ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કેમ જોઈ શકાતું નથી?

ઇમેજ સ્રોત, Roxy Gagdekar/BBC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની કામગીરીને જોવામાં રસ ધરાવતા લોકોએ રૂબરૂમાં ગાંધીનગર સુધી જઈને તેનું સંચાલન જોવું પડે છે.
જો કે ગુજરાત સિવાય બીજા અનેક રાજ્યો છે, જ્યાં આવું નથી અને ગૃહની કામગીરીનું લાઇવ કવરેજ લોકો સુધી વિવિધ માધ્યમોથી પહોંચે છે. દેશભરના 28 રાજ્યોમાં વિધાનસભાની કામગીરી લાઇવ બતાવવામાં આવે છે.
ગુજરાત સરકારની NeVA ઍપ કે વેબસાઇટ પર જોતા, જીવંત પ્રસારણનું બટન જરૂર દેખાય છે, પરંતુ તેમાં દિવસભરની પ્રક્રિયાને બદલે 'લોકશાહીના ધબકારા' નામનો કાર્યક્રમ દેખાય, જે ગૃહની દિવસભરની કામગીરીનો 'ઍડિટેડ' વીડિયો હોય છે.

વિધાનસભાની કામગીરીનું પ્રસારણ કેમ જરૂરી?

ઇમેજ સ્રોત, Roxy Gagdekar/BBC
ઘણા લોકો માને છે કે, આ કાર્યક્રમ થકી લોકોને દિવસભરની કામગીરીની એક નોંધ જરૂર મળે છે, પરંતુ ગૃહની ચાલતી તમામ કામગીરી વિશેની સંપૂર્ણ જાણકારીથી લોકો વંચિત રહી જાય છે.
કૉંગ્રેસના નેતા અને ધારસભ્ય અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "દેશભરમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરાલા, ઉત્તર પ્રદેશ સહિત 28 જેટલા રાજ્યોની વિધાનસભાની પ્રક્રિયા સોશિયલ મીડિયા પર લાઇવ જોઈ શકાય છે, પરંતુ ગુજરાતમાં આવું થતું નથી. ગૃહની અંદર વિરોધ પક્ષની વાત લોકો સુધી ક્યારેય પહોંચતી નથી."
વિધાનસભામાં સામાન્ય લોકોને તેના મુખ્ય દ્વારથી પ્રવેશ મળે છે. મોટાભાગના લોકો અલગઅલગ વિધાનસભાથી આ પ્રક્રિયા જોવા માટે આવતા હોય છે.
જેમ કે, કોડીનારથી આવેલા ખેડૂત ભરત બરગાએ જણાવ્યું કે, તેઓ અહીંયા કોઈ સરકારી કામથી આવ્યા હતા અને આજ સુધી ક્યારેય વિધાનસભાની પ્રક્રિયા જોઈ ન હોવાથી તેઓ આ પ્રક્રિયા જોવા માટે આવ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભરતભાઈ કહે છે, "અમારા પ્રતિનિધિ અમારી વાત કેવી રીતે ઉઠાવી રહ્યાં છે, તે જોવા માટે અમારે છેક આટલે આવું પડે તે યોગ્ય નથી. હું માનું છું કે જેમ રાજ્યસભા અને લોકસભાનુ લાઇવ કવરેજ દેખાડવામાં આવે છે તેવી જ રીતે વિધાનસભાનું પણ લાઇવ કવરેજ દેખાડવું જોઇએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં વિધાનસભાની પ્રક્રિયા મોટાભાગે મીડિયા મારફતે લોકો સુધી પહોંચે છે. તેમાં પણ મુખ્યત્વે અલગઅલગ રાજનેતાઓ જે મીડિયા બાઇટ (પત્રકારો સમક્ષ ટિપ્પણી) આપતા હોય, તે પ્રકારનું જ કવરેજ જોવા મળે છે અને ગૃહની અંદરની કામગીરી લોકોને જેવા મળતી નથી.
વિધાનસભામાં આ નિયમ વિશે બીબીસી ગુજરાતીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. એમની પ્રતિક્રિયા મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.
હાલમાં વિધાનસભા રિપૉર્ટિંગ કરવા માટે પત્રકારને પોતાના આઈ-કાર્ડના આધારે અંદર પ્રવેશ મળી શકે છે. પત્રકારો તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેઓ મોબાઇલના કૅમેરાથી તસવીર કે વીડિયો લઈ શકતાં નથી.
કૅમેરામૅનને વિધાનસભા બિલ્ડીંગની અંદર પ્રવેશ મળતો નથી. તેમના માટે વિધાનસભાના મુખ્યદ્વાર પાસે મીડિયારુમ બનાવવામાં આવ્યો છે, જ્યાં નેતાઓ આવીને મીડિયાને બાઇટ આપતા હોય છે.
પરંતુ આ સ્થળે કોઈ પત્રકાર માટે શાસકપક્ષ કે વિપક્ષના નેતાને પ્રેસકૉન્ફરન્સ સિવાય બીજા સવાલો કરવાની મોકળાશ મળવી મુશ્કેલ હોય છે.
શું કહે છે સિનિયર પત્રકારો?

ઇમેજ સ્રોત, Roxy Gagdekar/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત વિધાનસભાનું લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી રિપૉર્ટિંગ કરનાર અને 'ધ સેક્રેટરિયેટ' પૉર્ટલના ગાંધીનગરના બ્યૂરો ચીફ ગૌતમ પુરોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું:
"સરકાર એક તરફ તો પારદર્શકતાની વાત કરે છે, સરકારનું પોતાનું સોશિયલ મીડિયા ખૂબ પ્રબળ છે, ઘણા મંત્રીઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. એવામાં સરકાર ગૃહની કામગીરી લોકો સુધી કેમ પહોંચાડવા માંગતી નથી, તે એક મોટો પ્રશ્ન છે."
"રિપૉર્ટરને જે માહિતી જોઈએ છે, તે તો ઘણા લોકો લઈ જ લેતા હોય છે, પરંતુ સવાલ સરકારની પારદર્શકતાની છબીનો છે."
ગૌતમ પુરોહિત માને છે કે, સરકાર જો સોશિયલ મીડિયા પર લાઇવ કવરેજ ન કરે તો, દૂરદર્શન જેવી સરકારી ચેનલને લાઇવ પ્રસારણ કરવાના હક્ક આપી શકે છે.
આ રીતે લોકોને ગૃહના કાર્યની રિયલ-ટાઇમ માહિતી મળી રહેશે અને તેનાથી સરકારની છબી ખરાબ નહીં થાય, કારણ કે વિરોધ પક્ષના તમામ ધારસભ્યોની કુલ સંખ્યા 19ની છે, જ્યારે ભાજપના 161 ધારાસભ્યો છે.
પુરોહિત વધુમાં જણાવે છે કે, "સીધી વાત છે કે, ગૃહની અંદરની કાર્યવાહી લોકો સુધી ક્યારેય પહોંચતી નથી, જેના કારણે લોકોના ચૂંટાયેલા નેતાઓ શું કહી રહ્યાં છે, તેની માહિતી લોકોને મળતી નથી."

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN
દાયકાઓ સુધી ગાંધીનગર વિધાનસભાનું રિપૉર્ટિંગ કરનારા નિવૃત્ત વરિષ્ઠ પત્રકાર જનકભાઈ પુરોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "એવું નથી કે લોકો સુધી માહિતી પહોંચતી નથી. હું માનું છું કે લોકો સુધી પહેલાં કરતાં અત્યારે વધારે ઝડપથી માહિતી પહોંચે છે. લાઇવ કવરેજ ન થાય, તો પણ ગૃહની અંદર શું થાય છે, તેના વિશે લોકોને માહિતી મળી જ જાય છે."
"હું એવું નથી માનતો કે લાઇવ કવરેજ થાય, તો જ લોકોને માહિતી મળે કે ગૃહની અંદર શું થાય છે."
રેડિયોના સમયમાં રિપૉર્ટિંગના દિવસોને યાદ કરતા જનકભાઈ પુરોહિત જણાવે છે, "રેડિયો, છાપા, ટીવી અને છેલ્લે ઈ-પેપર કે ડિજિટલ માધ્યમો આવ્યા. ડિજિટલ રિપૉર્ટિંગના સમયમાં સરકારને લાગ્યું કે વિધાનગૃહમાં પ્રશ્નોત્તરી પતે તે પહેલાં જ પત્રકારો સમાચાર આપી દેતા હતા, જેના કારણે વિધાનસભાની બિલ્ડીંગમાં કૅમેરામૅનનો પ્રવેશ બંધ કર્યો હતો."
જનકભાઈ પુરોહિતે વર્ષ 2012માં વિધાનસભાના સ્પીકરને રજૂઆત કરી હતી કે ગૃહની કાર્યવાહી દરમિયાન તે સમયના ભાજપના બે ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડ આઈ-પેડ પર અશ્લીલ ફોટા નિહાળી રહ્યા હતા.
જોકે, તે સમયે તે નેતાઓએ મીડિયા સમક્ષ પોતાની વાતને રજૂ કરતા જણાવ્યું હતું કે તેમના પર લાગેલા આરોપો પાયાવિહોણા છે. ત્યારબાદ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ પણ આ પ્રકરણમાં ધારાસભ્યોને ક્લિનચીટ આપી હતી.
અનેક પત્રકારો માને છે કે, તે ઘટના પછી વિધાનસભાનું રિપૉર્ટિંગ કરવું વધારે મુશ્કેલ બની ગયું હતું, કારણ કે ત્યારબાદ મીડીયાકર્મીઓ પર ઘણી પાબંદીઓ લાગી ગઈ હતી.
જ્યારે બીબીસી ગુજરાતીએ જનકભાઈને આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે, "હું એ નથી માનતો કે આ ઘટના પછી આ બધું વધુ સઘન થયું છે. પત્રકારો પોતાના મોબાઇલ ફોન તો આજે પણ લઈને છેક અંદર સુધી જાય છે, તેમાં કૅમરા હોય જ છે."
વિરોધપક્ષે આ મુદ્દે શું વાત કરી છે?

ગુજરાતમાં વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ તો તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે, જેમાં તેમણે માંગણી કરી છે કે ગૃહના કાર્યનું લાઇવ કવરેજ થવું જોઇએ.
અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "હાલમાં 'લોકશાહીના ધબકારા' નામના ઍડિટેડ કાર્યક્રમ થકી ગૃહની કામગીરી લોકો સુધી પહોંચે છે, પરંતુ તે અધૂરી માહિતી છે. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષની વાતો ઍડિટ કરી દેવામાં આવે છે, જ્યારે માત્ર મંત્રીઓ કે ભાજપના ધારાસભ્યોની સ્પીચનો ઉપયોગ કરવામાં આવે છે. સદનમાં જો વિરોધપક્ષની વાત જ ન હોય, તો લોકશાહી કેવી રીતે જીવે?"
અમિત ચાવડા ઉમેરે છે, "આવા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની લાંબી સ્પીચ મૂકવામાં આવી છે, પરંતુ તે સ્પીચ પહેલાં વિરોધપક્ષ દ્વારા કરવામાં આવેલી રાજકીય ટિપ્પણીના કાઢી નાખવામાં આવી છે."
ચાવડાનું માનવું છે કે આ રીતે ભાજપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












