વડોદરા : રમજાનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને સ્કૂલમાં 'સમયની છૂટછાટ' આપવાનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને રમજાન મહિનામાં શાળાના સમયમાં છૂટછાટ આપતા વિવાદ થયો છે અને આ અંગેના પરિપત્રનો વિશ્વ હિન્દુ પરિષદે ઉગ્ર વિરોધ કર્યો હતો.
રમજાન મહિનો શરૂ થતો હોઈ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ વધારે હોય તેવી શાળાઓમાં સમયમાં છૂટછાટ આપવા અંગે 27 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ પરિપત્ર "મુસ્લિમ તુષ્ટિકરણ" માટે કર્યો હોવાનો પણ વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપ કર્યો હતો.
જોકે આ પરિપત્ર પ્રથમ વાર કરવામાં આવ્યો ન હતો. રમજાન મહિનામાં મુસ્લિમ વિદ્યાર્થીઓની બહુમતીમાં હોય તેવી શાળાઓમાં વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવે છે.
માત્ર રમજાન મહિનામાં જ નહીં પરંતુ ગૌરીવ્રતમાં બાળકીઓને તેમજ શ્રાવણ મહિનામાં સોમવારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સમયમાં છૂટછાટ આપવામાં આવે છે.
જોકે વિવાદ થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પરિપત્ર રદ કરી નાખ્યો છે.
પરિપત્ર અંગે શાસનાધિકારીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી શ્વેતા પારઘીએ શાળાના સમયમાં છૂટછાટ અંગે પરિપત્ર કર્યો હતો.
શ્વેતા પારઘીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "રમજાન મહિનામાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલી શાળાઓમાં સમય અંગે વર્ષોથી છૂટછાટ આપવામાં આવે છે. આ પ્રથમ વાર નથી કે આ પ્રકારની છૂટછાટ આપવામાં આવી હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિદ્યાર્થીઓને આવવાના સમયમાં એક કલાક અને છૂટવાના સમયમાં અડધો કલાકની છૂટછાટ આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે "નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા 80 ટકા કે તેનાથી વધારે હોય તેવી શાળાઓ દ્વારા છૂટછાટ આપવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે શાળાઓની રજાઓ અને શાળાના સમય અંગેનું કૅલેન્ડર બહાર પાડવામાં આવે છે. આ કૅલેન્ડરમાં ગૌરીવ્રતમાં બાળકીઓને સમયમાં આપવામાં આવતી છૂટછાટ, શ્રાવણ મહિનામાં સોમવારે શાળાનો સમય તેમજ રમજાન મહિનામાં શાળાના સમયમાં આપવામાં આવતી છૂટછાટ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે."
"પરંતુ છેલ્લાં બે વર્ષથી નગર શિક્ષણ સમિતિ દ્વારા રજાઓ અને શાળાના સમયનું કૅલેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં રમજાન મહિનામાં સમયમાં આપવામાં આવતી છૂટછાટ અંગે લખવાનું રહી ગયું હતું. ગયા વર્ષે પણ અમે રમજાન મહિનામાં શાળાના સમયમાં છૂટછાટ અંગેનો પરિપત્ર કર્યો હતો. જોકે આ વર્ષે કોઈના ધ્યાનમાં આવતા હોબાળો થયો હતો."
મુસ્લિમ બહુમતી ધરાવતી કેટલી શાળાઓ છે તે અંગેના જવાબમાં શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે "વડોદરા મહાનગરપાલિકા સંચાલિત 119 પ્રાથમિક શાળા છે. જેમાંથી 10 જેટલી શાળાઓ એવી છે જે શાળાઓમાં મુસ્લિમ બાળકોની સંખ્યા 80 ટકા કરતાં વધારે છે."
વિશ્વ હિન્દુ પરિષદે પરિપત્રનો કેમ વિરોધ કર્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
રમજાન મહિનામાં મુસ્લિમ બાળકોને શાળાઓના સમયમાં આપવામાં આવેલી છૂટછાટ અંગેનો પરિપત્ર રદ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પરિપત્ર રદ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના વડોદરાના પ્રાંતમંત્રી વિષ્ણુ પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા માત્ર મુસ્લિમ બાળકોને શાળાના સમયમાં છૂટછાટ આપતો પરિપત્ર કરીને 'મુસ્લિમ તુષ્ટિકરણ' કરી રહ્યા હોવાનું અમારું સ્પષ્ટ માનવું છે."
"વડોદરામાં અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તે સમયે બાળકોનું શિક્ષણ બગડ્યું હતું. બાળકોની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે આ પ્રકારના પરિપત્ર કરીને બાળકોનાં શિક્ષણ સાથે ચેડાં થઈ રહ્યાં છે. જેથી અમે આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. અમારી માગ છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારના પરિપત્ર કરીને બાળકો સાથે ભેદભાવ ન કરવો જોઈએ."
જાહેર કરેલો પરિપત્ર કેમ રદ કરવામાં આવ્યો?

ઇમેજ સ્રોત, UGC
પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદે કરેલા વિરોધ બાદ વડોદરા નગર શિક્ષણ સમિતિએ આ અંગે ત્રણ માર્ચે તાત્કાલિક બોર્ડ મીટિંગ બોલાવી હતી.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૅરમૅન નિષિધ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "ગયા વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિમાં શાળાઓની કામગીરી પાંચ દિવસ માટે બંધ રાખવી પડી હતી. જેથી અભ્યાસક્રમ પૂરો થઈ શક્યો ન હતો. બાળકોની પરીક્ષાઓ નજીક આવી રહી છે. બાળકોના રિવિઝન માટેનો સમય છે. બાળકોના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને માર્ચ અને એપ્રિલ મહિનામાં સમય અંગે જે પણ પરિપત્રો કરવામાં આવ્યાં હતાં તે પરિપત્રોને શિક્ષણ સમિતિની બોર્ડ મીટિંગમાં બહુમતીથી રદ કરવામાં આવ્યાં છે."
રમજાન મહિનામાં બાળકોને સમયમાં છૂટછાટ આપવાનો પરિપત્ર કાયમી રદ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે જવાબ આપતા નિષિધ દેસાઈએ જણાવ્યું હતું કે "હાલના તબક્કે અમે માર્ચ અને એપ્રિલ મહિનામાં સમય અંગે કરેલાં પરિપત્ર રદ કર્યા છે. હાલ હું ચૅરમૅન છું. મેં આ નિર્ણય લીધો છે. આગામી વર્ષે રમજાન મહિનામાં બાળકોને શાળાના સમયમાં છૂટછાટ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય તે સમયના શિક્ષણ સમિતિના ચૅરમૅન કરશે."
તો શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે "આ વર્ષે પરીક્ષા નજીક હોવાથી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમય અંગેનો પરિપત્ર શિક્ષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં શાળાઓનાં બાળકોને સમય અંગે છૂટછાટ આપવા અંગેનો પરિપત્ર કરતાં પહેલાં અધ્યક્ષની મંજૂરી લેવાની રહેશે."
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદની દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરીને સમિતિના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.
તેમણે વડોદરા મ્યુનિસિપલ નગર શિક્ષણ સમિતિ દ્વારા રમજાન મહિનામાં મુસ્લિમ બાળકોનો શાળાનો સમય બદલવા અંગેનો પરિપત્ર રદ કર્યો તે મૂક્યો હતો. તેમજ તેની સાથે વડોદરા નગર શિક્ષણ સમિતિ દ્વારા ગૌરીવ્રત દરમિયાન શાળાના સમયમાં આપવામાં આવતી છૂટછાટ અંગેનો પરિપત્ર મૂક્યો હતો.
ગ્યાસુદ્દીન શેખે લખ્યું હતું કે "વડોદરા પ્રાથમિક સમિતિ દ્વારા રમજાન માસમાં સમય ફેરફાર માટે કરવામાં આવેલો પરિપત્ર વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને કારણે સત્તાવાળાઓએ રદ કર્યો છે, જે દુઃખદ છે. ગુજરાતમાં ધાર્મિક ભેદભાવ વગર તમામ ધર્મ જાતિઓની ધાર્મિક આસ્થા અને ભાવનાઓનું આદર કરવાની હંમેશાં ગૌરવપૂર્ણ સંસ્કૃતિ રહી છે. વડોદરા સહિત રાજ્યની વિવિધ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ દ્વારા શાળાઓમાં વર્ષોથી પવિત્ર રમજાન માસ દરમિયાન શાળાના સમયમાં છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે હિંદુ ધર્મના પવિત્ર તહેવારો ગૌરીવ્રત અને શ્રાવણ માસમાં પણ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે છે તે આવકારદાયક બાબત છે."
તેમણે વધુમાં લખ્યું હતું કે "હાલ પરિપત્ર રદ કરવાથી શિક્ષણ સમિતિની શાળામાં મુસ્લિમ શિક્ષકો-શિક્ષિકાઓ તેમજ શાળામાં ભણતાં બાળકોએ રોજા-ઇફ્તાર માટે સમયસર ઘરે નહીં પહોંચી શકવાથી પરેશાનીનો સામનો કરવો પડશે. શાળા સાંજે 5.45 કલાકે છૂટે તો રોજો ખોલવાનો સમય ખૂબ જ ઓછો રહે છે. રોજો રાખેલો હોવાથી બાળકો પણ થાકી જાય છે. અને શાળાના ભણતર તેમજ શૈક્ષણિકકાર્ય પર પણ અસર પડશે."
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જે પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે એમાં પુનર્વિચારણા કરી રમજાન માસમાં સમયમાં ફેરફાર કરી છૂટછાટ આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી.
ગૌરીવ્રતમાં અપાતા સમયની છૂટછાટ અંગે વીએચપીના નેતાએ શું કહ્યું?
ગૌરીવ્રતમાં બાળકીઓને શાળાના સમયમાં આપવામાં આવતી છૂટછાટ અંગે વાત કરતાં વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે "ગૌરીવ્રતમાં બાળકીઓને શાળાના સમયમાં છૂટછાટ મળે છે તે મળવી જોઈએ. હિન્દુઓને હિન્દુસ્તાનમાં છૂટછાટ મળે તે યોગ્ય છે. મુસ્લિમો આપણા ભાઈઓ જ છે, પરંતુ તેમની 'સંસ્કૃતિ બહારથી આવેલી' છે, તો અલગ સંસ્કૃતિને છૂટછાટ ન મળવી જોઈએ."
તો નિષિધ દેસાઈએ જણાવ્યું હતું કે "પરિપત્ર રદ કરવાનો અમારો નિર્ણય વિદ્યાર્થીઓના હિત માટે છે. કોઈ ધર્મનો મુદ્દો નથી. અમે માર્ચ એપ્રિલની સમય સંબંધી પરિપત્ર રદ કર્યા છે. ગૌરીવ્રત આવશે તે સમયે તે સંજોગો અનુસાર વાત કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.












