કૉંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે FIR નોંધનારી ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે શા માટે લગાવી ફટકાર, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, @ShayarImran
કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ગુજરાતમાં થયેલી એક એફઆઈઆરના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત પોલીસને ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે "બંધારણ ઘડાયાનાં 75 વર્ષ પછી કમ સે કમ હવે તો પોલીસને સમજાવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા કોને કહેવાય."
ઇમરાન પ્રતાપગઢી સામે આરોપ હતો કે તેમણે એક કવિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેના શબ્દો હતા, "એ ખૂન કે પ્યાસે બાત સુનો...", આ કવિતાના શબ્દો સામે વાંધો ઉઠાવીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે પ્રતાપગઢી સામેની એફઆઈઆર ફગાવી દેવાનો ઇનકાર કર્યા પછી પ્રતાપગઢીએ તેની સામે 17 જાન્યુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
પ્રતાપગઢીની એક કવિતા મામલે તેમની સામે ગુજરાત પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કવિતા કોઈ ધર્મ વિરુદ્ધ નથી. તેમાં માત્ર અહિંસાની વાત કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં જામનગરમાં એક સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ઇમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં "હે લોહીના તરસ્યા લોકો, સાંભળો…" જેવા શબ્દો સાથે એક કવિતા બેકગ્રાઉન્ડમાં મૂકી હતી. ત્યાર પછી જામનગરના એક નાગરિકે પ્રતાપગઢી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેમાં આરોપ મૂકાયો હતો કે પ્રતાપગઢીની કવિતાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ થયો હતો.
પ્રતાપગઢી સામેનો કેસ કયો હતો?

ઇમેજ સ્રોત, @ShayarImran
આ કેસની ફરિયાદ પ્રમાણે પ્રતાપગઢીએ ગુજરાતના જામનગરમાં એક લગ્નસમારોહમાં ભાગ લીધો હતો. ત્યાર પછી તેમણે એક કવિતા અપલોડ કરી હતી જેના શબ્દો સામે કેટલાકને વાંધો હતો.
સોમવારે પ્રતાપગઢીની અપીલ પર સુનાવણી થઈ જેમા જસ્ટિસ ઉજ્જવલ ભુયને પોલીસ કાર્યવાહી વિશે પોતાની ટિપ્પણી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જસ્ટિસ એ. એસ. ઓકા બે જજની બૅન્ચના અધ્યક્ષપદે હતા. આ મામલે ગુજરાત પોલીસની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે જસ્ટિસ ઓકાએ કહ્યું કે "પોલીસે એફઆઈઆર નોંધતા પહેલાં થોડી સંવેદનશીલતા દાખવવાની જરૂર હતી."
તેમણે કહ્યું કે, "આ કવિતામાં અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો છે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. પોલીસે સંવેદનશીલતાનો અભાવ દર્શાવ્યો છે."
ગુજરાત વતી ઉપસ્થિત થતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, "લોકો આ કવિતાનો અલગ અર્થ કાઢે તેવી શક્યતા રહે છે."
તે વિશે જસ્ટિસ ઓકાએ કહ્યું કે, "આ જ સમસ્યા છે. હવે સર્જનાત્મકતા માટે કોઈને આદર નથી. તમે કવિતાને વાંચો તો તેમાં લખ્યું છે કે 'તમારી સાથે અન્યાય થાય તો પણ પ્રેમથી સહન કરો.' જે લોકો લોહી તરસ્યા છે તેઓ અમને સાંભળે, ન્યાય માટેની લડતમાં અમારી સાથે અન્યાય થશે તો પણ અમે અન્યાયનો જવાબ પ્રેમથી આપીશું."
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, "પ્રતાપગઢીની સોશિયલ મીડિયા ટીમે આ વીડિયો અપલોડ કર્યો હતો તેથી તેમણે ટીમની કામગીરી માટે જવાબદારી લેવી જોઈએ."
'મહેરબાની કરીને મગજ વાપરો'

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે જસ્ટિસ ઓકાએ કહ્યું કે, "પોલીસે કમ સે કમ આ કવિતા વાંચવાની અને સમજવાની જરૂર હતી."
પ્રતાપગઢી વતી વરિષ્ઠ ઍડવોકેટ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને વિનંતી કરી કે હાઇકોર્ટના જજમેન્ટ વિશે પણ કંઈક કહેવામાં આવે. તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો.
પ્રતાપગઢીની કવિતા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા પછી ગુજરાત પોલીસે ત્રીજી જાન્યુઆરીએ ભારતીય ન્યાય સંહિતાની સૅક્શન 196 (વિવિધ જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું), સૅક્શન 197 (રાષ્ટ્રની એકતાને અસર થાય તેવા કૃત્ય), સૅક્શન 299 સહિતના નિયમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદમાં દલીલ કરાઈ હતી કે ઈમરાન પ્રતાપગઢીની કવિતામાં સરકાર વિરુદ્ધ ગુસ્સો કાઢવા આહ્વાન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ એફઆઈઆર યથાવત્ રાખતા પ્રતાપગઢી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત પોલીસ પર ટિપ્પણી કરી હતી.
કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કવિ ઇમરાન પ્રતાપગઢીની એક કવિતાના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પોતાનું 'મગજ વાપરવા'ની સલાહ આપી હતી.
તે વેળા સુપ્રીમ કોર્ટે FIRના મુદ્દે પ્રતાપગઢીને વચગાળાની રાહત આપી હતી અને કોઈપણ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. કોર્ટે એમ કહ્યું કે આખરે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માત્ર એક કવિતા હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કવિતા કોઈ ધર્મની વિરુદ્ધ નથી. તેમાં માત્ર એટલું કહેવાયું છે કે કોઈ હિંસા પર ઊતરી આવે તો પણ આપણે હિંસા નહીં કરીએ. કવિતામાં આવો સંદેશ અપાયો છે. તેમાં કહેવાયું છે કે અમે શાંતિથી હિંસા સહન કરીશું પરંતુ સામે કંઈ નહીં કરીએ. આમાં કોઈ સમુદાય વિરુદ્ધની વાત નથી.
રાજ્ય સરકારે આ મામલે પોતાનો જવાબ આપવા સમય માગ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સરકારના વકીલને કહ્યું કે "મહેરબાની કરીને તમારું દિમાગ વાપરો." સર્જનાત્મકતા મહત્ત્વની છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે 17 જાન્યુઆરીએ આ એફઆઈઆર કાઢી નાખવાની અરજી ફગાવી હતી અને કહ્યું હતું કે આ મામલે વધુ તપાસ કરવાની જરૂર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












