ગુજરાત : નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એક જ દિવસે બંને નેતા રાજ્યની મુલાકાતે કેમ આવી રહ્યા છે?

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

આગામી સાત અને આઠ માર્ચે ગુજરાતમાં રસપ્રદ રાજકીય યોગ રચાયો છે. તે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં હશે. નરેન્દ્ર મોદી સુરત અને નવસારીમાં આવવાના છે, જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવશે.

આ માત્ર એક સંયોગ છે કે આયોજનપૂર્વકની ગોઠવણ એ વિશે હાલ ચર્ચા ચાલી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ સમયગાળામાં ગુજરાત આગમન અંગેનાં કારણ અંગે અધિકારીઓએ સ્પષ્ટતા પણ કરી હતી.

આધિકારિક માહિતી અનુસાર વડા પ્રધાન નૅશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ સિસ્ટમ હેઠળ નવા લાભાર્થીઓને સામેલ કરવા પ્રસંગે સુરતના કાર્યક્રમમાં હાજર રહેશે.

જે બાદ આઠમી માર્ચે તેઓ નવસારી જવાના છે.

તો બીજી તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં યોજાઈ રહેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા સહિતની રાજકીય પ્રવૃત્તિઓ માટે રાહુલ ગાંધી પણ રાજ્યમાં હાજર રહેશે.

વડા પ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એક જ સમયે યોજાનાર રાજ્યની મુલાકાતને રાજકીય વિશ્લેષકો કેવી રીતે જોઈ રહ્યા છે એ જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

એ પહેલાં વિગતવાર જાણી લઈએ કે આ બંને નેતા આ સમયગાળામાં ગુજરાત કેમ પહોંચી રહ્યા છે.

રાહુલ ગાંધી અને પીએમ મોદી ગુજરાત કેમ આવી રહ્યા છે?

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, રાજકારણ

ઇમેજ સ્રોત, gpcc

ઇમેજ કૅપ્શન, જુલાઈ 2024માં રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા અને વિવિધ હોનારતોના પીડિતોને મળ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાનના સાતમી માર્ચના સુરતના કાર્યક્રમ વિશે જણાવતાં જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ બીબીસીને કહ્યું હતું કે, "વિધવા સહાય, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને સરકારના નવા કાયદા મુજબ નૅશનલ ફૂડ સિક્યૉરિટી એક્ટ સિસ્ટમમાં સાંકળવામાં આવ્યા છે. જે અંતર્ગત તેમને મફત રૅશન મળશે."

"બે લાખ લાભાર્થીને આનો લાભ મળશે. જેના અનુસંધાને કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પીએમની સભામાં લગભગ એક લાખ લોકો આવશે તેવું અનુમાન છે."

બીજી તરફ હજુ સુધી રાહુલ ગાંધીની મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ જાહેર નથી કરાયો. જોકે, ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીની આ મુલાકાતના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બીબીસીને જણાવ્યું હતું કે, "2027માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ તેઓ પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે મંથન કરશે. જોકે, મુખ્ય તો રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીના ભાગરૂપે રાહુલ ગાંધી આવી રહ્યા છે."

તેમણે કહ્યું કે, "ગુજરાતમાં તેઓ તેઓ પાર્ટીના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે તેમજ પાર્ટીના વિવિધ વિભાગના હોદ્દેદાર સાથે બેઠક કરશે. પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે."

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો 'ગર્ભિત સંદેશ'

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, રાજકારણ

ઇમેજ સ્રોત, INC

નોંધનીય છે કે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ત્રીજી વખત ગુજરાતમાં યોજાશે. આ અગાઉ 1938માં હરીપુરામાં 1961માં ભાવનગરમાં યોજાયું હતું.

આ વખતે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું કારણ આપતાં મનીષ દોશી કહે છે કે, "મહાત્મા ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા તે વાતને આ વર્ષે સો વર્ષ થયાં છે અને સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના 25 વર્ષ અધ્યક્ષ રહ્યા તેમની દોઢસોમી જન્મજયંતી છે. તેથી ગાંધી – સરદારની ભૂમિ પર અધિવેશન રાખ્યું છે."

જોકે, રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ અખબારના પૂર્વ તંત્રી કૌશિક મહેતાએ બંને નેતાઓની એક જ સમયગાળા દરમિયાનની રાજ્યની મુલાકાતને એક રસપ્રદ બાબત ગણાવી હતી.

તેમણે કહ્યું કે, "આ ખરેખર રસપ્રદ બાબત છે કે બંને પાર્ટીના ટોચના નેતા એક જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે. આ રાજકીય સંયોગ પણ હોઈ શકે અને ચોક્કસ રીતે ગોઠવાયેલો કાર્યક્રમ પણ હોઈ શકે."

કૌશિક મહેતા રાહુલ ગાંધીની મુલાકાતમાં રાજ્યની પ્રજા માટે આગામી ચૂંટણી અંગે ગર્ભિત સંદેશ હોવાની વાત કરે છે.

તેઓ કહે છે કે, "રાહુલ ગાંધી ગુજરાતમાં યોજાનારા કૉંગ્રેસના આગામી રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી રૂપે આવવાના છે, પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ તૈયારી કરી રહી છે એ પણ કારણ છે જ. રાહુલ ગાંધી ભલે માત્ર પાર્ટી કાર્યકરો કે નેતાને મળવાના હોય પણ તેઓ એવો સંદેશ પણ ગુજરાતની જનતામાં વહેતો કરવા માગતા હોય કે અમે વિધાનસભા માટે તૈયારી શરૂ કરી દીધી છે."

કૉંગ્રેસ-ભાજપના એકબીજા પર શાબ્દિક પ્રહાર

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, રાજકારણ

ઇમેજ સ્રોત, NARENDARA MODI/YT

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે જામનગરમાં વનતારાની મુલાકાત લીધી હતી

ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટીના ટોચના નેતા બે દિવસ એકસરખી તારીખે ગુજરાતમાં છે જેને લીધે રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મનીષ દોશીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને રાહુલ ગાંધીની મુલાકાતને સાવ અલગ ગણાવી હતી.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે ચાબખાં મારતાં કહ્યું હતું કે, "વડા પ્રધાન મોદી જે નૅશનલ ફૂડ સિક્યૉરિટીના કાર્યક્રમ માટે સુરત આવે છે તે યોજના કૉંગ્રેસની સરકારની દેણ છે."

તેની સામે ભાજપના પ્રદેશ મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, "યોજના કોઈની પણ હોય ચલાવે છે કોણ તે અગત્યનું છે. ભારતને આઝાદી મળી ત્યારે સરકાર પણ કૉંગ્રેસે જ શરૂ કરી હતી પણ ચલાવી ન શક્યા. મનરેગા પણ તેમણે જ શરૂ કરી હતી. પણ ચલાવી ન શક્યા. પ્રજાએ તેમને ચલાવવા ન દીધી કેમ કે કૉંગ્રેસની નીતિ – નિયત યોગ્ય ન હતી."

નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગુજરાત, કૉંગ્રેસ, ભાજપ, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

દોશીએ એમ પણ કહ્યું હતું કે, "રાહુલજી અને મોદીજી બંનેના ગુજરાત પ્રવાસમાં અંતર છે. મોદીજીનું જાહેરાતનું મૉડલ છે અને રાહુલજીનું જાહેર હિતનું મૉડલ છે. મોદીજી પ્રજાના પૈસે જાહેરાતો કરે છે. રાહુલજી લોકોના પ્રશ્નો અને હિતની વાત કરે છે."

આના જવાબમાં દવેએ કહ્યું હતું કે, "મોદીજી ભારતના વડા પ્રધાન છે. એ નાતે પ્રજા માટેની જે કલ્યાણકારી અને જાહેર યોજના હોય એના લોકાર્પણ માટે આવતા હોય તે પ્રજાના પૈસે આવ્યા એવું ન કહેવાય એ સરકારની વ્યવસ્થાનો એક ભાગ છે. ભૂતકાળમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ પણ એમ જ આવતા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.