કમ્બન્સી ફૅક્ટરને દૂર કરવાનો હંમેશાં પ્રયોગ કરે છે.
જાણકારો એમ પણ કહે છે કે સત્તાવિરોધી લહેરને નાથવા માટે કરવામાં આવતા આ પ્રકારના પ્રયોગો માટે તે તેની 'પ્રયોગશાળા' મનાતા ગુજરાતમાં જ અમલમાં મૂકે છે.
અમદાવાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવતા સાર્થક બાગચી કહે છે કે આ ભાજપની અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ 'રણનીતિ' છે.
સાર્થક બાગચી બીબીસી ગુજરાતીને જણાવે છે, "લોકો ખુશ નથી એવું નથી, પરંતુ જ્યાં થોડી ઘણી નારાજગી છે તે દૂર કરવાની કવાયત છે. ભાજપ અને તંત્રને કાબૂમાં રાખવાની સ્ટ્રેટજી છે."
"જ્યાં સરકારમાં કોઈ તકલીફ હતી તેને લઈને જે ફિડબૅક મળ્યો હતો તેના પર કામ કરવાની રણનીતિ છે."
નરેશ વરિયા જણાવે છે કે આ પ્રકારે ફેરફાર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ખાસ સંકેતો પણ મોકલ્યા છે.
નરેશ વરિયા કહે છે, "કેટલાક મંત્રીઓને પડતા મૂકીને અને નવા મંત્રીઓને લઈને તેમણે સંકેત આપ્યો છે કે કામ કરવું પડશે અને વિવાદો તથા ભ્રષ્ટાચારથી દૂર રહેવું પડશે."
તેમનું કહેવું છે કે ભાજપના આ પ્રકારના તમામ ફેરફાર ચૂંટણીલક્ષી હોય છે. તેઓ ઉમેરે છે, "આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને લઈને અને સાથે ભાજપની છબિને ધ્યાન પર લઈને આ ફેરફારો થયા છે."
તેઓ કહે છે, "દિવાળીના તહેવારોમાં વિવિધ જ્ઞાતિઓનાં સ્નેહસંમેલનો યોજાય છે. આ સમયે આ નવા મંત્રીઓ આ જ્ઞાતિઓનાં સંમેલનોમાં જાય અને તેમના વ્યક્તિગત વર્ચસ્વમાં વધારો થાય અને તેઓ પોતાનું પ્રભુત્વ જમાવી શકે."
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે ગુજરાતમાં ભાજપ એટલો મજબૂત છે કે તે આ પ્રકારના બાહોશ નિર્ણયો લઈ શકે છે.
આ વિશે તેઓ જણાવે છે, "રાજ્યમાં વિપક્ષ નબળો છે. તેથી અહીં પ્રયોગો કરવાની તક મળી રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારના પ્રયોગો અન્ય રાજ્યોમાં પણ કર્યા છે, પરંતુ શરૂઆત ગુજરાતથી થઈ છે. તેમને ખબર છે કે કયા પ્રકારના પ્રયોગો કરવાથી પક્ષને નુકસાનમાંથી બચાવી શકાય છે અને સાથે ફાયદો પણ લઈ શકાય."
ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "ભાજપમાં મંત્રી બનવું એ કોઈ વટ મારવાનો કે મોભા માટેની પ્રક્રિયા નથી. સમાજસેવાનું માધ્યમ છે. પાર્ટી માટે વ્યક્તિ નહીં, પરંતુ કાર્યકર મહાન છે."
"જે નવા મંત્રી બન્યા છે તે કામના અને જે મંત્રીઓને પડતા મુકાયા છે તે નકામા છે એવું નથી, જેમને નવા મંત્રી બનાવ્યા છે તે વધારે કામના છે. જેમને પડતા મૂકવામાં આવ્યા છે તેમને બીજી જવાબદારી સોંપવામાં આવશે."
જે મંત્રી સામે ગંભીર આરોપો હતા તેમને પડતા મુકાયા હોવાના વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા જયરાજસિંહ પરમાર કહે છે, "ભાજપના શાસનમાં આરોપોના તપાસની એક વ્યવસ્થા છે. જેમની સામે આરોપો છે તેઓ આ તપાસનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેને કારણે તેમને કાઢવામાં આવ્યા હોય તેવું કહેવું અયોગ્ય છે."
ગુજરાતમાં મંત્રીમંડળની 'સર્જરી' કરવાની જરૂર કેમ પડી?
જાણકારો એમ પણ કહે છે કે આ પ્રકારના પ્રયોગો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી જે ધારે તે કરી શકે છે તેની ક્ષમતા વ્યક્ત કરે છે.
નરેશ વરિયા કહે છે, "રાજ્યમાં તો છે જ નહીં પરંતુ કેન્દ્રમાં પણ મોદી-શાહની જોડીને પડકાર આપનારું કોણ છે? આ પ્રકારના ફેરફારો પાર્ટી કેડરમાં, નેતાઓમાં અને મંત્રીઓમાં જાય તે માટે તેઓ આમ કરી રહ્યા છે."
જગદીશ આચાર્ય કહે છે, "ગુજરાતમાં રૂપાણી સરકારને હાંકી કાઢીને તેમણે અગાઉ પણ દેશમાં સંકેતો મોકલ્યા જ હતા."
તેઓ વધુમાં જણાવે છે કે "તેઓ સંકેત મોકલે છે કે ભાજપ જ નેતાઓ બનાવે છે અને ભાજપ જ નેતા પાડે છે."
જગદીશ આચાર્ય કહે છે કે ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના પ્રયોગો થયા છે.
તેઓ આ વિશે જણાવતા કહે છે, "બિહારની ચૂંટણી પહેલા આ પ્રકારનો પ્રયોગ કરીને તેમણે આખા દેશમાં પાર્ટીના કાર્યકર્તાઓને અને પ્રજાને અલગ સંદેશ આપ્યો છે."
સાર્થક બાગચી કહે છે, "ભાજપનું આ ઍક્ટિવ પોલિટિક્સ છે. તે ફિડબૅકને ગંભીરતાથી લે છે. ભૂતકાળમાંથી શીખે છે. વિપક્ષ કઈ બાબતોમાં આગળ વધે છે તેને ધ્યાનમાં લઈને નિર્ણય લે છે. ભાજપ ટૂંકા ગાળાનો ફાયદો નથી વિચારતો, પરંતુ લાંબા ગાળાના ફાયદા પર ધ્યાન આપે છે."
સાર્થક બાગચી કહે છે, "ગુજરાતમાં ઓબીસી નેતાને પાર્ટી પ્રમુખ બનાવીને એક પ્રકારે ભાજપે બિહારની પ્રજાને એક સંકેત તો પહેલાથી જ આપ્યો છે, પરંતુ સાથે આટલો મોટો ફેરફાર કરીને બિહારના મતદારોને એ પણ સંદેશ આપ્યો છે કે તેમની પાર્ટી માટે શું મહત્ત્વનું છે?"
તેમના મતે આ ફેરફારની અસર બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જરૂરથી જોવા મળશે.
જોકે, ભાજપ પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે "એવું નથી કે પહેલી વખત આ પ્રકારે ફેરફાર થયા હોય. ભાજપ જ્ઞાતિનું સમીકરણ, પ્રદેશનું સમીકરણ, મહિલાનું સમીકરણ, શિક્ષણનું સમીકરણ વગેરેને ધ્યાનમાં રાખીને સમતોલ મંત્રીમંડળ બનાવવાનો પ્રયાસ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન